'આઇડેન્ટિટી પોલિટિક્સ'ને કારણે પરપ્રાંતીયો પર હુમલા?

પરપ્રાંતીય લોકો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના વિવિધ શહેરોમાંથી પરપ્રાંતીય લોકોની પલાયનનો ઘટનાક્રમ હજુ ચાલુ જ છે. લોકો પોતાનો કામધંધો અને ઘરબાર છોડીને જઈ રહ્યા છે. પલાયન ન કરીને રોકાઈ જવાનો નિર્ણય કરનારા ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર બિસ્તરા અને સામાન લઈને જઈ રહેલા પરિવારો દેખાઈ રહ્યા છે.

આ બધા પ્રશ્નો વચ્ચે અન્ય એક પ્રશ્ન પણ છે. શું ભારતના કોઈ નાગરિકને અન્ય પ્રાંતમાં જઈને કામ કરવાનો અધિકાર નથી?

line

સ્થાનિકોને જ રોજગાર આપવાની વાત

પરપ્રાંતીય લોકો

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

'ગુજરાતી લોકોની નોકરીઓ પરપ્રાંતીયો લઈ જાય છે', 'એ લોકો ગમે તે કામ કરવા તૈયાર થઈ જાય છે',

'એ લોકો ઓછા પગારમાં કામ કરે છે', 'એ લોકોના લીધે ગુજરાતીઓને કામ નથી મળતું' આવી અનેક દલીલો સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

આ દલીલો દર્શાવે છે કે પરપ્રાંતીય લોકોનું ગુજરાતમાં આવવું કે ગુજરાતી લોકોનું અન્ય પ્રાંતમાં જવું, એ બન્ને ઘટના સાથે રોજગારીનો મુદ્દો સંકળાયેલો હોવાની પણ વાત છે.

આ દલીલોના મૂળમાં 'સન ઑફ સૉઇલ'નો સિદ્ધાંત હોવાનું મનાઈ રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

line

'સન ઑફ સોઇલ'નો સિદ્ધાંત શું છે?

પરપ્રાંતીય લોકો

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

'સન ઑફ સોઇલ' એટલે કે 'ધરતીપુત્ર'ના સિદ્ધાંતમાં જ સ્થાનિક અને પરપ્રાંતીય લોકો વચ્ચેના ભેદની વાત છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તાજેતરમાં 80 ટકા રોજગારી સ્થાનિકો એટલે કે ગુજરાતીઓને આપવાની જ વાત કરી હતી.

જે 'સન ઑફ સૉઇલ'ને મળતી આવતી વાત છે. જોકે, આ સિદ્ધાંતના મૂળ મહારાષ્ટ્ર સુધી લંબાય છે.

મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર પ્રકાશ બાળ કહે છે, "આજે જે વાત અલ્પેશ ઠાકોર કે અમિત શાહ કરે છે, કંઈક એવા જ સૂરમાં એક સમયે મહારાષ્ટ્રમાં બાલ ઠાકરે વાત કરતા હતા."

"1967માં શિવસેનાની સ્થાપના થઈ ત્યારથી 'ધરતીપુત્ર'ની વાત બાલ ઠાકરેએ કરી હતી.''

''રોજગારી અને નોકરી સહિતની બાબતોમાં મરાઠીઓને પ્રાથમિકતા આપવાની માગ એમાં હતી."

પ્રકાશ ઉમેરે છે, "બાલ ઠાકરેને એ વખતે દક્ષિણ ભારતના લોકો અને ગુજરાતી લોકોથી વાંધો હતો, પછીથી તેમણે ઉત્તર ભારતના લોકો સામે પણ વાંધો ઉઠાવ્યો હતો."

તેઓ કહે છે કે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ અત્યારે કંઈક આ પ્રકારનું રાજકારણ રમાઈ રહ્યું છે.

line

સુપ્રીમ કોર્ટે કર્યો અસ્વીકાર

પરપ્રાંતીય લોકો

વર્ષ 2008માં સુપ્રીમ કોર્ટે ઠાકરેના 'સન ઑફ સૉઇલ'ના સિદ્ધાંતને અસ્વીકાર્ય ગણાવ્યો હતો.

બંધારણની દૃષ્ટિએ પણ આ સિદ્ધાંત બંધબેસતો નથી. કારણ કે બંધારણના આર્ટિકલ 15 અને 16 જ્ઞાતિ, જાતિ, જન્મસ્થળ, ધર્મના ભેદભાવનો નિષેધ સૂચવે છે.

ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા પાછળ રાજકીય દોરીસંચાર હોવાની વાત ઊઠી રહી છે.

line

ગુજરાતમાં આઇડેન્ટિટી પોલિટિક્સ

નિષ્ણાતોના મતે આ સ્થિતિ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ છે અને એની પાછળ આઇડેન્ટિટી પોલિટિક્સ (સ્વ-ઓળખનું રાજકારણ) છે.

આ અંગે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ કહે છે, "હા, એમાં આઇડેન્ટિટ પોલિટિક્સની વાત છે. અહીં લોકોને હિંદુના નામે ગોળબંધ કરી શકતા નથી. જો હિંદુના નામે ગોળબંધ કરવા હોય, તો મુસ્લિમને વિરુદ્ધમાં દેખાડવા પડે."

"હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ ઠાકોર એમ ત્રણ જુદા 'આઇડેન્ટિટી પોલિટિક્સ' પણ આવ્યા, આ ત્રણેય સંયુક્ત રીતે નાગરિકતાની લડાઈ લડી શકે છે કે નહીં એ પ્રશ્ન છે."

line

રાજકીય પક્ષો અને અસ્મિતા

પરપ્રાંતીય લોકો

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

રાજનીતિ, રાજકીય પક્ષો સાથે હાલની ગુજરાતની સ્થિતિને જોડતા પ્રકાશ બાળ અસ્મિતાની વાત કરે છે.

તેઓ કહે છે, "મહારાષ્ટ્રમાં શિવસેના હોય કે પછી ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ કે અન્ય રાજ્યોની વાત હોય. તમામ રાજ્યોમાં રાજકીય પરિબળોએ અસ્મિતા પેદા કરવાનો પ્રયાસ કર્યો જ છે.''

''રાષ્ટ્રીય ઓળખના બદલે પ્રાંતીય કે ઉપખંડીય ઓળખ ઊભી કરવામાં આવે છે."

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક પ્રો.અમિત ધોળકીયા કહે છે, "ગુજરાતના આઇડેન્ટિટી પોલિટિક્સમાં પરપ્રાંતીય લોકોનું એટલું સ્થાન હોય એવું હું નથી માનતો.'' "ગુજરાતમાં દલિતો માટે સવર્ણ અને સવર્ણ માટે દલિતનો વિરોધ જોવા મળે છે. એ જ રીતે હિંદુ અને મુસ્લિમ વચ્ચેનો ભેદ છે."

"નર્મદ કે ઉમાશંકરે જે ગુજરાતની વાત કરી હતી એ કૉસ્મોપોલિટન ગુજરાતની વાત હતી. પણ અત્યારે જે થઈ રહ્યું છે એ કંઈક જુદું જ છે. પણ હાલની સ્થિતિ લાંબાગાા સુધી રહે એવું લાગતું નથી."

આ દરમિયાન ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને ગુજરાતમાં આ અગાઉ પણ આ પ્રકારે પલાયન થયું હોવાની વાતને નિષ્ણાતો સમર્થન આપે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો