ગુજરાતમાં RTIનો અધિકાર સરકારી આદેશોથી ખતમ થઈ જશે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગત મહિને ગુજરાત રાજ્યના માહિતીપંચ દ્વારા બે જુદા-જુદા હુકમો થકી માહિતી માગનાર અરજદારો પર પાંચ વર્ષ અને આજીવન પ્રતિબંધ લાદવાની કઠોર કાર્યવાહી કરાઈ છે.

અરજદારોને માહિતી મેળવવાના અધિકારથી વંચિત કરવાનો આદેશ પણ કરાયો હતો, જે બાદ રાજ્યના RTI ઍક્ટિવિસ્ટ અને સિવિલ સોસાયટીના સભ્યોએ રોષ વ્યક્ત કરી, હુકમો તાત્કાલિક અસરથી રદ કરવાની માગ કરી હતી.

હવે રાજ્યમાં RTIના કાયદાની મજબૂતી પર વધુ એક પ્રહાર કરવામાં આવ્યો છે. અન્ય એક કિસ્સામાં બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા દ્વારા માહિતી અધિકાર અંતર્ગત કરાતી અરજીઓના નિકાલ માટે માહિતી અધિકારીને વિશાળ સત્તાઓ આપતો પરિપત્ર જારી કર્યો છે.

આ પરિપત્રમાં માહિતીના અધિકારને કથિતપણે બાધિત કરતા પાંચ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

RTI કર્મશીલો અને સિવિલ સોસાયટીના લોકોએ ડર વ્યક્ત કર્યો છે કે આ ઉદાહરણોનો ઉપયોગ રાજ્યમાં માહિતીના અધિકારના કાયદાને વધુ દુર્બળ બનાવવા માટે થશે.

પરિપત્રમાં શું હતું?

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની કચેરી દ્વારા પરિપત્રમાં માહિતી અધિકારના કાયદાને લગતા 27 મુદ્દા નોંધવામાં આવ્યા છે.

જે પૈકી પાંચ જોગવાઈઓ બાબતે RTI ઍક્ટિવિસ્ટોને વાંધો પડ્યો છે, જેમાંથી પ્રથમ એ છે કેમાહિતી અધિકારના કાયદાનો ઉપયોગ બદલો લેવાની ભાવના સાથે અરજદારે કરેલ હશે તો જાહેર માહિતી અધિકારી આવી અરજીનો જવાબ આપવાનું નકારી શકે છે.

બીજા મુદ્દા પ્રમાણે વ્યક્તિની આવક અંગેના રિટર્ન, સંપત્તિની ફાઇલો કાયદા મુજબ RTIના કાયદા મુજબ દિલ્હી હાઈકોર્ટની સંબંધિત પિટિશનના ચુકાદા મુજબ અંગત માહિતી ગણાતી હોઈ, આવી માહિતી અરજદારને માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 8 (1)(જે) મુજબ આપવાની રહેતી નથી.

ત્રીજા મુદ્દા અનુસાર અરજદાર દ્વારા સરકારી કર્મચારી કે અધિકારીને અપાયેલી યાદી, ઠપકો, કારણદર્શક નોટિસ, ચાર્જશીટ, સજા, ખાનગી અહેવાલ, ઇન્કમટૅક્સ/એસેટ/રોકાણો વગેરેની માહિતી સંબંધિત સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટની અરજીઓ અંગે અપાયેલ ચુકાદા આપવાનાં રહેતાં નથી.

ચોથા મુદ્દા મુજબ માહિતી મેળવવા માટે એક જાહેર સત્તામંડળને કરેલી અરજી પૈકી પોતાના વિભાગ સાથે સંબંધિત માહિતી પૂરી પાડવી અને બાકીની માહિતી માટે સંબંધિત જાહેર માહિતી અધિકારીને અલગ અરજી કરવા અરજદારને સલાહ આપવી.

પાંચમા મુદ્દા અનુસાર દરેક જાહેર માહિતી અધિકારીએ અરજદારને વધુમાં વધુ 200 પાનાંની મર્યાદામાં માહિતી પૂરી પાડવાની રહેશે.

વિપુલ પ્રમાણમાં માહિતી માગવામાં આવી હોય તેવા કિસ્સામાં અરજદારને પત્ર દ્વારા જાણ કરી રેકૉર્ડ નિરીક્ષણ કરાવી તેમને જોઈતી, તારવેલી માહિતી પૂરી પાડવાની રહેશે.

‘આવા હુકમો બંધારણની મૂળ ભાવનાને વિરુદ્ધ’

ગુજરાત હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરતા વકીલ પુનિત જુનેજા આ પરિપત્રોને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ ગણાવતાં કહે છે, “માહિતી પંચના આવા પરિપત્રોને કારણે જાહેર માહિતી અધિકારી કે ફર્સ્ટ એપલેટ ઑથૉરિટીને માહિતી ન આપવા માટે શસ્ત્ર મળી જાય છે.”

ઍડ્વોકેટ જુનેજા આ પ્રકારના હુકમોને કાયદાના મૂળભૂત હેતુ વિરુદ્ધ ગણાવે છે.

તેઓ કહે છે “અનુચ્છેદ 19 (1) (એ) અનુસાર ભારતનું બંધારણ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. આ સ્વતંત્રતા ભોગવવા માટે જે-તે વ્યક્તિ પાસે માહિતી હોવી જરૂરી છે. તો જ તે પોતાની જાતને અભિવ્યક્ત કરી શકશે. પાછલા કેટલાક સમયથી ખોટાં અર્થઘટનોને કારણે આ અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે, જે યોગ્ય નથી.”

તેઓ કહે છે, “જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો માહિતી અધિકારી અરજીના ગુણદોષ અનુસાર માહિતીના અધિકારની કલમ આઠ મુજબ માહિતી આપવાની ના પાડી શકે છે. પરંતુ તે માટે આવી રીતે પરિપત્ર જારી કરવાની કોઈ જરૂર નથી.”

ઍડ્વોકેટ જુનેજા માહિતીના અધિકારના કાયદાની જોગવાઈઓ સમજાવતાં કહે છે, “સ્પષ્ટ જોગવાઈ છે કે માહિતી પૂરી પાડનાર અધિકારી અરજદારને માહિતી શા માટે જોઈએ છે તે પૂછી ન શકે. પણ પરિપત્રમાં ‘પૂર્વાગ્રહ’ની જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર માહિતી અધિકારીને જો આ વાતની શંકા જાય કે અરજદારે અરજી ‘પૂર્વાગ્રહ’ કે ‘બદલા’ની ભાવના સાથે કરી છે, તો તે માહિતી આપવાની ના પાડી શકે છે. જે યોગ્ય નથી."

તેઓ જણાવે છે કે, “હવે સરકારી તંત્ર અને માહિતી પંચ વિપરીત આદેશો અને પરિપત્રો જારી કરી નાગરિકને અપાયેલા અધિકારો લઈ લેવાનું કામ કરી રહ્યાં છે. આ કાયદાને નબળો બનાવી લોકોને મજબૂર બનાવવામાં આવશે કે તેઓ પોતાના હકો મેળવવા માટે કોર્ટમાં જાય અથવા બીજા વિકલ્પ સ્વરૂપે પોતાના અધિકારો છોડી દે.”

'છેવાડાના માનવી માટેનો એકમાત્ર રસ્તો બંધ થશે'

RTI ઍક્ટિવિસ્ટ અલ્પેશ ભાવસાર જણાવે છે, “આ પ્રકારના આદેશો અને પરિપત્રોનું અનુકરણ શરૂ થાય તો સામાન્ય માનવી જોઈતી કોઈ પણ માહિતી મળી શકશે નહીં. પહેલાંથી જાહેર માહિતી અધિકારીઓ અરજદારે માગ્યા પ્રમાણેની માહિતી આપતા નહોતા.”

ભાવસાર આગળ જણાવે છે કે, “વહીવટી તંત્ર દ્વારા ખોટા નિર્ણયો ન લેવાય એ વાત સુનિશ્ચિત કરવા માટે આ ઍક્ટ એક સાધન હતું. વહીવટી તંત્રમાં આચરાતી ગેરરીતિઓ પર આ કાયદાની બીકના કારણે જે અંકુશ હતું તે દૂર થશે. તે કારણે વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારને બળ મળશે.”

તેઓ આની અસરો વિશે જણાવે છે કે, “આ કાયદાના કારણે છેવાડાના ગામના નિવાસીઓને પણ સસ્તો અને સુલભ ન્યાય, ન્યાયાલયમાં ગયા વગર, મળવાની જે આશા હતી તે વધુ ઝાંખી પડશે.”

‘કાયદાથી વિપરીત હુકમો કરીને કાયદાને ખતમ કરવાના પ્રયત્નો’

અમદાવાદના RTI ઍક્ટિવિસ્ટ પંકજ ભટ્ટ માહિતી પંચના હુકમોને કાયદો ખતમ કરવા માટેના પ્રયત્નો ગણાવતાં કહે છે, “માહિતી પંચના હુકમો વિરુદ્ધ અરજી કરવા માટે અરજદાર સમક્ષ હાઈકોર્ટમાં રિટ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. માહિતી પંચના કમિશનરો આ વાત સારી રીતે જાણે છે. તેમને ખ્યાલ છે કે સામાન્ય માણસને હાઈકોર્ટ જવાનો ખર્ચ પોસાય તેમ નથી.”

તેઓ આગળ વાત કરતાં જણાવે છે, “ઘણા અધિકારીઓને લાગે છે કે માહિતીના અધિકારનો ઉપયોગ નાગરિકો દ્વારા તેમની બ્લૅકમેલિંગ માટે થાય છે. આ વિશે હું કહેવા માગું છું કે જો સરકારી કચેરીઓમાં કોઈ ખોટું કામ થતું જ ન હોય તો માહિતી માગનારને બ્લૅકમેલર શા કારણે કહેવામાં આવે છે. સરકારી અધિકારીએ કોઈ ભ્રષ્ટાચાર આચર્યો નથી તેના પુરાવા આપવામાં તેમને શો વાંધો હોઈ શકે?”

‘ભાજપાશાસિત સરકાર RTIના કાયદાને અપંગ બનાવવા માગે છે’

પર્યાવરણમિત્ર સંસ્થાના નિયામક અને RTI ઍક્ટિવિસ્ટ મહેશ પંડ્યા આ હુકમોમે માહિતી અધિકારના કાયદાને અપંગ બનાવવા માટેના સરકારી પ્રયત્ન તરીકે જુએ છે.

તેઓ કહે છે, “દેશ અને રાજ્યમાં શાસન કરી રહેલો ભાજપ માહિતી અધિકાર કાયદાને અપંગ કરવા માગે છે.”

તેઓ કહે છે, “માહિતી અધિકારના કાયદા અંતર્ગત માહિતી કમિશનરને કોઈ પણ વ્યક્તિ પર પ્રતિબંધ લાદવાની કોઈ સત્તા આપવામાં આવી નથી. કમિશન કાયદાને અનુસરવાને બદલે સરમુખત્યારશાહીવાળા નિર્ણયો લઈ રહ્યું છે. આ બધું સરકારની રહેમનજર હેઠળ ચાલી રહ્યું હોય તેવું લાગે છે.”

મહેશ પંડ્યા બનાસકાંઠાના પરિપત્ર વિશે કહે છે, “ગુજરાતમાં માહિતી અધિકાર બાબતે ફેરફાર કરવો હોય કે કોઈ સૂચના જારી કરવી હોય તો તેનો અધિકાર રાજ્યના સામાન્ય વહીવટી વિભાગનું છે. આ કામ DDO કે કલેક્ટરનું નથી.”

તેઓ કહે છે, “એક સામાન્ય માણસને જ્યારે ખબર પડે છે કે કમિશન દ્વારા તેને બ્લૅકલિસ્ટ કરવામાં આવ્યો છે તો કોઈ પણ સામાન્ય માણસના મનમાં કમિશનની બીક પેદા થાય એ સ્વાભાવિક છે. આવા હુકમો થકી એક રીતે ગર્ભિત ધમકી આપવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં અરજી કરતાં ગભરાય.”

પંડ્યા કહે છે કે, "કદાચ દેશમાં આવું પહેલવહેલું ઉદાહરણ જ છે. અહીં એવું લાગે છે કે કદાચ સરકાર માહિતીના અધિકાર પર પ્રતિબંધ લાદવા બાબતે પણ ગુજરાતને મૉડલ સ્ટેટ તરીકે સ્થાપિત કરવા માગે છે. જો અહીં આ જોગવાઈઓ નિર્વિરોધ જળવાઈ રહે તો તેને ભાજપશાસિત તમામ રાજ્યોમાં લાગુ કરી શકાય.”

શું કહે છે સરકારી તંત્ર?

બીબીસી ગુજરાતીએ આ અંગે બનાસકાંઠા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ મકવાણા સાથે વાત કરી હતી.

જાહેર માહિતી અધિકારીઓને માહિતી અધિકારી અધિનિયમની યોગ્ય જાણકારી અને પ્રક્રિયા વિશે માહિતગાર કરી શકાય તેમજ અરજદાર માટે માહિતી મેળવવાનું સુલભ બનાવી શકાય તે માટે આ પરિપત્ર જારી કરાયો હોવાની વાત તેમણે કરી હતી.

શું DDOની કચેરીને માહિતી અધિકારના કાયદાની જોગવાઈઓ બાબતે પરિપત્ર કરવાનો અધિકાર છે કે કેમ?

તો આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, “DDO સાહેબે પોતાના અધિકારની રૂએ આ કાયદા અંગે માહિતી અધિકારીઓને વધુ માહિતગાર કરી શકાય તે માટે અને અરજદારોને સમયસર યોગ્ય માહિતી પૂરી પાડી શકાય એ માટે આ પરિપત્ર કર્યો છે.”

DDOની કચેરી દ્વારા જારી કરાયેલ પરિપત્રમાં અપાયેલ સૂચના પ્રમાણે અરજદારને માહિતી અધિકારીએ 200 પાનાંની મર્યાદામાં માહિતી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ અંગે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે, “ઘણી વખત અરજદારો સમજ્યા વગર વિપુલ પ્રમાણમાં માહિતી માગતા હોય છે. આથી વહીવટી તંત્રનો સમય અને અરજદારનાં નાણાં બચાવી શકાય, એવી શુભ ભાવનાથી અપાયેલી સૂચના છે, તે અરજદારોને ઓછી કે અપૂરતી માહિતી આપવા માટેની વ્યવસ્થા નથી."

"આ બાબતે અમે ગુજરાત રાજ્ય માહિતી પંચના ભૂતકાળના આદેશને અનુસરીને 200 પાનાંની મર્યાદા નક્કી કરી છે. જો કોઈ અરજદાર દસ પોટલાં ભરીને માહિતી માગે તો માહિતી અધિકારના કાયદા અંતર્ગત તેને દસ કૉમ્પેક્ટ ડિસ્ક (CD) તૈયાર કરીને આપવી પડે. આટલી બધી માહિતી સ્કૅન કરીને અરજદારને પૂરી પાડવામાં વહીવટી તંત્રનો ઘણો સમય વેડફાય, તેથી અરજદારને જરૂર પૂરતી માહિતી અલગ તારવી આપવા માટે આ જોગવાઈ કરવામાં આવી છે.”

પરિપત્રમાં જો કોઈ અરજદાર તરફથી માહિતીના અધિકારનો ઉપયોગ બદલો લેવાની ભાવનાથી કરવામાં આવે તો કેન્દ્રીય માહિતી પંચના સંબંધિત આદેશાનુસાર માહિતી આપવાની રહેશે નહી, તેવી જોગવાઈ કરવામાં આવી છે.

આ અંગે પક્ષ મૂકતાં હર્ષદ મકવાણા જણાવે છે, “ઘણી વાર વ્યક્તિને સ્થાનિક સ્તરના અધિકારીઓ માહિતી આપતાં નથી. તેથી તેઓ માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજી કરીને માહિતી માગે છે. તેથી આ પરિપત્રમાં જણાવાયું છે કે અરજદારે બદલો લેવા માટે દુરુપયોગ કરવા માટે માહિતીના અધિકારનો ઉપયોગ કરવાનો નથી."

"આ જોગવાઈ માટે કેન્દ્રીય માહિતી પંચના આદેશ પર આધાર રાખવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ સાથે અરજદારને અંગત રાગદ્વેષ હોય તો તેવા કિસ્સામાં તેની સતામણી કરવા માટે અરજદાર તેની વિરુદ્ધના દસ્તાવેજો માગે તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરે તો જાહેર માહિતી અધિકારીને અરજદારને માહિતી પૂરી પાડવામાંથી મુક્તિ આપવામાં આવી છે.”

DDOની કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં માહિતી અધિકારના ઉપયોગ થકી મેળવેલા દસ્તાવેજો પર RTI ઍક્ટ અંતર્ગત મેળવેલા દસ્તાવેજો દર્શાવતો સિક્કો મારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ જોગવાઈ અંગે હર્ષદ મકવાણા જણાવે છે, “જ્યારે કોઈ અધિકારી ત્રીજી વ્યક્તિ પ્રત્યે દુર્ભાવનાથી પ્રેરાઈને માહિતી મેળવે તેવી પરિસ્થિતિમાં માહિતીના સિક્કા થકી ન્યાયિક પ્રક્રિયામાં ન્યાયાધીશ વિવેકાધીન નિર્ણય લઈ શકશે. જેથી અરજદારના માહિતી મેળવવા માટેના આશય અંગે ન્યાયાધીશને માહિતી મળી શકે અને જજ પોતાના વિવેકને આધીન આ મામલામાં નિર્ણય લઈ શકશે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો