ગુજરાતી ફિલ્મોમાં દલિતો સામેના 'ભેદભાવ અને જાતિવાદની વાસ્તવિકતા' કેમ દર્શાવાતી નથી?

ઇમેજ સ્રોત, Getty Images
"ફિલ્મોમાં પણ દલિતને બતાવે તો ગટર સાફ કરતો, ઝાડુ મારતો, બીડી ફૂંકતો કે ગમાર જ બતાવશે?"
2018માં એક ફિલ્મ રજૂ થયેલી ફિલ્મ 'તમે કેવા?'માં આ સંવાદ છે.
હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'લાલો'થી ગુજરાતી ફિલ્મોની ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે 'દલિતો પર થતા અત્યાચાર કે વર્ણવ્યવસ્થા' સામે સવાલ ઊભા કરતી કે વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મો જો ગુજરાતીમાં જોવા જઈએ તો 'ભવની ભવાઈ' કે 'ધ કલર ઑફ ડાર્કનેસ' કે 'તમે કેવા?' જેવી આંગળીના વેઢે ગણાય એટલી જ છે.
ફિલ્મનું કોઈ સાઇડનું પાત્ર દલિત સમુદાયમાંથી આવતું હોય અને તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવાઈ હોય કે મુખ્ય હીરોનો મિત્ર વંચિત કોમનો હોય એવા સહાયક કિરદાર ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ કોઈ દલિતના વાસ્તવિક જીવનને કેન્દ્રમાં રાખતી ફિલ્મ બહુ ઓછી જોવા મળે છે.
મરાઠી, મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ વગેરે અન્ય ભારતીય ભાષાની ફિલ્મોની સરખામણીમાં ગુજરાતી સિનેમા દલિત મુદ્દાઓને ફિલ્માવવામાં જાણે કે 'આભડછેટ' રાખે છે.
નિષ્ણાતોનું માનવું છે કે દલિતોના મુદ્દાને લઈને ફિલ્મો બનાવવામાં અનેક પડકારો પણ રહેલા છે, જે આર્થિક બાબતો સાથે પણ જોડાયેલા છે.
ગુજરાતી ફિલ્મોમાં દલિતોની વાસ્તવિકતાનું સ્થાન ક્યાં?

ઇમેજ સ્રોત, gkmakwana/fb
ફિલ્મ 'કરસનદાસ પે ઍન્ડ યૂઝ'માં આડતકરી રીતે વંચિત સમુદાયની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કરાયો છે. ફિલ્મનો એક સંવાદ છે. જેમાં અભિનેતા ચેતન દૈયા (જેઓ ચીનુભાનું પાત્ર ભજવે છે) કહે છે કે, "એ જાજરૂ સાફ કરવાવાળો એની ઔકાત ભૂલી ગયો છે."
તેના જવાબમાં અભિનેતા જય ભટ્ટ (જેઓ કાળુભાના પાત્રમાં છે) કહે છે કે, "ઔકાત... ઔકાતની વાત કરો છો? એ જે કામ કરે છે તે કામ કરવાની અહીં ઊભેલામાંથી એકેયની ઔકાત નથી. એ તમારા લોકોની ગંદકી સાફ કરે છે. ખુલ્લા ગટરના ઢાકણા પાસેથી તો તમે પસાર નથી થઈ શકતા. ઔકાત હોય તો જાવ એ ગટરનું ઢાકણું ખોલો અને જુઓ, એમાં એના જેવો જ એક માણસ ગટર સાફ કરતો હશે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'તમે કેવા?' ફિલ્મના ડિરેક્ટર કેઆર દેવમણી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "ગુજરાતી ફિલ્મમાં દલિતને સારું ભણેલો, સનદી અધિકારી કે સિસ્ટમ સામે લડતો હોય એવું તો દર્શાવાતું જ નથી. દલિતો સિસ્ટમ સામે લડે છે, પરંતુ ફિલ્મોમાં એ ક્યાંય દેખાતું નથી. ગુજરાતી સિનેમામાં દલિત તો દેખાશે જ નહીં અને દેખાશે તો પણ તેને ઑફિસનો ચપરાસી કે સફાઈ કામદાર કે શોષિત – પીડિત તરીકે જ બતાવવામાં આવે છે."
ડિરેક્ટર દેવમણીએ ફિલ્મનું ટાઇટલ રાખ્યું હતું કે તમે કેવા? દેવમણી કહે છે કે, "ફિલ્મનું ટાઇટલ એવું મેં એટલા માટે રાખ્યું હતું કે, તમે કેવા? તમારી જાતિ કઈ? આવો સવાલ બધે જ પુછાય છે. ક્યાંક સીધો જ પ્રશ્ન પુછાય છે તો ક્યાંક ફેરવી ફેરવીને."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ધ કલર ઑફ ડાર્કનેસ' (2017) નામની ફિલ્મ ગિરીશ મકવાણાએ બનાવી હતી, જે અંગ્રેજી-ગુજરાતી મિશ્ર ભાષામાં હતી. ચાલીસેક ટકા ગુજરાતીમાં હતી. તે ફિલ્મનું શૂટિંગ ઑસ્ટ્રેલિયાના મેલબર્ન અને ગુજરાતમાં થયું હતું. ફિલ્મ દેશવિદેશમાં ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રજૂ થઈ હતી. જાતિવાદ અને વર્ણવ્યવસ્થાના વિવાદો પર ફિલ્મ પ્રકાશ પાડે છે.
ફિલ્મમેકર ગિરીશ મકવાણાને લાગે છે કે ગુજરાતમાં જે ઉજળિયાત સમાજ છે તેમનો ઝુકાવ જમણેરી વિચારધારા તરફ વધારે છે.
તેઓ કહે છે કે, "તેમનું જીવનધોરણ ગોઠવાયેલું છે. તેમને સમાજની કેટલીક બદી દેખાતી જ નથી. જેમ કે, આભડછેટ. કોઈ વ્યક્તિ સાથે આભડછેટ રાખવામાં આવતી હોય તો એના મન પર શું વીતતી હશે તે દરેક કેમ નથી સમજી શકતા એ એક સવાલ છે? માણસ તરીકે તે સમજવું અઘરું નથી. આપણે બૌદ્ધિક રીતે તો પછાત છીએ જ, પણ કેટલીક બાબતોમાં તો લાગણીની દૃષ્ટિએ પણ પછાત છીએ."
હેલ્લારો જેવી ફિલ્મ બનાવનાર ફિલ્મમેકર અભિષેક શાહ બીબીસી ગુજરાતીને કહે છે કે, "ગુજરાત પ્રમાણમાં સમૃદ્ધ રાજ્ય છે. અહીં લોકોનાં પેટ ભરેલાં છે. દલિતોની વાત ભૂલી જાવ, કોમી સંવાદિતા, સ્ત્રી સમાનતા આ બધા તો સમાજના પાયાના મુદ્દા છે. આના પર પણ ક્યાં ફિલ્મો બને છે?"
'ગુજરાતી સાહિત્યમાં બળ નથી તો ફિલ્મમાં ક્યાંથી આવે?'

ઇમેજ સ્રોત, Nagraj Manjule
જોકે દલિત મુદ્દાની ફિલ્મોની વાત આવે તો દેશની ટોચની દસ ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મ શોધવી પડે તેવી સ્થિતિ છે.
આ વર્ષે જ રજૂ થયેલી ફિલ્મ ચાતર બનાવનાર વિનોદ પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "દલિત કથાનકને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવે તો એ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ચાલી જશે, પણ ટિકિટબારી પર નહીં ચાલે. લોકો તેને સ્વીકારશે નહીં. ગુજરાતી દર્શકનો એ સ્વીકાર્યભાવ નથી એવું મને લાગે છે. ફિલ્મ બનાવનારાને પણ એ વાત છાનેખૂણે સતાવતી હોય છે કે તેની ફિલ્મને મુખ્ય ધારાની ફિલ્મ નહીં ગણવામાં આવે."
મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફુલે હોય કે દક્ષિણ ભારતમાં પેરિયાર હોય એવા દલિત નેતાઓએ જે ક્રાન્તિ કરી છે તેવી કોઈ ઝુંબેશ ગુજરાતમાં થઈ નથી. એક કારણ એવું છે કે તેને લીધે ગુજરાતમાં દલિતચેતનાની કોઈ ફિલ્મ નથી બની એવું કાર્તિકેય ભટ્ટને લાગે છે.
ગુજરાતી કરતાં અન્ય કેટલીક ભાષાની ફિલ્મોમાં જાતિગત ભેદભાવ, આભડછેટ, જાતિ આધારિત જુલમ જેવા મુદ્દા મોકળાશથી અને હિમ્મતભેર મૂકવામાં આવે છે. ત્યાં મુખ્ય કલાકારો પણ દલિત પાત્રો ભજવે છે.
મરાઠી સિનેમામાં 'ફેન્ડ્રી', 'સૈરાટ', 'કસ્તૂરી' વગેરે ફિલ્મો જોઈ શકાય છે. તેવી જ રીતે તમિલ સિનેમામાં મારી સેલ્વરાજની 'કર્ણન' જેમાં ધનુષ મુખ્ય ભૂમિકામાં હતા. ધનુષને જ ચમકાવતી 'અસુરન', અભિનેતા સુરિયાને ચમકાવતી ફિલ્મ 'જય ભીમ', મારી સેલ્વરાજની જ પેરિયરુમ પેરૂમલ જેના પરથી હિન્દીમાં 'ધડક – ટુ' બની છે. 'મનુસંગડા', 'ઇરાનિયન', 'મંડેલા' વગેરે ઘણી ફિલ્મો છે જે વર્ણવ્યવસ્થા સામે સવાલ કરે છે.

ઇમેજ સ્રોત, gkmakwanafilms
દક્ષિણ ભારતની વિવિધ ભાષાની ફિલ્મોમાં રજનીકાંત, સુરિયા, ધનુષ, કમલ હાસન, ચીયા વિક્રમ જેવા મુખ્ય કલાકારોએ દલિત, આદિવાસી કે વંચિત સુદાયનાં પાત્રો ભજવ્યાં છે. આવું તો હિન્દી સિનેમામાં પણ જવલ્લે જ જોવા મળે છે.
કરસનદાસ પે ઍન્ડ યૂઝ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મયૂર ચૌહાણ ઉર્ફે માઇકલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "પટેલ, પઠાણ કે પરમાર વચ્ચે ફરક ના કરો. તેમને માણસ તરીકે નિહાળો."
દેવમણી બીબીસીને કહે છે કે, "દક્ષિણનું સિનેમા એટલે કે ત્યાંના ફિલ્મમેકર્સ અને દર્શકો સમયની સાથે ભૌતિક અને વૈચારિક રીતે આધુનિક થયા છે. ગુજરાતી સિનેમા એ સરખામણીમાં હજુ પા પા પગલી ભરી રહી છે."
ફિલ્મ સમીક્ષક કાર્તિકેય ભટ્ટ જણાવે છે કે, "દલિત જ નહીં કોઈ પણ સામાજિક મુદ્દા વિશે આપણું પ્રાદેશિક સિનેમા રાંક છે. સર્જકતાનો પાયાનો નિયમ જ એ છે કે એ સ્થાપિત હિતની સામે હોય. સર્જન પોતે જ વિદ્રોહ છે. આપણે ત્યાં સ્થાપિત હિત સામે પડેલા શૂરવીરની નવલકથા ભાગ્યે જ લખાઈ છે. સાહિત્યમાં જ એ બળ નથી તો ફિલ્મમાં ક્યાંથી આવે?"
'નરેશ કનોડિયા દલિત મુદ્દાની એકાદ ફિલ્મ બનાવવાનું કહી શક્યા હોત'

ઇમેજ સ્રોત, Harsukh Patel
ગુજરાતી ફિલ્મોમાં નરેશ કનોડિયા કે વિક્રમ ઠાકોર જેવા કલાકાર છેવાડાના સમુદાયમાંથી જ આવે છે, પણ ફિલ્મમેકર્સ તેમને દલિત પાત્ર તરીકે ફિલ્મમાં રજૂ કરતા હોય તેવું ભાગ્યે જ બન્યું છે.
ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં જે ટોચના ત્રણ સ્ટારમાં નરેશ કનોડિયાનું નામ સેહેજેય મૂકી શકાય. તેઓ દલિત વર્ગમાંથી આવતા હતા.
ચંદુ મહેરિયા કહે છે કે, "નરેશ કનોડિયાના જમાનો ધમધમતો હતો ત્યારે તેઓ આગ્રહ રાખીને દલિત મુદ્દાની એકાદ ફિલ્મ બનાવવાનું કહી શક્યા હોત. તેમનો આગ્રહ માનવો પડે તેવું તેમનું સ્ટારડમ હતું. બહુ બહુ તો શું થાત? નરેશ કનોડિયાએ સો ફિલ્મ બનાવી હોય તો એ તમામ તો કાંઈ બૉક્સઑફિસ પર ચાલી નથી. એમાં એક વધુનો ઉમેરો થાત. તેમણે એકાદ જોખમ આવું પણ ખેડવું જોઈતું હતું. ધારો કે, તમને પ્રોડ્યુસર નહોતા મળતા તો નરેશ કનોડિયા પાસે જ્યારે ઠીક ઠીક પૈસા આવ્યા ત્યારે તેઓ પોતે પ્રોડ્યુસર બનીને પણ ફિલ્મ તો બનાવી શકતા હતા."

નરેશ કનોડિયાએ ભલે કોઈ દલિત કેન્દ્રિત ફિલ્મ ન બનાવી, પરંતુ તેમણે ભજવેલાં પાત્રોમાં એ બાબત જોઈ શકાય છે એવું કાર્તિકેય ભટ્ટને લાગે છે.
તેઓ કહે છે કે, "નરેશ કનોડિયાએ ફિલ્મમાં ભલે દલિત પાત્રો ન ભજવ્યા, પણ તેઓ હિટ થયા એનું કારણ જ તેઓ દલિત વર્ગમાંથી આવતા હતા તે છે. ગુજરાતી સિનેમામાં પણ ઉજળિયાત વર્ગવાળી માનસિકતા ધરાવતા કલાકારોનું એક જૂથ હતું જે વર્ચસ્વ ધરાવતું હતું. 75-76 પછી કનોડિયાબંધુ આગળ આવ્યા તે તેમને ગમ્યું નહોતું. કનોડિયા ક્યાંથી હીરો થઈ ગયા? તે મુદ્દો ઇન્ડસ્ટ્રીમાં પણ અંદરખાને હતો જ."
ગુજરાતમાં એસસી (શિડ્યુલ્ડ કાસ્ટ), એસટી (શિડ્યુલ્ડ ટ્રાઇબ), ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ)ની ટકાવારી પચાસ ટકાથી વધારે છે. નરેશ કનોડિયાએ માત્ર પાઘડીવાળા જ કિરદાર નથી ભજવ્યા એમ કહીને કાર્તિકેય ભટ્ટ ઉમેરે છે કે, "સૌભાગ્ય સિંદૂર નામની તેમણે જે ફિલ્મ કરી હતી તેમાં નરેશ કનોડિયાએ નાગવાળા મદારીનો રોલ કર્યો હતો. 'વેલીને આવ્યાં ફૂલ'માં પણ તેમણે શહેરી રખડુનો રોલ કર્યો છે. 'વણઝારી વાવ' ફિલ્મમાં ગામને પાણી મળે તે વાવ માટે ભોગ આપનારની વાત છે. અભ્યાસ કરશો તો માલૂમ પડશે કે નરેશ કનોડિયાના કિરદારો જે છે તે નાના વર્ગના છે."
દલિતોના મુદ્દા પર બનાવેલી ફિલ્મોમાં આવતા પડકારો

ઇમેજ સ્રોત, @2D_ENTPVTLTD
ફિલ્મના શૂટિંગ માટે લોકેશન ખોળવા ગિરીશ મકવાણા ખેડા ગયા ત્યારે તેમને પણ 'જાતિવાદ'નો એક જુદો જ અનુભવ થયો હતો.
ગિરીશ મકવાણા કહે છે, "2011માં ફિલ્મના શૂટિંગનું લોકેશન શોધવા અમે ખેડા પાસેના એક ગામમાં ગયા હતા. ત્યાં વણકર, ઠાકોર વગેરે સમાજની પણ વસતી છે. ત્યાંના સનદી અધિકારીએ એમ કહ્યું હતું કે તમે તો શૂટિંગ કરીને જતા રહેશો, પણ ફિલ્મ રજૂ થયા પછી અહીં જે દલિત સમાજના લોકો છે તેમને પછી તકલીફ પડશે. તે પછી એક તલાટીબહેને એક અંતરિયાળ જગ્યા બતાવી ત્યાં અમે શૂટિંગ કર્યું હતું."
તમે કેવા? ફિલ્મમાં એક સંવાદ છે કે, "આ શૂટબૂટ પહેરીને ફરો છો, હાથમાં મોબાઇલ અને ગાડીઓ લઈને નીકળ્યા છો તે માતાજીને કારણે નહીં, આંબેડકરને કારણે." ફિલ્મમાં દીવાને ફૂક મારવાનું પણ એક દૃશ્ય હતું, જેને લીધે ડિરક્ટર કેઆર દેવમણીને ધમકીઓ પણ મળી હતી.
તેઓ કહે છે કે, "મને ધમકાવાયો હતો કે તમે આ રીતે દીવાને ફૂંક મારવાનું દૃશ્ય કેવી રીતે દેખાડી શકો? મેં તેમને કહ્યું હતું કે તમારે જે કંઈ કાયદેસર કરવું હોય તે કરી શકો છો. મારી ફિલ્મ સેન્સરમાં પાસ થયેલી છે."
ઉપેન્દ્ર ત્રિવદીએ પણ નરેશ કનોડિયા જેવા રોલ ભજવ્યા છે. લોકો એની સાથે પણ એ રીતે જ પોતાનો લગાવ ન જોડી શકે? કાર્તિકેય ભટ્ટ કહે છે કે, "ઉપેન્દ્રભાઈ રોલ કરે, પણ લોકોને ખબર પડે કે તેમના નામ પાછળ 'ત્રિવેદી' અટક લાગી છે."
'મોટે ભાગે પ્રોડ્યુસર તૈયાર થતા હોતા નથી'

ઇમેજ સ્રોત, Krishnadev Yagnik/FB
કેઆર દેવમણી કહે છે કે, "ધારો કે, ફિલ્મમેકર દલિત મુદ્દા પ્રત્યે સંવેદનાસભર ફિલ્મ બનાવવા માગતો હોય તો પછી પ્રોડ્યુસર એના માટે તૈયાર થવા જોઈએ. મોટે ભાગે પ્રોડ્યુસર જ આના માટે તૈયાર થતા હોતા નથી."
"મારી ફિલ્મ 'તમે કેવા?' માટે હું સાતેક પ્રોડ્યુસરને મળ્યો હતો, પણ કોઈ તૈયાર ન થયા. પછી મેં પોતે જ ફિલ્મ બનાવી હતી."
ગુજરાતમાં દલિતોની સંખ્યા ભલે અન્ય રાજ્યો કરતાં ઓછી હોય પણ દલિતો પ્રત્યેના ભેદભાવની ભયંકર ઘટનાઓ ગુજરાતમાં બનતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે.
ગુજરાતનાં 27 ગામોમાં દલિત પરિવારો વર્ષોથી પોલીસ રક્ષણ હેઠળ જીવે છે. દર ચાર દિવસે ગુજરાતમાં એક દલિત મહિલા પર બળાત્કાર થાય છે. દલિત યુવકને દાઢી-મૂછ રાખે તો માર માર્યો હોય એવા કિસ્સા બને છે. દલિતોને વરઘોડો કાઢવાની મનાઈ ફરમાવાય છે. ક્યાંક પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિતોને વરઘોડો કાઢવો પડે છે.
શું તે ફિલ્મના વિષયો ન હોઈ શકે? અભિષેક શાહ કહે છે કે, "ગુજરાતમાં આભડછેટ હતી અને આજે પણ છે, પરંતુ એ માટેના સામાજિક સંઘર્ષ જ ઊભા નથી થયા, જેને લીધે રાજકીય ઓળખ જ ઊભી નથી થઈ. દલિતોની સમસ્યા સમજવામાં અને ઉકેલવામાં ગુજરાત પોતે પાછળ છે અને ગુજરાતી સિનેમા પણ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












