24 દલિતોની હત્યાના કેસમાં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો એ દિહુલી નરસંહારની કહાણી

ઇમેજ સ્રોત, MANOJ KUMAR
- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશમાં ફિરોઝાબાદ જિલ્લાના દિહુલી ગામમાં 1981માં 24 દલિતોની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હવે આ ઘટનાનાં 44 વર્ષ પછી આ કેસમાં મૈનપુરીની એક અદાલતે ત્રણ આરોપીને દોષિત ઠરાવ્યા છે અને તેમને 18 માર્ચે સજા સંભળાવવામાં આવશે.
દિહુલી ફિરોઝાબાદ જિલ્લા મથકથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે. પહેલાં તે મૈનપુરી જિલ્લાનો ભાગ હતું.
દિહુલી ગામના રહેવાસી પીડિત પક્ષના સંજય ચૌધરીએ બીબીસીને જણાવ્યું કે, "ન્યાય થયો છે, પરંતુ બહુ મોડેથી. આરોપી પોતાનું જીવન જીવી ચૂક્યા છે. જો આ ચુકાદો પહેલાં આવી ગયો હોત તો સારું હતું."
સંજય ચૌધરીના પિતરાઈ ભાઈની પણ હત્યા કરવામાં આવી હતી.

અદાલતમાં શું થયું?

ઇમેજ સ્રોત, MANOJ KUMAR
આ ઘટનામાં કુલ 17 આરોપી હતા, જેમાંથી 13નાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. 11 માર્ચે ચુકાદો આવ્યો તે પહેલાં એડીજે (વિશેષ લૂંટ સેલ) ઇન્દ્રા સિંહની અદાલતમાં જામીન પર મુક્ત રહેલા આરોપી કપ્તાન સિંહ હાજર થયા હતા.
અદાલતે કપ્તાન સિંહ, રામ સેવક અને રામપાલ નામના ત્રણ આરોપીને દોષિત ઠરાવ્યા અને હવે 18 માર્ચે તેમને સજા સંભળાવવામાં આવશે. અન્ય એક આરોપી જ્ઞાનચન્દ્રને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
રામસેવક, મૈનપુરી જેલમાં છે, તેમને અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યારે ત્રીજા આરોપી રામપાલ તરફથી હાજર રહેવામાંથી મુક્તિની માગણી કરવામાં આવી હતી, પરંતુ તેમની અપીલ રદ કરીને તેમની સામે બિનજામીન પાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યું છે.
ફરિયાદી પક્ષના વકીલ રોહિત શુક્લાએ જણાવ્યું કે, "અદાલતે 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 216 (આરોપીને શરણ આપવું), 120બી (ગુનાખોરીનું કાવતરું ઘડવું), 449-450 (ઘરમાં ઘૂસીને ગુનો કરવો), વગેરે કલમો હેઠળ આરોપીઓને દોષિત ઠરાવ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અદાલતના આ ચુકાદા પછી પીડિત પરિવારોમાંથી એકનાં સભ્ય નિર્મલાદેવીએ કહ્યું કે, "ગામમાં આજે પણ ભયનો માહોલ છે." નિર્મલાદેવીના બે પિતરાઈ ભાઈ આ હત્યાકાંડમાં મૃત્યુ પામ્યા હતા.

ઘટનાના દિવસે શું થયું હતું?

ઇમેજ સ્રોત, MANOJ KUMAR
ફિરોઝાબાદથી લગભગ 30 કિલોમીટર દૂર જસરાના કાસ્બાના ગામ દિહુલીમાં 18 નવેમ્બર 1981એ 24 દલિતોની હત્યા કરી નાખવામાં આવી હતી, જેનો આરોપ ડાકુ સંતોષ, રાધે અને તેમની ગૅંગ પર થયો હતો.
પોલીસની ચાર્જશીટ અનુસાર, સામૂહિક નરસંહાર કરનારા મોટા ભાગના આરોપી ઉચ્ચ જાતિના હતા. પોલીસ અનુસાર, અગાઉ સંતોષ, રાધેની સાથે કુંવરપાલ પણ એક જ ગૅંગમાં હતા.
કુંવરપાલ દલિત સમુદાયમાંથી આવતા હતા. તેમની એક ઉચ્ચ જાતિની મહિલા સાથે મિત્રતા હતી અને આ વાત ઉચ્ચ જાતિના જ સંતોષ અને રાધેને મંજૂર નહોતી. અહીંથી જ દુશ્મનીની શરૂઆત થઈ.
ત્યાર પછી કુંવરપાલની સંદિગ્ધ પરિસ્થિતિઓમાં હત્યા થઈ ગઈ.
હત્યા પછી પોલીસે કાર્યવાહી કરીને સંતોષ-રાધે ગૅંગના બે સભ્યોની ધરપકડ કરીને તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર જપ્ત કર્યાં હતાં.
સંતોષ, રાધે અને બાકીના આરોપીઓને શંકા હતી કે, તેમની ગૅંગના આ બે સભ્યોની ધરપકડ પાછળ તે વિસ્તારના જાટવ જાતિના લોકોનો હાથ છે. કેમ કે, પોલીસે આ ઘટનામાં જાટવ જાતિના ત્રણ લોકોને સાક્ષી તરીકે રજૂ કર્યા હતા. પોલીસની ચાર્જશીટ અનુસાર આ જ દુશ્મનાવટના કારણે દિહુલી હત્યાકાંડ થયો.
ઘટના પછી તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દિહુલી ગામની મુલાકાત લીધી

ઇમેજ સ્રોત, MANOJ KUMAR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ઇન્ડિયા ટુડે' અનુસાર, સંતોષ–રાધે ગૅંગના 14 લોકો પોલીસની વર્દીમાં દલિતબહુલ દિહુલી ગામ પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા. સાંજે સાડા ચાર વાગ્યે આ ગોળીબાર શરૂ થયા, જે ચાર કલાક સુધી થતા રહ્યા. પોલીસ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો આરોપીઓ ભાગી ચૂક્યા હતા.
તે સમયે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહ હતા. આ ઘટના પછી તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ દિહુલી ગામની મુલાકાત લીધી હતી.
વિપક્ષે આ હત્યાકાંડ પછી સરકાર સામે સવાલ ઊભા કર્યા હતા. ત્યારે વિપક્ષના નેતા બાબુ જગજીવનરામે પણ આ ગામની મુલાકાત લીધી હતી.
ભૂપ સિંહ આ ઘટનાના નજરે જોનારા સાક્ષી હતા, જેઓ તે સમયે 25 વર્ષના હતા.
હવે 70 વર્ષના થઈ ગયેલા ભૂપ સિંહે જણાવ્યું કે, બનાવ બન્યા પછી દલિત સમાજના લોકોએ દિહુલી ગામમાંથી પલાયન શરૂ કર્યું હતું, પરંતુ, સરકારના આદેશથી પોલીસ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારી ગામમાં કૅમ્પ લગાવીને રહેવા લાગ્યા. ઘટના પછી ઘણા મહિનાઓ સુધી પોલીસ અને પીએસી ગામમાં તહેનાત રહ્યા હતા અને લોકોને ગામમાં જ રહેવાની અપીલ કરી હતી. 1984માં હાઈ કોર્ટના આદેશથી આ કેસને અલ્હાબાદની સેશન કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 1984થી માંડીને ઑક્ટોબર 2024 સુધી આ કેસની ટ્રાયલ ત્યાં જ ચાલી.
ત્યાર પછી કેસને ફરીથી મૈનપુરી રૉબરી (લૂંટ) કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાયો હતો.
નજરે જોનારા શું જણાવે છે?

ઇમેજ સ્રોત, MANOJ KUMAR
રાકેશકુમાર તે સમયે 14-15 વર્ષના હતા. ગામની પ્રાઇમરી સ્કૂલના ચોથા ધોરણમાં ભણતા હતા.
તેમણે જણાવ્યું, "હું ઘરનું કામ કરી રહ્યો હતો, ત્યારે જ ગોળીઓ છૂટવા લાગી. અનેક લોકોને ગોળી વાગી હતી. હું ડાંગરના પરાળના ઢગલામાં છુપાઈ ગયો હતો. રાત્રે જ્યારે ગોળીઓ છૂટવાનું બંધ થયું ત્યારે પરાળમાંથી નીકળીને જોયું તો મારી મા ચમેલીદેવીના પગમાં ગોળી વાગી છે."
રાકેશકુમારનો દાવો છે કે ડાકુ સંતોષ અને રાધેએ ગોળીઓ છોડી હતી. તેમનાં માતા ચમેલીદેવીની ઉંમર તે સમયે ૩૫ વર્ષ હતી.
ચમેલીદેવી અત્યારે લગભગ 80 વર્ષનાં છે. તેમણે કહ્યું, "અચાનક ગોળી છૂટવા લાગી. હું ભાગવા લાગી. જોયું તો રસ્તામાં અનેક લોકો ગોળી વાગવાથી જમીન પર પડ્યા હતા. હું ધાબા પર ભાગી, પરંતુ પગમાં ગોળી વાગી ગઈ એટલે હું અને મારો દીકરો ધાબા પરથી પડીને ઘાયલ થઈ ગયાં હતાં. ખૂબ મોટી ઘટના હતી. તેમણે સ્ત્રીઓ–બાળકો કોઈને ન છોડ્યાં. જે મળ્યાં તેમને મારી નાખ્યાં હતાં."
જ્યારે બીજા એક તાજના સાક્ષી ભૂપસિંહ અનુસાર, ગૅંગે આખા જાટવ મહોલ્લાને ઘેરી લીધો હતો. જે દેખાય તેને ગોળી મારી દેતા હતા.
બીજા દિવસે મૃતકોના મૃતદેહને ટ્રૅક્ટરમાં નાખીને મૈનપુરી મોકલવામાં આવ્યા હતા. ત્યાં ચાર ડૉક્ટરોએ પોસ્ટમૉર્ટમ કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












