'મરીને પણ જીત્યો', દલિત પ્રેમીના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો અને યુવતીએ મૃતદેહ સાથે 'લગ્ન' કર્યાં

- લેેખક, મુસ્તાન મિર્ઝા
- પદ, બીબીસી મરાઠી માટે, નાંદેડથી
ચેતવણી : આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી અમુક વાચકોને વિચલિત કરી શકે છે.
મહારાષ્ટ્રના નાંદેડમાં જૂના ઘાટ (જૂના ગંજ) વિસ્તારમાં હત્યાને કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
મૃતક યુવકનો યુવતી સાથે પ્રેમસંબંધ હતો, જેનો યુવતીના પરિવારજનો વિરોધ કરી રહ્યા હતા, એટલે તેમણે પ્રેમીની હત્યા કરાવી નાખી હોવાનો આરોપ છે.
સક્ષણ તાતે અને આચલ અલગ-અલગ જાતિઓના હતા. સક્ષમ દલિત સમુદાયના હતા.
કેસની વિગત પ્રમાણે, નાંદેડના ઇતવારા વિસ્તારમાં રહેતા સક્ષમ તાટે (ઉં.વ. 20) તથા આચલ મામીડવાર (ઉં.વ .21) છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાને પ્રેમ કરતાં હતાં. જોકે, આચલનો પરિવાર આ સંબંધની વિરોધમાં હતો, કેમ કે બંને અલગ-અલગ જાતિનાં હતાં.
સક્ષમની હત્યા પછી આચલ મૃતકના ઘરે પહોંચ્યાં હતાં અને સક્ષમના મૃતદેહ પર હળદર-કુમકુમ લગાડ્યાં હતાં અને પોતાના કપાળે પણ લગાડ્યાં હતાં.
એ પછી આચલે જાહેરાત કરી હતી કે તેઓ હવે સક્ષમના ઘરે જ રહેશે. સાથે જ તેમણે પોતાનાં માતાપિતા અને ભાઈઓને ફાંસીએ લટકાવી દેવાની માગ કરી હતી.
'એ મરીને પણ જીતી ગયો'

એ પછી આચલે કહ્યું, "મારો પ્રેમી મરીને પણ જીતી ગયો અને મારા પરિવારજનો તેની હત્યા કરીને પણ હારી ગયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આચલના કહેવા પ્રમાણે, "બંનેની જ્ઞાતિ અલગ-અલગ હોવાથી પરિવારજનો વિરોધ કરી રહ્યા હતા."
આચલે મીડિયા સાથેની વાતચીતમાં કેસની વિગતો આપી હતી, જેમાં આચલે કહ્યું, "સક્ષમ થોડા સમય પહેલાં જેલમાંથી છૂટ્યો હતો અને એ પછી મારો પરિવાર તેને સતત ધમકી આપતો હતો."
"ગુરુવારે સાંજે લગભગ પોણા છ વાગ્યે સક્ષમને ફોસલાવીને બોલાવ્યો હતો અને તેની ઉપર હુમલો કર્યો હતો."
પોલીસનું કહેવું છે કે આચલના પિતા ગજાનન મામીડવાર અને તેમના બે દીકરા સાહિલ તથા હિમેશે સક્ષમને ગોળી મારી હતી એ પછી તેને ભારે ઘા માર્યા હતા.
મૃતક અને આરોપી બંને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે.
હત્યા પહેલાં ધમકી આપી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સક્ષમના પરિવારે પોલીસને જણાવ્યા પ્રમાણે, ગુરુવારે હત્યાના બે કલાક પહેલાં આચલનાં માતા જયશ્રી મામીડીવાર સક્ષમના ઘરે ગયાં હતાં અને સરાજાહેર ધમકી પણ આપી હતી.
આચલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "સક્ષમ અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં, પરંતુ મારા પરિવારને આ સંબંધ સ્વીકાર્ય ન હતો. સક્ષમ જેલમાંથી છૂટ્યો, એટલે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું."
"મને પણ ધમકીઓ આપવામાં આવતી હતી. મારાં માતાપિતા અને ભાઈઓને ફાંસીએ લટકાવી દો. તેમણે ઘૃણા અને જ્ઞાત-જાતના ભેદને કારણે આ હત્યા કરી છે."
અચલે ઉમેર્યું હતું, "સક્ષમ નથી, પરંતુ હું હજુ પણ તેને પ્રેમ કરું છું અને આ ઘરમાં જ રહીશ."
સક્ષમનાં માતાની ફરિયાદના આધારે ઇતવારા પોલીસે આચલના પિતા ગજાનન મામીડવાર સહિત છ શખ્સો સામે હત્યા અને ત્રાસ આપવાનો કેસ દાખલ કર્યો છે. પોલીસે 12 કલાકમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસે આચલનાં માતાપિતા તથા ભાઈઓને કસ્ટડીમાં લીધા છે. બીબીસી મરાઠીએ આરોપીના પરિવાર કે વકીલોનો સંપર્ક સાધીને તેમનો પક્ષ જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ઉપલબ્ધ બન્યા ન હતા. કોઈ નિવેદન મળ્યે આ અહેવાલને અપડેટ કરીશું.
"અમારો પ્રેમ જીવિત છે"

આચલે ગુસ્સામાં કહ્યું, "મારા પિતા અને ભાઈઓએ સક્ષમની (પ્રેમી) હત્યા કરી નાખી. તેઓ એની હત્યા કરીને પણ હારી ગયા, જ્યારે સક્ષમ મરીને પણ જીતી ગયો, કારણ કે અમારો પ્રેમ હજુ પણ જીવિત છે."
સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપતા આચલે કહ્યું હતું, "સક્ષમ તાટે અને હું ત્રણ વર્ષથી પ્રેમમાં હતાં. મારા પરિવારને આ સંબંધ મંજૂર ન હતો, એટલે તેમણે આવી રીતે સક્ષમની હત્યા કરાવી નાખી."
"અમે પ્રેમમાં હતાં, પરંતુ મારા પિતાને આ સંબંધ મંજૂર ન હતો, કારણ કે તે બીજી જ્ઞાતિનો હતો. મારા પિતા કહેતા, 'તું કહીશ ત્યાં લગ્ન કરાવી દઈશ, પરંતુ આની સાથે બોલવા-ચાલવાનું છોડી દે.'"
એફઆઇઆરના આધારે પોલીસે આરોપીની તપાસ હાથ ધરી હતી, ત્યારે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે નાસતાં-ફરતાં આરોપીઓ આ ગુનો આચર્યા બાદ પરભણિના માનવત ખાતે એક સંબંધીને ત્યાં ગયા છે.
પોલીસે ત્યાં આ લોકોની કાયદેસર ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે ગજાજન મામીડવાર (ઉં.વ. 45) અને સાહિલ ગજાનન મામીડવારે કાવતરું ઘડવાની તથા ગુનો આચરવાની વાત સ્વીકારી લીધી છે.
પોલીસ શું કહે છે?

નાંદેડના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ પ્રશાંત શિંદેના કહેવા પ્રમાણે, "સક્ષમ તાટેને (ઉં.વ. 20) બહુ માર મારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. અમે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે."
પોલીસનું કહેવું છે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103, 61 (2), 189,190, 191 (2) તથા 193 (3) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસનું કહેવું છે કે જયશ્રી મદનસિંહ ઠાકુર, ગજાનન બાલાજીરાવ મામીડવાર, સાહિલ મામીડવાર સહિત છ વ્યક્તિની ધરપકડ કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













