બ્લૉગઃ #HerChoice ‘ગાળો પણ મા-બહેનને જ આપવામાં આવે છે’

સાંકેતિક રેખાંકન
    • લેેખક, દિવ્યા આર્યા
    • પદ, બીબીસી સંવાદદાતા

એ ગાળો એટલી અભદ્ર ગણવામાં આવે છે કે તેના અહીં શું 'વખાણ' કરું. એ ગાળો તમે જાણો છો અને હું પણ જાણું છું.

દેશના અલગ-અલગ પ્રદેશોમાં તેનો અર્થ બદલાતો હશે, પણ ભાષા નથી બદલાતી.

ગાળોની ભાષામાં સ્ત્રી, તેના શરીર અથવા નારીના સંબંધનો જ ઉપયોગ કરવામાં આવે છે. એ પણ હિંસામાં લપેટીને તથા સેક્સ્યુઅલ ટોણાં સાથે.

ગાળોનો ઉપયોગ એટલો સામાન્ય છે કે એ પુરુષ અને સ્ત્રી બન્નેની ભાષાનો હિસ્સો બની જાય છે.

ગાળ પણ સ્ત્રીઓને એક રીતે પુરુષો સામે ઊતરતો દરજ્જો આપે છે અને ઘણી સ્ત્રીઓને આ બાબત બહુ પરેશાન કરે છે.

તમને આ પણ વાંચવું ગમશે

કદાચ આ કારણસર જ અમે સ્ત્રીઓની મરજી અને સ્વતંત્ર વિચારસરણીને ધ્યાનમાં રાખીને વિશેષ શ્રેણી શરૂ કરી છે.

આ શ્રેણીના પ્રારંભિક લેખોના પ્રકાશન સાથે સ્ત્રીઓના મનમાં દબાયેલો અણગમો બહાર આવ્યો છે.

line

'સ્ત્રીપાસે પણ દિલ અને દિમાગ હોય છે'

સાંકેતિક રેખાંકન

પોતાની મરજીથી જીવન જીવતી અને સંબંધો નિભાવતી સ્ત્રીઓની શ્રેણી #HerChoice વિશે એક વાચક સીમા રાયે અમારા ફેસબુક પેજ પર સ્ત્રીઓ સાથે જોડાયેલી ગાળો વિશે કૉમેન્ટ કરી હતી.

સીમા રાયે લખ્યું હતું, "સ્ત્રી દરેક મુદ્દા વિશે પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે છે. સ્ત્રીઓ પાસે પણ દિલ અને દિમાગ હોય છે, પરંતુ સ્ત્રીઓ કંઈ જ ન બોલે એવી આશા રાખવામાં આવે છે."

સીમા રાયનો ઈશારો અમારી પહેલી સ્ટોરી તરફ હતો, જેમાં એક સ્ત્રીએ તેની 'જાતીય ઇચ્છા'ની વાત કરી હતી.

આવા મુદ્દે સ્ત્રીઓના વિચારને મહત્ત્વ આપવામાં આવતું નથી એ તો આપ જાણો જ છો.

મહત્ત્વ આપવાની વાત બાજુ પર મૂકો, આવી ઇચ્છા માત્ર મર્દોને જ થાય એવું માનવામાં આવે છે.

સંખ્યાબંધ મહિલાઓને એ સ્ટોરીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું હશે એ દેખીતું છે.

વીરાસની બઘેલ નામની એક મહિલાએ એવી કૉમેન્ટ કરી હતી, "આ ભલે ગમે તે મહિલાની કથા હોય, પણ એ સમાજને એક અલગ દર્પણ દેખાડે છે."

line

મહિલાઓની સત્યકથાઓ

સાંકેતિક રેખાંકન

વીરાસની બઘેલે એવું પણ જણાવ્યું હતું, "ખામી દરેક વખતે મહિલામાં જ નથી હોતી, પુરુષોમાં પણ હોય છે એ સાબિત થાય છે અને સમાજે તેના ખોટા દૃષ્ટિકોણના ચશ્મા ઉતારવાની જરૂર છે."

અમે સત્યકથાઓ રજૂ કરી રહ્યા છીએ, પણ તેની સાથે સંકળાયેલી સ્ત્રીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે, કારણ કે સમાજ અને એ સ્ત્રીને જાણતા લોકોનો પ્રતિભાવ કેવો હશે તેનો ડર છે.

તેમ છતાં આ સ્ટોરીઓને વાંચતી મહિલાઓ બેધડક પ્રતિભાવ આપી રહી છે.

પૂનમ કુમારી ગુપ્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું, "લોકો કેટલા બદલાશે એ તો ખબર નથી, પણ સ્ત્રીઓની પોતાની કુંઠા કદાચ ઓછી થશે."

અમે જે રજૂ કરી રહ્યા છીએ એ કથાઓ દુઃખ અને ફરિયાદોની નથી.

એ કથાઓ સામાજિક દબાણ, પારિવારિક મર્યાદા અને સ્ત્રી હોવાને નાતે નક્કી થયેલી ભૂમિકાના બંધન તોડીને પોતાના મનની વાત સાંભળવાની છે.

તેથી આ કથાઓ વાંચીને કોઈની કુંઠા ઓછી થઈ રહી છે તો કોઈને જિંદગી અલગ રીતે જીવવાની હિંમત મળી રહી છે.

line

સ્ત્રીઓના દિલ-દિમાગને જાણવાની તક

સાંકેતિક રેખાંકન

શારીરિક સંબંધ બાંધ્યા વિના વર્ષોથી સાથે રહેતી બે સ્ત્રીઓ વિશેની અમારી બીજી કથા વિશે મીનાક્ષી ઠાકુરે સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો હતો.

મીનાક્ષી ઠાકુરે લખ્યું હતું, "પોતાની રીતે જીવવાની હિંમત બધામાં નથી હોતી, પણ આ બન્નેએ એ કરી દેખાડ્યું છે."

અતિયા રહેમાને જણાવ્યું હતું, "તમે જે કરી રહ્યા છો તેનું કારણ શું છે અને તમે ખરેખર શું ઇચ્છો છો તેનું સત્ય તમે જાણતા હો, ત્યારે આવી કથાઓ બનતી હોય છે."

આપણા સમાજમાં સ્ત્રીઓને તેની પોતાની ચાહત જાણવાની, ખુદને ઓળખવાની અને જાતને મહત્વ આપવાની શિખામણ સામાન્ય રીતે આપવામાં આવતી નથી.

કદાચ એટલે જ 12 સામાન્ય સ્ત્રીઓની કથા કહેતી અમારી શ્રેણીમાં વાચકોને આટલી દિલચસ્પી છે.

મહિલાઓ માટે ખુદને તથા પુરુષોને સ્ત્રીઓના મનની વાત જણાવવાની આ તક છે.

બળવાખોર વલણની બે વધુ બેધડક કથાઓ આગામી શનિ અને રવિવારે રજૂ કરીશું.

તેને વાંચજો અને જણાવજો કે એ કથાઓએ તમારા મનને ડરાવ્યું કે તમારી હિંમત વધારી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો