બ્લૉગ: #MeToo અને 'તેરા પીછા ના છોડુંગા'

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, રાજેશ જોશી
- પદ, રેડિયો એડિટર, બીબીસી હિન્દી
થોડા સમય પહેલાં હું મારા ગામડેથી એક રેડિયો લઈ આવ્યો હતો. સવારે ઑફિસ જવા માટે તૈયાર થતી વખતે આ રેડિયો સાંભળું છું. આ દરમિયાન એ દિવસો યાદ આવે છે, જ્યારે શાળાએ જવા માટે અમે તૈયાર થતા અને ઘરના એક ખૂણામાં રેડિયો વાગ્યા કરતો.
દર મહિનાની પહેલી તારીખે કિશોર કુમારનું ગીત વાગતું, 'ખુશ હૈ જમાના આજ પહલી તારીખ હૈ...' પહેલી તારીખ પગારનો દિવસ હતો. આ ગીત સાંભળીને બધા ખુશ જણાતા.
રાતના પોણા નવ વાગ્યે તરાઈ ક્ષેત્રની અંધારી ગલીઓમાં લગભગ દરરોજ રેડિયો પર એક અવાજ સંભળાતો હતો- આ આકાશવાણી છે. હવે દેવકીનંદન પાંડે પાસેથી સમચાર સાંભળો.

આજના સમયમાં લગભગ દરેક સમાચાર બુલેટિનની શરૂઆત 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...' વાક્યથી થાય છે તેવી જ રીતે ત્યારે દેવકીનંદન પાંડે કહેતાં, 'વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કહ્યું છે...'
પોણા નવના સમાચાર સાંભળતા-સાંભળતા અમે સૂઈ જતા હતા. એ દિવસોમાં કિશોર કુમારનું એક ગીત પ્રચલીત હતું- 'લડકી ચલે સડકો પે, આઈ કયામત લડકો પે'.
અમારામાં યુવક હોવાનો અહેસાસ તો હતો, પરંતુ એ સમજાતું નહોતું કે છોકરીઓના રસ્તા પર ચાલવાથી કયામત કેવી રીતે આવે?
તેઓ તેમના રસ્તે જાય અને અમે અમારા.
કયામતનો સાચો અર્થ તો ખબર નહોતો, પરંતુ એટલી ખબર હતી કે કયામત મતલબ કંઈક ગડબડ થવી. મતલબ કે હૉમવર્ક કર્યા વિના શાળાએ જઈએ તો કયામત આવી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગુસ્સો ખૂબસૂરત છે તો પ્યાર...

ઇમેજ સ્રોત, Getty Images
અમને ફિલ્મો જોવાની કોઈ ના નહોતી, કારણ કે અમારા ગામ પાસે માઇલો સુધી કોઈ થિયેટર જ નહોતું.
પરંતુ રેડિયો મારફતે કિશોર કુમાર પાસેથી અમે શીખી રહ્યા હતા કે જ્યારે છોકરીઓ રસ્તા પર ચાલે છે, ત્યારે કયામત આવવાનું જોખમ રહે છે.
હવે વાત કરીએ વર્તમાન સ્થિતિની. રજાનો દિવસ છે અને બહાર ફેલાયેલો હળવો તડકો શિયાળાની પધરામણીના સંકેત આપી રહ્યો છે.
સવારના પહોરમાં ગામડેથી લાવેલા રેડિયો પર કિશોર કુમારના ગીતો ચાલી રહ્યાં છે.
ગ-ગ-ગ ગુસ્સા ઇતના હસીન હૈ, તો પ્યાર કૈસા હોગા...
ઐસા જબ ઇન્કાર હૈ, તો ઇકરાર કૈસા હોગા...
આ ગીત સાંભળી હું અંદાજ લગાવી રહ્યો છું કે અભિનેત્રી ગુસ્સામાં છે અને અભિનેતા આ ગીત ગાવીને તેને ખીજવી રહ્યો છે.
અભિનેત્રી આગળ જવા માગતી હશે, પરંતુ અભિનેતા તેનો રસ્તો રોકી રહ્યો છે.
અભિનેત્રી જેટલો ગુસ્સો કરે, જેટલો ઇન્કાર કરે અભિનેતાને લાગે છે કે તે ખૂબસૂરત લાગી રહી છે અને જો પ્રેમ કરશે તો એ કેવો હશે?
તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, SEEMA FILM POSTER
આ વચ્ચે એક વિજ્ઞાપન આવે છે અને બાદમાં અન્ય એક ગીત શરૂ થાય છે. ફરી એક વખત કિશોર કુમારના અવાજમાં 'તેરા પીછા ના છોડૂંગા સોણિયે, ભેજ દે ચાહે જેલ મે... દો દિલો કે મેલ મે.'
આ ગીતમાં પણ અભિનેત્રી ચૂપ છે. અંદાજ લગાવી શકાય છે કે અભિનેતા તેનો પીછો કરી રહ્યો છે અને અભિનેત્રી ખુશ નથી.
પરંતુ કિશોર કુમારના અવાજમાં એ સાફ સમજાય છે કે અભિનેત્રીના ગુસ્સાથી અભિનેતાને કોઈ ફરક નથી પડતો. તે કહે પણ છે કે જેલમાં મોકલી દે, પરંતુ તારો પીછો નહીં છોડીશ.
અન્ય એક વિજ્ઞાપન પહેલાં રેડિયોની આરજે શરારત ભરેલા અવાજમાં કહે છે- શરાફત મેરે જિસ્મ સે ટપકતી હૈ...ટપક, ટપક, ટપક, ફિર એક 'કૂલ' સી શહરી હસી.
ત્યારબાદ 'બેટી બચાઓ- બેટી પઢાઓ' જેવી સરકારી યોજનાની વિજ્ઞાપન શરૂ થાય છે.
મેં આ ત્રણેય ફિલ્મો તો નથી જોઈ, પરંતુ યૂ-ટ્યૂબ પર ગીતો સાંભળ્યા છે.


ઇમેજ સ્રોત, Getty Images
રસ્તા પર જઈ રહેલાં સિમી ગ્રેવાલની પાછળ-પાછળ મયૂર ડાન્સ કરતા રાકેશ રોશન દેખાયા, મતલબ કે સિમી ગ્રેવાલ એ છોકરી છે જે રસ્તા પર ચાલી રહી છે અને રાકેશ રોશન એ યુવક છે જેમના પર કયામત આવી પડી છે.
પરંતુ જો વિચારવામાં આવે તો ખરેખર કયામત રાકેશ રોશન પર નહીં, પરંતુ સિમી ગ્રેવાલ પર આવી પડી છે.
યુવતી પોતાના રસ્તે જઈ રહી છે, પરંતુ યુવક તેને રસ્તા વચ્ચે રોકી રહ્યો છે. એટલું જ નહીં ગીત પણ ગાય રહ્યો છે કે 'આયી કયામત લડકો પર.'
સિમી ગ્રેવાલ લાખ ગુસ્સો બતાવે તો પણ અભિનેતા વારંવાર સ્ક્રીન પર ક્યારેક અહીંથી તો ક્યારેક બીજી જગ્યાએથી ટપકી પડે છે.
તે ક્યારેક અભિનેત્રીના ગાલને સ્પર્શે છે તો ક્યારેક તેનો હાથ પકડીને મરડે છે.
બીજા એક ગીતમાં રાજેશ ખન્ના રસ્તા વચ્ચે સાડી પહેરેલી મહિલા (માલા સિન્હા)ની આગળ-પાછળ ફરે છે અને અચરજ વ્યક્ત કરી રહ્યા છે કે- ઐસા જબ ઇન્કાર હૈ, ઇકરાર કૈસા હોગા...
અભિનેત્રીના ચહેરા પર લોકલાજ છે, પરંતુ અભિનેતાના ચહેરા પર 'એનટાઇટલમૅન્ટ'નો ભાવ છે. મતલબ કે અભિનેત્રીનો રસ્તા રોકવાનો તેને અધિકાર છે.
અભિનેત્રી લોકલાજને કારણે પાણી-પાણી થઈ રહી છે, પરંતુ અભિનેતા સતત કરી રહ્યો છે- ગુસ્સા ઐસા હૈ તો...
હવે વાત બોલીવૂડના હી-મેન ધર્મેન્દ્રની. તેઓ વિમાન ઉડાવતી વખતે હેમા માલિનીને ધમકી આપી રહ્યા છે- તેરા પીછા ના છોડૂંગા સોણિયે, ભેજ દે ચાહે જેલ મે.
ગુસ્સામાં લાલઘૂમ થયેલી હેમા માલિની પોતાના વાયરલેસ સેટ પર માત્ર 'શટ-અપ' અને 'ઇડિયટ' જ કહી શકે છે.
પરંતુ અભિનેતા આ શું કામ સાંભળે? તે તો એલાન કરે છે કે- 'જહા ભી તું જાયેગી, મે વહા ચલા આઉંગા...' ત્યારબાદ ધમકી આપે છે કે જો તું નહીં માને તો સપનામાં આવીને આખી રાત જગાડીશ.

ખરેખર કયામત કોના પર?

ઇમેજ સ્રોત, JUGUNU FILM GRAB YOUTUBE
રવિવારની આખી સવાર એ જ વિચારમાં ગઈ કે કયામત એ લોકો પર કેમ ના આવી પડી જે કયામતનો ઉલ્લેખ કરી રહ્યા છે.
બપોરે સમાચાર મળ્યા કે નરેન્દ્ર મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અકબરે #MeToo અભિયાન અંતર્ગત તેમના પર આરોપ લગાવનારી મહિલાઓ પર કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
પરંતુ #MeTooના સમાચાર એ રેડિયો સ્ટેશન પર ના આવ્યા જેના પર હીરો ગાઈ રહ્યો હતો કે- તેરા પીછા ના છોડુંગા સોણિયે, ભેજ દે ચાહે જેલ મે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















