કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવા રાજ્યપાલે મંજૂરી આપી, કૉંગ્રેસ અને ભાજપે શું કહ્યું?

સિદ્ધારમૈયા, કર્ણાટક, કૉંગ્રેસ, ભાજપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બેંગલુરુથી, બીબીસી માટે

કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા સામે જમીન સાથે જોડાયેલા એક ભ્રષ્ટાચારના મામલામાં કેસ ચાલશે. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

સિદ્ધારમૈયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર છે. જ્યારે કૉંગ્રેસ સરકારના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ તેને મોદી સરકારનો રાજકીય બદલો ગણાવ્યો હતો.

ભાજપ આ મામલે સિદ્ધારમૈયાના રાજીનામાની માગ કરી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે કૉંગ્રેસે રાજ્યપાલના નિર્ણય પર સવાલ ઉઠાવવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ.

આ મામલો મૈસૂર શહેરી વિકાસ પ્રાધિકારણ (મૂડા) તરફથી સિદ્ધારમૈયાનાં પત્ની પાર્વતીને આપવામાં આવેલી જમીન સાથે જોડાયેલો છે.

સિદ્ધારમૈયાએ કહ્યું, “રાજીનામાનો સવાલ જ નથી”

સિદ્ધારમૈયા, કર્ણાટક, કૉંગ્રેસ, ભાજપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યપાલ તરફથી નોટિસ જાહેર થયા બાદ સિદ્ધારમૈયાએ તેમની કૅબિનેટના સહયોગીઓ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બંધબારણે બેઠક કરી હતી.

એવા સંકેતો મળી રહ્યા છે કે તેઓ મુખ્ય મંત્રીની ખુરશી નહીં છોડે. તેના પાછળનું સૌથી મોટું કારણ રાહુલ ગાંધી સાથેની તેમની મુલાકાત પછી તેમને મળી રહેલું હાઇકમાન્ડનું સમર્થન છે.

આ મામલે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતાં મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, "મારા રાજીનામાનો કોઈ પ્રશ્ન જ નથી. પાર્ટી મારી સાથે છે, કૅબિનેટ મારી સાથે છે અને આખી સરકાર મારી સાથે છે. આ ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ છે. આ એક રાજકીય કાવતરું છે."

તેમણે કહ્યું કે રાજ્યપાલે ખનનકામના કેસમાં લોકાયુક્તની તપાસ બાદ કેન્દ્રીય મંત્રી અને જનતા દળ (સેક્યુલર) નેતા એચડી કુમારસ્વામી, ભાજપના નેતાઓ શશિકલા જોલે અને જનાર્દન રેડ્ડી સામે કેસ ચલાવવાની મંજૂરી આપી ન હતી.

રાજ્યના નાયબ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે "કૉંગ્રેસ પાર્ટી કાયદાકીય અને રાજકીય એમ બંને માધ્યમથી આની લડાઈ લડશે. સમગ્ર મંત્રીમંડળ અને પાર્ટી મુખ્ય મંત્રીની પાછળ મક્કમતાથી ઊભી છે. તેઓ મારા મુખ્ય મંત્રી છે. તેમના રાજીનામાનો કોઈ સવાલ જ નથી. તેઓ મારા મુખ્ય મંત્રી રહેશે અને અમે તેમની ઇચ્છા મુજબ કર્ણાટકના લોકોની સેવા કરવાનું ચાલુ રાખીશું."

તેમણે કહ્યું, "ભાજપ આ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય મંત્રીઓ કહી રહ્યા છે કે તેઓ સરકારને ઊથલાવી દેશે. આ સંપૂર્ણ રીતે રાજકીય મુદ્દો છે. મને એ કહેતાં દુઃખ થાય છે કે ભાજપે રાજ્યપાલનો દુરુપયોગ કર્યો છે."

કૉંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે બીબીસી હિન્દીને કહ્યું હતું, "આ રાજનીતિથી પ્રેરિત છે. તેઓ ગરીબોની સેવા કરતા એક પછાત વર્ગના વ્યક્તિને પરેશાન કરી રહ્યા છે. હરિપ્રસાદ સિદ્ધારમૈયાના ટીકાકાર હોવાનું કહેવાય છે.”

ફરિયાદમાં શું કહેવામાં આવ્યું છે?

સિદ્ધારમૈયા, કર્ણાટક, કૉંગ્રેસ, ભાજપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડીકે શિવકુમાર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કેસમાં ફરિયાદી ઍક્ટિવિસ્ટ ટી.જે. અબ્રાહમ, પ્રદીપ એસ.પી. અને સ્નેહમયી ક્રૃષ્ણા છે.

તેમને મોકલવામાં આવેલા સંયુક્ત પત્રમાં રાજ્યપાલના વિશેષ સચિવે લખ્યું છે કે, “રાજ્યપાલની સૂચના મુજબ, હું સંબંધિત સત્તાવાળાઓને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023ની કલમ 17 હેઠળ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ અરજીમાં નોંધાયેલા કથિત અપરાધો સામે કાર્યવાહીને મંજૂરી આપવા વિનંતી કરું છું. આ સાથે જ હું સંબંધિત ઑથૉરિટીના નિર્ણયની એક નકલ જોડું છું."

આ તમામ ફરિયાદોમાં એક કૉમન વાત એ છે કે મુખ્ય મંત્રીનાં પત્ની પાર્વતીને મૈસૂરના વિજયનગરમાં 14 જગ્યાઓ આપવામાં આવી હતી. આ જગ્યા તેમને કેસારે ગામમાં 3.16 એકર જમીનના બદલામાં આપવામાં આવી હતી. તેના પર MUDA એ અનધિકૃત રીતે કબજો કરેલો હતો.

સાદી ભાષામાં કહીએ તો મુખ્ય મંત્રીનાં પત્ની પાર્વતીની માલિકીની 3.16 એકર જમીન MUDA દ્વારા વિકાસ માટે લેવામાં આવી હતી અને વળતર તરીકે તેમને મૈસૂરના એક મોંઘા વિસ્તારમાં જમીન આપવામાં આવી હતી.

ફરિયાદીઓનો આરોપ છે કે તેમને આપવામાં આવેલી જમીનની કિંમત MUDA દ્વારા તેમની પાસેથી લેવામાં આવેલી જમીન કરતાં વધુ છે અને મુખ્ય મંત્રીએ છેતરપિંડી કરીને મોંઘી જમીન હસ્તગત કરી છે.

મુખ્ય મંત્રીની દલીલ છે કે આ મામલે કંઈ ખોટું થયું નથી. 50:50 યોજનાના લાભાર્થીઓમાં અન્ય ઘણા લોકોનો પણ સમાવેશ થાય છે જેમની જમીન પર MUDA દ્વારા અનધિકૃત રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના નિર્ણય બાદ MUDAએ 50:50 સ્કીમ લાગુ કરી હતી.

આ કેસમાં મુખ્ય ફરિયાદી ટી.જે. અબ્રાહમનો આરોપ છે કે આ 44.64 કરોડનું કૌભાંડ છે.

તેમણે બીબીસી હિન્દીને કહ્યું, "આ મામલામાં એફઆઈઆર નોંધવાનો રસ્તો સાફ થઈ ગયો છે હવે મારે નક્કી કરવાનું છે કે સીબીઆઈ તપાસ થશે કે નહીં."

2010માં ટી.જે. અબ્રાહમ ભાજપના કર્ણાટકના પ્રથમ મુખ્ય મંત્રી બીએસ યેદિયુરપ્પા સામે કેસ ચલાવવાની મંજૂરી મેળવવામાં પણ સફળ રહ્યા હતા.

રાજ્યપાલે કેસ ચલાવવાની મંજૂરી કેમ આપી?

સિદ્ધારમૈયા, કર્ણાટક, કૉંગ્રેસ, ભાજપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત

રાજ્યપાલના આ નિર્ણય અગાઉ મુખ્ય મંત્રી અને કૅબિનેટે એક પ્રસ્તાવ પાસ કર્યો હતો. તેમાં સિદ્ધારમૈયાને જારીને કરેલી કારણદર્શક નોટિસને પાછી લેવાની સલાહ અપાઈ હતી.

રાજ્યપાલે કેસ ચલાવવાના આદેશમાં કહ્યું, "કૅબિનેટ પ્રસ્તાવને સિદ્ધારમૈયાની જ કૅબિનેટ સહયોગીઓએ પાસ કર્યો છે, જેમની નિયુક્તિ તેમની સલાહ પર કરાઈ હતી. અને મંજૂરી સીધી મુખ્ય મંત્રી વિરુદ્ધ માગી હતી. એવામાં કૅબિનેટની સામે કારણદર્શક નોટિસ જારી કરવા (26 જુલાઈએ જારી થઈ હતી) અને તેમનું મને તેને પાછા લેવાની સલાહ આપવાની આસપાસની પરિસ્થિતિ... તેની મારા કાર્ય પર કોઈ અસર નહીં પડે."

તેમનું કહેવું છે કે આવી પરિસ્થિતિઓમાં મંત્રીઓના કૅબિનેટની સલાહથી બંધાવવાનો સવાલ જ પેદા નથી થતો, કેમ કે "મધ્ય પ્રદેશ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ વિરુદ્ધ સ્ટેટ ઑફ મધ્ય પ્રદેશ (2004) મામલામાં વિશેષ પરિસ્થિતિઓ દરમિયાન રાજ્યપાલની શક્તિઓ પર ચર્ચા અને તેનું નિર્ધારણ કરાયું છે."

રાજ્યપાલે કહ્યું કે તેમને સિદ્ધારમૈયા તરફથી આવેલા જવાબ, કાયદાકીય સલાહ સાથે મળેલી કૅબિનેટની સલાહમાં "એક જ પ્રકારનાં તથ્યો પર બે વર્ઝન પણ મળ્યાં છે."

તેમજ તેમણે કહ્યું કે તેમને બતાવાયું કે રાજ્ય સરકારે આ મામલે તપાસ માટે અગાઉ એક આઈએએસ અધિકારીની અધ્યક્ષતાવાળી સમિતિ બનાવી હતી અને બાદમાં સેવાનિવૃત્ત હાઈકોર્ટના એક ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ આયોગની રચના કરાઈ હતી. તેમનું માનવું છે કે "આટલું પૂરતું નથી".

રાજ્યપાલે પોતાના આદેશમાં કહ્યું કે "કેસમાં નિષ્પક્ષ અને પક્ષપાત વિના તપાસ થવી બહુ જરૂરી છે. હું પ્રથમ દૃષ્ટિએ આ વાતથી સંતુષ્ટ છું કે આરોપ અને તેની સાથે જોડાયેલા ચીજો ગુનો થવાનો ખુલાસો કરે છે."

તેમણે કહ્યું, "હું ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17એ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 218 હેઠળ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા સામે આવેલી અરજી (ટીજે અબ્રાહમ, પ્રદીપ અને સ્નેહમયી કૃષ્ણાએ ફરિયાદ આપી)માં બતાવેલા કથિત ગુનામાં કેસ માટે મંજૂરી આપું છું."

કૉંગ્રેસે કહ્યું, 'અમે લડીશું'

સિદ્ધારમૈયા, કર્ણાટક, કૉંગ્રેસ, ભાજપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી સાથે

ગત મહિને મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્ય મંત્રી ડીકે શિવકુમારે પાર્ટીના ટોચના નેતાઓ- રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સચિવ કેસી વેણુગોપાલ અને કર્ણાટકના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાથી મુલાકાત કરી હતી.

પાર્ટીનો ઈશારો હતો કે તેઓ આ મામલે લડશે.

બેઠક બાદ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું કે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વે સિદ્ધારમૈયાને કહ્યું કે તેઓ ભાજપના કાવતરા સામે આક્રમક વલણ અપનાવશે."

આ મામલે ડીકે શિવકુમારે શનિવારે એક પત્રકારપરિષદ ભરી હતી, જેમાં અનેક નેતાઓ હાજર હતા.

કાયદામંત્રી એચકે પાટીલે કેસ ચલાવવાની રાજ્યપાલની મંજૂરીને ગેરકાયદે અને અનૈતિક અને રાજકીય પ્રેરિત ગણાવી હતી.

તેમણે કહ્યું, "ગેરકાયદે નિર્ણયો માટે રાજ્યપાલ રાજભવનનો ઉપયોગ કરી રહ્યા છે. આ એટલા માટે છે કે સિદ્ધારમૈયાએ રાજ્યને પૈસા ન આપીને પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે 'અમારો ટૅક્સ, અમારો હક'."

આ મામલે રણદીપસિંહ સુરજેવાલાએ સોશિયલ મીડિયામાં કૉંગ્રેસનું નિવેદન જાહેર કર્યું છે.

પત્રકારપરિષદમાં રાજસ્વમંત્રી કૃષ્ણા બાયરે ગૌડાએ જણાવ્યું કે રાજ્યપાલે આપેલો નિર્ણય ગેરકાયદે કેમ છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી બધી રાજ્ય સરકારોને આપેલા એક આદેશમાં ઉલ્લેખ છે, જેમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17એ હેઠળ ફરિયાદ આવવા પર કેવી પ્રક્રિયાનું પાલન કરવાનું છે.

કેન્દ્ર સરકાર તરફથી આ દિશાનિર્દેશ ત્રણ સપ્ટેમ્બર, 2021માં જાહેર કરાયા હતા.

તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી કે કેન્દ્રીય મંત્રી સામે અભિયોજન ચલાવવા માટે મંજૂરી ડીજીપી રેન્કના અધિકારી તરફથી માગવામાં આવે છે.

તેમણે કહ્યું, "આમાં કેસ ચલાવવા માટે કોઈ પોલીસ અધિકારી કે ડીજીપીની મંજૂરી માગી હતી?"

ભાજપે શું કહ્યું?

સિદ્ધારમૈયા, કર્ણાટક, કૉંગ્રેસ, ભાજપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, JPNADDA/X

આ ધટનાને લઈને ભાજપના નેતાઓ પણ હમલાવર છે. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ જલ્દીથી મુખ્ય મંત્રીના રાજીનામાંની માગ કરી છે અને આ મામલે નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેને લઈને પોસ્ટ કરી છે.

તેમણે લખ્યું હતું કે, "કૉંગ્રેસ પાર્ટીના ભ્રષ્ટાચારની વિરાસત શરૂ છે. નેશનલ હેરાલ્ડથી લઇને મુડા સ્કેમ સુધી, કૉંગ્રેસ પાર્ટીનો ભ્રષ્ટાચારનો ઇતિહાસ પહેલેથી જ લખાયેલો છે. તેમણે વ્યક્તિગત લાભ માટે વારંવાર લોકોનો ભરોસો તોડ્યો છે. "

જેપી નડ્ડાએ લખ્યું છે કે, "નિર્ણયને ગેરકાયદેસર કહેવાને બદલે પોતાના કરેલા કામને ધ્યાનમાં લેવું જોઈએ. એક તરફ કૉંગ્રેસ પોતાને દલિતો અને લઘુમતીઓની રક્ષક ગણાવે છે અને બીજી તરફ તેમના જ મુખ્ય મંત્રી દલિત પરિવારો પાસેથી જમીન હડપ કરી રહ્યા છે. આ કૉંગ્રેસના દંભ અને તેના પરિવાર કેન્દ્રિત રાજકારણનું બીજું ઉદાહરણ છે.

બેંગલુરુ દક્ષિણના બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "સિદ્ધારમૈયાના પરિવાર દ્વારા કરવામાં આવેલા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિદ્ધારમૈયાના પુત્રએ પોશ વિસ્તારમાં 14 જગ્યાઓ પોતાની પત્નીના નામે લીધી હતી."

તેમણે કહ્યું કે આ કેસ નેશનલ હેરાલ્ડ કેસ અથવા રોબર્ટ વાડ્રા સામેના આરોપોથી બહુ અલગ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.