સબરીમાલાથી માંડીને ટ્રિપલ તલાક, સ્ત્રી જ સ્ત્રીની 'દુશ્મન' શા માટે?

પ્રવેશવા માટે પ્રયાસરત મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

શુક્રવાર ભારે સુરક્ષા વચ્ચે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોના ભારે વિરોધને કારણે આ મહિલાઓએ દર્શન કર્યાં વગર જ પરત ફરવું પડ્યું હતું.

સબરીમાલાથી, બીબીસી હિંદી માટે ઇમરાન કુરૈશી જણાવે છે કે આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ) ક્રાઇમ એસ. શ્રીજીતના નેતૃત્વમાં આ મહિલાઓએ પ્રવેશ કરવા ચઢાણ હાથ ધર્યું હતું.

પરંતુ સ્થાનિકોના વિરોધ બાદ આઈજીની દરમિયાનગીરીથી બંને શ્રદ્ધાળુ મહિલાઓ પરત ફરવા તૈયાર થઈ ગયાં હતાં.

મંદિરના પુજારીએ પોલીસ સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો, એટલે પોલીસ આઈજીએ દરમિયાનગીરી કરી હતી.

બીજી બાજુ સબરીમાલામાં દર્શન માટે જવાનો પ્રયાસ કરનારાં ઍક્ટિવિસ્ટ રેહાના ફાતિમાના કોચ્ચી સ્થિત નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહિલાઓ સહિત તમામ શ્રદ્ધાળુઓને પૂજાનો અધિકાર છે. તેઓને રોકવાના બેવડાં વલણથી મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચે છે.

વર્ષોથી ચાલ્યા આવતા પિતૃસત્તાત્મ્ક નિયમ હવે બદલવા જોઈએ. અગાઉ 'સબરીમાલા બચાવો' અભિયાન અંતર્ગત કેરળમાં જ નહીં અમદાવાદ અને દિલ્હીમાં પણ પ્રદર્શન યોજાાયાં હતાં.

અગાઉ પ્રદર્શનકારીઓએ માગ કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા અરજી કરવાની માગ કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે આમ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારની અરજી પણ કરવામાં આવી છે.

કેટલાક હિંદુ સંગઠનો અને રાજકીય દળો દ્વારા સબરીમાલામાં મહિલાઓના પ્રવેશનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ માટે મહિલાઓ પણ આગળ આવી હતી.

line

આ વિરોધ શા માટે?

વિરોધ કરી રહેલી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

સમાન અધિકારોના આ કિસ્સાઓમાં મહિલાઓ વહેંચાયેલી નજરે પડે છે, કારણ કે પોતાના જ અધિકારોની વાત ઉપર છેવટે મહિલાઓ સામ-સામે શા માટે હોય છે? કોઈપણ ઝુંબેશ ઉપર એની શું અસર પડે છે.

આ બાબતે સામાજિક કાર્યકર્તા કમલા ભસીન કહે છે, "મહિલાઓ જ મહિલાઓ વિરુદ્ધ દેખાય છે જરૂર, પરંતુ એવું છે નહીં. હકીકતમાં આપણે મહિલાઓ પણ પિતૃસત્તાક વિચારધારાના પ્રભાવમાં હોઈએ છીએ."

"આપણે બાળપણમાં એ જ શીખ્યા છીએ. આપણે ચંદ્ર ઉપર તો પેદા થયા છીએ. હિન્દુસ્તાનમાં જન્મ્યા જ્યાં કેટલાંક લોકોએ કહ્યું કે મહિલાઓ નાપાક છે, અપવિત્ર છે એટલે મંદિર-મસ્જિદોમાં જઈ ના શકે. મહિલાઓ પણ આ જ માન્યતા સાથે ઉછરે છે."

"આ વાત ઘરોમાં પણ જોવા મળે છે જ્યાં સાસુ-વહુના ઝઘડા એ વાતો ઉપર થાય છે, જે મહિલાઓના અધિકારો સાથે જોડાયેલા છે."

"કન્યા ભ્રૂણહત્યા સુદ્ધાંમાં મા અને સાસુની સહમતી હોય છે. આ જ વાત મોટા સ્તરે પણ લાગુ પડે છે. તેઓને પોતાના અધિકારોની જાણકારી જ નથી. વળી, તેમનામાં એ હિંમત પણ નથી હોતી કે મોટા-મોટા પંડિતો અને મૌલવીઓને જવાબ આપી શકે."

તમે આ વાંચ્યું કે નહીં?

line

'એક-બીજાની દુશ્મન' નથી મહિલાઓ

વિરોધ કરી રહેલી મહિલાઓ

લોકોની વચ્ચે એક સામાન્ય ધારણા છે કે મહિલાઓ જ મહિલાઓની દુશ્મન હોય છે. આ રીતે તેઓ પરસ્પર જ ટકરાવની સ્થિતિમાં રહે છે. ઘરોમાં પણ સાસુ-વહુની લડાઈની હકીકતની જિંદગીથી માંડીને ટીવી ઉપર સુધી ચર્ચાઓ થાય છે.

વરિષ્ઠ પત્રકાર મૃણાલ પાંડે મહિલાઓને એકબીજાની દુશ્મનની જેમ જોવાના દૃષ્ટિકોણનો વિરોધ કરે છે.

પાંડે કહે છે, "આ ખૂબ જૂની માન્યતા છે કે મહિલા જ મહિલાની દુશ્મન હોય છે. સચ્ચાઈ એ છે કે મતભેદ પુરુષો વચ્ચે પણ હોય છે. મહિલાઓ વચ્ચે મતભેદને વધુ મોટાં કરવામાં આવે છે."

"જો સાસુ-વહુનો ઝઘડો થાય છે તો શું પિતા-પુત્રના ઝઘડા નથી થતા? લોકશાહીમાં સૌને પોતાની વાત કહેવાનો અધિકાર છે."

"મહિલાઓમાં પણ ઘણી બધી એવી મહિલાઓ છે જે પિતૃપ્રધાન માનસિકતાને પોતાની અંદર સમાવી લે છે. આ જ રીતે ઘણાં પુરુષો છે જે વધુ સંવેદનશીલ હોય છે અને તેઓ સ્ત્રીઓની દૃષ્ટિએ પણ સ્થિતિને જોઈ શકે છે. આથી આ મહિલાઓનો પરસ્પર વિરોધ નથી."

line

અન્ય મહિલાઓ શું કહે છે?

મહિલાઓએ આપેલા પ્રતિભાવો

જયારે અમે બીબીસીનાં લેડીઝ કોચ ગ્રૂપમાં આ મુદ્દો ઉઠાવ્યો તો ઘણી મહિલાઓએ પણ આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો.

પ્રીતિ ખરવારે કૉમેન્ટ કરી, "એવી મહિલાઓ હકીકતમાં મહોરું હોય છે, જેમનો પિતૃસત્તાત્મ્ક સમાજ મહિલા અધિકારોની વિરુદ્ધ ઉપયોગ કરે છે."

"આમાં એ મહિલાઓનો પણ સંપૂર્ણપણે દોષ નથી હોતો, કારણ કે સામાજિક પરિસ્થિતિ, પરાધીનતા, જાગૃતિનો અભાવ અને વિવિધ પ્રકારના ડરને કારણે તેઓ પાસે નિર્ણય લેવાનો અધિકાર નથી હોતો."

કરિશ્મા રાઠોડ લખે છે, "જ્યાં સુધી ટ્રિપલ તલાક વાળી વાત છે તો મને લાગે છે કે કેટલીક મહિલાઓ પુરુષવાદી વિચારધારાને લીધે પોતાના સંબંધો પુરુષોને આધીન જીવવા માટે ટેવાઈ ગઈ છે."

તો, દામિની વર્ષા કહે છે, "હકીકતમાં મહિલાઓ જ મહિલાઓનો વિરોધ એટલા માટે કરે છે, કારણ કે તેઓ માનસિક રીતે પુરુષવાદી જ છે."

line

અંધશ્રદ્ધાનો ભય

શનિ શિંગણાપુર

ઇમેજ સ્રોત, AFP

બીજી તરફ, શનિ શિંગણાપુરમાં પ્રવેશ માટે અભિયાન ચલાવનારી સંસ્થા ભૂમાતા બ્રિગેડની પ્રમુખ તૃપ્તિ દેસાઈ આ મુદ્દે એક અન્ય પક્ષ સામે મૂકે છે.

તેઓ કહે છે કે એક રણનીતિ અંતર્ગત પણ મહિલાઓનો તેમની જ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે.

સબરીમાલા મંદિરના મામલામાં પણ કેટલાક હિંદુ સંગઠનો અને રાજકીય દળો પ્રદર્શનકર્તાઓનું નેતૃત્વ કરી રહ્યા છે. મહિલાઓના હાથમાં તેમના ઝંડા જોઈ શકાય છે.

મીડિયા અહેવાલો મુજબ ઍક્ટર અને ભાજપ સમર્થક કોલ્લમ થુલાસીએ મંદિરમાં પ્રવેશ કરનારી મહિલાઓને બે ટુકડામાં ચીરી નાખવાની ધમકી પણ આપી હતી. તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

તૃપ્તિ દેસાઈ જણાવે છે, "સુપ્રીમ કોર્ટ મહિલાઓને સમાનતાનો અધિકાર આપવાની વાત કહી છે. એટલે ધર્મના કહેવાતા ઠેકેદારો કેટલીક મહિલાઓને ધર્મના નામે ભડકાવે છે."

"જ્યારે મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરવા જશે અથવા પોતાના અધિકારો માટે લડશે તો આ મહિલાઓને જ સામે ધરી દેવાશે. હંમેશા તેઓ પોતે સામે નથી આવતી પણ તેઓને વિરોધમાં ઊભા કરી દેવામાં આવે છે."

"તેઓને અંધશ્રદ્ધાના નામે ડરાવવામાં આવે છે, જેમ કે જો આપ ધર્મની વિરુદ્ધ મહિલાઓનો સાથ આપશો, તો સાડા સાતીનો પ્રકોપ થશે."

"ગામ ઉપર સંકટ આવી જશે. જે આનાથી ડરી જાય છે તેઓ પોતે જ વિરોધ કરવા આગળ આવી જાય છે."

તૃપ્તિ દેસાઈએ બીબીસીને જણાવ્યું કે તેઓ 17 ઑક્ટોબરે સબરીમાલા મંદિરના દ્વાર ખૂલશે પછી મહિલાઓના સમૂહ સાથે મંદિરમાં પ્રવેશ કરવા જશે. જોકે, હજુ કોઈ તારીખ નક્કી નથી કરી.

line

અભિયાનને નબળું બનાવવાનો પ્રયત્ન

સબરીમાલા મંદિર

ઇમેજ સ્રોત, SABARIMALA.KERALA.GOV.IN

પરંતુ, એવું કરવા પાછળ હેતુ શું હોય છે અને જો મહિલાઓ જ વિરોધ કરે છે તો તેની શું અસર થાય છે?

આ મુદ્દે તૃપ્તિ દેસાઈ કહે છે, "જો મહિલાઓ જ વિરોધ કરે તો લોકોનાં મનમાં સવાલો ઉઠે છે કે જો મહિલાઓના હિતની વાત છે ત્યારે તેઓ જ શા માટે વિરોધ કરી રહી છે?"

"આનાથી આંદોલન નબળું પડે છે. આથી સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરનારાઓનો ઉદ્દેશ મહિલાઓને માટે આવેલા સકારાત્મક નિર્ણયને નકારાત્મક કરવાનો છે."

તો કમલા ભસીન કહે છે કે પારંપરિક વિચારધારાને કારણે મહિલાઓ સુરક્ષા જેવા મુદ્દે પણ એક નથી થઈ શકતી. ટૂંકા કપડાં કેમ પહેર્યાં? સમયસર ઘરે કેમ ના આવી? એવા સવાલો પોતે જ ઉઠાવે છે.

તેઓ મહિલાઓનો એક વર્ગ તરીકે સંગઠિત નહીં થઈ શકવામાં આને મોટું કારણ માને છે.

line

જાતિ-ધર્મમાં વહેંચાયેલી મહિલાઓ

સબરીમાલા મંદિર

ઇમેજ સ્રોત, SABARIMALA.KERALA.GOV.IN

કમલા ભસીન કહે છે, "મહિલાઓ ક્યારેય એક વર્ગ તરીકે સંગઠિત નથી થઈ શકી. મહિલા હોવાના પહેલા તે જાતિ, ધર્મ, અમીર-ગરીબમાં વહેંચાઈ જાય છે."

"તેમની ઉપર અન્ય મુદ્દાઓનું દબાણ વધી જાય છે. સ્ત્રીની પરિવાર તરફની નિષ્ઠાની સામે મહિલા માટેની નિષ્ઠા ઓછી પડી જાય છે. આ બહુ જ ઊંડું અને ગૂંચવાયેલું છે.

"જેમ મહિલાઓને જો કોઈ જોખમ કે જરૂર હોય તો પરિવાર જ સામે આવે છે, બહારની કોઈ સ્ત્રી નહીં. ના સરકારી સંસ્થાઓ એટલી મજબૂત છે કે મહિલાને ત્યાંથી કોઈ આશરો મળી શકે.

"એટલે જ ઘણાં મુદ્દાઓ ઉપર તે પરિવારનો વિરોધ નથી કરી શકતી, જયારે અન્ય વર્ગોમાં તેઓનો સામનો કોઈપણ બહારના વ્યક્તિ સાથે હોય છે અને પરિવાર સાથે નહીં."

પરંતુ મહિલાઓને એક વર્ગ રૂપે એકત્ર કેવી રીતે કરી શકાય છે. એના જવાબમાં કમલા ભસીન કહે છે કે મહિલાઓને એક વર્ગ તરીકે સંગઠિત કરવા માટે બહુ જ મહેનત કરવાની જરૂર છે.

જયારે નારીવાદ એટલો ફેલાઈ જશે અને આપણે એકબીજાની મદદ કરવા માંડીશું ત્યારે એ શક્ય બનશે.

line

ચુકાદની પૃષ્ઠભૂમિ

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

સબરીમલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પછીથી આ મુદ્દે ગરમાવો આવ્યો છે.

12 વર્ષના સંઘર્ષ બાદ 28 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે 4-1ના બહુમતથી મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાના ચુકાદાની સુનાવણી કરી હતી.

ચુકાદો આપનારા સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધીશોમાં સામેલ જસ્ટિસ ઈંદૂ મલ્હોત્રા પ્રવેશના પક્ષમાં નહોતાં.

જસ્ટિસ મ્હોત્રાનું કહેવું હતું કે કોર્ટને ધાર્મિક માન્યતાઓમાં દખલ ન દેવી જોઈએ, કેમ કે અન્ય ધાર્મિક સ્થળો ઉપર પણ એની અસર પડશે.

ચુકાદાના વિરોધમાં અગાઉ પણ 4000થી વધુ મહિલાઓએ રેલી કાઢી હતી. વિરોધ કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે વર્ષો જૂની પરંપરાને તોડવી જોઈએ નહીં. આનાથી ભગવાન ઐયપ્પાનું અપમાન થશે.

આવું પહેલી વાર નથી જયારે મહિલાઓના અધિકારની વાત હોય અને તેઓ પોતે જ તેના વિરોધમાં ઉભી હોય.

અગાઉ પણ સાર્વજનિક રીતે મહિલાઓના અધિકારોની માગના મુદ્દે મહિલાઓ જ તેના વિરોધમાં આવી છે.

પછી ભલે શનિ શિંગણાપુર ગર્ભગૃહમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધનો મુદ્દો હોય કે ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવવાનો મુદ્દો હોય.

ત્યારે પણ ઘણી જગ્યાઓએ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં અને એને ધર્મ સાથે છેડછાડ કહી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો