You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2023નો ઉનાળો 2000 વરસમાં સૌથી ગરમ હતો, પ્રાચીન વૃક્ષો પરથી ખબર પડી
- લેેખક, મૅટ મેકગ્રા અને માર્ક પૉયન્ટિંગ
- પદ, બીબીસી
અતિપ્રાચીન વૃક્ષોની ડાળીઓમાં છુપાયેલા સંકેતોએ એ રહસ્ય છતું કર્યું છે કે ગત વર્ષનો ઉનાળો એ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં છેલ્લાં 2000 વર્ષમાં સૌથી ગરમ હતો.
જળવાયુ પરિવર્તનને કારણે 2023 ના વર્ષને 1850 પછી પૃથ્વી પરનું સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું.
પરંતુ ‘ટ્રી રિંગ્સ’ (વૃક્ષનાં થડમાં દર વર્ષે બનતા અને તેની ઉંમર દર્શાવતાં વલયો), જે તાપમાનના વિક્ટોરિયન સાયન્ટિફિક રેકર્ડ્સ કરતાં પણ વધુ જૂની માહિતી રેકર્ડ કરે છે તે જણાવે છે કે ગયા વર્ષનું તાપમાન એ કેટલું અતિશય વધારે હતું.
સંશોધકોનું કહેવું છે કે ગત વર્ષના જૂન, જુલાઈ અને ઑગસ્ટમાં તાપમાન બે હજાર વર્ષ પહેલાંના સૌથી ઠંડા ઉનાળા કરતાં લગભગ 4 ડિગ્રી સેલ્શિયસ વધુ ગરમ હતું.
‘ટ્રી રિંગ્સ’ પરથી કઈ રીતે સંશોધન થયું?
હવામાન વૈજ્ઞાનિકોએ વારંવાર કહ્યું છે કે વિશ્વનું સરેરાશ તાપમાન છેલ્લા કેટલાક દાયકાઓમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે. યુએનની ક્લાઇમેટ સંસ્થા અનુસાર, છેલ્લે વિશ્વમાં સતત આટલી ગરમી એક લાખ વર્ષ પહેલાં જોવા મળી હતી.
આ તારણો બરફનાં સ્તરો અને ઊંડા સમુદ્રના કાંપ જેવા રેકર્ડમાંથી આવે છે, જેનાથી પૃથ્વીના ભૂસ્તરશાસ્ત્રીય ભૂતકાળનો સારો અંદાજ મળી શકે છે. પરંતુ તેનાથી ચોક્કસ વર્ષો અથવા તો દાયકાઓ વિશે જાણી શકાતું નથી.
આવી પરિસ્થિતિમાં ‘ટ્રી રિંગ’ અગત્યનાં સાબિત થાય છે. તે માત્ર વૃક્ષોની ઉંમર જ નહીં પરંતુ દર વર્ષે વાતાવરણમાં આવતા પરિવર્તનની પણ ઝીણવટભરી માહિતી નોંધે છે.
યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજમાં ઍન્વાયરમૅન્ટલ સિસ્ટમ્સ એનાલિસિસના પ્રોફેસર અને આ સંશોધનના સહલેખક ઉલ્ફ બંજનનું પણ કહેવું છે કે આ જ ‘ટ્રી રિંગ રેકર્ડ્સ’ ની ખાસિયત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૈજ્ઞાનિકોએ યુરોપિયન આલ્પ્સથી રશિયન અલ્તાઈ પર્વતો સુધીના જીવંત નમૂનાઓ તેમજ અશ્મિઅવશેષોનું પણ અવલોકન કર્યું હતું. તેમણે ઊંચાઈ પર રહેલાં વૃક્ષો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જ્યાં ઉનાળાની અસર સૌથી વધુ સ્પષ્ટપણે અનુભવાય.
આવાં સ્થળોએ સામાન્ય રીતે ગરમ વર્ષોમાં જ્યારે ‘ટ્રી રિંગ્સ’ પહોળી હોય છે કારણ કે તેની વધુ વૃદ્ધિ થાય છે. ઠંડાં વર્ષોમાં આ રિંગ્સ પાતળી હોય છે.
નવ સૌથી લાંબી તાપમાન-સંવેદનશીલ ‘ટ્રી રિંગ’ની ક્રૉનૉલૉજીનો ઉપયોગ કરીને સંશોધકોએ ઉષ્ણકટિબંધની બહાર આવેલાં વિશ્વના ઉત્તર ગોળાર્ધ માટે બે સહસ્ત્રાબ્દી (બે હજાર વર્ષ) પહેલાંના ઉનાળાના તાપમાનનું એક પ્રાથમિક ચિત્ર ઊભું કર્યું હતું.
આટલા મોટા ડેટાસેટનો ઉપયોગ કરીને, ગોળાર્ધના વિવિધ ભાગોમાં હજારો વૃક્ષોને ધ્યાનમાં લીધાં બાદ સંશોધકોને વધુ વિશ્વાસ આવ્યો હતો કે તેમનો રેકર્ડ સ્થાનિક વિક્ષેપોને કારણે અથવા તો વૃક્ષમાં થતાં રોગને બદલે ખરેખર તાપમાનમાં કેવી રીતે બદલાવ આવ્યો છે તે પ્રતિબિંબિત કરે છે.
સંશોધકોએ લાંબાગાળાનો ‘ટ્રી રિંગ’નો રેકર્ડ પણ હાલના તાપમાન સાથે આલેખ્યો છે.
તેમને માહિતી મળી છે કે 2023નો ઉનાળો એ 1850—1900 ના ઔદ્યોગિક યુગ પહેલાંના સમયગાળા કરતાં 2.07 ડિગ્રી સેલ્શિયસ વધુ ગરમ હતો.
રેકર્ડ પ્રમાણે સૌથી ઠંડા ઉનાળા સાથે તેની સરખામણી કરવામાં આવે તો 2023નો ઉનાળો 3.93 ડિગ્રી વધુ ગરમ હતો. એ વર્ષ 536નું હતું.
વૈશ્વિક સ્તરે વાતાવરણ ગરમ થઈ રહ્યું છે?
ઘણા અન્ય ઠંડા વર્ષોની જેમ, 536માં પણ મોટા જ્વાળામુખી વિસ્ફોટથી અસર થઈ હતી. જ્વાળામુખીને કારણે વાતાવરણમાં વધુ સલ્ફરનો ઉમેરો થયો હતો. તેના કારણે વાતાવરણ ઠંડું થાય છે.
જ્વાળામુખીની પ્રવૃત્તિને ઠંડા વાતાવરણના સમયગાળા સાથે પણ આ સંશોધનમાં જોડવામાં આવી છે. જેમકે છઠ્ઠી સદીમાં ‘લિટલ ઍન્ટિક લિટલ આઈસ એજ’ અને ‘લિટલ આઇસ એજ’નો સમયગાળો હતો જે લગભગ વર્ષ 1350થી 1850 સુધીનો ગણાય છે.
ઔદ્યોગિકીકરણ પહેલાં ‘ટ્રી રીંગ’ના પુનઃનિર્માણનો સમયગાળો હતો. જેમાં સૌથી ગરમ ઉનાળો વર્ષ 246નો હતો. પરંતુ સંશોધકો કહે છે કે એ ઉનાળો પણ તાજેતરની ગરમીની નજીક આવતો નથી.
ઘણી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને સંશોધકો કહે છે કે 2023ના ઉનાળાએ કુદરતી આબોહવાની વિવિધતાની આ શ્રેણીને પણ ઓછામાં ઓછા 0.5 ડિગ્રી સેલ્શિયસથી તો વટાવી જ દીધી હતી.
સંશોધકો કહે છે કે ‘ટ્રી રીંગ’થી મળેલી માહિતી એ આપણી આસપાસ બદલાતી આબોહવામાં વિશે આપણી પાસે જેટલી જાણકારી છે તેમાં મોટો ઉમેરો છે.
1850-1900ના સમયગાળામાં પણ સમગ્ર વિશ્વમાં માત્ર 58 હવામાન મથકો હતાં. જે તાપમાન નોંધતા હતા. તેમાંથી 45 તો માત્ર યુરોપમાં જ હતાં.
આ સમયગાળામાં તાપમાનનું માપન જે પદ્ધતિઓથી કરવામાં આવ્યું હતું, તેના પરથી એવું પણ માની શકાય કે એ સમયગાળા દરમિયાનનું તાપમાન કદાચ વધુ પડતું અંદાજવામાં આવ્યું હોઈ શકે છે.
તાજેતરનો નવો અભ્યાસ સૂચવે છે કે જેટલું તાપમાન એ સમયમાં નોંધાયું હોય તેના કરતાં વિશ્વનું તાપમાન ઘણું ઓછું હોઈ શકે છે.
સંશોધકો કહે છે કે 2023માં થયેલા તાપમાનમાં વધારા માટે માનવપ્રવૃત્તિઓ પણ જવાબદાર છે. તેમના જણાવ્યા અનુસાર, અલ-નીનોની પરિસ્થિતિને કારણે પણ તાપમાનમાં વધારો થયો છે.
કુદરતી રીતે વાતાવરણની બદલાતી પૅટર્ન દર્શાવે છે કે પેસિફિક મહાસાગરની સપાટી પરનું પાણી ગરમ થઈ રહ્યું છે તથા વૈશ્વિક સ્તરે વાતાવરણ ગરમ થઈ રહ્યું છે.
17મી સદીમાં દક્ષિણ અમેરિકાના માછીમારો દ્વારા અલ-નીનો સૌપ્રથમ નોંધવામાં આવ્યો હતો. પરંતુ 'ટ્રી રીંગ' ડેટાથી એ ખ્યાલ આવે છે કે તે એ સમય પહેલાંનું છે.
તાજેતરના અલ-નીનોએ 2023ને રેકર્ડબ્રેક સૌથી ગરમ વર્ષ બનાવવામાં મદદ કરી હતી. તે 2024ના શરૂઆતના ભાગમાં પણ યથાવત્ રહ્યું છે. તેના કારણે 2024 પણ આ પહેલાંના તમામ રેકર્ડ તોડી શકે છે.
વધુ કાર્બન ઉત્સર્જન કરતાં વાયુઓ પર લગામની જરૂર
લેખકો કહે છે કે તેમના સંશોધનનો મુખ્ય નિષ્કર્ષ એ છે કે પૃથ્વી પર ગરમી વધારતાં વાયુઓના ઉત્સર્જનમાં ઝડપથી ઘટાડો કરવાની જરૂર છે.
જર્મનીની જોહાનિઝ ગુટેનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર જાન ઍસ્પરે જણાવ્યું હતું કે, "આપણે જેટલી લાંબી રાહ જોઈશું, તેટલું એ વધુ ખર્ચાળ થશે અને આ પ્રક્રિયાને નિયંત્રણમાં લાવવી વધુ મુશ્કેલ હશે."
તેમણે કહ્યું, "આ દીવા જેવી સ્પષ્ટ વાત છે."
“આપણે શક્ય તેટલું આ કામ વહેલું કરવું જોઈએ.