ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ મુદ્દે મેવાણી અને ઇટાલિયા એકસાથે, હર્ષ સંઘવી પરના પ્રહારોનો રાજકીય સંકેત શું છે?

ઇમેજ સ્રોત, ANI/FB
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દારૂ અને ડ્રગ્સ મામલે રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે.
કૉંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આક્રમક શૈલીમાં 'પોલીસના પટ્ટા ઉતરાવી દેવાની' ચેતવણી આપ્યા પછી મોટો વિવાદ થયો હતો. તેમણે પોલીસ પર 'દારૂમાંથી કમાણી કરવાનો' આરોપ પણ લગાવ્યો હતો.
ત્યાર બાદ ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કોઈનું નામ લીધા વિના 'સંસ્કાર વિનાના' વાળું નિવેદન આપતા વિવાદ થયો છે.
હવે આ મુદ્દામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ઝંપલાવ્યું છે અને તેમણે પણ દારૂ અને ડ્રગ્સ મુદ્દે હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે.
આ પહેલાં આપના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મુદ્દે જિજ્ઞેશ મેવાણીનું સમર્થન કર્યું હતું.
દારૂ અને ડ્રગ્સ મુદ્દે કૉંગ્રેસના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓનું આવવું શું સૂચવે છે? મોટા ભાગના વિપક્ષી નેતાઓના નિશાને હર્ષ સંઘવી કેમ છે?
ક્યાંથી શરૂ થયો વિવાદ?

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
કૉંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તાજેતરમાં થરાદના શિવનગરના રહેવાસીઓને લઈને એસપી ઑફિસે પહોંચ્યા હતા અને પછી તેમણે દારૂ તથા ડ્રગ્સના કથિત વેચાણ મામલે પોલીસની કામગીરીની આકરી ટીકા કરી હતી.
આ દરમિયાન તેમણે પોતાની આક્રમક શૈલીમાં પોલીસના 'પટ્ટા ઉતરાવી દેવાની' ચેતવણી પણ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થરાદમાં તેમણે પોલીસ પર "દારૂમાંથી કમાણી કરવાનો" આરોપ લગાવ્યો હતો અને ગેરકાયદે વેચાણને તત્કાળ નિયંત્રણમાં લાવવા આક્રમક રજૂઆત કરી હતી.
જેના પગલે રાજ્યના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવીનો પ્રતિભાવ આવ્યો હતો, જેમાં તેમણે પોલીસને 'ચિંતા કરવાની જરૂર' નથી એવું કહેતાં ઉમેર્યું હતું: "પોતાની જાતને ખૂબ ભણેલા ગણાવતા, અનેક ડિગ્રી ધરાવતા, પરંતુ જેમને સંસ્કાર નથી મળ્યા તેવા લોકો તમારી કચેરીએ આવશે. તમારા પટ્ટા ઉતારી લેવાની, નોકરીમાંથી કઢાવી નાખવાની વાત કરશે."
બંને નેતાઓ વચ્ચે નિવેદનોની આવી ચડસાચડસી વચ્ચે કેટલાક પોલીસ પરિવારોએ સોમવારે જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરીને રેલી કાઢી હતી અને તેમના રાજીનામાની માગણી પણ કરી હતી.
ત્યાર બાદ 26 નવેમ્બરે જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં થરાદમાં હજારો લોકોએ રેલી કાઢી હતી. આ રેલીમાં બનાસકાંઠાથી કૉંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત જેવા નેતાઓ પણ સામેલ થયા હતા.
ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સમર્થનમાં

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચાલી રહેલા આ વિવાદ-વિરોધપ્રદર્શનોની હારમાળા વચ્ચે ગઈ કાલે 26 નવેમ્બરે આ વીસાવદરના ધારાસભ્ય અને આપના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ પોતાની વાત મૂકી હતી.
આ લાઇવ વીડિયોમાં તેમણે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું, "ગુજરાત પોલીસને હાથો બનાવનાર હર્ષ સંઘવીને હું કહેવા માગું છું કે 'જિજ્ઞેશ મેવાણી હાય હાય…' કરાવવું હોય તો IPS અધિકારીઓના પરિવારોનો ઉપયોગ કરો, સામાન્ય કૉન્સ્ટેબલોને હાથો ન બનાવો."
"નાના પોલીસ કર્મચારીઓને આગળ ધરીને પોતાનો બચાવ ન કરો. સત્તા બદલાય ત્યારે મોઢું ન બતાવી શકાય એટલાં કાળાં કામ ન કરો."
તેમણે કહ્યું હતું કે, "દારૂ, જુગાર અને ડ્રગ્સનું ગુજરાતમાં દૂષણ ફેલાયું છે તેનો લાભ કોને મળે છે? ગુજરાતમાં નિષ્ફળ નેતાઓને કારણે પોલીસખાતાની પણ ફજેતી થઈ ગઈ છે. ભાજપના નેતાઓને કારણે પોલીસ અને જનતા વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે."
તેમણે અનેક અખબારોના ક્લિપિંગ્સ અને મીડિયા અહેવાલોને ટાંકીને હર્ષ સંઘવી પર 'પોલીસ સાથે ગેરવર્તણૂક અને જાહેર જીવનમાં ખરાબ આચરણ' ના આરોપો પણ લગાવ્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "ગુજરાત આવા હાસ્યાસ્પદ માણસોના હાથમાં સારું ન લાગે. આ ધરતી એ ગાંધીજી, રવિશંકર મહારાજ જેવા લોકોની ધરતી છે. આ ગુજરાતનું દુર્ભાગ્ય છે કે ગૃહમંત્રી જેવી પોસ્ટ પર એવી વ્યક્તિ છે, જેમાં કોઈ ગંભીરતા નથી."
એ પહેલાં ચૈતર વસાવાએ જિજ્ઞેશ મેવાણીના જ ટ્વીટને રિપોસ્ટ કરીને હર્ષ સંઘવી પર પ્રહારો કર્યા હતા. તેમણે કથિતપણે ડ્રગ્સ પેડલર સાથે હર્ષ સંઘવીને સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો.
જોકે, વિવિધ નેતાઓનાં આ નિવેદનોની હારમાળા પછી હજુ સુધી હર્ષ સંઘવીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તો ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે "આ હવે એક રાજકીય મુદ્દો બની ગયો છે."
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર અગાઉ ગુજરાતમાં દારૂ સહિતના વ્યસનમુક્તિ અંગે આંદોલન કરી ચૂક્યા છે.
ગોપાલ ઇટાલિયાએ મેવાણીને સમર્થન કેમ આપ્યું?

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર ગુજરાતના રાજકારણના જાણકાર અને રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરનું માનવું છે કે લોકોનાં વલણનો ખૂબ ઠાવકાઈથી ઉપયોગ જિજ્ઞેશ મેવાણીએ કર્યો છે.
તેઓ કહે છે કે, "આજે ગુજરાતમાં કોઈ પોલીસનો પ્રજા સાથેનો વ્યવહાર સારો છે, કે ગુજરાતમાં દારૂ મળતો નથી એવું કહે તો કોઈ સહમત ન થાય. બીજી તરફ પોલીસખાતું હંમેશાં સોફ્ટ ટાર્ગેટ રહેતું હોય છે એ પણ હકીકત છે. આવી સ્થિતિમાં જિજ્ઞેશ મેવાણીએ સરકારને પત્રો લખવા, આવેદનો આપવાને બદલે સીધો એવો રસ્તો પસંદ કર્યો, જેનાથી લોકોને એવું લાગે કે આ માણસ જનતાની વચ્ચે કામ કરતો, મુદ્દા ઉઠાવતો દેખાય છે."
તેઓ કહે છે, "જિજ્ઞેશ મેવાણી પોપ્યુલર પૉલિટિક્સ કરી રહ્યા છે, પરંતુ સાથે હર્ષ સંઘવીનાં નિવેદનો, પોલીસ પરિવારની રેલી વગેરેએ આ મામલાને વેગ આપ્યો છે."
"તમે જુઓ તો ચૈતર વસાવા અને અનંત પટેલ, ગેનીબહેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર દેખાય છે અને હવે જિજ્ઞેશ મેવાણીનું પણ આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ સમર્થન કર્યું છે. તેઓ તેની પાછળ પોતપોતાના જાતિગત ગણિતને પાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ સિવાય એક વ્યક્તિ ભાજપ સામે લડતી હોય અને બીજી વ્યક્તિ એ મુદ્દે ચૂપ રહે તો ખોટો સંદેશ જાય. આથી, અત્યારે નેતાઓ પાર્ટી બાજુમાં મૂકી સરકાર સામે નૅરેટિવ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કાલ ઊઠીને કોઈ કહી ન શકે કે તેઓ ચૂપ હતા."
વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબ દૈનિકના ભૂતપૂર્વ તંત્રી કૌશિક મહેતા કહે છે કે, "ભ્રષ્ટાચાર, ડ્રગ્સ, દારૂની ગુજરાતમાં શું સ્થિતિ છે એ બધું દીવા જેવું સ્પષ્ટ છે. નરી વાસ્તવિકતા એ છે કે સરકાર આ બાબતમાં સદંતર નિષ્ફળ ગઈ છે, પરંતુ આટલી હિંમતથી આ મુદ્દો ઉપાડ્યો છે તેના કારણે હલચલ થવી સ્વાભાવિક છે. જોકે, બંનેમાંથી કોઈ નેતાની ભાષા બરાબર નથી."
તેઓ કહે છે કે, "મહાનગરપાલિકાઓની ચૂંટણી નજીક છે ત્યારે કોઈ મુદ્દાથી ભાજપને નુકસાન થાય એવી આપ-કૉંગ્રેસની ગણતરી હોય એ સ્વાભાવિક છે."
હર્ષ સંઘવી વિપક્ષના નિશાને કેમ?

ઇમેજ સ્રોત, ANI
ગોપાલ ઇટાલિયા, જિજ્ઞેશ મેવાણી, ચૈતર વસાવા સહિતના વિપક્ષી નેતાઓ હર્ષ સંઘવી પર સતત પ્રહારો કરી રહ્યા છે.
કૌશિક મહેતા કહે છે, "હકીકતમાં મુદ્દો એ છે કે 30 વર્ષ સરકારને થવા છતાં આ દૂષણો નાબૂદ ન થાય તો એ મોટી નિષ્ફળતા છે. ભૂતકાળમાં કેશુભાઈની સરકાર વખતે 'ગુંડાગીરી નાબૂદી સમિતિ' ઘડવામાં આવી હતી. તમે હજુ આ દૂષણો નાબૂદ કરી શક્યા નથી તો એ દર્શાવે છે કે તમારામાં રાજકીય ઇચ્છાશક્તિ નથી."
હર્ષ સંઘવી પર થઈ રહેલા ટાર્ગેટ અંગે તેઓ કહે છે કે, "સરકાર કોણ ચલાવે છે એ સૌને ખબર છે. આથી, હર્ષ સંઘવી પર જ પ્રહારો થશે એ પણ સ્વાભાવિક છે."
રાજેશ ઠાકર કહે છે, "હર્ષ સંઘવી એ સ્વાભાવિક રીતે વિપક્ષો માટે સોફ્ટ ટાર્ગેટ છે કારણ કે એ સીઆર પાટીલને બદલે ગુજરાતમાં સત્તા સમીકરણ સંભાળે છે એવી છાપ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી હોવા છતાં તેમની જેમ સક્રિય નથી. વધુમાં ગૃહ ખાતું તેમની પાસે હોવાથી ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊઠે તો હર્ષ સંઘવીનું નામ સ્વાભાવિક રીતે જ તેમાં આવે."
તેઓ કહે છે, "નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવામાં આવે તો આપોઆપ આખી સરકાર સામે સવાલો ઊઠે તેવી અત્યારની પરિસ્થિતિ છે અને વિપક્ષો એ જ કરી રહ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












