ગુજરાતનાં 27 ગામોમાં દલિત પરિવારો વર્ષોથી પોલીસ રક્ષણ હેઠળ જીવવા કેમ મજબૂર છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
- લેેખક, ગોપાલ કટેશિયા અને તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- દ્વારા રિપોર્ટિંગ, મોટા સમઢીયાળા, લોલીયાથી
11 જુલાઈ, 2016ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ઉના નજીક આવેલ મોટા સમઢીયાળા ગામે દલિત વશરામ સરવૈયા, તેમના નાના ભાઈ રમેશ સરવૈયા અને તેમના પિતરાઈ ભાઈઓ અશોક સરવૈયા અને બેચર સરવૈયા એક મરેલી ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કહેવાતા ગૌરક્ષકોએ તેમના પર ગૌવધનો આરોપ લગાવી તેમના પર કથિત રીતે હુમલો કરી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે વશરામના પિતા બાલુભાઈ સરવૈયા અને માતા કુંવરબેન તેમજ તેમના બે સંબંધીઓ વશરામ વગેરેને બચાવવા વચ્ચે પડ્યા તો કહેવાતા ગૌરક્ષકોએ તેમના પર પણ કથિત રીતે હુમલો કર્યો. ત્યાર બાદ, આ કથિત ગૌરક્ષકો વશરામ, રમેશ, અશોક અને બેચરનું એક કારમાં અપહરણ કરી, ઉના લઈ જઈ, તેમને કાર સાથે દોરડાથી બાંધી માર મારતાં મારતાં ઉના પોલીસ સ્ટેશન નજીક લઈ ગયા અને તેમને ત્યાં છોડીને જતા રહ્યા.
પાંચ દિવસ બાદ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ આ ઘટના સંસદમાં ઉઠાવતા દેશભરમાં દલિતો પરના આ કથિત અત્યાચારો ચર્ચાની એરણે ચડ્યા.
આ ઘટનાથી ગુજરાતમાં દલિતોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને ઠેર-ઠેર વિરોધપ્રદર્શનો અને કેટલીક જગ્યાએ રમખાણો થયાં હતાં અને તેમાં એક પોલીસકર્મીનું મૃત્યુ પણ થયું હતું.
ગુજરાતનાં તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલથી માંડીને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ દિલ્હીના તે વખતના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વગેરે નેતાઓ બાલુભાઈ, વશરામ વગેરેને મળીને રૂબરૂ મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાની વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Bipin Tankaria
આ વાતને હવે નવ વર્ષ પૂર્ણ થવાં આવ્યાં છે. સરવૈયા પરિવારના સભ્યો કેટલેક અંશે સામાન્ય જિંદગી જીવી રહ્યા હોય તેમ લાગે છે.
હાલ, બાલુભાઈ તેમનો મોટા ભાગનો સમય તેમની વાડીમાં રાખેલી બે ગાયો, બે ભેંસો, બે પાડીઓ અને એક ઘોડીને પાળવામાં કાઢે છે.
વશરામ, રમેશ અને બેચર વાડીમાં વાવેલ જીંજવો અને મકાઈ વાઢીને બાલુભાઈને આપે છે અને વૃદ્ધ બાલુભાઈ તે ચારો ગાયો-ભેંસોને નિર્યા કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતીએ જે દિવસે મોટા સમઢીયાળાની મુલાકાત લીધી તે દિવસે વશરામ વાડીએથી જેવા ઘરે પહોંચ્યા એટલે તેમની પાંચ વર્ષની દીકરી વિદિશા તેમને વળગી પડી.
ઘરમાં કુંવરબહેન તેમજ વશરામનાં પત્ની મનીષા ઘરકામમાં વ્યસ્ત હતાં. સરવૈયા પરિવારના નવા ચણાઈ રહેલ મકાનમાં દીવાલ પરના પ્લાસ્ટરને પાણી પાવાનું કામ ચાલી રહ્યું હતું. સરવૈયા પરિવારના ઘરથી થોડે દૂર ચોકમાં બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતાં અને કેટલાક વૃદ્ધો ચોકમાં આવેલ લીમડાના વૃક્ષ નીચે ચોરા પર બેસી ગરમ હવામાનમાં ઠંડકથી વાતો કરી રહ્યા હતા.
પરંતુ, આ સામાન્ય લાગતા રોજિંદા જીવનમાં એક અસામાન્ય બાબત હતી—સરવૈયા પરિવારના સભ્યો અને મોટા સમઢીયાળા ગામના જે વિસ્તારમાં તેઓ રહે છે ત્યાં સતત પોલીસનો પહેરો રહે છે.
આ પરિવારના રક્ષણ માટે સ્ટેટ રિઝર્વ પોલીસ (રાજ્ય અનામત પોલીસ દળ) એટલે કે એસ.આર.પી.ના ત્રણ હથિયારધારી કૉન્સ્ટેબલ, એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસના બે કૉન્સ્ટેબલ હાજર રહે છે. જો વશરામ, રમેશ કે બાલુભાઈ બહારગામ જાય તો પોલીસકર્મી પણ તેમની સાથે મુસાફરી કરે છે અને તેમનું રક્ષણ કરે છે.
હત્યા, હુમલા, ઍટ્રોસિટી(અત્યાચાર) પછી ભયના ઓથાર હેઠળ દલિત પરિવાર

ઇમેજ સ્રોત, Bipin Tankaria
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોટા સમઢીયાળાના સરવૈયા પરિવારની પોલીસ રક્ષણ હેઠળની જિંદગી અપવાદ નથી.
ખરેખર તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોલીયા ગામના પૂર્વ સરપંચ વિજયભાઈ ચાવડાનો પરિવાર લગભગ 12 વર્ષથી પોલીસ રક્ષણ હેઠળ જીવી રહ્યો છે.
એક જુલાઈ 2013ના રોજ લોલીયા ગામે જ રહેતા રાઘુભાઈ હરિભાઈ પરમાર, તેમના ભાઈઓ અને દીકરા જિગ્નેશ વગેરેએ દલિત સમાજના આગેવાન વિજયભાઈ પર કથિત રીતે હુમલો કરી, ધોકા-લાકડીથી માર મારી તેમની હત્યા કરી હતી.
2006થી 2011 દરમિયાન આ વિજયભાઈ સરપંચ હતા ત્યારે રાઘુભાઈ ઉપસરપંચ ચૂંટાયા હતા.
અંગત અદાવતમાં અન્ય પછાત વર્ગ (અધર બૅકવર્ડ ક્લાસ એટલે કે ઓ.બી.સી)માં સમાવિષ્ટ રાઘુભાઈ અને તેના પરિવારના અન્ય કેટલાક લોકોએ વિજયભાઈની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ચૂંટણીમાં વિજયભાઈ ગામના ક્ષત્રિય સમાજના આગેવાન અને તે વખતના સરપંચ ચંદુભા વાઘેલાને હરાવીને સરપંચ બન્યા હતા.
વિજયભાઈની હત્યા થતા ચાવડા પરિવારને સરકારે પોલીસ રક્ષણ આપ્યું હતું. વિજયભાઈની હત્યા થતા તેમનાં મોટાં બહેન પ્રવિણાબહેન ચાવડાએ ન્યાય માટે લડત શરૂ કરી હતી. આ પ્રવીણબહેન કૉંગ્રેસનાં નેતા હતાં અને શંકરસિંહ વાઘેલાની સરકારમાં ગુજરાત રાજ્ય ચર્મઉદ્યોગ નિગમનાં ચૅરપર્સન તરીકે પણ સેવા આપી હતી. પરંતુ અમદાવાદમાં એક કોર્ટમાંથી પરત ફરતી વખતે 27/2/2015ના રોજ તેમની પણ કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Bipin Tankaria
તે વખતે તેમના રક્ષણ માટે કોઈ પોલીસકર્મી તેમની સાથે મુસાફરી નહોતા કરી રહ્યા. જોકે, તેમના ઘરે પોલીસ પહેરો હતો.
બગોદરા પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ મુજબ રાઘુભાઈ, તેમના બીજા દીકરા હિરલ અને રાઘુભાઈના ભાઈઓએ પ્રવિણાબહેનનું અમદાવાદથી એક કારમાં અપહરણ કરી તેમની હત્યા કરી તેમના મૃતદેહને બાવળા-બગોદરા હાઇવે પર આવેલા રોહિકા ગામના પાટિયે ફેંકી દીધો હતો.
વિજયભાઈ અને પ્રવિણાબહેનની કથિત હત્યાઓ બાદ તેમના પિતા અમરભાઈનું 2017માં મૃત્યુ થયું. હાલ, વિજયભાઈનાં વૃદ્ધ માતા કંકુબહેન, મોટાં બહેન હંસાબેન મકવાણા અને હંસાબહેનનો દીકરો પોલીસ રક્ષણ હેઠળ જીવી રહ્યાં છે.
તેવી જ રીતે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ખીરસરા (વિંઝાણ) ગામમાં પણ 15 જૂન 2014ના રોજ વેલજીભાઈ મહેશ્વરી નામના દલિતની ગામમાં આવેલ એક કબ્રસ્તાનની દીવાલ બાબતે ચાલ્યા આવતા વિવાદમાં હારુન મુસા હિંગોરા અને અન્ય 16 લોકોએ કથિત રીતે હત્યા કરી તે ઘટનાને 11 વર્ષ પૂર્ણ થવાં આવ્યાં છે. પરંતુ વેલજીભાઈનો પરિવાર પણ પોલીસ રક્ષણ હેઠળ જીવી રહ્યો છે.
તો વળી, ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના જાળીયા ગામે દલિત પ્રવીણભાઈ ગોહિલ કહે છે કે ગામના ક્ષત્રિયો જ સરપંચ ચૂંટાય કે આડકતરી રીતે ગ્રામ પંચાયતનો વહીવટ કરે તે પરંપરાને તોડી તેઓ 2013માં સરપંચ ચૂંટાતાં પૂર્વ સરપંચ ઇંદુબા ગોહિલના પતિ રણુભા ગોહિલ અને ક્ષત્રિય સમાજના અન્ય લોકોએ તેમની પર કથિત રીતે હુમલો કર્યો. ત્યાર પછી હુમલા, ધમકી, ઍટ્રોસિટી વગેરેની છ ફરિયાદો નોંધાઈ. છેવટે સરકારે 1018માં પ્રવીણભાઈના ઘરને પોલીસ રક્ષણ આપ્યું અને છ વર્ષ બાદ આજે પણ ચાલુ છે.
ગુજરાતનાં 27 ગામો-શહેરોમાં દલિતો આજે પણ પોલીસ રક્ષણ હેઠળ જીવે છે

ઇમેજ સ્રોત, Bipin Tankaria
મોટા સમઢીયાળા, લોલીયા, ખીરસરા (વિંઝાણ) અને જાળીયા ગામના દલિત પરિવારો જેવી જ સ્થિતિ રાજ્યનાં અન્ય 23 ગામો-શહેરોમાં રહેતા અન્ય 23 દલિત પરિવારોની છે.
મહેસાણાના વકીલ કૌશિક પરમારે માહિતી અધિકાર કાયદા હેઠળ કરેલ એક અરજીના જવાબમાં ગુજરાત સરકારે 25 ફેબ્રુઆરી 2025ના રોજ જણાવ્યું હતું કે જૂન, 2024ની સ્થિતિએ રાજ્યનાં કુલ 27 ગામો/શહેરોમાં દલિતોને પોલીસ રક્ષણ અપાઈ રહ્યું હતું.
આ પરિવારો પર કથિત રીતે હુમલા થયા હતા અને ઍટ્રોસિટીના કેસ નોંધાયા હતા. તેમાં લોલીયા, ખીરસરા (વિંઝાણ), સાણોદર (ભાવનગર જિલ્લો), જાળીલા (બોટાદ), ચરેલ (રાજકોટ) અને સમઢીયાળા (સુરેન્દ્રનગર)માં કુલ સાત દલિતોની હત્યાઓનો સમાવેશ થાય છે.
આ 27 કેસોમાં જ્યાં પોલીસ રક્ષણ છે તેમાં ભાવનગર જિલ્લાના છ, ખેડા, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાના ત્રણ-ત્રણ, અમદાવાદ, બોટાદ, આણંદ, અને સુરેન્દ્રનગરના બે-બે અને જૂનાગઢ, રાજકોટ, મોરબી અને મહેસાણા જિલ્લાના એક-એક કેસનો સમાવેશ થાય છે.
તેમાંથી 12 કેસોમાં વ્યક્તિગત રક્ષણ આપવામાં આવેલ છે. અન્ય કિસ્સાઓમાં રક્ષણ મહોલ્લામાં કે મહોલ્લાની સાથે વ્યક્તિગત એમ બંને રીતે પૂરું પાડવામાં આવી રહ્યું છે.
મોટા સમઢીયાળા, લોલીયા, સાણોદર વગેરે ગામોમાં પોલીસ બંદોબસ્ત મહોલ્લામાં અને વ્યક્તિગત એમ બંને રીતે છે, જ્યારે જાળિયામાં રક્ષણ મહોલ્લામાં એટલે કે પ્રવીણ ગોહિલના ઘરની નજીક છે.
લોલીયા ગામે 2013થી અપાઈ રહેલું રક્ષણ હાલ સૌથી વધારે લાંબા સમયથી ચાલ્યું આવતું રક્ષણ છે જ્યારે 26 જૂન 2024ના રોજ ખેડા જિલ્લાના ચકલાસીમાં મોહનભાઇ રોહિત અને તેમનાં પત્ની વિમળાબહેન પર તેમના જ ગામના નવેક લોકોએ મોટરકાર ચલાવવા બાબતે થયેલી બોલાચાલી પછી હુમલો કરતાં તેમને આપવામાં આવી રહેલું પોલીસ રક્ષણ એ સૌથી નવો કેસ છે.
આ અંગે રાજ્ય સરકારનો મત જાણવા બીબીસીએ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનો ફોન દ્વારા અને એસએમએસ દ્વારા સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. તેમના તરફથી પ્રતિક્રિયા મળશે ત્યારે આ સ્ટોરી અપડેટ કરવામાં આવશે.
પોલીસ રક્ષણ કેમ જરૂરી છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
વશરામ સરવૈયા આમ તો છૂટથી તેમના ગામમાં ફરે છે પરંતુ કહે છે કે તેમના પર ભય હોય તેવું સતત લાગ્યા કરે છે.
તેમણે કહ્યું, "2016માં ગૌરક્ષકોએ હુમલા કર્યા પછી પણ અમારા પર બે વાર હુમલા થઈ ચૂક્યા છે. અમારા કેસોમાં 45 આરોપીઓ છે અને તે બધાને જામીન મળી જતા બધા હાલ મુક્ત છે."
વશરામ જણાવે છે, "તેઓ અમારા ગામની આજુબાજુનાં ગામોમાં રહે છે અને તેઓ અમારી પર ક્યારે શું કરે તે કહી શકાય નહીં. તેથી, અમારા કેસમાં પોલીસ રક્ષણ અત્યંત જરૂરી છે."
વશરામનાં માતા કુંવરબહેન કહે છે કે પોલીસ રક્ષણ છતાં તેમને ચિંતા રહે છે. તેમના કહેવા પ્રમાણે, "અમારી સાથે 2016માં જે ઘટના ઘટી ત્યારથી મને સતત ફફડાટ રહે છે. મારા દીકરા બહાર જાય ત્યારે તેમને પોલીસ રક્ષણ હોય છે. તેમ છતાં તેઓ જ્યારે ઘરે પાછા આવે ત્યારે જ મારો જીવ હેઠો બેસે છે કારણ કે આ લોકોનું કઈ નક્કી નહીં."
લોલીયા ગામમાં ચાવડા પરિવાર અને વાલાભાઈ પરમારના પરિવારનાં મકાન એક જ ફળિયામાં, એકબીજાની ખૂબ જ નજીક સામસામે આવેલાં છે.
વાલાભાઈનો પરિવાર પણ દલિત છે. વિજયભાઈની હત્યા થઈ ત્યારે રાઘુભાઈ વાલાભાઈની ખેતીની જમીનમાં ભાગીયા હતા, તેમ હંસાબહેન જણાવે છે.
જોકે, હત્યાના કેસોમાં આ પાડોશી પરિવારના કોઈ સભ્યો આરોપી નથી. તેમ છતાં વાલાભાઈ અને ચાવડા પરિવાર વચ્ચે તણાવ રહે છે તેમ ગામલોકોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું.
હંસાબહેન કહે છે, "વાલાભાઈનો પરિવાર તેમનું મકાન છોડીને ઘણાં વર્ષોથી અમદાવાદ રહેવા જતો રહ્યો છે. પોલીસ ચોપડે નોંધાયેલ કેસ મુજબ વિજયભાઈ પર જીવલેણ હુમલો કરી આરોપીઓએ વિજયભાઈના મિત્ર ઘનશ્યામભાઈ રાઠોડ, તેમનાં માતા અને નાના ભાઈ પર પણ હુમલા કરી તેમને પણ ગંભીર ઈજાઓ કરી હતી. તેમના ઘર બહાર પણ પોલીસ પહેરો છે."
આ બંને કેસોમાં મળીને કુલ 11 લોકો સામે પોલીસ કાર્યવાહી થઈ હતી. તેમાંથી મોટા ભાગના આરોપીઓ લોલીયા ગામના જ રહેવાસી છે.
ઘનશ્યામભાઈ કહે છે, "તેમાંથી ત્રણનાં મૃત્યુ થઈ ગયાં છે, જ્યારે હયાત આરોપીઓમાંથી બેને બાદ કરતા બીજા બધાને જામીન મળી ગયા છે. વિજયભાઈની હત્યા થઈ તેમાં પ્રવિણાબહેન ફરિયાદી હતાં અને હું ભોગ બનનાર અને સાક્ષી છું. જો ફરિયાદીને જ તેઓ મારી નાખતા હોય તો તેઓ ભોગ બનનાર અને સાક્ષીને પણ મારી નાખે ને? તે મનેય મારી નાખે તેમ છે. તેથી મને રક્ષણ છે."
તેમનો આક્ષેપ છે કે રાઘુભાઈ વિજયભાઈને સરપંચ તરીકે વિકાસનાં કામો કરવા દેતા નહોતા અને આ બાબતે બંને વચ્ચે તકરાર રહેતી જે હત્યામાં પરિણમી.
હંસાબહેન પણ એવો જ ભય વ્યક્ત કરે છે. તેમણે કહ્યું, "વિજયભાઈ સરપંચ હતા, ત્યારે તેમને પ્રોટેકશન હતું. પછી તે ઉઠાવી લેવાતા વિજયભાઈને માર્યા. પ્રવિણાબહેનને (પોલીસકર્મી) લેવા-મૂકવા જતા હતા. તેથી, પોલીસ ન હોય તો અમને મારી નાખે તેવી બીક લાગે."
હંસાબહેનનાં લગ્ન ભાવનગરના વલ્લભીપુરમાં થયેલાં છે. પરંતુ બે દાયકાથી તેઓ તેમનાં માતા-પિતાના ઘરે જ રહે છે.
દલિતો પર અત્યાચાર કેમ થાય છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
અમદાવાદ નજીક નવસર્જન, દલિત શક્તિ કેન્દ્ર જેવી સંસ્થાઓના સ્થાપક અને માનવ અધિકારોના કર્મશીલ માર્ટિન મેકવાન કહે છે કે ગુજરાતમાં આર્થિક અને સામાજિક કારણોસર દલિતો પર સમાજના ઉપલા વર્ગના લોકો દ્વારા અત્યાચાર થતા રહે છે.
તેઓ ઉમેરે છે, "તમે અત્યાચારનાં કારણો જોશો તો એનું કારણ એ નથી કે મારે એમની સાથે બોલાચાલી થઈ એટલે અત્યાચાર થયો. ના, મને જમીન મળી છે તેનો કબજો કરવાની કોશિશ કરી માટે હુમલો થયો, મારી જમીન પર કોઈ દબાણ કરે છે માટે હુમલો થયો, મને લઘુત્તમ વેતન મળતું નથી અને મેં ફરિયાદ કરી માટે હુમલો થયો. એટલે આર્થિક કારણો સૌથી પહેલાં મહત્ત્વનાં કારણો છે. સામાજિક પૂર્વાગ્રહોમાં પણ સુધારો થયો નથી. ઉપરથી, એ પૂર્વગ્રહો વધારે મજબૂત થઈ ગયા છે."
તેઓ સવાલ ઉઠાવતા કહે છે, "નવસર્જનનો અભ્યાસ તમે જોઈ લો. 2010માં, આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ, 90.2 ટકા ગામોમાં દલિતો હિંદુ હોવા છતાં મંદિરમાં પ્રવેશ કરી શકતા નથી અને 54 ટકા શાળાઓમાં મધ્યાહ્ન ભોજનમાં અલગ કતાર, આઝાદી પછી 75 વર્ષે ભારતમાં અસ્પૃશ્યતા હોવી જોઈએ?"
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને લેખક ઉર્વીશ કોઠારી કહે છે કે ગુજરાતમાં કહેવાતા વિકાસમાં વિરોધાભાસ દેખાય છે.
તેઓ કહે છે, "આપણે વિકાસ કહેતા હોઈએ છીએ ત્યારે આપણે વિચારવાનું રહે છે કે વિકાસમાં આપણે કદી સામાજિક રીતે પછાત કે દલિત કે આદિવાસી વર્ગોનું ઉત્થાન થાય અથવા તેમને સાથે લઈએ અને તેમને અધિકાર મળે તે વ્યાખ્યાનો સમાવેશ કરતા હોઈએ છીએ?"
"આપણે બહુમાં બહુ તો શિક્ષણનાં માપદંડોમાં જતા હોઈએ છીએ. પરંતુ સામાજિક ન્યાય અને હક સુધી વિકાસની આપણી વ્યાખ્યા પહોંચી જ નથી. એમાં કશો વિરોધાભાસ નથી. ગુજરાતમાં આ ચાલ્યું જ આવે છે ને ચાલતું જ રહ્યું છે..."
કોઠારી ઉમેરે છે ઉચ્ચ વર્ગના કેટલાક લોકો હજુ પણ દલિતોની તેમના હક માટેની વાતને સાખી નથી લેતા.
તેઓ કહે છે કે "તમે જ્યારે હક માટે લડો છો, વર્ષોથી કે દાયકાઓથી કે કેટલાક કિસ્સાઓમાં સદીઓથી, તમે જ્યારે એક રીતે જીવવા ટેવાયેલા હો અને તમે ખાસ કરીને સમાજના કહેવાતા ઉપલા વર્ગના હોવ, ત્યારે નીચલા કહેવાતા વર્ગ તરફથી જરા પણ હક માટેની હિલચાલ થાય ત્યારે તમને એવું લાગે છે કે તમારી આપખુદી સામે, તમારી સત્તા સામે એક વિદ્રોહ થઈ ગયો અને તે દેશનો વિરોધી છે અને એવું બધું લાગવા માંડે છે."
પોલીસ રક્ષણ શું સૂચવે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
માર્ટિન મેકવાન કહે છે દલિતો પરના અત્યાચાર ભારતમાં આઝાદી પછી પણ જ્ઞાતિવ્યવસ્થાની મજબૂત પકડ હોવાનું સૂચવે છે.
તેઓ સવાલ પૂછતા કહે છે કે "આપણું સ્વપ્ન હતું કે ભારત એક અખંડિત રાષ્ટ્ર બને પણ જો જ્ઞાતિ વ્યવસ્થા ચાલું રહે તો અખંડ ભારત બનવાની તક નથી. માત્ર પોલીસની હાજરી હોવાથી સલામતીનો અનુભવ થાય તે જરૂરી નથી. બીજું એ છે કે પોલીસનું રક્ષણ તમે ક્યાં સુધી આપી શકશો?"
કોઠારી દલિતોને અપાતા પોલીસ રક્ષણને મધદરિયે જહાજ તૂટ્યાં પછી મુસાફરોને મળતી નાની લાઇફબોટ સાથે સરખાવે છે.
તેઓ કહે છે, "તમે નોર્મલ જિંદગી જીવતા હતા અને દરિયામાં જાઓ છો. દરિયામાં તમારું જહાજ તૂટી પડે છે. તમને લાઇફબોટ મળે છે. દરિયો અફાટ છે. તમને લાઇફબોટ મળી છે તેને સહારે કેટલું જીવશો? તમારે પછી તો પાણી ને ખોરાક ને બધો જ પૂરવઠો જોઈએ ને? એટલે પોલીસ પ્રોટેકશન છે તે દરિયા જેવી પરિસ્થિતિમાં લાઇફબોટ છે. લાઇફબોટ એ બહુ પ્રાથમિક છે."
કોઠારી ઉમેરે છે કે પોલીસ રક્ષણ હેઠળ જીવવું "ત્રાસદાયક" હોઈ શકે છે અને કહે છે કે વર્ષો સુધી કોર્ટના ચુકાદા ન આવતા "ધીમો ન્યાય" પરિસ્થિતિને વધારે વણસાવે છે.
તેમના મત પ્રમાણે, "જે લોકોને એમ લાગતું હોય કે તેમને તો પોલીસ પ્રોટેકશન મળે છે, તો હું જેમને એમ લાગતું હોય તે બધાને પડકાર આપીને કહ્યું છું- તમે એક અઠવાડિયું પોલીસ પ્રોટેકશન નીચે રહી જુઓ. એ માનસિક રીતે કેટલું ત્રાસદાયક હોઈ શકે છે, પોલીસને કારણે નહીં પણ આખી પરિસ્થિતિના કારણે. જે લોકો સામે તમે લડો છો એ લોકો જ તમારી આજુબાજુ છે અને એમની વચ્ચે તમે પોલીસથી ઘેરાયેલા છો. એનો અર્થ એ કે પેલા લોકો આઝાદ છે અને તમે એક અર્થમાં નજરકેદ છો."
તેઓ અદાલતોની કાર્યાવાહી મામલે કહે છે, "અદાલતોનું ધીમાપણું છે તે ન્યાયની સામે છે, એક પ્રકારે વિરોધી છે. અને તે કેવળ દલિતો પૂરતું સીમિત નથી. પરંતુ કારણ કે દલિતો જ્યારે ખાસ કરીને અત્યાચારથી પીડિત હોય છે અને એક વિશિષ્ટ પરિસ્થિતિમાં મુકાયેલા છે એ વખતે ઝડપી ન્યાય મળે, હું ઉતાવળિયા ન્યાયની વાત નથી કરતો, યોગ્ય ન્યાય મળે, યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે."
"પહેલા એવા કિસ્સા બનતા અને હજીયે કદાચ બનતા હશે કે વર્ષો પછી અદાલતમાં કેસ આવે ત્યારે અદાલત એમ કહીને કેસ કાઢી નાખે કે સક્ષમ પોલીસ અધિકારીએ તાપસ કરી નથી... તો અદાલતની આ મુશ્કેલી છે. તેનાથી નથી સામાજિક ન્યાય થતો કે નથી સામાજિક વાતાવરણ ઊભું થતું, નથી ગામમાં એવું વાતાવરણ બનતું કે તમે હળીમળીને રહી શકો... એટલે એ બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે અને તેમાં ધીમો ન્યાય પરિસ્થિતિને બહુ જ વણસાવે છે."
સરકાર શું કહે છે

ઇમેજ સ્રોત, Bipin Tankaria
ગત એપ્રિલ મહિનાનાં ત્રીજા અઠવાડિયામાં ગુજરાતના અધિક પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) એસ. રાજકુમારે પાંડિયન જે દલિત પરિવારોને પોલીસ રક્ષણ મળી રહ્યું છે તેમની મુલાકાત કરી. તેમની મુલાકાત વિશે માહિતી મેળવવા બીબીસીએ પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજકુમાર પાંડિયનનો સંપર્ક ન થઈ શક્યો. જોકે, તેમની મુલાકાત વખતે હાજર રહેલા લોકોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અધિક પોલીસ મહાનિદેશકે દલિત પરિવારોને અપાતાં રક્ષણની સમીક્ષા કરી અને તેને વધારે સુદૃઢ કરવાનાં સૂચનો આપ્યાં.
ઘનશ્યામભાઈનું કહેવું હતું, "તેમણે અમારા વિસ્તારમાં સીસીટીવી કૅમેરા લગાડી દેવાની સૂચના આપી છે."
ગીર સોમનાથમાં ઉનાના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ એમ. એફ. ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે આ મુદ્દે વાત કરતાં એ તરફ ધ્યાન દોર્યું કે મોટા સમઢીયાળા ઍટ્રોસિટી કેસમાં ટ્રાયલ કોર્ટમાં હજુ ચુકાદો નથી આવ્યો.
તેમણે કહ્યું, "જે મોટા સમઢીયાળા ગામમાં જે બનાવ બનેલો તે અનુસંધાને જે ગુના દાખલ થયેલા છે તેની નામદાર કોર્ટમાં હાલમાં ટ્રાયલ ચાલુ છે. ટ્રાયલને ધ્યાને લઈને ભોગ બનનારને સુરક્ષા મળી રહે તે માટે ભોગ બનનારને પોલીસ પ્રોટેકશન આપવામાં આવ્યું છે. હાલમાં સ્થાનિક પોલીસની સાથે એસ.આર.પી. પ્રોટેકશન આપવામાં આવે છે. તેમાં તેમના ઘરે અને તેમને જ્યાં જવાનું હોય ત્યાં સતત પોલીસ હાજર રહે છે."
આ 27 કેસોમાંથી પોલીસે તપાસ કરીને 10 કેસોમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. પરંતુ મોટા સમઢીયાળા, લોલીયા સહિત બધા જ કેસોમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા હજુ આવ્યા નથી.
ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ બીબીસીને જણાવ્યું, "આ પ્રકારના પોલીસ રક્ષણની દર બે વર્ષે સમીક્ષા થતી હોય છે અને આ કેસમાં ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને સાક્ષીઓ પર ભૂતકાળમાં હુમલા થયેલ હોવાથી અમારા તરફથી પીડિત અને સાક્ષીઓને પોલીસ પ્રોટેકશન ચાલુ રાખવું તેવો અભિપ્રાય આપ્યો હતો. જોકે, લોલીયા ગામમાં હાલ કોઈ પ્રશ્નો નથી. આ ગામમાં સરકારી નોકરો રહે છે."
તેઓ કહે છે, "ગામમાં દરબાર, ભરવાડ, દલિત વગેરે સમાજના લોકોની વસ્તી છે અને સૌ હળીમળીને રહે છે. વિજયભાઈની હત્યા તે દલિત હોવાને કારણે થઈ નહોતી, પરંતુ તેમની અને આરોપીઓ વચ્ચે અંગત અદાવત હતી."
બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












