You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બેરીલ વાવાઝોડાએ 90 ટકા ટાપુને બરબાદ કરી નાખ્યો, જ્યાં જુઓ ત્યાં તબાહી
"બેરીલ વાવાઝોડાએ યુનિયન આઇલૅન્ડ પર આવેલા મારા સુંદર ઘરને ભારે પવનથી તબાહ કરી નાખ્યું."
આ શબ્દો છે કૅટરીના કૉયના જે વાવાઝોડાની ભયંકર અસર છતાં પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં, પરંતુ તારાજીનાં દૃશ્યો તેમની નજર સામે હતાં.
તેમણે કહ્યું કે સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ નજીક સ્થિત આ ટાપુ પર આવેલી લગભગ દરેક ઇમારત ધરાશાયી થઈ ગઈ છે અથવા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે. કૉયે એક વીડિયો મૅસેજમાં કહ્યું, “બેરીલ વાવાઝોડાને કારણે યુનિયન આઇલૅન્ડની સ્થિતિ અત્યંત ખરાબ છે. ટાપુના લગભગ તમામ લોકો ઘરવિહોણા બની ગયા છે.”
“કોઈ પણ ઇમારતો બચી નથી. ઘરો જમીનદોસ્ત થઈ ગયાં છે. રસ્તાઓ બંધ છે અને વીજળીના થાંભલાઓ શેરીઓમાં પડ્યા છે.”
માછીમાર સેબેસ્ટિયન સૅલી પણ આ વાત સાથે સહમત છે. તેમણે કહ્યું, “બધું જ બરબાદ થઈ ગયું છે. મારી પાસે રહેવા માટે હવે કોઈ જગ્યા નથી.”
સૅલી યુનિયન આઇલૅન્ડ પર વર્ષ 1985થી રહે છે અને તેમણે 2004માં આવેલા 'ઇવાન' વાવાઝોડાને પણ જોયું હતું. જોકે, તેમણે કહ્યું કે બેરીલ વાવાઝોડાનું સ્તર ખૂબ જ ભયાનક હતું. “એવું લાગે છે કે કોઈ ટોર્નેડો અહીંથી પસાર થયો હતો. ટાપુનો 90 ટકા હિસ્સો ધોવાઈ ગયો છે.”
આઘાત અને ભયની તીવ્રતા તેમના અવાજમાં સ્પષ્ટ જોવા મળતી હતી. “હું મારી પત્ની અને દીકરી સાથે એક સલામત સ્થળે હતો અને સાચું કહું તો મને ભરોસો ન હતો કે અમે બહાર નીકળીશું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“કોઈને અંદાજો ન હતો કે વાવાઝોડું આટલું તીવ્ર હશે, બધા જ લોકો શોકમાં છે.”
તેમનાં બહેન એલિઝી પોતના પરિવાર સાથે એક હોટલ ચલાવે છે. તેમણે બેરીલ વાવાઝોડું પોતાના શહેરમાંથી પસાર થયું તે સમયના ભયાવહ અનુભવનું વર્ણન કર્યું.
તેમણે કહ્યું કે ભારે પવનને કારણે દરવાજા અને બારીઓ ખૂલી ન જાય તે માટે ઘરના ફર્નિચરને દરવાજા આડે રાખવું પડ્યું.
“વાવાઝોડાનું દબાણ અત્યંત તીવ્ર હતું કે તમે પોતાના કાન પર અનુભવી શકો. અમે છત તૂટવાની અને બીજી ઇમારત સાથે અથડાવાનો અવાજ સાંભળી શકતાં હતાં. બારીઓ તૂટી ગઈ હતી અને પાણી ભરાઈ ગયાં હતાં.”
“કોઈને અંદાજો નહોતો કે વાવાઝોડું આટલું તીવ્ર હશે, બધા જ લોકો શોકમાં છે.”
માછીમારની સાથે-સાથે એક ખેડૂત સેબેસ્ટિયનનાં બે ખેતર અને મધપુડા પણ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયાં છે.
જોકે, તેમણે કહ્યું કે લોકોની હાલની પ્રાથમિકતા આશ્રયની છે. લોકો પોતાના પરિવારને રહેવા માટે કોઈ રીતે અસ્થાયી ઘર બનાવવા માટે લાકડા અને પ્લાસ્ટિકની ચાદરો એકઠી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તેમણે કહ્યું, “અલબત્ત, પાણી અને ખોરાક શોધવો ખૂબ જ મુશ્કેલ છે.”
એલિઝી સૅલીએ કહ્યું કે ટાપુ પર કેટલીક બીજી વસ્તુઓની પણ તાત્કાલિક જરૂર છે જેમ કે ડબ્બામાં બંધ ખાદ્ય પદાર્થો, દૂધનો પાઉડર, પ્રાથમિક સારવાર માટેની કિટો, ટૅન્ટ અને સેનિટરી પ્રોડક્ટ. આ ઉપરાંત જનરેટર પણ.
વીજળી અને સંચારવ્યવસ્થા હજી પણ ઠપ થવાને કારણે ઍલિઝી માત્ર એલન મસ્કના 'સ્પેસએક્સ' દ્વારા શરૂ કરાયેલા સ્ટારલિંક નેટવર્ક સાથે જોડાઈને જ પોતાનો મૅસેજ મોકલી શક્યાં હતાં.
“ભારે નુકસાન થયું હોવા છતાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમે જીવતા છીએ.”
સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સની સરકારે કહ્યું છે કે સરકાર આ મુશ્કેલીઓની ગંભીરતા સમજે છે.
સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સના વડા પ્રધાન રાલ્ફ ગૉન્ઝાલ્વેસેએ પોતાના સંબોધનમાં કૅરેબિયન રાષ્ટ્રમાં વ્યાપેલા આઘાતને વાચા આપી હતી. તેમણે કહ્યું, “ખતરનાક અને વિનાશકારી વાવાઝોડા બેરીલ પસાર થઈ ગયું, પરંતુ પોતાની પાછળ ભારે તારાજી છોડી ગયું. અમારો આખો દેશ દુખી છે.”
તેમણે વાયદો કર્યો છે કે વાવાઝોડા પછીની પ્રાથમિકતાઓની લાંબી સૂચિનો ઉકેલ લાવવા માટે વહીવટી તંત્ર શક્ય તેટલી ઝડપથી પ્રતિસાદ આપશે.
જોકે, યુનિયન આઇલૅન્ડમાં શંકા છે કે શું સરકાર પાસે આ ત્રાસદીમાંથી લોકોને બહાર કાઢવા માટે જરૂરી ધન, સંસાધનો અને માનવબળ છે?
સેબેસ્ટિયને કહ્યું, “મને આશા છે કે અમારી મદદ માટે સેના અને કૉસ્ટગાર્ડને મોકલાશે. મને ખબર નથી કે તેઓ ટાપુનું પુનર્નિર્માણ કરી શકશે કે કેમ? જોકે, મને લાગે છે કે લોકો નહીં કરી શકે. ટાપુને ફરીથી ઊભો કરવા માટે કરોડો રૂપિયાની જરૂર છે અને આ માટે એકથી વધારે વર્ષ લાગશે અને આંતરરાષ્ટ્રીય મદદની જરૂર પડશે.”
'યુનિયન આઇલૅન્ડ ઍન્વાયર્નમેન્ટલ અલાયન્સ'નાં નિદેશક કૅટરીના કૉયે કૅરેબિયન સમુદાયના લોકોને શક્ય હોય તેવી દરેક પ્રકારની મદદ કરવાની અપીલ કરી છે.
“અમને મદદની અત્યંત જરૂર છે. ઇમરજન્સી કિટ, ખોરાક, અને લોકોના સ્થળાંતરની હાલમાં જરૂર છે.”
યુનિયન આઇલૅન્ડની પાણીની સૂરક્ષા માટે કૉયે વર્ષો સુધી મહત્ત્વપૂર્ણ કામો કર્યાં છે. પાણીની સૂરક્ષા કૅરેબિયન આઇલૅન્ડના નાના સમુદાયો માટે એક મહત્ત્વપૂર્ણ બાબત છે.
જોકે, તેમના આંતરરાષ્ટ્રીય સહયોગીએ ખૂબ જ દુખ સાથે જણાવ્યું કે બેરીલ વાવાઝોડાને કારણે તેમનું કામ બરબાદ થઈ ગયું છે.
બેરીલ વાવાઝોડું સોમવારે અથડાયું ત્યારે પવનની ગતિ લગભગ 240 કિલોમીટર પ્રતિ કલાકની હતી. એ બાદ હજારો લોકો પાસે વીજળીવગરના છે અને કેટલાક લોકો સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, ગ્રેનેડા અને સેન્ટ લૂસિયામાં અસ્થાયી રહેઠાણોમાં રહી રહ્યાં છે.
ટાપુ પર થયેલી ભયંકર તારાજી છતાં સેબેસ્ટિયને કહ્યું કે ગનિમત છે કે સ્થિતિ વધારે ખરાબ નથી બની.
“ભારે નુકસાન થયું હોવા છતાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમે જીવતા છીએ.”
"અમે જેમાંથી પસાર થયા એની શક્તિની શાહેદી પૂર્યા બાદ આજે મારા પડોશીઓને હજી પણ અહીં જોઈને આનંદ થયો છે."