કેરળ : વાયનાડ ભૂસ્ખલનમાં આટલી મોટી તબાહીનાં મુખ્ય કારણો શું છે?

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી હિંદી માટે

તારીખ 30 જુલાઈ. કેરળના વાયનાડ જિલ્લાનું મુંડક્કઈ ગામ. સેલ્સમૅન અજય ઘોષને ‘ખૂબ જ મોટો’ અવાજ સંભળાયો.

તેઓ થોડાક સમય માટે સમજી ન શક્યા કે આ અવાજ શેનો હતો. ત્યાર બાદ અતિભારે વરસાદની સાથે કાદવનું મોટું પૂર વહેવા લાગ્યું.

કેરળના વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, ચુરલમાલા અને મલપ્પુરમ જિલ્લાના નીલાંબુર વન વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 178 લોકોનાં મોત થયાં છે અને 98 લોકો ગુમ છે.

બપોરે બેથી સાંજે ચાર વાગ્ય વચ્ચે થયેલા બે ભૂસ્ખલન એટલાં તીવ્ર હતાં કે તેની અસર 90 કિલોમીટર દૂર મલપ્પુરમ જિલ્લાના નીલાંબુર જંગલમાં પણ જોવા મળી. બચાવ કરનારા લોકોએ ત્યાંથી 30 મૃતદેહોને કાઢ્યા હતા.

માધવ ગાડગિલ રિપોર્ટમાં આ બધા જ વિસ્તારોને પર્યાવરણીય સંવેદનશીલ વિસ્તાર (ઈએસઝેડ) જાહેર કર્યો હતો. પશ્ચિમ ઘાટના પર્યાવરણ સાથે સંબંધિત આ રિપોર્ટ છે.

રિપોર્ટમાં એ વિસ્તારો વિશે જાણકારી આપવામાં આવી છે, તે અત્યંત સંવેદનશીલ, સંવેદનશીલ અને ઓછી સંવેદનશીલ છે.

આ રિપોર્ટનો કેરળ, કર્ણાટક અને તામિલનાડુનાં બધાં જ રાજકીય દળો અને રાજ્ય સરકારે સતત વિરોધ કર્યો છે.

છેલ્લાં વર્ષોમાં કેરળના આ વિસ્તારોમાં પ્લાન્ટેશન ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે.

અસરગ્રસ્ત લોકો રાહત છાવણીઓમાં રહે છે

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં દાવો કર્યો કે કેરળ સરકારને સમયથી પહેલાં જ 23 જુલાઈએ ઍલર્ટ કરવામાં આવી હતી.

જોકે, કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે વાયનાડમાં તારાજી સર્જાઈ તેના કલાકો પછી કેન્દ્ર સરકાર તરફથી સૂચના મળી હતી.

વિપક્ષી રાજકીય દળોના સંસદસભ્યોએ આરોપ લગાવ્યો કે સિસ્ટમ વધારે સારી હોત તો લોકોને મરતા બચાવી શકાયા હોત.

વાયનાડમાં થયેલા ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો રાહતછાવણીઓમાં રહેવા માટે મજબૂર બન્યા છે. આ રાહતછાવણીઓ ચુરલમાલાના ચાના બગીચા અને મુંડક્કઈમાં એલચીના બગીચાની આસપાસ બનાવવામાં આવી છે.

બીબીસી સાથેની વાતચીતમા મુંડક્કઈના સેલ્સમૅન અજય ઘોષે કહ્યું, “અમે રાત્રે લગભગ 1.50 વાગ્યે ભારે અવાજને કારણે ઊઠી ગયા. અમને અનુભવ થયો કે અમારી ચારે બાજુ ભારે પ્રમાણમાં કાદવ વહી રહ્યો છે. ભૂસ્ખલનની જ્યાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે હું તે જગ્યાથી માત્ર અડધો કિલોમીટર દૂર રહું છું.”

ચિંતિત દેખાતા ઘોષે કહ્યું, “હું ‘નસીબદાર’ છું કે ભૂસ્ખલનમાં મેં પોતાના પરિવારના કોઈ સભ્યને ગુમાવ્યા નથી, પરંતુ મારા ઘરની આસપાસ જ 40 લોકોનાં મોત થયાં છે.”

આ જગ્યા અડધા કિલોમીટરથી પણ ઓછા અંતરે છે, જ્યાં આટલાં મોત થયાં છે.

એક નાનકડા કસબા મુંડક્કઈમાં ચાના બગીચા પણ છે. પશ્ચિમ બંગાળ અને આસામથી ખેતમજૂરો મોટી સંખ્યામાં અહીં આવે છે.

બચાવ અભિયાનમાં બપોર પછી મુશ્કેલીઓ પડી હતી, કારણ કે મુંડક્કઈ અને ચુરલમાલાને જોડતો પુલ ભૂસ્ખલનમાં તૂટી પડ્યો હતો.

વાયનાડમાં પહેલાં પણ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે

વાયનાડ જિલ્લાના આ વિસ્તારમાં ભૂસ્ખલન કોઈ મોટી વાત નથી. ગાડગિલ રિપોર્ટમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે.

વર્ષ 2019માં ચુરલમાલા-મુંડક્કઈ વિસ્તારથી લગભગ 10 કિલોમીટર દૂર 17 લોકોનાં મોત થયાં હતાં.

કેરળ વન સંશોધન સંસ્થા (કેએફઆરઆઈ)ના એક રિપોર્ટમાં ખડકોમાં થઈ રહેલા ખાણકામને ભૂસ્ખલનનું કારણ ગણાવ્યું હતું.

વર્ષ 2018 અને 2019માં લગભગ 51 વખત ભૂસ્ખલનની જાણકારી મળી હતી.

તે સમયે પુથુમાલા-નીલાંબુર વિસ્તારમાં 34 સેન્ટિમીટર વરસાદ થયો હતો.

અભિલાષ એસ કોચ્ચિ યુનિવર્સિટી ઑફ સાઇન્સ ઍન્ડ ટેક્નોલૉજી સેન્ટર ફૉર અટમૉસ્ફેરિક રડાર રિસર્ચના ડાયરેક્ટર છે.

તેમણે બીબીસીને જણાવ્યું, “આ વખતે છેલ્લાં બે અઠવાડિયાંથી ચાલી રહેલા ભારે વરસાદ પછી મંગળવારે અતિ ભારે વરસાદ થયો હતો. તમે આ વાતને મુખ્ય કારણ ન માનો તો પણ આ એક કારણ જરૂર છે.”

તેમણે કહ્યું, “આખા વિસ્તારમાં 60-70 ટકા વધારે વરસાદ થયો છે. ખેડૂત સંગઠનો સહિત બધાં હવામાન સ્ટેશનોએ 34 સેમી વરસાદની સૂચના આપી હતી. વર્ષ 2019માં માત્ર એક જ દિવસમાં 34 સેમી વરસાદ થયો હતો.”

કેએફઆરઆઈના વૈજ્ઞાનિક ડૉક્ટર ટીવી સંજીવે નકશાની મદદથી જણાવ્યું કે ચુરલમાલાથી 4.65 કિલોમીટર અને મુંડક્કઈથી 5.9 કિલોમીટર દૂર ખાણકામ થઈ રહ્યું હતું.

ખાણકામ દૂર થયું છતાં ત્યાં એટલી અસર કેમ પડી?

ડૉ. સંજીવે બીબીસીને જણાવ્યું, “ખાણોમાં વિસ્ફોટને કારણે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, જેની અસર ગ્રેનાઇટ થકી દૂર સુધી ફેલાય છે. આ આખા વિસ્તાર ખાડા-ટેકરાવાળો અને વધારે પોચો છે. વિસ્તારમાં જે વસ્તુ સામાન્ય છે તે છે વનસ્પતિ.”

તેમણે કહ્યું, “હાલનાં વર્ષોમાં આવેલો એક નવો કાયદો બગીચાના એક ભાગનો ઉપયોગ અન્ય પ્રવૃત્તિઓ માટે મંજૂરી આપે છે. પરિણામે બગીચાના માલિકોનું ધ્યાન પર્યટનક્ષેત્ર તરફ વધ્યું અને માલિકોએ ત્યાં મોટી ઇમારતોનું નિર્માણ કરવાનું શરૂ કરી દીધું. આ માટે જમીનને સમથળ કરી પડે છે.”

ચાર વર્ષ પહેલાં તેમના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વાયનાડમાં 20થી વધારે પર્યટનસ્થળો છે, જ્યાં દર વર્ષે 25 હજાર વિદેશી અને એક લાખ સ્થાનિક પ્રવાસીઓ આવે છે.

ડૉક્ટર સંજીવે કહ્યું, “આપણા માટે ગાડગિલ રિપોર્ટ ખૂબ જ અગત્યનો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ સંવેદનશીલ જમીનનું મૅનેજમૅન્ટ અલગ રીતે થવું જોઈએ. આ વિસ્તારમાં અત્યંત સંવેદનશીલ, સંવેદનશીલ અને ઓછાં સંવેદનશીલ ક્ષેત્રો છે. દુખદ વાત એ છે કે બધી જ રાજકીય પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે.”

તેમણે ઉમેર્યું, “કેરળમાં મુશ્કેલીઓ એટલે વધી જાય છે, કારણ કે ત્યાંની જમીન વધારે નાજુક છે. ત્યાં ઊંડી ખાણ છે. જમીન એટલી પોચી થઈ ગઈ છે કે તે ભારે વરસાદને સહન કરી શકતી નથી. આમાંથી બહાર નીકળવાનો રસ્તો એ છે કે આપણી ઇકૉસિસ્ટમ ખરેખર સારી છે કે નહીં તેની ખાતરી કરવી. અને જો એમ હોય તો તે કોઈ પણ પ્રકારના જળવાયુ પરિવર્તનને નિયંત્રિત કરી શકે છે.”

વાયનાડ ડુંગરાળ વિસ્તાર છે

ડૉ. સંજીવે એક રિસર્ચ પેપર માટે 2017માં ગ્રેનાઇટની ખાણની ઓળખ કરી હતી.

બે વર્ષ પછી ભૂસ્ખલન વિસ્તારોની પણ ઓળખ કરી હતી.

માધવ ગાડગિલ પૅનલે જે 31 જગ્યા પર ભૂસ્ખલન થયું તેની ઓળખ કરી હતી. ત્યાર બાદ ડૉ. કે કસ્તૂરીરંગનની અધ્યક્ષતાવાળા ઉચ્ચસ્તરીય વર્કિગ ગ્રૂપે પણ તેની ઓળખાણ કરી હતી.

વાયનાડ એક ડુંગરાળ જિલ્લો છે, જે પશ્ચિમ ઘાટમાં આવે છે.

અહીં અનેક જનજાતિઓ જોવા મળે છે. તેની સીમા ઉત્તરમાં કર્ણાટકના કોડાગુ અને મૈસૂર જિલ્લાથી ઉત્તરપૂર્વમાં તામિલનાડુના નીલગિરિ જિલ્લા સાથે લાગેલી છે.

તેની દક્ષિણે મલપ્પુરમ, દક્ષિણ પશ્ચિમમાં કોઝિકોડ અને ઉત્તર પશ્ચિમમાં કન્નૂર છે.

પશ્ચિમી ઘાટનો વિસ્તાર

ગુજરાત : 449 વર્ગ કિલોમીટર

મહારાષ્ટ્ર : 17, 348 વર્ગ કિલોમીટર

ગોવા : 1,461 વર્ગ કિલોમીટર

કર્ણાટક : 20, 668 વર્ગ કિલોમીટર

તામિલનાડુ : 6, 914 વર્ગ કિલોમીટર

કેરળ : 9,993 વર્ગ કિલોમીટર

એટલે કે પશ્ચિમી ઘાટનું કુલ ક્ષેત્ર 56 હજાર 825 વર્ગ કિલોમીટર છે.

13 વર્ષથી રાહ જોવાઈ રહી છે

આ વાતને 13 વર્ષ થઈ ગયાં છે. ગાડગિલ રિપોર્ટે પશ્ચિમ ઘાટને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ વિસ્તાર ગણાવ્યો હતો.

આ વાતની માહિતી પછી ઘાતક માનવીય પ્રવૃત્તિઓ પર રોક લગાવવી જરૂરી બની જાય છે.

કેન્દ્ર સરકારે માર્ચ 2014થી અત્યાર સુધી નોટિફિકેશનના પાંચ ડ્રાફ્ટ જાહેર કર્યા છે. જોકે, અંતિમ ડ્રાફ્ટ હજુ સુધી જાહેર થયો નથી.

આ પાછળ મુખ્ય કારણ બે પાડોશી રાજ્ય કેરળ અને કર્ણાટકનો વિરોધ છે. કર્ણાટક ઇચ્છે છે કે ડ્રાફ્ટ પાછો લેવો જોઈએ, કારણ કે તેને લીધે લોકોની રોજગારી પર અસર પડશે.

આ મુદ્દે શિથિલતાને કારણે વૃક્ષો કાપવાં, ખાણકામ અને ઇમારતોનું બાંધકામ જેવી પર્યાવરણીય રીતે જોખમી માનવ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.

આના કારણે જમીન સંતૃપ્ત થઈ ગઈ છે અને પર્વતોમાં અસ્થિરતા છે. ડૉ. સંજીવ આને ભૂસ્ખલનનું મુખ્ય કારણ માને છે.