બાંગ્લાદેશ : શેખ હસીનાએ હિંદુ મંદિરને કેમ જમીન આપી?

ઇમેજ સ્રોત, REUTERS
બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસરે રાજધાની ઢાકા સ્થિત ઢાકેશ્વરી હિંદુ મંદિરને 1.5 વીઘા જમીન આપી છે.
તેમણે ઢાકેશ્વરી મંદિરની છ દાયકા પહેલાંથી ચાલી આવતી આ માંગને પૂર્ણ કરી છે.
મંદિરના જૂના સ્વરૂપને જાળવી રાખવા માટે જમીનની માંગ કરવામાં આવી રહી હતી.
આ પહેલાં પણ શેખ હસીના મંદિરોની જાળવણી માટે આશ્વાસન આપી ચૂક્યાં છે.
આ ભેટ સાથે મુસ્લિમ બહુમતી ધરાવતા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના અધિકારોની જાળવણી બાબતે તેમની છબી વધારે મજબૂત થવાની વાત કહેવામાં આવી રહી છે.
શેખ હસીનાએ 15 ઑક્ટોબરના રોજ ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી.
ત્યાં તેમણે 1.5 વીઘા જમીન ભેટમાં આપવાની વાત કરી હતી. આ જમીનની કિંમત 43 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

ઇમેજ સ્રોત, AFP
ઢાકેશ્વરી બાંગ્લાદેશનું સૌથી મોટું મંદિર છે અને તેના નામ પરથી ઢાકાનું નામ પડ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંદિર છેલ્લાં ઘણાં વર્ષોથી જમીન ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યું હતું પરંતુ કિંમત ખૂબ જ વધારે હોવાથી મુશ્કેલીઓ પડી રહી હતી.
ઢાકા ટ્રિબ્યૂન પ્રમાણે શેખ હસીનાએ મંદિરમાં કહ્યું, ''આ સમસ્યાને હલ કરવા માટે અમે પહેલાંથી જ કામ કર્યું છે. હવે આગળનું કામ તમારા ઉપર છે.''
જોકે, હવે હસીના સરકારે મધ્યસ્થતા દરમિયાન મંદિરને છૂટ સાથે 10 કરોડ ટકાની કિંમત પર જમીન અપાવી છે.
સાથે જ તેમણે હિંદુ કલ્યાણ ટ્રસ્ટના ફંડને પણ 21 કરોડથી 100 કરોડ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

ડિસેમ્બરમાં ચૂંટણી

ઇમેજ સ્રોત, EPA
બાંગ્લાદેશમાં ડિસેમ્બરમાં સામાન્ય ચૂંટણી છે. હિંદુ સમુદાય શેખ હસીનાની પાર્ટી આવામી લીગનો કટ્ટર સમર્થક માનવામાં આવે છે.
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોનો મુદ્દો રાજકારણના મુદ્દે મહત્ત્વપૂર્ણ છે.
જોકે, વિપક્ષી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને તેમની સહયોગી જમાત-એ-ઇસ્લામી સરકાર પર અલ્પસંખ્યકોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવતી આવી છે, પરંતુ સત્તાધારી પાર્ટી આ આરોપને સતત નકારતી આવી હતી.
બાંગ્લાદેશ સરકારના એક અધિકારીએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું, ''તેમાં કોઈ શક નથી કે છેલ્લાં 10 વર્ષમાં આવામી લીગ સરકારના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં સતત આર્થિક વિકાસ થયો છે. વિકાસ અને સ્થિરતાના કારણે સુરક્ષાની સ્થિતિ સારી થઈ છે, જેની અસર અલ્પસંખ્યકોની સુરક્ષા પર પણ સકારાત્મક પ્રભાવ પડ્યો છે.''
અધિકારીએ કહ્યું, ''જો આગળ પણ આવું જ થાય તો દેશ એક ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક ઇસ્લામિક રાષ્ટ્રનું ચમકતું ઉદાહરણ બનશે, જે પાકિસ્તાનથી તદ્દન વિરુદ્ધ હશે.''
હસીના સરકાર પણ અલ્પસંખ્યક મતદાતાઓને લોભાવવાનો પ્રયત્ન કરતી રહેતી હોય છે.
અહીં વર્ષ 2017માં 30 હજારથી વધારે દુર્ગા પૂજા મંડપ લગાવવામાં આવ્યા હતા. આ વખતે આ સંખ્યા 31 હજાર સુધી પહોંચી ગઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












