You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભૂતિયા તળાવ'માં અચાનક પાણી ક્યાંથી આવ્યું?
- લેેખક, મિયા ટેલર
- પદ, બીબીસી ન્યૂઝ
રેકૉર્ડ માત્રામાં પડેલા વરસાદ બાદ રોવિંગના પ્રેમીઓ કૅલિફોર્નિયામાં આવેલી ડેથ વેલી તરફ મોટી સંખ્યામાં પ્રયાણ કરી રહ્યા છે. તેમને આ વિશિષ્ટ તકને ઝડપી લેવી છે.
ફેબ્રુઆરી 19ના રોજ પરોઢિયે પેટ્રિક ડૉનેલી કૅલિફોર્નિયાના ડેથ વેલી નેશનલ પાર્કમાં આવેલા બેડવોટર બેસિન (નદીનો પટ)માં કેટલીક તસવીરો ખેંચવા માટે જાય છે.
ઉત્તર અમેરિકામાં આવેલો સૌથી લઘુતમ પૉઇન્ટ હોવાને કારણે બેસિન એ સામાન્ય રીતે તે સૂકો અને ખારી જમીનનો વિસ્તાર છે જે જ્યાં સુધી તમારી આંખ જોઈ શકે તેટલો પથરાયેલો છે.
પણ એ દિવસે ડૉનેલીએ જે જોયું તેનાથી તો જાણે કે તેના શ્વાસ જ થંભી ગયા.
ડૉનેલી કહે છે, “મેં મારી જાતને કહ્યું, ઓહ માય ગોડ! આ અદ્ભુત છે.” ડૉનેલી સેન્ટર ફૉર બાયોડાઇવર્સિટીના બેસિન ડાયરેક્ટર છે.
“ડેથ વેલી એ ઉત્તર અમેરિકામાં આવેલું સૌથી ગરમ અને સૂકામાં સૂકું સ્થળ છે. અને ઓચિંતુ જ તેમાં અબજો લિટર પાણી આવી જાય છે. આ જગ્યાનું સંપૂર્ણપણે પરિવર્તન થઈ ચૂક્યું છે.”
તળાવનું ઉદ્ભવસ્થાન
ડેથ વેલીના દક્ષિણ છેડે આવેલ બેડવોટર બેસિન એ હજારો વર્ષો પહેલાં અહીં જ આવેલા એક પ્રાચીન તળાવનો અવશેષ છે.
સામાન્ય રીતે ત્યાં સરેરાશ વર્ષનો બે ઈંચ વરસાદ આવે છે. પરંતુ છેલ્લા છ મહિનામાં અહીં પાંચ ઈંચથી પણ વધુ વરસાદ પડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેશનલ પાર્ક સર્વિસ પ્રમાણે મોટા ભાગનો વરસાદ આવવાનું કારણ અલગ છે. ઑગસ્ટ મહિનાની 20 તારીખે આવેલો 2 ઈંચ વરસાદ અને તાજેતરમાં ‘એટમસફેરિક રિવર્સ’ને કારણે આવેલો દોઢ ઈંચ વરસાદ એમ બે વખત વરસાદ આવ્યો હતો.
સામાન્ય રીતે ડેથ વેલીમાં પડેલા વરસાદના પાણીનું ઝડપથી બાષ્પીભવન થઈ જાય છે પરંતુ ડૉનેલીએ જોયું કે આ તળાવ અત્યારે તો 10 કિલોમીટર લાંબું અને પાંચ કિલોમીટર પહોળું થઈ ચૂક્યું છે. તે ‘લેક મેનલી’ તરીકે ઓળખાય છે.
નાસા દ્વારા આ વિસ્તારની અદ્ભુત તસવીરો લેવામાં આવી હતી જેમાં વરસાદ પહેલાં અને વરસાદ પછીની સ્થિતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તસવીરોમાં શુષ્ક, ઉજ્જડ પર્વતો અને રણના ટેકરાઓથી ઘેરાયેલી જમીન વચ્ચે ભૂરું પાણી દેખાય છે.
સતત વરસાદથી વિસ્તારથી આ વિસ્તાર ભીંજાયો હોવાથી આ તળાવ 12 ઈંચ ઊંડું થઈ ગયું છે. એટલે કે ડેથ વેલીના પ્રસિદ્ધ સૂકા લૅન્ડસ્કેપમાં હવે ‘કાયકિંગ’ જેવી વૉટર ઍક્ટિવિટી માટે પૂરતું પાણી છે.
ડૉનેલી કહે છે, “આ જોયા બાદ અમે તરત જ બીજે દિવસે શહેરમાં જવાનું નક્કી કર્યું જેથી અમે ઍક્ટિવિટી માટે બોટ ખરીદી શકીએ.”
બેડવોટર બેસિનથી સૌથી નજીકનું શહેર નેવાડામાં આવેલું પાહરુમ્પ છે, જે 130 કિલોમીટર છે.
એક વાર ત્યાં પહોંચ્યા પછી ડૉનેલીએ એક ફુલાવી શકાય તેવું કાયક ખરીદ્યું. રણની મધ્યમાં તાજેતરમાં ઊભી થયેલી આ દુર્લભ કાયકિંગની ઍક્ટિવિટીની તકનો માણવા માટે અમે તેને મેનલી તળાવ તરફ લઈ ગયા.”
"સંપૂર્ણપણે સ્પષ્ટ અને સ્થિર પાણી હતું. સૂર્ય પાણી પર ચમકતો હતો, અતિ સુંદર દૃશ્ય હતું."
તળાવનો પુન:ઉદ્ભવ
બેડવોટર બેસિનનું આ પ્રાચીન તળાવ સમુદ્રસપાટીથી લગભગ 85 મીટર નીચે આવેલું હતું જેનું હજારો વર્ષો પહેલાં જ બાષ્પીભવન થઈ ચૂક્યું હતું. 1849માં કૅલિફોર્નિયામાં સોનું શોધવા આવેલા લોકો પહેલાં જ આ તળાવ અદૃશ્ય થઈ ગયું હતું.
આ પ્રાગૈતિહાસિક કાળનું તળાવ અદૃશ્ય થયા પછી આ વિસ્તારમાં જથ્થાબંધ મીઠાના ઢગલા મળી આવતા હતા.
નેશનલ પાર્ક સર્વિસના રેન્જર ઍલ્યિસા લેટરમેન અનુસાર આ રીતે આ તળાવ સંપૂર્ણપણે ભરાઈ ગયું હોય તેવી ઘટના બે દાયકા પહેલાં બની હતી.
તેઓ સમજાવતા કહે છે, “અમારી પાસે આ તળાવની 2004થી 2005 સુધીની તસવીરો છે, જેમાં તળાવ આ રીતે જ ભરેલું દેખાય છે.”
પરંતુ અગનભઠ્ઠી બની ગયેલા આ વિસ્તારમાં લુપ્ત થયેલા તળાવની પુનઃપ્રાપ્તિ માટે બે દાયકા લાંબી રાહ જોવી પડી છે. અહીં તાપમાન તડકો ન હોય ત્યારે પણ 49 ડિગ્રી સુધી પહોંચે છે.
આ તક જોઈને પ્રવાસીઓએ જરાય સમય બગાડ્યો ન હતો અને તેઓ આ અસાધારણ ઘટનાનો મહત્તમ લાભ લઈ રહ્યા છે.
કાયકિંગ સિવાય પણ પ્રવાસીઓએ દરિયાકિનારે ખુરશીઓ ગોઠવી દીધી છે અને બાળકો સ્વિમસ્યૂટ પહેરીને તળાવમાં ડૂબકીઓ લગાવી રહ્યાં છે.
શું આ તળાવ કાયમ માટે હવે આવું રહેશે?
ડેથ વેલીમાં આ બધી વૉટર ઍક્ટિવિટી ક્યાં સુધી ચાલશે? કમનસીબે આ અનુભવ અલ્પજીવી રહેશે તેવું મનાય છે.
"તેનું ઝડપથી બાષ્પીભવન થઈ રહ્યું છે."
લેટરમેને કહ્યું, "અમને ખાતરી નથી કે તે કેટલો સમય રહેશે, પરંતુ તે અદૃશ્ય થઈ રહ્યું છે."
લેટરમેન મુજબ તળાવની ઊંડાઈ હવે માત્ર થોડાં વધુ સુધી જ અઠવાડિયાં માટે આ પ્રકારની ઍક્ટિવિટીની મંજૂરી આપી રહી છે.
પરંતુ તળાવ ખૂબ છીછરું થઈ ગયા પછી પણ ઓછામાં ઓછું થોડું પાણી બેસિનમાં રહેશે, જેના કારણે ઓછામાં ઓછા એપ્રિલ મહિના સુધી ફોટોગ્રાફરો અને મુલાકાતીઓ કેટલીક ખૂબ જ અલભ્ય તસવીરો ખેંચી શકશે.
લેટરમેને સમજાવે છે, "તે ખૂબ જ સુંદર સ્થળ છે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જ્યારે તમે તળાવની આસપાસના પર્વતોનાં સુંદર પ્રતિબિંબો તેમાં જુઓ છો ત્યારે તે અત્યંત ભવ્ય લાગે છે."
"પર્વતોની ટોચ પર બરફ છે. તેથી પાણીમાં બર્ફીલા પહાડોનું પ્રતિબિંબ ખૂબ જ મનમોહક દેખાય છે.
તેઓ કહે છે, "એવું નથી લાગતું કે તમે ડેથ વેલીમાં છો.”
થોડા દિવસો બાકી હોય કે થોડાં અઠવાડિયાં, ડૉનેલી ડેથ વેલીમાં પાણીની હાજરીનો મહત્તમ ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
તે આ અઠવાડિયે પછીના અઠવાડિયાને અંતે પણ ત્યાં પાછા ફરવાની યોજના ધરાવે છે.
"આ એવી વસ્તું છે જેનો હું શક્ય તેટલો અનુભવ કરવા માગું છું. એ કદાચ જીવનભરમાં એક વાર જોવા મળે તેવી વસ્તુ છે."