You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોવિશિલ્ડની કોરોનાની રસીથી લોહી ગંઠાતું હોવાનું ઍસ્ટ્રાઝૅનેકા કંપનીએ સ્વીકાર્યા બાદ, હવે કઈ વાત સામે આવી?
બ્રિટનમાં જેમી સ્કૉટ નામના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે ઍસ્ટ્રાઝૅનેકાની કોરોનાની રસીના કારણે તેમના મગજને પણ નુકસાન થયું છે. તેમના વકીલે બીબીસીને જણાવ્યું હતું કે આ ડ્રગ કંપનીએ પોતાના કાયદાકીય રસ્તાઓમાં પણ ઘણા ફેરફારો કર્યા છે.
ઍસ્ટ્રાઝૅનેકાએ કોર્ટમાં જમા કરાવાયેલા દસ્તાવેજોમાં પહેલીવાર એ માન્યું છે કે તેની કોરોનાની રસીને કારણે લોકોને કેટલીક અસામાન્ય સાઇડ ઇફેક્ટ થઈ શકે છે.
કોરોનાની રસી લેનારા અનેક લોકોએ સાથે મળીને આ દવા કંપની પર રસીની આડઅસરને મામલે વળતર માટે કેસ કર્યો છે.
આ કેસ દાખલ કરનાર કેટલાક લોકોનું કહેવું છે કે તેમણે આ રસીને કારણે તેમના પરિવારજનો અને સંબંધીઓને ગુમાવી દીધા છે. તો અનેક લોકોને કંપનીની આ રસીને કારણે ગંભીર નુકસાન પહોંચ્યું છે.
તમામ સંશોધનો દર્શાવે છે કે ઍસ્ટ્રાઝૅનેકા સહિત તમામ કંપનીઓની કોરોના રસીએ દુનિયાભરમાં અનેક લોકોનાં જીવન બચાવ્યાં છે.
ઍસ્ટ્રાઝૅનેકા પર દંડ માટેનો પહેલો કેસ ગત વર્ષે બે બાળકોના પિતા જેમી સ્કૉટે દાખલ કર્યો હતો.
એપ્રિલ 2021માં ઍસ્ટ્રાઝૅનેકાની કોરોના રસી લીધા બાદ જેમી સ્કૉટના મગજમાં લોહી ગંઠાઈ ગયું હતું. જેના કારણે તેમને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. આથી તેઓ કામ કરવા માટે લાયક પણ રહ્યા ન હતા.
જેમી સ્કૉટ દ્વારા દાખલ કરવામાં આવેલો કેસ બ્રિટનના કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો આરોપ છે કે ઍસ્ટ્રાઝૅનેકા રસી 'ખામીયુક્ત' છે અને લોકોની અપેક્ષા કરતાં ઓછી સલામત છે.
ઍસ્ટ્રાઝૅનેકા રસી કોરોના સામે રક્ષણ માટેની રસી હતી, જે બ્રિટનમાં શરૂ કરવામાં આવી હતી.
ઍસ્ટ્રાઝૅનેકા નુકસાનીની ભરપાઈ કરવા માટેના દાવાઓનો વિરોધ કરી રહી છે. જોકે, કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લૅન્ડની હાઈકોર્ટમાં સબમિટ કરેલા કાનૂની દસ્તાવેજોમાં સ્વીકાર્યું હતું કે તેની કોરોના રસી 'કેટલાક ખૂબ જ અસામાન્ય કેસોમાં TTSનું કારણ બની શકે છે'.
ટીટીએસ/વીઆઈટીટી સિંડ્રોમમાં શું હોય છે?
આ મામલા સાથે જોડાયેલા વકીલો જણાવે છે કે ટીટીએસનો મતલબ થ્રૉમ્બોસિસ વિથ થ્રૉમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ થાય છે. જ્યારે રસી લીધા બાદ આવું થાય તો તેને વીઆઈટીટી એટલે કે વૅક્સિન ઇન્ડ્યૂસ્ડ ઇમ્યુન થ્રૉમ્બોસિસ વિથ થ્રૉમ્બોસાઇટોપેનિયા પણ કહેવામાં આવે છે.
ટીટીએસ/વીઆઈટીટી એક અસામાન્ય સિન્ડ્રોમ કે બીમારી છે, જેના કારણે લોહી ગંઠાઈ જાય (થ્રૉમ્બોસિસ) છે અને પ્લેટલેટ્સમાં ઘટાડો (થ્રૉમ્બોસાઇટોપેનિયા) થાય છે.
વકીલ જણાવે છે ટીટીએસ/વીઆઈટીટીનાં પરિણામો અતિશય ખતરનાક અને જાનલેવા હોઈ શકે છે. તેના કારણે હૃદયરોગનો હુમલો આવવો કે મગજમાં લોહી જામી જવા સિવાય ફેફસાંમાં પણ લોહી ગંઠાવાથી લોહીનો પ્રવાહ અટકી જાય છે. આ સાથે જ શરીરના અન્ય અંગોને પણ નુકસાન પહોંચે છે.
જોકે, જેમણે રસી નથી લીધી એવા લોકોને પણ આ પ્રકારની બીમારી અલગ-અલગ રૂપે થઈ શકે છે.
પરંતુ ટીટીએસ/વીઆઈટીટી જેવી અસામાન્ય બીમારીઓ માત્ર રસી લગાવ્યા પછી લોહી ગંઠાવાને કારણે જ થાય છે.
મે, 2023માં મોકલવામાં આવેલી એક ચિઠ્ઠીના જવાબમાં જેમી સ્કૉટના વકીલોએ બીબીસી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ઍસ્ટ્રાઝૅનેકાએ તેમને કહ્યું હતું કે, “અમે એ વાતનો સ્વીકાર નથી કરતા કે સામાન્ય રીતે ટીટીએસ રસીને કારણે થાય છે.”
પરંતુ ફેબ્રુઆરીમાં કોર્ટમાં જમા કરાવવામાં આવેલા દસ્તાવેજોમાં ઍસ્ટ્રાઝૅનેકાએ કહ્યું, “એ સ્વીકાર કરીએ છીએ કે ઍસ્ટ્રાઝૅનેકાની રસીથી કેટલીક અતિશય અસામાન્ય પરિસ્થિતિઓમાં ટીટીએસ થઈ શકે છે. આ કઈ રીતે થાય છે તેનો હજુ સુધી ખ્યાલ નથી.”
કંપની ઇચ્છે છે કે તેના પર કેસ દાખલ કરનાર વ્યક્તિ એ સાબિત કરે કે તેને ટીટીએસ અન્ય કોઈ રીતે નહીં પરંતુ રસીને કારણે થયો છે.
કંપનીએ કહ્યું કે, “આ સિવાય ટીટીએસ ઍસ્ટ્રાઝૅનેકાની રસી લગાવ્યા વગર પણ થઈ શકે છે. કોઈપણ વ્યક્તિમાં લોહી ગંઠાવાનું કારણ શું છે એ તો જાણકારો કોઈ પુરાવાઓ આપે તો જ ખ્યાલ આવી શકે.”
ભારતમાં મહારાષ્ટ્રની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ 2021માં ઍસ્ટ્રાઝૅનેકા પાસેથી કોરોના રસીના ઓછામાં ઓછા એક અબજ ડોઝ બનાવવાનો કૉન્ટ્રેક્ટ લીધો હતો.
મહત્ત્વનો બદલાવ શું આવ્યો?
આ કેસમાં જેમી સ્કૉટ અને અન્ય (કુલ 51) દાવેદારોના વકીલો કહે છે કે આ બાબતમાં ઍસ્ટ્રાઝૅનેકાના વલણમાં આ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર છે.
લીગલ ફર્મ લે ડેના સારાહ મૂરે બીબીસીને કહ્યું, "ઍસ્ટ્રાઝૅનેકાની રસીથી ટીટીએસ અને ખાસ કરીને વીઆઈટીટી થઈ શકે છે એ વાત સ્વીકારવી એ મોટી વાત છે. "
સારાએ આગળ કહ્યું, 'તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે હવે તેમણે ઔપચારિક કાયદાકીય કાર્યવાહીમાં તેમના સ્ટેન્ડમાં આ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.'
ઍસ્ટ્રાઝૅનેકા દ્વારા આ કબૂલાત પીડિતોને વધુ વળતર મેળવવાનો માર્ગ ખોલી શકે છે.
કારણ કે વળતરનો દાવો કરનારાઓનું કહેવું છે કે તેઓ માત્ર વાજબી વળતરની માંગણી કરી રહ્યા છે, જેથી તેઓને અમુક અંશે નાણાકીય સુરક્ષા મળી શકે.
ઍસ્ટ્રાઝૅનેકાએ મંગળવારે બીબીસી સાથે વાત કરી હતી. પરંતુ કંપનીએ સારાહ મૂરે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.
કંપનીએ બીબીસીને આપેલા એક નિવેદનમાં કહ્યું: "અમારી ઊંડી સહાનુભૂતિ એ લોકો પ્રત્યે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા જેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. દર્દીની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે અને અમે આ મામલાને લગતા નિયમો લાગુ કરાવનારા અધિકારીઓને તમામ દવાઓ અને તેનો ઉપયોગ કરવા માટે કડક માપદંડ બનાવ્યાં છે."
ઍસ્ટ્રાઝૅનેકાએ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "અમને ક્લિનિકલ ટ્રાયલ અને વાસ્તવિક ઉપયોગના ડેટામાંથી મળેલા પુરાવા અનુસાર, ઍસ્ટ્રાઝૅનેકા-ઑક્સફર્ડ રસીએ સતત પ્રમાણિત કર્યું છે કે તેનો ઉપયોગ સંપૂર્ણપણે સલામત છે. વિશ્વભરના નિયમનકારો તથા અધિકારીઓએ વારંવાર કહ્યું છે કે રસીકરણના ફાયદાઓ તેની સંભવિત આડઅસરો કરતાં ઘણા વધારે છે."
લૉકડાઉન શરૂ થયાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ઍસ્ટ્રાઝૅનેકા રસી ચીન સિવાયના દેશોમાં આપવામાં આવી હતી.
માર્ચ 2021માં કૅન્યાના આરોગ્ય કર્મચારીને કોરોના સામે રસી આપવામાં આવી હતી.
તબીબી સલાહોમાં ફેરફાર
જૂન 2022 માં, વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે ઍસ્ટ્રાઝૅનેકાની રસી "18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે સલામત અને અસરકારક છે."
"ખૂબ જ ઓછી સંખ્યામાં લોકોમાં લોહી ગંઠાઈ જવાના અત્યંત દુર્લભ અહેવાલો પછી" 7 એપ્રિલ 2021ના રોજ વૅક્સિનેશન અને ઇમ્યુનાઇઝેશન પરની સંયુક્ત સમિતિએ 30 વર્ષથી ઓછી વયના પુખ્તવયના લોકોને સલાહ આપી હતી કે તેમણે ઉપલબ્ધ ઍસ્ટ્રાઝૅનેકા રસી ન લેવી જોઈએ.
ઍસ્ટ્રાઝૅનેકાએ પણ તેના તરફ ઇશારો કરતાં કહ્યું કે તેમણે આ ફેરફારને અનુરૂપ તેના રસીના બૉક્સ અને શીશીઓ પર પ્રકાશિત થનારી ચેતવણીને બદલવાનું સૂચન કર્યું છે.
7 મે, 2021ના રોજ આ ઍડ્વાઇઝરીને 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને લાગુ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઍસ્ટ્રાઝૅનેકાએ બીબીસીને કહ્યું હતું કે, "અત્યાર સુધીમાં વિશ્વભરમાં આવા 30 કેસો પાછા ખેંચવામાં આવ્યા છે, તેને અધૂરા છોડી દેવામાં આવ્યા છે અથવા તો એસ્ટ્રાઝૅનેકાના પક્ષમાં નિર્ણયો આવ્યા છે."
‘યોગ્ય વળતર’
જેમી સ્કૉટનાં પત્ની કેટ સ્કૉટે અગાઉ બીબીસીને કહ્યું હતું કે, "જેમીને સારું થાય તેના માટે 250 વખત નિષ્ણાતો પાસે જવું પડ્યું હતું. તેણે ફરીથી ચાલવાનું, ખોરાક ગળવાનું અને ફરીથી વાત કરવાનું શીખવું પડ્યું હતું. તેને યાદશક્તિની સમસ્યા પણ થઈ ગઈ હતી."
કેટે કહ્યું, "જોકે નિષ્ણાતો સાથે મુલાકાત કર્યા પછી જેમીમાં ઘણો સુધારો આવ્યો છે, પરંતુ આજે અમે એવા તબક્કે છીએ જ્યાં આપણે એક નવા જેમીને જોઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં આ નવો જેમી જ આપણી સાથે હશે. તેને ઘણી મુશ્કેલીઓ છે. તેને સમજવામાં તકલીફ થાય છે, ઍફેસિયા (જ્યારે વ્યક્તિને ભાષા અથવા બોલવામાં મુશ્કેલી પડે)ની સમસ્યા છે, તેને ભયંકર માથાનો દુખાવો અને અંધાપાની બીમારી પણ થઈ ગઈ છે."
કેટે વધુમાં જણાવ્યું હતું કે, "અમે ઈચ્છીએ છીએ કે બ્રિટિશ સરકાર રસી સંબંધિત નુકસાન માટે તેની વળતર યોજનામાં સુધારો કરે. આ નકામી અને અત્યંત અયોગ્ય વ્યવસ્થા છે. અમે યોગ્ય વળતર ઈચ્છીએ છીએ."