નારાયણ દત્ત તિવારી 1991માં ચૂંટણી જીત્યા હોત તો કદાચ PM બન્યા હોત

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશ અને ઉતરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી નારાયણ દત્ત તિવારીનું ગુરુવારે નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા.
એન. ડી. તિવારી ઘણા દિવસોથી બીમાર હતા અને દિલ્હીની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
આ એક સંયોગ જ છે કે 18 ઑક્ટોબર 1925ના રોજ જન્મેલા એન. ડી. તિવારીનું નિધન પણ તેમના જન્મદિવસ પર જ થયું.
તિવારીની રાજકીય કારકીર્દિ લગભગ પાંચ દાયકા જેટલી લાંબી રહી. તેઓ અલગઅલગ રાજ્યોના મુખ્ય મંત્રી પણ રહ્યા.
તિવારી 1976-77, 1984-89માં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી રહ્યા તો વર્ષ 2002-07 સુધી ઉતરાખંડના મુખ્ય મંત્રી રહ્યા.
સાલ 1986-87માં તિવારી રાજીવ ગાંધી સરકારમાં વિદેશ મંત્રી રહ્યા. તે સિવાય પણ તેમણે કેન્દ્રમાં બીજા અન્ય વિભાગો પણ સંભાળ્યા હતા.
વર્ષ 2007-09 દરમિયાન તેઓ આંધ્ર પ્રદેશના ગવર્નર પણ રહ્યા.
તિવારીએ પોતાની રાજકીય સફર પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીથી શરૂ કરી હતી. જોકે, બાદમાં તે કોંગ્રેસમાં જોડાઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાન્યુઆરી 2017માં તેઓ પોતાના પુત્ર રોહિત શેખર સાથે ભાજપમાં જોડાઈ ગયા.

હાસ્યથી હરાવી દેનારા નેતા

ઇમેજ સ્રોત, DP NAUTIYAL/BBC
ભારતીય રાજનીતિમાં બહુ ઓછા લોકો હશે જેમને તેમની પાર્ટીના લોકો 'નથીંગ ડુઈંગ તિવારી' કહીને બોલાવે અને વિરોધીઓ 'આ નરમાંય નથી અને નાર પણ નથી, આ છે નારાયણ દત્ત તિવારી'
કહીને તેમની ઠેકડી ઉડાડે. છતાં તેમના ચહેરા ઉપર એક સળ સુદ્ધાં ના પડે.
નારાયણ દત્ત તિવારી કદાચ ભારતના એકમાત્ર રાજનેતા છે જેમને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ બે રાજ્યોના મુખ્ય મંત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
તિવારીને નજીકથી ઓળખતા વરિષ્ઠ પત્રકાર દિલીપ અવસ્થી કહે છે, "તિવારી રાજનીતિની એ 'ઓલ્ડ સ્કૂલ'નો ભાગ હતા જે હવે તેમના પછી ભાગ્યે જ ક્યારેક દેખાશે."
"નાનપણથી જ આપણે સંભાળતા આવ્યા છીએ કે રાજનેતાઓ તિકડમબાજ હોય છે, બહુ ચાલાક હોય છે, બહુ વિચારતા હોય છે."
"નારાયણ દત્ત તિવારી ઉપર આમાંની એકેય વાત સહેજ પણ લાગુ પડતી નથી. તેઓ દરેક મુશ્કેલ પરિસ્થિતિને એક દમ કોમળતાથી પાર પાડતા હતા."
"પછી ભલે અયોધ્યા જેવો મુદ્દો હોય, ઉત્તર પ્રદેશના કોમી રમખાણ હોય કે ગમે તેટલો પેચીદો કેસ હોય, સૌપ્રથમ તેઓ સ્મિત કરશે."
"તેઓ આપને કહેશે બેસો, ચા પીવો અને થોડીવારમાં તમારા બધા જ જુસ્સાની હવા નીકળી જશે. તેમની જીત ભર્યું હાસ્ય સૌને 'નિહથ્થા' કરી દેનારું હતું."
તમે આ વાંચ્યું કે નહીં?

ક્યારેય કોઈને ના નથી પાડી

ઇમેજ સ્રોત, Getty Images
સ્વતંત્ર ભારતની ઉત્તર પ્રદેશની પહેલી વિધાનસભામાં નારાયણ દત્ત તિવારી સૌથી યુવાન ધારાસભ્ય હતા.
1952માં માત્ર 26 વર્ષની ઉંમરે તેઓ નૈનિતાલ વિધાનસભા ક્ષેત્રમાંથી જીતીને ઉત્તર પ્રદેશ વિધાન સભામાં પહોંચ્યા હતા.
સદનમાં તેઓએ આપેલા પહેલા ભાષણથી વિપક્ષ જ નહીં, સત્તા પક્ષના લોકો પણ તેમનાથી પ્રભાવિત થયા હતા.
નારાયણ દત્ત તિવારીના વ્યક્તિત્વની ખાસ બાબત એ હતી કે તેઓ ક્યારેય કોઈને ના પાડી શકતા નહોતા.
એક જમાનામાં તેમના સચિવ અને પછીથી રક્ષા સચિવના પદેથી નિવૃત્ત થનાર યોગેન્દ્ર નારાયણ જણાવે છે, "તેઓને જે કોઈ પણ મળવા આવે તેમને તેઓ અચૂક મળતા હતા."
"એક વાર તો મેં મારી સગી આંખે જોયું છે કે તેઓ એક વ્યક્તિને હૉલમાં મળ્યા અને પછી બીજી વ્યક્તિને ખાનગીમાં મળવા માટે લૉબી તરફ જતા રહ્યા."
"પછી એમને પણ છોડીને ત્રીજા વ્યક્તિને શૌચાલયની પાસે મળ્યા અને પછી તેમને મળીને પાછા હૉલમાં આવી ગયા."

ઓલોફ પામના મિત્ર

ઇમેજ સ્રોત, DP NAUTIYAL/BBC
બહુ ઓછા લોકો જાણે છે કે 1959માં જયારે તિવારી ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય હતા ત્યારે તેઓ છ મહિના માટે સ્વીડન જઈને રોકાયા હતા.
એ સમયે તેમણે સ્વીડિશ ભાષા ઉપર મહારથ મેળવી લીધી હતી.
તેમની આત્મકથાના લેખક દુર્ગાપ્રસાદ નૌટીયાલ લખે છે, "1983માં જયારે તેઓ ઉદ્યોગ મંત્રી બન્યા ત્યારે ફરીવાર સ્વીડન ગયા."
"આ વખતે તેઓ સ્વીડનના વડા પ્રધાન ઓલફ પામના નિવાસ સ્થાને જઈને તેઓને મળ્યા."
"1959માં જયારે તિવારી સ્વીડન ગયા હતા ત્યારે ઓલોફ પામ સોશિયલ ડેમોક્રેટિક કોંગ્રેસના અધ્યક્ષ હતા."
"પામે બહુ જ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું. તેમના હાથમાં છીપલાની બનાવટનું એક પક્ષી હતું, જેનો એક ભાગ તૂટી ગયો હતો, પરંતુ પામ તે રમી રહ્યાં હતાં. અચાનક તેઓએ તિવારીને પૂછ્યું, "તને યાદ છે, 25 વર્ષ પહેલાં તે મને આ પંખી ભેટમાં આપ્યું હતું?"
"આ બેઠક દરમિયાન તિવારી પામને 'યોર એક્સીલેંસી' કહીને સંબોધન કરી રહ્યા હતા. પામે એનો વિરોધ કર્યો અને કહ્યું કે તેઓને 'યોર એક્સીલેંસી'ને બદલે ભાઈ કહીને સંબોધન કરે."
"તિવારીએ હસતાં-હસતાં ઉત્તર આપ્યો કે જો હું આવું કરીશ તો મારી બાજુમાં બેઠેલા અમારા રાજદૂત રાજદ્વારી શિસ્તભંગ કરવા બદલ અમારા વડા પ્રધાનને મારી ફરિયાદ કરી દેશે."
એ જ પ્રવાસ દરમિયાન એક ભોજન સમારંભમાં ખ્યાતનામ અર્થશાસ્ત્રી ગુન્નાર મિર્ડલ મુખ્ય અતિથી હતા અને ત્યાં નારાયણ દત્ત તિવારીએ પોતાનું ભાષણ સ્વીડિશ ભાષામાં આપ્યું હતું.

દરેક નામ તેમને યાદ રહેતું હતું

નારાયણ દત્ત તિવારીની એક અન્ય ખૂબી હતી, લોકોનાં નામ ક્યારેય નહીં ભૂલવાની.
જે કદાચ તેઓ હેમવતીનંદન બહુગુણા પાસેથી શીખ્યા હતા. તિવારી પટાવાળા હોય કે ક્લાર્ક સૌને હંમેશાં નામથી જ બોલાવતા હતા.
દિલીપ અવસ્થી જણાવે છે, "ભીડમાં પણ તિવારી લોકોને નામથી બોલાવીને પોતાની તરફ આકર્ષી લેતા હતા."
"માત્ર નામ જ નહીં પરંતુ એક વ્યક્તિની સંપૂર્ણ પશ્ચાદભૂમિકાની તપાસ તેઓ કરી લેતા હતા."
"જેવી કે તેઓ ક્યાંના રહેવાસી છે? તેમનાં કેટલાં બાળકો છે? તેમની પત્ની શું કરે છે અથવા તેમના પિતા શું કરે છે?"
"આ તમામ વાતો તેમના કમ્પ્યુટર જેવા માનસમાં ભરાયેલી જ રહેતી. લોકોનું હૃદય કેવી રીતે જીતવું તે તેઓ સારી પેઠે જાણતા હતા."

અઢાર કલાક કામ

ઇમેજ સ્રોત, DP NAUTIYAL/BBC
મુખ્ય મંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકે નારાયણ દત્ત તિવારીના વિષયમાં મશહુર વાત એ હતી કે તેઓ દરરોજ 18 કલાક કામ કરે છે.
રાત્રે બે વાગ્યે સૂવા ગયા હોય કે સવારના ચાર વાગ્યે, દરરોજ સવારના છ વાગ્યે તેઓની આંખ ખૂલી જતી.
તેઓ પોતાના બગીચામાં થોડીવાર ચક્કર લગાવીને લોકોને મળવા માટે તૈયાર થઈ જતા હતા.
એક સમયે તેઓના મુખ્ય સચિવ તરીકે કાર્ય કરી ચૂકેલા યોગેન્દ્ર નારાયણ જણાવે છે, "તેઓ બહુ જ ટૂંકી નોટિસે વારંવાર દિલ્હી ઉપડી જતા હતા."
"એક વાર હું સચિવાલય પાસે ફેર સિનેમા હૉલમાં મારી પત્ની સાથે એક ફિલ્મ જોઈ રહ્યો હતો."
"અચાનક મુખ્ય મંત્રીએ મને બોલાવ્યો. મેં મારી પત્નીને કહ્યું કે હું થોડીવારમાં પાછો આવી જઈશ, તું ફિલ્મ જોવાનું ચાલુ રાખ."
"હું પાછો થિયેટર જઈ શક્યો નહીં કારણકે તિવારીએ મને એ જ વખતે સ્ટેટ પ્લેન દ્વારા દિલ્હી આવવાનું કહી દીધું. સ્વાભાવિક રીતે જ મારી પત્ની બહુ ગુસ્સામાં ઘરે પરત ફરી."

ઑફિસરો ઉપર સંપૂર્ણ કાબૂ

ઇમેજ સ્રોત, DP NAUTIYAL/BBC
દિલીપ અવસ્થી જણાવે છે, "આમ તો નારાયણ દત્ત તિવારીને ભાગ્યે જ ગુસ્સો આવતો હતો પરંતુ તેઓ કોઈથી નારાજ છે તેની ખબર એ રીતે પડતી જયારે તેઓ એ વ્યક્તિને મહારાજ, ભાઈસાહેબ અથવા ભગવાન કહીને બોલાવવાનું શરૂ કરી દેતા."
"તેઓ એ જૂજ મુખ્ય મંત્રીઓમાંના એક હતા જે ફાઇલમાં લખાયેલો એક એક શબ્દ વાંચતા હતા અને તેને અન્ડરલાઇન કરતા હતા."
"ફાઇલ ઉપર લાલ નિશાન સેક્શન ઑફીસરનાં નહીં, તેઓ પોતે ફાઇલ ઉપર લાલ નિશાન લગાવતા હતા. એટલે અધિકારીઓમાં તેમનો ઘણો ફફડાટ અને ડર હતો."
"એવું મનાતું કે નારાયણ દત્ત તિવારીને મૂરખ બનાવવા સહેલા નથી."

જયારે તિવારી વડા પ્રધાન બનતા બનતા રહી ગયા

ઇમેજ સ્રોત, DP NAUTIYAL/BBC
સપ્ટેમ્બર 1987માં એકવાર એવો પ્રસંગ પણ બન્યો હતો જયારે નારાયણ દત્ત તિવારી ભારતના વડા પ્રધાન બનતા બનતા રહી ગયા.
ડી. પી. નૌટિયાલ તેઓની આત્મકથા 'નારાયણ દત્ત તિવારી-એ લાઇફ સ્ટોરી'માં લખે છે કે જયારે રાજીવ ગાંધી બોફોર્સ કેસમાં ફસાતા નજરે પડ્યા ત્યારે વિશ્વનાથ પ્રતાપ સિંહે રક્ષામંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું.
તે સમયે કોંગ્રેસ પાર્ટીમાં એવો વિચાર મૂકાયો કે રાજીવ ગાંધી પોતાના પદ ઉપરથી બે-ત્રણ મહિના માટે રાજીનામું આપી દે અને જ્યારે પરિસ્થિતિ બહેતર બને ત્યારે ફરીથી એ પદ ઉપર ફરીવાર બિરાજમાન થાય.
"એ બે-ત્રણ મહિના માટે વડા પ્રધાન પદ માટે જે બે નામ ઉપર વિચાર કરવામાં આવ્યો તેમાં નરસિમ્હા રાવની સાથે-સાથે નારાયણ દત્ત તિવારી પણ હતા."
"શરૂઆતમાં રાજીવ ગાંધી નરસિમ્હા રાવને વડા પ્રધાન બનાવવાની વાત ઉપર સહમત થઈ ગયા હતા."
"પરંતુ જયારે તેઓને સમજાવ્યા કે ઉત્તર ભારતના મતદાતાઓ ઉપર આની અવળી અસર પડી શકે ત્યારે નારાયણ દત્ત તિવારીના નામ ઉપર સહમત થયા."
"જોકે, જયારે તિવારી સામે આ પ્રસ્તાવ મૂકાયો ત્યારે તેઓએ એને મૂળમાંથી જ નકારી દીધો."
"તેમની દલીલ હતી કે જો તેઓ આ પ્રસ્તાવ માની લેશે તો સામાન્ય જનોમાં ખોટો સંદેશો જશે અને લોકો સમજશે કે રાજીવ ગાંધી મુશ્કેલીથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા છે."

જ્યારે તિવારીને મુખ્ય મંત્રી બનાવાયા

ઇમેજ સ્રોત, DP NAUTIYAL/BBC
1988માં નારાયણ દત્ત તિવારીને વીર બહાદુર સિંહના સ્થાને ત્રીજીવાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવીને મોકલવામાં આવ્યા.
દિલીપ અવસ્થી જણાવે છે, "વીર બહાદુર સિંહનું નેટવર્ક જબરદસ્ત જતું. તેઓ ઠાકુર એંગલથી પણ ઘણું કામ કરતા હતા."
"કેન્દ્રમાં અરુણ નહેરુ સર્વેસર્વા હતા અને તેમના આમની ઉપર ચાર હાથ હતા. એવું પણ કહેવાતું હતું કે તેમની જગ્યાએ આવનારા નારાયણ દત્ત તિવારી માટે રસ્તો એટલો સહેલો નહીં હોય."
"જોકે, તિવારી ઠંડે કલેજે કામ કરનારા નેતા હતા અને તેમની ઉપર બ્રાહ્મણ નેતાનું કોઈ લેબલ લાગેલું નહોતું."
"તેઓ પહાડી હતા પરંતુ તેઓ કોઈ જાતિથી બંધાયેલા નહોતા. તેમના નજીકના વર્તુળમાં દરેક જાતિ અને ધર્મના લોકો રહેતા. મુસ્લિમ હતા, ઠાકુર હતા."
"ધીરે-ધીરે તેઓએ પોતાનું નેટવર્ક ઊભું કર્યું અને પોતાની વહીવટી ક્ષમતાથી લોકોની વચ્ચે સ્થાન જમાવવામાં સફળ થયા."
"વીર બહાદુર સિંહની સાથે તકલીફ એ હતી કે તેઓમાં જરાય વહીવટી ક્ષમતા નહોતી."

સેક્સ કૌભાંડમાં ફસાયા

ઇમેજ સ્રોત, ARUN SHARMA/ HINDUSTAN TIMES VIA GETTY IMAGES
મહિલાઓ સાથેના તેમના સંબંધોની બાબતે તેમની ઘણી હાંસી થઈ છે.
જયારે તેઓ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે તો હદ પાર થઈ ગઈ હતી.
ત્યારે એક તેલુગુ ચેનલે રાજભવનના બિછાને ત્રણ મહિલાઓ સાથેનો તેમનો વીડિયો બતાવ્યો, જેને લીધે તિવારીએ તેમના પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું.
દિલીપ અવસ્થી જણાવે છે, "માણસમાં થોડી નબળાઈઓ પણ હોય છે. મહિલાઓ બાબતે તેમની નબળાઈ આજકાલની નહીં, બહુ પહેલાંથી છે."
"તેમના વિશે સત્તાધારી વર્તુળોમાં ઘણા બધા કિસ્સા પ્રખ્યાત છે. કહેવાય છે કે સુંદર સ્ત્રીઓ માટે તેમના દિલમાં હંમેશાં સૉફ્ટ કૉર્નર રહેતો."
રોહિત શેખરે વર્ષ 2008માં એક અદાલતમાં એવો દાવો કરતા પેટરનરી સૂટ દાખલ કરી હતી કે નારાયણ દત્ત તિવારી તેઓના પિતા છે.
ડીએનએની તપાસ બાદ અદાલતને જાણ થઈ કે નારાયણ દત્ત તિવારી રોહિત શેખરના બાયૉલૉજીકલ પિતા છે.

89 વર્ષની વયે લગ્ન

ઇમેજ સ્રોત, ASHOK DUTTA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
નારાયણ દત્ત તિવારીએ વર્ષ 2014માં રોહિત શેખરની મા ઉજ્જ્વલા તિવારી સાથે લગ્ન કરી લીધું. એ વખતે તેઓની ઉંમર 89 વર્ષની હતી.
તિવારીના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા યોગેન્દ્ર નારાયણ તિવારી જણાવે છે, "દિલ્હીમાં ઉત્તર પ્રદેશ ભવનમાં જયારે એક વખત અમે રોકાયા હતા, ત્યારે મોડી રાત્રે એક સ્ત્રી ત્યાં આવી અને તિવારીજીને મળવાની ઇચ્છા દર્શાવી."
"તિવારીજી તો સૂવા જતા રહ્યા હતા, આથી એ મહિલાને બીજા દિવસે આવવાનું કહેવામાં આવ્યું."
"એ મહિલાએ જવાની ના પાડી દીધી અને મુખ્ય મંત્રીના અંગત સચિવને કહ્યું કે તેઓ એમને જઈને જણાવે કે તેણી તેઓના પુત્ર સાથે ત્યાં આવ્યાં છે."
"તેમના અંગત સચિવે તિવારીને જેવી આ વાત જણાવી, તેઓ તરત જ બહાર આવી ગયા."
"તેઓને અમને સહુને બહાર જવાનું કહ્યું. પછીથી અમને ખબર પડી કે આ મહિલા અને તેમના પુત્રએ અદાલતનો આશરો લીધો અને તિવારીને તેણીને પોતાની પત્ની માનવા માટે બંધાવું પડ્યું."

ચૂંટણીમાં હારને લીધે વડા પ્રધાન પદની રેસમાંથી બહાર

ઇમેજ સ્રોત, DP NAUTIYAL/BBC
કહેવાય છે કે 1991માં નારાયણ દત્ત તિવારીએ સંસદીય ચૂંટણી જીતી લીધી હોત તો રાજીવ ગાંધીની હત્યા બાદ નરસિમ્હા રાવની જગ્યાએ તેઓ ભારતના વડા પ્રધાન હોત. પરંતુ એવું થયું નહીં.
તેઓ માત્ર 5000 મતોથી ચૂંટણી હારી ગયા. નરસિમ્હા રાવે ચૂંટણી પણ ના લડી, છતાં તેઓ ભારતના વડા પ્રધાન બની ગયા.
દિલીપ અવસ્થી જણાવે છે, "એ કહેવું મુશ્કેલ છે કે શું થાત અને શું ના થાત. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ રાજનેતા બહુ દમદાર હતા."
"તેઓ એક વિઝન વાળા વ્યક્તિ હતી. આજના સમયમાં આવા નેતા મળવા બહુ મુશ્કેલ છે."
"જો તેઓ વડા પ્રધાન હોત તો એ કોઈ મોટી વાત નહોતી. હું એટલું ચોક્કસ કહી શકું છું કે તેઓ આ પદની શોભા વધારત, ઓછી ના કરત."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













