ગુજરાત SIR : ફૉર્મ ઘરે ન આવ્યું હોય શું કરવું અને ક્યાં તપાસ કરીને નામ સામેલ કરી શકાય?

ઇમેજ સ્રોત, @Collectorbhav
ગત 4 નવેમ્બરથી ગુજરાતમાં મતદારયાદી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની (SIR) કામગીરી ચાલી રહી છે.
હવે જ્યારે આ કામગીરી તેના પ્રથમ તબક્કાના અંત તરફ આગળ વધી રહી છે ત્યારે હજુ પણ આ પ્રક્રિયા અંગે લોકોના મનમાં જાતભાતના પ્રશ્નો તો ઉદ્ભવી જ રહ્યા છે.
નોંધનીય છે કે કેન્દ્રીય ચૂંટણીપંચે બિહારમાં SIRની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 27 ઑક્ટોબર ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના બીજા તબક્કાની શરૂઆત કરી હતી.
આ પ્રક્રિયાની શરૂઆતમાં જ વિપક્ષ સહિત ઘણા લોકોએ આ પ્રક્રિયા ખૂબ લાંબી હોવા છતાં તેના માટે ઉતાવળ કરાઈ રહ્યો હોવાનો આરોપ કરાયો હતો, તો સામેની બાજુએ કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારોએ ભારતીય ચૂંટણીપંચની આ કામગીરીને મતદારયાદીના શુદ્ધીકરણની પ્રક્રિયા તરીકે બિરદાવી હતી.
બીબીસી ગુજરાતીએ મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયામાં પોતાનો પરસેવો પાડી રહેલા આવા જ બૂથ લેવલ ઑફિસર (બીએલઓ) સાથે વાત કરી સામાન્ય લોકોને મૂંઝવી રહેલા આવા જ કેટલાક સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જો તમારું ગણતરીનું ફૉર્મ ન આવ્યું હોય તો શું કરી શકાય?

ઇમેજ સ્રોત, Chief electoral Officer, Gujarat/X
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાની શરૂઆત અને હવે જ્યારે આ કામગીરી તેના પ્રારંભિક તબક્કાના અંત તરફ આગળ વધી રહી છે ત્યારે હજુ પણ એવું જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો પાસે SIRનું ગણતરીનું ફૉર્મ નથી પહોંચ્યું.
સરનામામાં ફેરફાર કે અન્ય કોઈ કારણસર આ સમસ્યા સર્જાઈ રહી હોવાની સંભાવના છે.
પરંતુ હવે આવા કિસ્સામાં જેનું ગણતરીનું ફૉર્મ જે-તે વ્યક્તિ સુધી પહોંચ્યું જ ન હોય તો તેની પાસે કયા વિકલ્પો રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ અંગે અમદાવાદના કુબેરનગર બી-વૉર્ડ ખાતે આંબાવાડી શાળા નં-1માં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ પ્રભાત રબારીએ કહ્યું કે, "જેનું ગણતરીનું ફૉર્મ મળ્યું જ ન હોય એવા મતદાર માટે બે શક્યતા હોઈ શકે છે. એક એ કે એ મતદાર પહેલાંથી નોંધાયેલા છે અને કોઈક કારણસર તેમની પાસે ગણતરીનું ફૉર્મ નથી પહોંચ્યું અને બીજી શક્યતા એ આવી વ્યક્તિની મતદાર તરીકે નોંધણી થયેલી જ નથી."
તેઓ કહે છે કે, "જો આવી વ્યક્તિ મતદાર તરીકે નોંધાયેલી હોય તો તેમની પાસે રહેલા મતદાર ઓળખપત્ર પર લખેલા EPIC (ઇલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ) નંબરને આધારે ચૂંટણીપંચની વેબસાઇટ કે ઍપ્લિકેશન થકી આવા મતદારનું નામ શોધી શકાય છે. જો EPIC નંબર ન હોય તો આવી વ્યક્તિના નામ અને જન્મતારીખ વડે પણ તેમનું નામ વેબસાઇટ અને ઍપ્લિકેશન મારફતે શોધવાનો પ્રયાસ કરી શકાય."
"આ ઉપરાંત આવી વ્યક્તિને જો પોતાનાં માતાપિતા કે અન્ય સગાંસંબંધીઓનું મતદાનમથક ક્યાં છે એ ખ્યાલ હોય તો ત્યાં જઈને પણ ત્યાંની મતદારયાદીમાં પોતાનું નામ છે કે કેમ એ જોઈ શકે છે."
તેઓ કહે છે કે જો આ બંને રીત અજમાવ્યા છતાં મતદારનું નામ ન જડે તો તેના બે અર્થ નીકળે. એક એ કે એ વ્યક્તિ ક્યારેય મતદાર તરીકે નોધાયેલી નહોતી, તેમજ બીજો એ કે આવી વ્યક્તિની નોંધણી મતદાર તરીકે થઈ તો હતી, પરંતુ અમુક કારણસર તેમનું નામ કમી થઈ ચૂક્યું છે.
પ્રભાત રબારી આગળ કહે છે કે, "જો આવી વ્યક્તિનું નામ ક્યાંય ન મળે તો ચૂંટણીપંચે જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાના બીજા તબક્કામાં તેઓ નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે."
તેઓ કહે છે કે આગામી સમયમાં 9 ડિસેમ્બરથી શરૂ કરીને 8 જાન્યુઆરી સુધી આ પ્રક્રિયા પણ હાથ ધરાશે.
"આવી વ્યક્તિ કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કરેલા પુરાવા પૈકીના પુરાવા સાથે રાખીને પોતાનું નામ મતદારયાદીમાં સમાવવા માટે અરજી કરી શકે છે. અહીં નોંધનીય છે કે બધું યોગ્ય હોય તો આવી વ્યક્તિને નવા EPIC નંબરવાળું નવું મતદારકાર્ડ જાહેર કરવામાં આવશે."
આવી જ રીતે અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવતા અન્ય એક બીએલઓ શોકત મનસૂરી પણ SIRનું ગણતરીનું ફૉર્મ જે-તે કારણસર મળ્યું ન હોય તો પણ ગભરાવાની કોઈ જરૂર ન હોવાનું જણાવતાં કહે છે કે, "કોઈ પણ કારણસર જેનું ગણતરીનું ફૉર્મ આવ્યું જ નથી, મતદારયાદીમાંથી નામ કમી થઈ ગયું હોય કે ગણતરીનું ફૉર્મ આવ્યું તો હતું, પરંતુ ભરીને જમા કરાવવાનું બાકી રહી ગયું હોય તો તેવી વ્યક્તિઓએ ગભરાવાની કોઈ જરૂર નથી. તેમને બીજા તબક્કામાં તક અપાશે. તેઓ પોતાનું ફૉર્મ ભરી શકશે, બસ તેમની પાસે જન્મતારીખ અને સરનામા માટેના પુરાવા હોય એ જરૂરી છે."
તેઓ વિશ્વાસપૂર્વક કહે છે કે, "ભારતના નાગરિક હોય એ તમામનું નામ મતદારયાદીમાં આવી જ જશે. તેને કોઈ તકલીફ નહીં પડે."
SIR માટે મહત્ત્વની તારીખો
SIR માટે 28 ઑક્ટોબરથી 3 નવેમ્બર 2025 દરમિયાન ફૉર્મના પ્રિન્ટિંગ અને અધિકારીઓની તાલીમનું કામ કરવામાં આવ્યું હતું.
- 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 - ઘરેઘરે જઈને મતદારોની માહિતી એકત્ર કરાશે.
- 9 ડિસેમ્બર, 2025 - ડ્રાફ્ટ મતદારયાદી જારી કરવામાં આવશે
- 9 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026- વાંધા -ફરિયાદો દાખલ કરી શકાશે
- 9 ડિસેમ્બર 2025થી 31 જાન્યુઆરી 2026 - સુનાવણી અને વેરિફિકેશન
- 7 ફેબ્રુઆરી 2026 - અંતિમ મતદારયાદી પ્રકાશિત થશે
SIR અંતર્ગત બીએલઓ બધા મતદારોનાં ઘરોની મુલાકાત ત્રણ વખત લેશે

ઇમેજ સ્રોત, ECI
અગાઉ જણાવ્યું એમ નવેમ્બર મહિનાથી ડિસેમ્બર મહિનાના પ્રારંભ સુધી મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયામાં ગણતરીનો તબક્કો હાથ ધરાશે.
જેની મોટી જવાબદારી ચૂંટણીપંચના આ સંદર્ભના હુકમ અનુસાર બીએલઓની રહેશે.
આ હુકમની પુરવણી બીના મુદ્દાના નંબર 3 'હાઉસ ટુ હાઉસ (એચટુએચ) એન્યુમરેશન' હેઠળ બૂથ લેવલ ઑફિસરે કરવાની કામગીરીનો ઉલ્લેખ છે.
આ મુદ્દા નં.3ના પેટા મુદ્દા બી પ્રમાણે બૂથ લેવલ ઑફિસરે દરેકે દરેક મતદારના ઘરે રૂબરૂ મુલાકાત લેવાની છે. જે દરમિયાન તેણે ચાલુ મતદારોની વિગતો પહેલાંથી છપાયેલી હોય એવાં ગણતરી ફૉર્મની નકલ જે તે મતદારને આપવાની રહેશે અને તેમને આ ફૉર્મ ભરવાનું માર્ગદર્શન આપવાનું રહેશે.
આ દરમિયાન જો બીએલઓને કોઈ ઘર બંધ મળી આવે તો તેમણે જે તે ઘરના દરવાજાની નીચે આ ફૉર્મ સરકાવી દેવાનું રહેશે અને બાદમાં આ ફૉર્મ ભરીને કલેક્ટ કરવા માટે આવા મતદારના ઘરની ઓછામાં ઓછી વખત મુલાકાત લેવાની રહેશે.
પેદા મુદ્દા ડી પ્રમાણે વર્તમાન મતદારો ઑનલાઇન માધ્યમ વડે આવાં ગણતરી ફૉર્મ ડાઉનલોડ કરી શકશે તેમજ વિગતો ભરીને યોગ્ય દસ્તાવેજો સાથે તેને અપલોડ પણ કરી શકશે.
મુદ્દા ઇ અનુસાર દરેક વર્તમાન મતદાર જરૂરી વિગતો ભરીને આ ફૉર્મ સ્વપ્રમાણિત દસ્તાવેજો સાથે બીએલઓને આપવાનાં રહેશે.
મુદ્દા એફમાં આપેલી વિગતો પ્રમાણે : બાદમાં બીએલઓ ભરાયેલાં ફૉર્મ કલેક્ટ કરવા માટે ફરી વાર દરેક ઘરની મુલાકાત લેશે. બીએલઓ મતદાર પાસેથી ભરાયેલું ફૉર્મ અને સંબંધિત દસ્તાવેજો મેળવી લેશે અને મતદાર પાસેથી આ ફૉર્મ અને દસ્તાવેજો મેળવી લીધાં હોવાનું મતદાર પાસે રહેલી ફૉર્મ અને દસ્તાવેજની નકલો પર પ્રમાણિત કરી આપશે.
જો મતદારે ફૉર્મ અને સંબંધિત દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કર્યાં હોય તો બીએલઓ મતદારના ઘરની મુલાકાત દરમિયાન આ તમામ દસ્તાવેજોની ખરાઈ કરશે.
બીએલઓએ આ ભરાયેલાં ફૉર્મ અને દસ્તાવેજો બીએલઓ/ઇસીઆઇનેટ મોબાઇલ ઍપ્લિકેશન મારફતે અપલોડ કરવાના રહેશે. એ બાદ બીએલઓએ આ તમામ કાગળિયાં દસ્તાવેજીકરણના હેતુસર ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર કે આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસરને સોંપવાનાં રહેશે.
કેન્દ્રીય ચૂંટણીપંચની વેબસાઇટ પર રહેલા પ્રેઝન્ટેશનમાં મુકાયેલી વિગતો અનુસાર બીએલઓએ મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા દરમિયાન નવા મતદારોની નોંધણી માટે ફૉર્મ - 6 અને જાહેરનામાને લગતું ફૉર્મ પણ વિગતો ભરીને જમા લેવાનું રહેશે. આ દરમિયાન તેમણે મૅચિંગ અને લિંકિંગની કામગીરીમાં મદદ કરવાની રહેશ.
આ સિવાય બીએલઓએ મતદારો પૈકી મૃત, અન્યત્રે સ્થાયી થયેલા અને એક કરતાં વધુ ક્ષેત્રોમાં મતદાર તરીકે નોંધાયેલા હોય તેવા મતદારોની ઓળખ કરવાની રેહેશે.
SIR માટે કયા ડૉક્યુમેન્ટ સ્વીકારાશે?

ઇમેજ સ્રોત, ECI/X
SIR માટે જે ડૉક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે તેની યાદી આ પ્રમાણે છેઃ
- સરકારી કર્મચારીનું ઓળખ પત્ર અથવા પેન્શન ઑર્ડર
- સરકાર કે જાહેર ક્ષેત્રના સંગઠન દ્વારા ઈશ્યૂ કરાયેલું (1987 અગાઉનું) ઓળખપત્ર અથવા ડૉક્યુમેન્ટ
- જન્મનું પ્રમાણપત્ર
- પાસપૉર્ટ
- શાળા અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર (મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ)
- કાયમી સરનામાનું પ્રમાણપત્ર
- વન અધિકારનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકારી સંસ્થાનું ફેમિલી રજિસ્ટર
- સરકારે જમીન/મકાનની ફાળવણી કરી હોય તેનો પુરાવો
- નાગરિકોનું નેશનલ રજિસ્ટર (જ્યાં લાગુ પડતું હોય ત્યાં)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












