You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સરહદવિવાદ : પૂર્વ લદ્દાખમાં ચીન સાથેની સમજૂતીમાં કોણ જિત્યું અને કોણ હાર્યું?
પૂર્વ લદ્દાખમાં હાલની સ્થિતિ વિશે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સંસદમાં માહિતી આપી હતી.
તેમણે કહ્યું, "મને સંસદને એ કહેતા ખુશી થઈ રહી છે કે અમારા દૃઢ ઇરાદા અને મજબૂત વાતચીતના ફળસ્વરૂપે ચીન સાથે પેંગોંગ લેકના ઉત્તર અને પશ્ચિમ કિનારે સૈન્યને પાછળ હઠાવવાને લઈને કરાર થઈ ગયો છે."
પૂર્વ લદ્દાખમાં ભારત -ચીન સરહદ (વાસ્તવિક નિયંત્રણ રેખા) પર બંને દેશો વચ્ચે આશરે 10 મહિનાથી તંગદિલી ચાલી રહી હતી.
આ સરહદ-વિવાદનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે હજુ સુધી 9 રાઉન્ડની ઉચ્ચ કક્ષાની સૈન્યવાર્તા થઈ છે અને વાર્તા દરમિયાન ભારત સરકાર સતત કહેતી આવી છે કે તે વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે.
રક્ષામંત્રીએ સંસદમાં શું કહ્યું?
"હું સંસદને કહેવા માગું છું કે ભારતે ચીનને કાયમ જણાવ્યું છે કે દ્વિપક્ષીય સંબંધ બંને પક્ષોના પ્રયત્નથી જ વિકસી શકે છે. સાથે સરહદના પ્રશ્નોનો માત્ર વાતચીત દ્વારા ઉકેલ લાવી શકાય છે."
"એલએસી પર શાંતિમાં કોઈ પણ પ્રકારના પ્રતિકૂળ પરિસ્થિતિની ખોટી અસર અમારી દ્વિપક્ષીય વાતચીત પર થાય છે."
"આ સમયગાળા દરમિયાન ઘણાં ઉચ્ચ સ્તરીય સંયુક્ત નિવેદનોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દ્વિપક્ષીય સંબંધો માટે બહુ જરૂરી છે કે એલએસી અને સરહદ પર શાંતિ જાળવવામાં આવે."
"ગયા વર્ષે મેં સંસદને જણાવ્યું હતું કે એલએસીની આજુબાજુ, પૂર્વ લદ્દાખમાં એવા ઘણા વિસ્તાર બની ગયા છે જ્યાં અથડામણ થઈ શકે છે. પરંતુ અમારાં સશસ્ત્રદળોએ પણ ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરતાં અને પ્રભાવી બંદોબસ્ત કરી લીધા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મને કહેતા ગૌરવની લાગણી થઈ રહી છે કે ભારતીય સેનાએ બધા પડકારોનો સામનો કર્યો છે અને પેંગોંગ ત્સો લેકના ઉત્તર અને દક્ષિણ તટે પોતાનાં શૌર્ય અને વીરતાનો પરિચય કરાવ્યો છે."
"ભારતીય સુરક્ષાદળો બહુ બહાદુરીપૂર્વક લદ્દાખના ઊંચા દુર્ગમ પહાડો અને જાડા બરફના થર વચ્ચે સરહદોની સુરક્ષા કરતા અડગ છે અને આ જ કારણે અમે હજુ ત્યાં પકડ ધરાવીએ છીએ. આપણી સેનાએ આ વખતે પણ સાબિત કરી બતાવ્યું છે કે ભારતની સાર્વભૌમત્વ અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે તેઓ કાયમ દરેક પડકાર સામે લડવા માટે તત્પર છે."
તેમણે કહ્યું, "ઘર્ષણવાળા વિસ્તારોમાં ડિસઍંગેજમેન્ટ માટે ભારતનો મત છે કે 2020ના ફૉરવર્ડ ડિપ્લૉયમેન્ટસ્ (સૈન્ય તહેનાતી) જે એકબીજાથી બહુ નજીક છે, તેમને દૂર કરવામાં આવે અને બંને સેના પોતપાતાના સ્થાયી અને માન્ય ચોકીઓ પર પાછી ચાલી જાય."
"વાતચીત માટે અમારી વ્યૂહરચના અને અભિગમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ પર આધારિત છે કે અમે પોતાની એક ઈંચ પણ જમીન બીજા કોઈને લેવા દઈશું નહીં. અમારા દૃઢ સંકલ્પનું આ પરિણામ છે કે અમે સમજૂતીની સ્થિતિ પર આવી ગયા છીએ."
"હજુ સુધી સિનિયર કમાન્ડર્સ સ્તરે 9 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. મને સંસદને એ કહેતા ખુશી થઈ રહી છે કે અમારા દૃઢ ઇરાદા અને મજબૂત વાતચીતના ફળસ્વરૂપે ચીનની સાથે પેંગોંગ લેકના ઉત્તર અને પશ્ચિમ કિનારે સૈન્યને પાછળ હઠાવવાને લઈને કરાર થઈ ગયો છે."
રાજનાથ સિંહે કહ્યું, "પેંગોંગ લેક વિસ્તારમાં ચીનની સાથે સૈનિકોને પાછળ હઠાવવા માટે જે કરાર થયો છે તેના મુજબ બંને પક્ષ આગળની તહેનાતીને તબક્કાવાર રીતે, સમન્વયથી અને પ્રામાણિક રીતે દૂર કરશે."
"હું સંસદને વિશ્વાસ અપાવવા માગું છું કે આ વાતચીતમાં આપણે કંઈ ગુમાવ્યું નથી. સંસદને આ જાણકારી આપવા માગું છું કે હાલ એલએસી પર તહેનાત અને પેટ્રોલિંગ સાથેના કેટલાક વિષય બચ્યા છે. આગળની વાતચીતમાં તેના પર અમારું ધ્યાન રહેશે."
"બંને પક્ષ એ વાતે પણ સહમત છે કે દ્વિપક્ષીય કરાર અને નિયમો હેઠળ સૈનિકોને પરત બોલાવવાની પ્રક્રિયાને બહુ જલદીથી પૂરી કરવામાં આવે."
"ચીન પણ દેશની સંપ્રભુતાની રક્ષા માટે અમારા સંકલ્પને જાણે છે. અપેક્ષા છે કે ચીન દ્વારા આપણી સાથે મળીને આ મુદ્દાઓના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે."
રાજનાથ સિંહના ભાષણ બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "પૂર્વસ્થિતિ નહીં તો શાંતિ નહીં. શા માટે ભારત સરકાર અમારા જવાનોના બલિદાનનો અપમાન કરી રહી છે અને અમારી જમીન હાથમાંથી જવા દઈ રહી છે?"
રક્ષામંત્રીના નિવેદનનો શો અર્થ થાય છે?
સોશિયલ મીડિયામાં એક જૂથ આ સમજૂતીને ચીન પર ભારતની જીત ગણાવી રહ્યું છે, પરંતુ નિષ્ણાતો રક્ષામંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતીઓ વિશે શું કહી રહ્યા છે, તેની પર ધ્યાન આપવું જોઈએ.
ધ હિંદુના ચીન સંવાદદાતા અને ભારત-ચીન સંબંધો પર પુસ્તક લખનાર અનંત કૃષ્ણન ટ્વિટર પર લખે છે, "બંને દેશોએ સમજૂતી કરી છે. ભારત ફિંગર આઠ સુધી પેટ્રોલિંગ કરશે જ્યારે ચીને ફિંગર ચાર સુધી પોતાનું વર્ચસ્વ અકબંધ રાખ્યું છે. એટલે બંને દેશો પાછળ ખસી ગયા છે. પેંગોંગ લેકના દક્ષિણ વિસ્તારને લઈને ભારત સરકારે જે પગલાં લીધા છે, એ મહત્ત્વનાં લાગી રહ્યાં છે, કારણ કે તેના કારણે કદાચ બંને પક્ષો વચ્ચે આ સમજૂતી માટે સહમતી બની છે."
કૃષ્ણન લખે છે, "ભારત ફિંગર આઠ સુધી પેટ્રોલિંગ કરશે અને ચીન સમગ્ર રીતે પાછળ ખસી જાય, એ અપેક્ષા જરા વધુ પડતી છે, કારણ કે એપ્રિલ 2020માં સ્થિતિ આવી નહોતી. ભારતના સેનિકો ફિંગર 3 પર પોતાના બેઝમાં રહે અને ચીનના સેનિકો ફિંગર 8માં પૂર્વમાં રહે. જો આ સમજૂતીનો વાસ્તવિક અમલ થઈ જાય તો મારી નજરમાં આ ખરેખર એક સાર્થક સમજૂતી હશે."
વિદેશી બાબતોના નિષ્ણાત અને વરિષ્ઠ સંપાદક પ્રવીણ સ્વામીએ પણ આ સમજૂતી વિશે પોતાનો અભિપ્રાય ટ્વિટ કર્યો છે.
તેઓ લખે છે કે, "સમર્થકો કહેશે કે આ ભારતની જીત છે અને તેને ચીનને ઉત્તર દિશામાં પાછળ જવા માટે મજબૂર કરી નાખ્યું અને પેંગોંગ ત્સો લેક પર પોતાની જમીન પાછી લઈ લીધી. પરંતુ નિંદા કરનારા કહેશે કે આ પૂર્વસ્થિતિ નથી અને ભારતનો અમુક વિસ્તાર પીએલએ પાસે ચાલ્યો ગયો છે. પરંતું રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે જે માહિતી આપી છે, તેનો સાર એ છે કે ચીન પોતાની સૈન્ય ટુકડીઓ નૉર્થ બૅન્કમાં ફિંગર 8ની પૂર્વ દિશાએ રાખશે."
"આ રીતે ભારત પણ પોતાની સૈન્ય ટુકડીઓને ફિંગર 3 પાસે પોતાના સ્થાયી બેઝ ધનસિંહ થાપો પોસ્ટ પર રાખશે. આ પ્રકારની કાર્યવાહી સાઉથ બૅન્ક વિસ્તારમાં પણ બંને પક્ષો દ્વારા કરવામાં આવશે. આ પગલાં પરસ્પરની સમજૂતી અંતર્ગત વધારવામાં આવશે અને એપ્રિલ 2020થી નૉર્થ અને સાઉથ બૅન્ક પર જે પણ નિમાર્ણ બંને પક્ષો દ્વારા કરવામાં આવ્યું છે તેને હઠાવી દેવામાં આવશે અને પૂર્વસ્થિતિ બનાવી દેવાશે."
પ્રવીણ સ્વામી લખે છે કે, "આ સમજૂતી મુજબ પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ હંગામી ધોરણે બંધ કરવામાં આવશે. પેટ્રોલિંગ ત્યારે શરૂ કરવામાં આવશે જ્યારે સૈન્ય અને રાજકીય સ્તરે આગળ વાતચીત કરીને કોઈ કરાર થઈ જશે. નૉર્થ અને સાઉથ બૅન્કમાં આ કરાર મુજબ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ તરફ સરહદના બીજા વિસ્તારો માટે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ રહેશે."
આ સમજૂતી પર સંરક્ષણ અને વ્યૂહાત્મક (સ્ટ્રટેજિક) બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ પણ પોતાનો મત ટ્વિટ કર્યો છે.
તેઓ લખે છે, "ચીની સેનાએ માત્ર પેંગોંગ લેકથી પીછેહઠ કરવાની વાત કરી છે, જ્યારે ચીને પણ ડેપ્સાંગ સહિત બીજા વિસ્તારોમાં દબાણ કર્યું છે. જોકે આ વિસ્તારોને લઈને કમાન્ડર સ્તરે વાતચીત થવાની બાકી છે."
"ચીની સેનાએ જે નિવદેન બહાર પાડ્યું છે, તેમાં એપ્રિલ 2020 પહેલાની સ્થિતિમાં પાછા ફરવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ ભારતીય મીડિયાએ ચીની સેનાના નિવેદનમાંથી પસંદગીની વાતો ઉપાડી લીધી છે અને ભારત સરકાર એવી ફસાઈ ગઈ છે કે ચીની સેનાનું નિવેદન આપ્યાના 24 કલાક બાદ પણ ભારતીય સેના તરફથી કોઈ નિવેદન આવતું નથી, પણ સંસદમાં રાજકીય નિવેદનબાજી થાય છે."
આવી જ રીતે ભારતીય સેનાના પૂર્વ કર્નલ અને સંરક્ષણ બાબતોના નિષ્ણાત અજય શુક્લાએ પણ પેંગોંગથી સંબંધિત જાહેરાત પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
તેઓ લખે છે, "પેંગોંગ સેક્ટરમાં સૈનિકોની પીછેહઠ બાબતે જુઠ્ઠાણાં ચલાવવામાં આવી રહ્યાં છે. અમુક હથિયારબંધ વાહનો અને ટેંકોને પાછળ લઈ ગયાં છે."
"ચીનને ફિંગર 4 સુધી પેટ્રોલિંગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેના અર્થ થયો કે એલએસી ફિંગર 8થી ફિંગર 4 પર સ્થળાંતરિત થઈ ગઈ છે.
તેમણે લખ્યું, "શરૂઆતથી જ ચીની સેનાનું વાસ્તવિક લક્ષ્ય પૂર્વ લદ્દાખમાં ડેપ્સાંગ કબજે કરવાનું હતું. ડેપ્સાંગ વિશે એક પણ શબ્દ સાંભળવા મળ્યો નથી. દાખલા તરીકે ચીની સેનાની ડેપ્સાંગથી પીછેહઠ કરવાની કોઈ યોજના નથી. એટલા માટે પેંગોંગ વિશે વાત કરવામાં આવી રહી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો