SIR : હાર્ટ એટૅક આવ્યો, બીજા દિવસે ફરી ફીલ્ડમાં : BLOએ કેવી સ્થિતિમાં કામ કરવું પડે છે?

ઇમેજ સ્રોત, Special Arrangement BBC
- લેેખક, વિષ્ણુકાંત તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત સહિત દેશનાં 12 રાજ્યોમાં એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન)ની પ્રક્રિયા ચાલી રહી છે.
4 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયાને પહેલાં એક મહિનામાં પૂરી કરવાની હતી, પરંતુ હવે તેને 11 ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.
આ દરમિયાન જુદાં જુદાં રાજ્યમાંથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા બે ડઝન બીએલઓનાં મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.
ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના બહેરી ગામમાં 46 વર્ષીય બીએલઓ સર્વેશસિંહની આત્મહત્યાએ 'એસઆઇઆરના દબાણ'ને રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બનાવી દીધો છે.
તેઓ ભગતપુર ટાંડા ગામની એક સ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
પરિવારનું કહેવું છે કે એસઆઇઆરના કામમાં સતત ફીલ્ડ વિઝિટ, મોડી રાત સુધી ડેટા ફીડિંગ અને સમયમર્યાદાના દબાણના લીધે રવિવાર, 30 નવેમ્બરે સર્વેશસિંહે આ ઘાતક પગલું ભર્યું.
તો ગીર સોમનાથના કોડીનાર ખાતે છારા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક અરવિંદભાઈ વાઢેરે 'SIRની કામગીરીનાં ભારણ અને માનસિક તણાવને કારણે' આત્મહત્યા કરી લીધી હતી.
મતદારયાદીને ત્રુટિ રહિત બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન દરમિયાન ઘણાં રાજ્યોમાં થયેલાં બીએલઓનાં મૃત્યુએ એસઆઇઆરના વધુ પડતા ભારણ અને તેને પૂરું કરવા માટે કરવામાં આવી રહેલા દબાણ પર ગંભીર સવાલ ઊભા કરી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીએલઓ બનીને મેદાનમાં ઊતરેલા કર્મચારીઓની સાથે ચાલતાં બીબીસીના ઘણા સંવાદદાતાઓએ દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં તેમનું કામ જોયું.
અમે જોયું કે મતદારયાદી ઠીક કરવાનું આ અભિયાન સૌથી કઠિન એમના માટે જ છે જેઓ તેને પૂરું કરી રહ્યા છે.
હાર્ટ એટૅક આવ્યો, બીજા દિવસે ફરી ફીલ્ડમાં

ઇમેજ સ્રોત, Bhopal District Administration
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભોપાલના એક બીએલઓએ જણાવ્યું કે એક દિવસ સવારે સાત વાગ્યાથી તેઓ પોતાના મહોલ્લામાં એસઆઇઆરના કામ માટે ઘરે ઘરે ફરી રહ્યા હતા.
લગભગ પોણા દસ વાગ્યા હતા કે અચાનક તેમને ડાબા હાથમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો, જે થોડીક જ સેકન્ડમાં માથા સુધી ફેલાઈ ગયો.
તેમને ખબર ન પડી કે શું થયું? જે ઘરના મતદારોની યાદી જોવા માટે તેઓ પહોંચ્યા હતા, એ લોકોએ એક કિલોમીટર દૂર આવેલી હૉસ્પિટલમાં તેમને પહોંચાડ્યા. ડૉક્ટરોએ કહ્યું કે આ હાર્ટ એટૅક હતો અને સમયસર સારવાર મળી જતાં તેમનું જોખમ ટળી ગયું છે.
એ સમયને યાદ કરતાં 50 વર્ષના બીએલઓએ જણાવ્યું કે કામનું દબાણ એટલું વધુ છે કે સારવારના બીજા દિવસે તેઓ ફરીથી ફીલ્ડમાં પાછા જતા રહ્યા; કેમ કે, જિલ્લાના અધિકારી તરફથી ફોન પર કહેવામાં આવ્યું હતું કે "નક્કી કરેલા સમયે કામ પૂરું કરવું પડશે".
ઘટનાના 10 દિવસ પછી જ્યારે અમે આ બીએલઓને મળ્યા તો ત્યાં લગભગ 10 બીએલઓ ટેબલ રાખીને એક સામુદાયિક ભવનમાં બેઠા હતા. બહાર સળગતા ટાયરનો ધુમાડો અંદર સુધી અનુભવી શકાતો હતો.
આ દુર્ગંધ અને ધુમાડાની વચ્ચે બેઠેલા ઘણા બીએલઓ સતત ઍપમાં ફૉર્મ અપલોડ કરવાનો સંઘર્ષ કરી રહ્યા હતા.
મધ્યપ્રદેશની આ ઘટના એક જ નથી, દેશના ઘણા ભાગમાંથી બૂથ લેવલ અધિકારીઓના થાક, બીમારી અને મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે.
દરરોજ સસ્પેન્ડ કરવાની ધમકી

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
ભોપાલ તેની આરામદાયક સવારો માટે જાણીતું છે. જે શહેર જાગવા માટે કોઈ ઉતાવળ નથી કરતું ત્યાં એક શિક્ષિકા પોતાના ઘરનો દરવાજો ચૂપચાપ બંધ કરે છે.
હાથમાં ફૉર્મનું બંડલ, ખભે થેલો અને મનમાં એ ડર કે આજે પણ કોણ જાણે કેટલો લાંબો દિવસ તેની રાહ જોઈ રહ્યો છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "અમે સવારે 7:00 વાગ્યે નીકળીએ છીએ અને રાત્રે 12:00 વાગ્યે પાછા આવીએ છીએ. દરેક ઘરે 6-7 વાર જવું પડે છે. લોકો પણ થાકી ચૂક્યા છે. સમજાતું નથી કે આટલી ઉતાવળ કેમ હતી?"
તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા એક મહિનાથી સ્કૂલમાં ભણાવી પણ રહ્યાં છે અને બીએલઓનું કામ પણ કરી રહ્યાં છે. બે કલાકમાં એક વાર વૉટ્સઍપ ગ્રૂપમાં ફોટો મોકલવાની અનિવાર્યતાએ તેમને વધુ થકવી દીધાં છે.
"દરેક દિવસે સસ્પેન્શનની ચેતવણી… આ પરિસ્થિતિમાં કોઈ પણ તૂટી જાય." તેમણે ફોન પર આવેલો એક સંદેશો વાંચી સંભળાવ્યો, "જે બીએલઓ કામ નથી કરી રહ્યા, તેમની વિરુદ્ધ તાત્કાલિક સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો તમે બધાએ 75 ટકા કામ ના કર્યું, તો તે સ્થિતિમાં શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. તેથી તમે આજે જ મહેનત કરી લો, જેનાથી તમારે કાલે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે."
તેમણે ચિંતાતુર સ્વરે કહ્યું કે, "જ્યારે આવા મેસેજ આવશે તો કયા બીએલઓ સ્કૂલ અને ઘર વિશે વિચારશે? બધું છોડીને આ જ કામ કરશે. દબાણ એટલું વધી ગયું છે કે નથી શરીર સચવાતું કે ના મગજ."
રાજ્યમાં ઘણી જગ્યાએ આ જ સ્થિતિ છે.
મધ્યપ્રદેશ એવાં પહેલાં રાજ્યોમાંનું એક છે જ્યાં એસઆઇઆર અભિયાન દરમિયાન શરૂઆતમાં મૃત્યુ થયાં. મધ્યપ્રદેશના બીએલઓના મૃત્યુની પહેલી ઘટના દમોહમાં નોંધાઈ, જ્યાં 6 નવેમ્બરે શ્યામસુંદર શર્માનું ફીલ્ડમાં કામ કરતા સમયે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું.
થોડાક જ દિવસ પછી 16 નવેમ્બરે દતિયામાં ઉદયભાન સિહારેની આત્મહત્યાના સમાચાર આવ્યા, જેણે કર્મચારીઓમાં આઘાતની લાગણી જન્માવી.
'કોઈ સાથી મરે છે, તો ડર વધી જાય છે'

ઇમેજ સ્રોત, Bhopal District Administration
હાર્ટ એટૅકનો શિકાર થયેલા બીએલઓ પોતાનાં 4-5 ફૉર્મ ઍપમાં અપલોડ કર્યાં પછી અમારી સામે જુએ છે અને દતિયાની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહે છે, "જ્યારે કોઈ સાથી મરે છે, તો ડર વધી જાય છે… અમારામાંથી હવે પછી કોણ હશે?"
તેમણે કહ્યું, "આ દરમિયાન મને જ્યારે હાર્ટ એટૅક આવ્યો ત્યારે ઘરવાળાએ કહ્યું કે રજા લઈ લો. પરંતુ રજા ક્યાં છે? કામ અધૂરું રહી ગયું તો નોકરી જશે… ઘર કઈ રીતે ચાલશે?"
બીએલઓનું કામ કરી રહેલાં એક શિક્ષિકા અનુસાર, આ કામની તકનીકી પદ્ધતિ પણ તણાવ વધારે છે. ઍપમાં ત્રણ વિકલ્પ છે. બેને ભરવામાં સમય લાગે છે, જ્યારે ત્રીજો તરત સબમિટ થઈ જાય છે, પણ અધૂરો ડેટા આપે છે.
બીબીસીએ બીએલઓના ઍપના ઉપયોગને જોયો. તેમાં ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે, જે કામને સરળ બનાવવાના બદલે મૂંઝવણ ઊભી કરે છે.
પહેલો વિકલ્પ ત્યારે પસંદ કરવાનો હોય છે જ્યારે મતદારનું નામ 2003ની યાદીમાં મળે છે. તેમાં પૂરું વિવરણ ભરવું પડે છે અને દરેક ફૉર્મમાં ઘણી મિનિટો લાગી જાય છે.
બીજો વિકલ્પ ત્યારે આવે છે, જ્યારે મતદારનું નામ તો નથી, પરંતુ તેમનાં માતા-પિતાનું નામ 2003ની યાદીમાં હોય. તેમાં પણ એ જ પ્રક્રિયા ફરીથી કરવામાં આવે છે અને સમય લગભગ એટલો જ લાગે છે.
ત્રીજો વિકલ્પ સૌથી ઝડપી છે. જો મતદાર અને તેમનાં માતા-પિતા ત્રણેનું નામ 2003ની યાદીમાં નથી, તો ફૉર્મ તરત સબમિટ થઈ જાય છે પરંતુ તેમાં ડેટા અધૂરો જાય છે.
શિક્ષિકા કહે છે, "મૌખિક દબાણ રહે છે કે જલદી કરો, ત્રીજો વિકલ્પ પસંદ કરી લો; પરંતુ તેનાથી અમને અને જનતા, બંનેને પાછળથી મુશ્કેલી થશે."
બીએલઓ વારંવાર એમ જ કહે છે કે આ પ્રક્રિયામાં જનતાને સમય આપવામાં નથી આવ્યો, ના તો દસ્તાવેજ એકઠા કરવા માટે, ના સમજવા માટે.
ભોપાલના બીએલઓએ જણાવ્યું, "જો સમય હોત તો અમારામાંથી કોઈ બીમાર ન પડ્યું હોત… અને કદાચ દતિયા અને દમોહ જેવી દુર્ઘટના પણ ન થઈ હોત."
ગુજરાત: બે મૃત્યુ પછી બીએલઓ પર દબાણની ચર્ચા

ઇમેજ સ્રોત, Dilip Mori
ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાંથી પણ એસઆઇઆરના દબાણ સાથે સંકળાયેલા ગંભીર મામલા ઉજાગર થયા છે. 21 નવેમ્બરે કોડિનાર તાલુકાના દેવલી ગામમાં પ્રાથમિક શિક્ષક અને બીએલઓ અરવિંદ વાઘેરના મૃત્યુ પછી તેમના પરિવારે દાવો કર્યો કે તેમણે લખેલી એક નોટમાં "માનસિક તણાવ અને ખૂબ જ થાક"ને કારણ ગણાવ્યું હતું.
નોટમાં વાઘેરે લખ્યું હતું, "હું એસઆઇઆરનું કામ બિલકુલ નથી કરી શકતો અને ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તાણ અનુભવું છું… તારું અને આપણા પુત્રનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ હવે હું પૂરી રીતે અસહાય અનુભવું છું… મારી પાસે બસ આ જ એકમાત્ર રસ્તો બચ્યો છે."
જોકે, ગીર-સોમનાથના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એનવી ઉપાધ્યાયે પીટીઆઇને કહ્યું કે "પોલીસ આ મૃત્યુની બધાં ઍન્ગલથી તપાસ કરી રહી છે."
તેમણે એમ પણ જણાવ્યું કે અરવિંદ વાઘેર "જિલ્લાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બીએલઓમાંના એક હતા" અને તેમણે પોતાનું 40 ટકા કરતાં વધારે કામ પૂરું કરી લીધું હતું".
બીબીસી સંવાદદાતા વિષ્ણુકાંત તિવારી સાથે વાત કરતાં અરવિંદના પિતા મૂળજીભાઈએ કહ્યું, "2010માં અમારા પુત્રને નોકરી મળી હતી. હજુ તો લાંબી નોકરી બાકી હતી. ઘરે બધું સારું હતું. આ બીએલઓ વાળા કામનું ખૂબ વધારે દબાણ હતું, તેના લીધે મારા પુત્રએ આવું પગલું ભરી લીધું. અમે તો અનાથ થઈ ગયા."
ગુજરાતમાં જ ખેડા જિલ્લામાં એક અન્ય બીએલઓ રમેશભાઈ પરમાર (ઉં.વ. 50)નું પણ ગુરુવાર, 20 નવેમ્બરે હાર્ટ એટૅકના કારણે મૃત્યુ થઈ ગયું. તેમના પરિવારે પણ એનું કારણ "એસઆઇઆરના કામનું દબાણ" હોવાનું જણાવ્યું છે.
ગુજરાતમાં સતત બે મૃત્યુ પછી શિક્ષકો અને બીએલઓની ચિંતા વધી છે અને એસઆઇઆરની વર્તમાન કાર્યપદ્ધતિ બાબતે દેશભરમાં થઈ રહ્યા છે તેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
બીએલઓની સાથે રહીને બીબીસીએ જોયું કે મતદારયાદીને સુધારવાની આ કવાયતનો ભાર સૌથી વધારે આ લોકો પર જ પડી રહ્યો છે જેઓ દરરોજ ધૂળ-ધુમાડા, તકનીકી ખામી અને સમયસીમા વચ્ચે એને સંભાળી રહ્યા છે. તેમના પડકારોને ધ્યાનમાં રાખીને જ 4 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહેલી સમયમર્યાદાને 11 ડિસેમ્બર 2025 સુધી વધારવામાં આવી છે.
ઉત્તરપ્રદેશ: 'હેડમાસ્ટર હતા, બીએલઓ નહીં… દબાણે જીવ લઈ લીધો'

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
ઉત્તરપ્રદેશ આ અભિયાનનું સૌથી મોટું મેદાન છે. રાજ્યમાં 15 કરોડથી વધુ મતદાર છે અને 1 લાખ 60 હજારથી વધુ બીએલઓ 4 નવેમ્બરથી રજા વગર સતત ફીલ્ડમાં કામ કરી રહ્યા છે.
જૂના લખનઉ, બારાબંકી, બદાયૂં અને મુરાદાબાદ સહિત અનેક જિલ્લામાં બીએલઓ એક જ વાત દોહરાવે છે કે કામનું દબાણ તેમની ક્ષમતા કરતાં ઘણું વધારે છે.
બીએલઓની નવી દિનચર્યા સવારે 8:00 વાગ્યે ઘરે ઘરે જઈને ફૉર્મ વહેંચવાથી શરૂ થાય છે. 11 વાગ્યા સુધીમાં ફીલ્ડ, પછી બપોરે 2:00 વાગ્યા સુધી કેન્દ્ર પર બેસવાનું અને સાંજે ફરીથી ફીલ્ડમાં જવાનું. રાત્રે ડેટા ફીડ કરવો પડે છે, જેને ઍપની સમસ્યાઓ વધારે મુશ્કેલ બનાવે છે. ઍપ ઘણી વાર ખૂલતી નથી કે ડેટા અપલોડ નથી થતો; જેનાથી કલાકો સુધી કામ અટકી જાય છે.
બીબીસી સાથે વાત કરતાં એક મહિલા બીએલઓએ જણાવ્યું કે, "રાત્રે 2 વાગ્યા સુધી ડેટા અપલોડ કરું છું. સવારે 5:00 વાગ્યે ફરી નીકળવું પડે છે. મતદાર સતત કૉલ કરે છે. ઍપમાં મુશ્કેલી અલગ."
મુરાદાબાદમાં 46 વર્ષીય બીએલઓ સર્વેશસિંહના અચાનક થયેલા મૃત્યુએ આ અભિયાન બાબતે ગંભીર સવાલ ઊભા કર્યા છે.
સર્વેશસિંહના મૃત્યુ પછી ઘટનાસ્થળેથી મળેલી કથિત સુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું, "હું જીવવા તો ઇચ્છું છું પરંતુ શું કરું, મને ખૂબ બેચેની, ગભરામણ અનુભવાય છે. આ સમય મારા માટે પૂરતો નહોતો, કેમ કે મને પહેલી વાર બીએલઓ નિયુક્ત કરવામાં આવ્યો હતો."
આ ઘટના પહેલાં જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં સર્વેશસિંહ રડતાં રડતાં કહે છે કે, "હું દિવસ-રાત કામ કરી રહ્યો છું પરંતુ તેમ છતાં એસઆઇઆરનો ટાર્ગેટ પૂરો નથી કરી શકતો."
તેમનાં પત્ની બબલીએ પત્રકારોને કહ્યું કે, "મારા પતિએ અધિકારીઓના દબાણના કારણે આત્મહત્યા કરી છે. હું પોતે તેમની સાથે આખી આખી રાત બેસીને ફૉર્મ અપલોડ કરાવતી હતી. તેઓ હેડમાસ્ટર હતા, કોઈ બીએલઓ નહીં. તેમને કોઈ તાલીમ નહોતી અપાઈ, અરે આ કામ કરાવવાનું હતું તો કમ સે કમ પહેલાં ટ્રેનિંગ તો આપવી હતી."
થાના મુરાદાબાદના સર્કલ ઓફિસર આશિષ પ્રતાપસિંહે બીબીસી સંવાદદાતા સૈયદ મોઝિઝ ઇમામને જણાવ્યું, "બીએલઓ સર્વેશસિંહે આત્મહત્યા કરી છે અને સુસાઇડ નોટમાં ડ્યૂટીના બોજનું કારણ જણાવ્યું છે. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયો છે."
સર્વેશસિંહના મૃત્યુએ એ ચિંતાઓને વધુ ઘેરી કરી દીધી છે, જેને ઘણાં રાજ્યના બીએલઓ એસઆઇઆરનું કામ શરૂ થયાના સમયથી વ્યક્ત કરતા આવ્યા છે.
પશ્ચિમ બંગાળ: નવા બીએલઓ અને મતદારયાદીનો વિરોધાભાસ

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
પશ્ચિમ બંગાળમાં બૂથ લેવલ અધિકારીઓ સામે ઘણા સ્તરોમાં પડકાર આવી રહ્યા છે.
આ વખતે બીએલઓ તરીકે મોટી સંખ્યામાં શિક્ષકોને તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે અગાઉ આ જવાબદારી આશા કાર્યકરો પાસે હતી.
માલદા જિલ્લાના ગાયેશબાડી ગામમાં સૂર્ય આથમવામાં જ હતો. સડક પર એક તરફ બાળકો સ્કૂલનાં પુસ્તકો લઈને ચાલ્યાં જતાં હતાં અને એ જ રસ્તા પર એક પ્રાથમિક સ્કૂલની બહાર બીએલઓ મોહમ્મદ સાદિકુલ ઇસ્લામ ઊભા છે – આખો દિવસ કામ કર્યા પછી પણ હાથમાં કાગળોનો થોકડો પકડીને. લોકો આવવાનું હજુ પણ ચાલુ છે.
તેઓ હસવાનો પ્રયત્ન કરતાં કહે છે, "હું નવો છું તેથી પહેલાંના બીએલઓ જ મને શીખવી રહ્યા છે. આ ખૂબ કઠિન કામ છે… એક મહિનો તો કંઈ જ નથી, આ એક વર્ષનું કામ છે."
તેમની વાતમાં થાક અને ઊંડી મૂંઝવણ છે.
બીબીસીનાં સંવાદદાતા ઇલ્મા હસન જણાવે છે કે માલદા જેવા જિલ્લામાં પડકારો ઘણા મોટા છે. તેઓ કહે છે કે, "બીએલઓ ઘરે ઘરે જઈને ફૉર્મ વહેંચતાં વહેંચતાં પોતાના ક્ષેત્રના લોકો અને તેમના પારિવારિક રેકૉર્ડને પહેલી વાર સમજવાની કોશિશ કરી રહ્યા હતા."
કોઈ ઘરમાં વૃદ્ધ એમ પૂછી રહ્યા છે કે કયું ફૉર્મ ભરવાનું છે, કોઈ ઘરમાં યુવા એ જાણવા માગે છે કે "જો 2002 સાથે લિંક ન મળી તો શું થશે?"
અને આ બધાની વચ્ચે સાદિકુલ ઇસ્લામે જણાવ્યું, "લોકોને ફૉર્મ ભરતાં નથી આવડતું. હું તેમની મદદ કરું છું, સહી કરાવું છું… દિવસે, રાત્રે સતત કામ છે. બાળકોનું ભણવાનું બંધ છે અને અમે લોકો એસઆઇઆરના કામમાં લાગ્યા છીએ."
માલદાના બંગીતોલામાં એક અલગ જ પડકાર સામે આવ્યો છે. આ એ વિસ્તાર છે, જ્યાં ગંગાએ ઘણાં વરસો પહેલાં આખા ગામને પોતાની સાથે વહાવી લીધું હતું.

ઇમેજ સ્રોત, Rubaiyat Biswas
ગામ તો ફરીથી વસી ગયું, પરંતુ 2002ની મતદારયાદીમાં નોંધાયેલું એ જૂનું ગામ હવે કાગળ પર જ રહી ગયું છે, જમીન પર તેનું કશું અસ્તિત્વ નથી.
લોકો અંદરની બાજુ વસી ગયા, પરંતુ 2002ની મતદારયાદીમાં નોંધાયેલાં જૂનાં સરનામાં હવે છે જ નહીં. નિવાસીઓ પાસે ઓળખ અને દસ્તાવેજ તો છે, પણ 2002 સાથે મેળ ખાતાં પ્રમાણ નથી.
ચૂંટણીપંચની પ્રક્રિયા 2002ને આધાર માને છે, પરંતુ આવા કેસોનો સામનો કઈ રીતે કરવો તેની બીએલઓને કોઈ સ્પષ્ટ સૂચના નથી મળી.
બીએલઓ ખિદિર બોક્સે હાથમાં ફૉર્મ લઈને જણાવ્યું, "સો વર્ષ પહેલાંથી અહીં રહેતા લોકો પણ અત્યારે નામ શોધી રહ્યા છે. 2003માં પંચાયત ચૂંટણીમાં બધાએ મત આપ્યા હતા… પરંતુ આ યાદીમાં તેમનું નામ નથી."
આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે રાજકીય આરોપ-પ્રત્યારોપના અવાજો પણ સાંભળવા મળે છે.
ક્યાંક એ આરોપ છે કે "ફૉર્મ ભરવાના નામે લોકોને ડરાવાય છે", ક્યાંક એવો દાવો છે કે "કેટલાંક દળ પ્રક્રિયા ધીમી પાડવાની કોશિશ કરી રહ્યાં છે".
બીબીસી આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ નથી કરી શક્યું, પરંતુ ઇલ્મા હસન અનુસાર, આ અવિશ્વાસ લોકોની ચિંતાને ઘણી વધારી દે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં લોકો પહેલાંથી જ એનઆરસી અને સીએએ બાબતે અસમંજસમાં છે.
આ જ જિલ્લાના બ્રહ્મોત્તરમાં બીએલઓ સતૂલ મોનાએ કહ્યું, "લોકો પૂછતા રહે છે, કઈ રીતે ભરીએ, આગળ શું થશે? હું કોશિશ કરું છું કે સૌને મદદ થઈ જાય. પરંતુ એક મહિનો ખૂબ ઓછો છે. મારા બૂથમાં 1,098 ફૉર્મ છે… આખો દિવસ કામ, પછી રાત્રે અપલોડ. ઍપ પણ ઘણી વાર નથી ચાલતી."
કેરળ: બીએલઓના પરિવારજનો પણ મદદ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Imran Qureshi
દક્ષિણ ભારતમાં પણ બૂથ લેવલ અધિકારીઓની દિનચર્યા અને માનસિક સ્વાસ્થ્ય પર એસઆઇઆરનું દબાણ સ્પષ્ટ જોવા મળે છે.
જે સરકારી કર્મચારીઓ સામાન્ય રીતે નિશ્ચિત સમયમાં કામ કરતા જોવા મળે છે, એ જ બીએલઓના ચહેરા આજકાલ થાક, તણાવ અને ઊંઘથી ભરેલા છે.
કેરળના કોચ્ચિ જિલ્લાના કક્કનાડ ક્ષેત્રમાં બીએલઓ બશીર જ્યારે એક મતદારનું ફૉર્મ ભરાવવામાં મશગૂલ હતા, ત્યારે તેમની સાથે બીબીસી હિંદીના ઇમરાન કુરૈશીની વાતચીત શરૂ થઈ.
તેમને એ સમજવામાં થોડો સમય લાગ્યો કે સામે ઊભેલા વ્યક્તિ ફૉર્મ આપવા નહીં, પરંતુ વાતચીત માટે આવ્યા છે.
બશીરે જણાવ્યું કે તેમનો દિવસ "સવારે ચાર વાગ્યે અપલોડિંગ સાથે શરૂ થાય છે. ત્યાર પછી તેઓ બૂથ પર પહોંચીને લોકોને મદદ કરે છે. સાંજ પડતાં પહેલાં તેઓ આસપાસની અપાર્ટમેન્ટ કૉલોનીઓમાં જઈને ફૉર્મ એકત્ર કરે છે અને ઘરે પાછા ગયા પછી રાત્રે ફરી અપલોડ કરે છે."
કોચ્ચિના જ તિરુક્કાકરા વિધાનસભા ક્ષેત્રમાં બીએલઓ નીની પીએનને તેમના પતિ અને એક સંબંધી મળીને સહાયતા કરતા હતા. ફૉર્મ છૂટા પાડવાં, સુધારા કરવા અને દસ્તાવેજ વ્યવસ્થિત ગોઠવવા. હવે આ કામ એટલું બધું વધી ગયું છે કે પરિવારના સભ્યો પણ અનૌપચારિક રીતે આ પ્રક્રિયામાં સામેલ થઈ રહ્યા છે. તેમની સામે એક પૂર્વ કાઉન્સિલર પણ કાગળોની સાથે ઊભા હતા, જેથી કામ ઝડપથી આગળ વધી શકે.

ઇમેજ સ્રોત, Imran Qureshi
પરંતુ, માત્ર કામનું ભારણ જ ચિંતાનું કારણ નથી. કનૂર જિલ્લામાં 41 વર્ષીય બીએલઓ અનીશ જૉર્જની 16 નવેમ્બરે કથિત આત્મહત્યાએ આ અભિયાન પર ગંભીર સવાલ ઊભા કરી દીધા હતા.
જૉર્જના મૃત્યુ પછી જિલ્લાના બીએલઓએ કામનો બહિષ્કાર કર્યો હતો. આ મામલે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જૉર્જના મૃત્યુ પાછળ કામના ભારણનું કારણ નથી મળ્યું, પરંતુ કર્મચારીઓની આશંકા યથાવત્ છે.
એ દરમિયાન જ એક બીજા બીએલઓનો ઑડિયો મેસેજ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો. આ વાઇરલ ઑડિયોમાં તેમણે માનસિક તણાવના કારણે પોતાને નુકસાન પહોંચાડવાની વાત કહી હતી. મુખ્ય ચૂંટણી અધિકારી ડૉક્ટર રથન યૂ કેલકરે તરત જ સંપર્ક કરીને સ્થિતિ સંભાળી. એન્થની વર્ગીસ નામના આ બીએલઓએ બાદમાં કહ્યું કે તેમણે આ સંદેશો માનસિક અને ભાવનાત્મક તણાવમાં લખ્યો હતો.
બંને મામલામાં રસપ્રદ વાત એ છે કે અનીશ જૉર્જ અને એન્થની વર્ગીસ બંનેનું કામ અત્યાર સુધી ખૂબ જ સારું ગણાતું રહ્યું છે, જેનાથી એ સ્પષ્ટ છે કે સમસ્યા ક્ષમતાની નથી, બલકે ભારણ અને કામ દરમિયાન વાતાવરણ અને દબાણની છે.
કોચ્ચિના એક બૂથ લેવલ સહાયકે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે સરકારી કર્મચારી સામાન્ય રીતે ઑફિસના નિશ્ચિત સમય પ્રમાણે કામ કરે છે. "એક-બે કલાક વધારે પણ થઈ જાય તોપણ કામ ઑફિસમાં જ હોય છે. પરંતુ એસઆઇઆરમાં બીએલઓ કામચલાઉ શિબિરો, સ્કૂલો, પંચાયત ભવનો અને એટલે સુધી કે ખુલ્લી જગ્યાઓમાં પણ કામ કરી રહ્યા છે. આ દર-દર ભટકીને અને સતત વધારે કલાકોની ડ્યૂટી સૌથી વધારે તણાવ કરાવે છે."
(કેરળથી ઇમરાન કુરૈશી, લખનઉથી સૈયદ મોઝિઝ ઇમામ અને કોલકાતાથી ઇલ્મા હસન, અમદાવાદથી રૉક્સી ગાગડેકર છારાની પૂરક માહિતીઓ સાથે)
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે તણાવનો અનુભવ કરતા હો તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન













