#MeToo અંગે મહેશ ભટ્ટે કહ્યું, તપાસ પહેલાં કોઈને દોષી માની ન લેવાય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મધુ પાલ
- પદ, મુંબઈથી, બીબીસી ગુજરાતી માટે
બોલીવૂડના નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી #MeToo મૂવમેન્ટનું સમર્થન કર્યું છે.
ભટ્ટે કહ્યું, સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલા આ અભિયાને મોટા-મોટા લોકોની ઊંઘ ઉડાડી દીધી છે.
માત્ર બોલીવૂડમાં જ નહીં, પરંતુ અન્ય ક્ષેત્રની મહિલાઓ પણ આ અભિયાનમાં જોડાઈ ગઈ છે.
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં મહેશ ભટ્ટે કહ્યું, "આ દેશમાં કમાલની વાત એ છે કે, લોકો નારીને મંદિરમાં જગ્યા આપે છે, પોતાના ઘરોમાં દેવીની મૂર્તિ રાખે છે, તેમની પૂજા કરે છે અને એ જ ઘરોમાં, રસ્તા ઉપર, કચેરીઓમાં છોકરીઓ સાથે દુર્વ્યવહાર અને જુલમ કરે છે. જાતીય શોષણ કરીને લોકો પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરે છે."
મહેશ ભટ્ટે ઉમેર્યું, "એક મહિલા તમને ના પાડે છે, છતાં પણ તમે તેને હેરાન કરો છો. આ સેક્સ્યુઅલ હૅરેસમૅન્ટ છે."
તનુશ્રી દત્તા-નાના પાટેકરના કિસ્સામાં હજુ સુધી બોલીવૂડની હસ્તીઓ કંઈ પણ કહેવાનું ટાળતી હતી, પરંતુ મહેશ ભટ્ટે આ મુદ્દે ખુલીને નિવેદન આપ્યું છે.
તેઓએ તનુશ્રીનું સમર્થન કર્યું છે, જોકે, તેમણે કોઈપણ પક્ષને ખોટો અથવા સાચો ઠેરવ્યો નથી, પરંતુ કહ્યું કે કોઈને પણ અવાજ ઉઠાવતા અટકાવવા જોઈએ નહીં.
આપને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'પરિસ્થિતિ બદલાઈ છે'

ઇમેજ સ્રોત, ISTOCK
મહેશ ભટ્ટે કહ્યું, "નાના પાટેકર તરફ આંગળી ચીંધાઈ છે. કોણે આંગળી ચીંધી? અમારા જ ઉદ્યોગ ક્ષેત્રમાંથી એક છોકરીએ. તે અમારા ક્ષેત્રની છે, તેણે પોતાનું મૌન તોડ્યું છે."
"તેની સાથે એવું કંઈક થયું છે કે નથી થયું, સત્ય શું છે, એની તપાસ કરવાનો મારી પાસે એવો કોઈ રસ્તો નથી, શું મારે એ છોકરીને પોતાની વાત કરતા રોકવી જોઈએ? બિલકુલ નહીં."
ભટ્ટે કહ્યું કે પહેલા છોકરીઓ ચુપ રહેતી હતી, એ વિચારીને કે સમાજ તેમના વિષે શું વિચારશે. ઘણાં ઘરોમાં તો તેમની માતાઓ જ તેમને બદનામીના ડરથી ચુપ કરી દેતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
મહેશ ભટ્ટ પોતાની વાતને આગળ વધારતા કહે છે, "સેક્સ્યુઅલ હૅરેસમૅન્ટની વાતો કરવી જરૂરી છે, પરંતુ એ યાદ રાખો, તનુશ્રી અમારા જ ઉદ્યોગ ક્ષેત્રની છોકરી છે અને નાના પાટેકર અમારા ખૂબ જ વિખ્યાત કલાકાર છે.
"સમાજમાં તેમની બહુ ઈજ્જત છે, તેઓ સમાજ સેવા પણ કરે છે. હા, તેમનો જીવવાનો જે અંદાજ છે એ થોડો જુદો છે. તેઓ બહુ જ તીખું બોલે છે અને હવે તો આ કિસ્સો કોર્ટ સુધી પહોંચી ગયો છે."
"આ જે મુદ્દો છે એ કોઈ પબ્લિક કોર્ટ સાથે અથવા અમારા જેવા લોકોના અભિપ્રાયથી અથવા #MeTooથી ઉકેલી શકાય એમ નથી. તમારે એ દિલથી અનુભવવું પડશે કે આપણે મહિલાઓની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, આ એવી નીતિગત વાતો છે, જે તમારે હૃદયપૂર્વક કરવી જોઈએ."

'આજે જ નથી થયું'

ઇમેજ સ્રોત, Getty Images
#MeToo અભિયાનમાં મોટા-મોટા લોકોના નામ સામે આવ્યા છે. નાના પાટેકર સિવાય વિકાસ બહલ, ઉત્સવ ચક્રવર્તીનું નામ તો સામે આવ્યું જ હતું. મંગળવારે પ્રખ્યાત અભિનેતા આલોકનાથ ઉપર પણ એક મહિલા પ્રોડ્યુસર અને ડાયરેકટરે બળાત્કારનો આરોપ મૂક્યો છે. જોકે, આલોકનાથે આ આરોપોને નકારી કાઢ્યા છે.
આ આખુંય અભિયાન સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે. વિવિધ ક્ષેત્રોની મહિલાઓ ખુલીને પોતાની સાથે થયેલી જાતીય શોષણની કથાઓ લખી રહી છે.
મહેશ ભટ્ટ કહે છે કે સોશિયલ મીડિયાએ આ અભિયાનને તાકાત આપી છે. તેમણે કહ્યું, "આજે આપણે #MeTooની ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ જે ટ્વીટર અથવા ફેસબુક ઉપર નથી એમનું શું?
"તેઓ ક્યાં જાય, એમનામાંથી ઘણી મહિલાઓ એવી પણ છે જેઓ કહે છે કે આની આટલી મોટી બબાલ શું મચાવી મૂકી છે, આ તો વર્ષોથી ચાલતું આવી રહ્યું છે.
"આ તો પોતાના દેશમાં આજથી નહીં ઘણાં વર્ષોથી સહન કરવું પડી રહ્યું છે."

'ચુકાદા પહેલા દોષી માનવા અયોગ્ય'

ઇમેજ સ્રોત, Getty Images
#MeToo અંતર્ગત જેના નામ આવ્યા છે, તેઓની સાથે લોકો બોલીવૂડમાં કામ કરવાની ના પાડી રહ્યા છે, પરંતુ શું તમે આવા લોકો સાથે કામ કરશો?
આ સવાલના જવાબમાં મહેશ ભટ્ટ કહે છે, "શાઈની આહૂજા ઉપર જયારે રેપના આરોપ મુકાયા હતા, ત્યારે તેઓ મને મળવા આવતા હતા. મારી ઑફિસના લોકો મને કહેતા હતા કે મહેશજી આપ આની સાથે વાત ના કરો. આ તમારી ઇમેજ માટે સારું નથી."
"હું ત્યારે પણ કહેતો હતો કે જ્યાં સુધી ચુકાદો ન આવે, ત્યાં સુધી તેઓને દોષી માની લેવા અયોગ્ય છે, કારણ કે હું એ શાઈનીને જાણું છું જેણે મારી સાથે કામ કર્યું હતું. જેને મેં ડિસ્કવર કર્યો હતો. મને નથી ખબર કે બંધ ઓરડા પાછળ એ શું કરે છે."
ફક્ત શાઈની અહૂજા જ નહીં, મહેશ ભટ્ટ, સંજય દત્તના કિસ્સામાં પણ તેમની સાથે ઊભા રહ્યા હતા. સંજય દત્ત જયારે જેલ જઈ રહ્યા હતા અને તેમને જેલ સુધી મૂકવા ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ભટ્ટ કહે છે, "સંજય દત્ત જયારે જેલ જઈ રહ્યા હતા ત્યારે પણ તેમની સાથે ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ ઊભું રહ્યું નહીં. હું તેમને જેલ છોડવા ગયો હતો, કારણ કે મને ખબર હતી કે આ બંદો પોતાની સજા કાપવા જઈ રહ્યો છે. ત્યારે પણ મને ઘણાં ધમકીભર્યા ફોન આવતા હતા, લોકો ગંદી-ગંદી ગાળો આપ્યા કરતા હતા."
"ઘણાં લોકોએ આવામાં તેમની સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો. આવા નિર્ણયો એટલા માટે પણ લઈ લે છે, કારણ કે તેમને રાજનૈતિક વખાણ જોઈતા હોય છે અને બીજું કે ક્યારેક ક્યારેક દુકાન ચલાવવા માટે ઠીક પણ ખરું."
"સાથે જ એવું બતાવવા માટે કે જુઓ આ મુદ્દે અમે મોડર્ન સ્ટેન્ડ લીધું છે. મેં એવું પણ જોયું છે કે ઘણીવાર એવા લોકો સાથે બહુ જ અન્યાય થઈ જાય છે, જેની ઉપર આ રીતના આરોપ મૂકાય છે અને પછીથી તે આરોપો ખોટા સાબિત થાય છે."
ભટ્ટ કહે છે કે આ સાંભળ્યા પછી તમને ખૂબ પસ્તાવો થાય છે. આથી આ કહેવું અનહદ અગત્યનું છે કે જુઓ આ વિષયમાં મને કંઈ ખબર નથી.
ભટ્ટ ઉમેરે છે, "કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ. તનુશ્રી અને નાના બંનેને હું નજીકથી નથી ઓળખતો, પરંતુ નાનાને મળ્યો છું. તનુશ્રી સંપૂર્ણ સચ્ચાઈ સાથે પોતાની વાત મૂકી હોવાનો દાવો કરી રહી છે. તો બીજી તરફ નાના પણ પોતી વાત એટલી જ સચ્ચાઈ અને ઈમાનદારીથી મૂકી હોવાનો દાવો કરી રહ્યા છે."
"આપણે છોકરીનું મોં બંધ ના કરવું જોઈએ અને નાનાને પણ પોતાનો ખુલાસો રજૂ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કરવાનો સંપૂર્ણ હક છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













