પૂર માટે જવાબદાર અધિકારીઓને 27 વર્ષ સુધીની જેલની સજા

    • લેેખક, સ્લિઝિયા સાલા તથા નતાશા બુટ્ટી
    • પદ, બીબીસી ન્યૂઝ

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લિબિયામાં કેટલાક ડૅમ તૂટી ગયા અને તેના કારણે દેરના શહેર તથા તેની આસપાસના વિસ્તાર પાણીમાં ધોવાઈ ગયા હતા.

જળબંબાકાર થવાને કારણે ચાર હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં તથા રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઊભા થયા હતા.

આ અંગે કેસ ચાલી જતા અદાલતે 12 અધિકારીઓને નવથી લઈને 27 વર્ષની સજા ફટકારી છે. આ અધિકારીઓએ ડૅમો તથા તેની જળસપાટીની જાળવણી કરવાની હતી.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ પ્રમાણે, દોષિત ઠરેલા અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી, ઇરાદાપૂર્વક હત્યા તથા પ્રજાના પૈસાના વેડફાટ જેવા આરોપ મૂકવામાં આવ્યા હતા.

સરકારી વકીલની કચેરીના જણાવ્યા પ્રમાણે, ગેરકાયદેસર રીતે નાણાં મેળવનારા ત્રણ શખ્સને પૈસા પરત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

જાન્યુઆરી મહિનામાં ડૅમોના તૂટવા વિશેનો અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક દાયકાના આંતરિક સંઘર્ષને કારણે ડૅમોની જાળવણી તથા નિયમન બાબતે ધ્યાન નહોતું અપાયું, જેના કારણે તે તૂટી ગયા હતા.

દેરનામાં દુર્ઘટનાના એક અઠવાડિયા બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે મૅયરનું ઘર સળગાવી દીધું હતું. એ પછી શહેરની કાઉન્સિલને ડિસમિસ કરી દેવામાં આવી હતી.

પૂરના કેટલાક દિવસો બાદ રહીશોએ બીબીસીની અરેબિક સેવાને જણાવ્યું હતું કે દેરનાના ખોટા વિસ્તારમાં પૂર આવશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી અને તે વિસ્તારોને ખાલી કરાવાયા હતા.

આ સિવાય બચાવી લેવાયેલા લોકોને માટે પૂરતી વ્યવસ્થા નહોતી કરવામાં આવી. આ સિવાય અમુક નિર્દેશોમાં નાગરિકોને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું હતું, તો અન્ય કેટલાકમાં કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી, આમ વિરોધાભાસી આદેશને કારણે નાગરિકોમાં અવઢવની સ્થિતિ ઊભી થઈ હતી.

સ્થાનિકોએ બીબીસીને જણાવ્યું હતું કે દરિયાઈસપાટી વધવાને કારણે સંખ્યાબંધ લોકોને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ પાછળથી એ વિસ્તારોમાં જ જોખમી હદે જળભરાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર-2023માં વાવાઝોડા ડેનિયલને કારણે પૂર્વોત્તર-લિબિયામાં 24 કલાકમાં 400 મીમી સુધીનો વરસાદ પડ્યો હતો. એ સમયના બીબીસી વૅરિફાયના રિપૉર્ટ પ્રમાણે, સામાન્ય રીતે આ વિસ્તારમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન દોઢ મીમી જ વરસાદ પડે છે, જેના કારણે આ વરસાદ અસામાન્ય હતો. લિબિયાના રાષ્ટ્રીય હવામાન મથકના કહેવા પ્રમાણે, સપ્ટેમ્બર-2023ના વરસાદે નવો રેકૉર્ડ બનાવ્યો છે.

લિબિયામાં મુઅમ્મર ગદ્દાફીએ લાંબા સમય સુધી શાસન કર્યું હતું. એ પછી દેશ સત્તાના સંઘર્ષમાં વહેંચાઈ ગયો છે. હાલમાં ત્યાં બે સરકાર છે, ત્રિપોલીની સરકારને સંયુક્ત રાષ્ટ્રોએ માન્યતા આપી છે, જ્યારે પૂર્વમાં જનરલ ખલિફા હફતારનું પ્રભુત્વ છે.