ગેરકાયદે ઇમિગ્રેશન અને જરૂરી દસ્તાવેજો વિના દેશમાં પ્રવેશતા લોકો માટે લોકસભામાં રજૂ કરેલા ખરડામાં શું છે?

ઇમિગ્રૅશન ઍન્ડ ફોરેનર્સ બિલ – 2025, નિત્યાનંદ રાય, મનીષ તિવારી, સંસદમાં ચર્ચા, ચાર કાયદામાંથી એક કાયદો, સિલેક્ટ કમિટી, સંયુક્ત સંસદીય સમિતિની માગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇમિગ્રૅશન પ્રક્રિયાની પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ચરણજીત કૌર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત સરકારે 11 માર્ચે લોકસભામાં ઇમિગ્રૅશન ઍન્ડ ફોરેનર્સ બિલ – 2025 રજૂ કર્યું હતું. એ ખરડા બાબતે કેટલીક ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ખરડામાં ક્યા પ્રસ્તાવો છે અને તેના વિશે પ્રશ્નો કેમ ઊભા થઈ રહ્યા છે તે સરળ શબ્દોમાં સમજીએ.

આ ખરડો દેશના ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે ગૃહમાં પ્રસ્તુત કર્યો હતો.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ ખરડો ગેરકાયદે ઇમિગ્રૅશન રોકવા અને વર્તમાન ચાર કાયદાઓને એક કાયદામાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ગેરકાયદે ઇમિગ્રૅશન અને જરૂરી દસ્તાવેજો વિના દેશમાં પ્રવેશતા લોકો માટે કેદ તથા દંડની જોગવાઈ આ ખરડામાં છે.

લોકસભામાં આ ખરડો રજૂ કરતાં નિત્યાનંદ રાયે કહ્યું હતું, "ભારતમાં પ્રવેશતી અને બહાર નીકળતી વ્યક્તિ માટે પાસપૉર્ટ અથવા અન્ય દસ્તાવેજોની આવશ્યકતા માટે જોગવાઈ કરવાની સત્તા કેન્દ્ર સરકારને આ ખરડો આપશે."

"તે વિદેશીઓને લગતી બાબતોનું નિયમન કરતો ખરડો રજૂ કરવાની મંજૂરી પણ આપશે, જેમાં વિઝાની જરૂરિયાત, નોંધણી અને સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે."

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ક્યા ચાર કાયદાને બદલવાના છે?

ઇમિગ્રૅશન ઍન્ડ ફોરેનર્સ બિલ – 2025, નિત્યાનંદ રાય, મનીષ તિવારી, સંસદમાં ચર્ચા, ચાર કાયદામાંથી એક કાયદો, સિલેક્ટ કમિટી, સંયુક્ત સંસદીય સમિતિની માગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિત્યાનંદ રાય

ઇમિગ્રૅશન ઍન્ડ ફોરેનર્સ બિલ – 2025 જે ચાર કાયદાને બદલવા માટે રજૂ કરવામાં આવ્યું છે તેમાં પાસપૉર્ટ ઍક્ટ (ભારતમાં પ્રવેશ) 1920, ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઍક્ટ 1939, ફોરેનર્સ ઍક્ટ 1946 અને ઇમિગ્રૅશન ઍક્ટ 2000નો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટના વકીલ કરણ ઠુકરાલના મતાનુસાર, જે મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે તેમાં ઇમિગ્રૅશન બ્યૂરોની રચના અને તેના કમિશનરની નિમણૂંકનો સમાવેશ થાય છે. એ ઉપરાંત ભારતમાં વિદેશીઓના પ્રવેશ, રોકાણ અને હિલચાલને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારને વધુ સત્તા આપવાનો પ્રસ્તાવ છે. મુસાફરો અને માલસામાનનું પરિવહન કરતી કંપનીઓ માટેના નવા નિયમો છે.

કરણ ઠુકરાલે કહ્યું હતું, "ઇમિગ્રૅશન ઍન્ડ ફૉરેનર્સ બિલ – 2025 ભારતના ઇમિગ્રૅશન કાયદાઓમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર છે, જેમાં કડક નિયમો અને આકરા દંડનો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ ઇમિગ્રૅશન પ્રત્યેના અભિગમને આધુનિક બનાવવાનો છે."

દસ્તાવેજો સંબંધે ખરડામાં કયા પ્રસ્તાવ છે?

વીડિયો કૅપ્શન, America Gold card visa : કયા દેશોમાં રૂપિયા ભરીને નાગરિકત્વ મેળવી શકાય છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇમિગ્રૅશન ઍન્ડ ફોરેનર્સ બિલ – 2025 મુજબ, ભારતમાં પ્રવેશતા અને બહાર નીકળતા વિદેશીઓ પાસે પાસપૉર્ટ તથા મુસાફરી માટે અન્ય આવશ્યક દસ્તાવેજો હોવા જરૂરી છે. ઉલ્લંઘનકર્તાઓને આકરા દંડની દરખાસ્ત પણ કરવામાં આવી છે.

ખરડામાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પાસે માન્ય પાસપૉર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો નહીં હોય તે ભારતની બહારથી હવા, પાણી કે જમીન માર્ગે ભારતમાં પ્રવેશી શકશે નહીં.

વિદેશી નાગરિકોના કિસ્સામાં માન્ય વિઝા હોવા ફરજિયાત છે અને ભારતમાં હાજર વિદેશી નાગરિકો માટે માન્ય પાસપૉર્ટ અને અન્ય માન્ય મુસાફરી દસ્તાવેજો હોવા ફરજિયાત છે. કલમ 33 હેઠળ આંતર-સરકારી કરારો દ્વારા મુક્તિ આપવામાં આવી છે તેવા લોકોને આમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે.

વિદેશીઓ માટે ભારતમાં આવતાંની સાથે જ સંબંધિત નોંધણી અધિકારી સમક્ષ તેમની હાજરી નોંધાવવાનું આ ખરડામાં ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

કોઈ વિદેશી નાગરિક ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો ઊભો કરે તો તેને ભારતમાં પ્રવેશવાની કે રહેવાની મંજૂરી નહીં આપવાની જોગવાઈ આ ખરડામાં છે.

એ ઉપરાંત ભારતની કોઈપણ અધિકૃત એજન્સી દ્વારા ભારતમાં જેમની હાજરી અનિવાર્ય હોય તેવી કોઈપણ વ્યક્તિ ભારતમાં પ્રવેશી કે દેશ છોડી શકશે નહીં.

ઇમિગ્રૅશન અધિકારીઓને કઈ-કઈ સત્તા મળશે?

ઇમિગ્રૅશન ઍન્ડ ફોરેનર્સ બિલ – 2025, નિત્યાનંદ રાય, મનીષ તિવારી, સંસદમાં ચર્ચા, ચાર કાયદામાંથી એક કાયદો, સિલેક્ટ કમિટી, સંયુક્ત સંસદીય સમિતિની માગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ખરડામાં જણાવ્યા મુજબ, ઇમિગ્રૅશન અધિકારીનો નિર્ણય અંતિમ ગણાશે. ભારતમાં પ્રવેશ, પરિવહન, રોકાણ અથવા પરિવહન દરમિયાન વિદેશી નાગરિકોના પાસપૉર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો તેમજ વિઝાનું નિરીક્ષણ ઇમિગ્રૅશન અધિકારી કરી શકશે.

આવા પ્રવાસીઓ પાસેથી જરૂરી અને સંબંધિત માહિતી પણ માંગી શકાશે.

કોઈપણ વ્યક્તિનો ખોવાઈ ગયેલો કે ચોરાઈ ગયેલો અથવા છેતરપિંડી કે બનાવટ દ્વારા મેળવવામાં આવ્યો હોય તેવો પાસપૉર્ટ અથવા મુસાફરીના અન્ય દસ્તાવેજો ઇમિગ્રૅશન અધિકારી જપ્ત કરી શકશે.

જોકે, વિઝા અને સંબંધિત બાબતોની દેખરેખ, દિશા અને નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે રહેશે.

આ ખરડાના વિદેશીઓ સંબંધી બાબતો વિશેના ત્રીજા પ્રકરણમાં એવું લખેલું છે કે ભારત સરકાર તેમના ફોટોગ્રાફ્સ અને બાયોમેટ્રિક્સ માહિતી રેકૉર્ડ માટે જાળવી શકે છે.

વૉરંટ વિના ધરપકડ અને કેટલી સજાની જોગવાઈ?

આ ખરડાની કલમ 26 મુજબ, હેડ કૉન્સ્ટેબલથી ઉપરનો કોઈપણ અધિકારી એવી કોઈપણ વ્યક્તિની ધરપકડ વૉરંટ વિના કરી શકે છે, જેણે ખરડામાં ઉલ્લેખિત કોઈપણ નિયમ અથવા આદેશનું ઉલ્લંઘન કર્યું હોય અથવા તેણે ઉલ્લંઘન કર્યાની વાજબી શંકાનું નિર્માણ થયું હોય.

પાસપૉર્ટ વિના ભારતમાં પ્રવેશ કરનારાઓને પાંચ વર્ષની જેલસજાની દરખાસ્ત મૂકવામાં આવી છે.

ખરડાના પાંચમાં પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે પાસપૉર્ટ કે વિઝા સહિતના માન્ય મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કરતા કોઈપણ વિદેશી ગેરકાયદે સ્થળાંતર કરનાર ગણાશે. તેને પાંચ વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા એકસાથે થઈ શકે છે.

આ ઉપરાંત ભારતમાં ગેરકાયદે રહેતા કોઈપણ વિદેશી માટે ત્રણ વર્ષની જેલસજાની જોગવાઈ છે. હાલમાં ઇમિગ્રૅશન (કૅરિયર લાયેબિલિટી) ઍક્ટ 2000 મુજબ દસ્તાવેજો વિના કોઈને ભારતમાં લાવવા પર એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે, પરંતુ નવા ખરડામાં તેને વધારીને ઓછામાં ઓછા બે લાખ રૂપિયા અને મહત્તમ પાંચ લાખ રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના વકીલ કરણસિંહ ઠુકરાલના કહેવા મુજબ, વિઝા અવધિનું ઉલ્લંઘન કરનારાઓને ત્રણ વર્ષની જેલ અને ત્રણ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ આ ખરડામાં કરવામાં આવી છે.

શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્પિટલો વિશે શું કહેવામાં આવ્યું છે?

ઇમિગ્રૅશન ઍન્ડ ફોરેનર્સ બિલ – 2025, નિત્યાનંદ રાય, મનીષ તિવારી, સંસદમાં ચર્ચા, ચાર કાયદામાંથી એક કાયદો, સિલેક્ટ કમિટી, સંયુક્ત સંસદીય સમિતિની માગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ ખરડાની કલમ ક્રમાંક નવમાં જણાવવામાં આવ્યું છે કે જે યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થા અથવા અન્ય કોઈપણ સંસ્થા વિદેશીઓને પ્રવેશ આપતી હોય તેમણે આવા વિદેશીઓ વિશેની જરૂરી માહિતી નોંધણી અધિકારીને આપવી પડશે.

ખરડાની કલમ દસ જણાવે છે કે વિદેશી નાગરિકો "તબીબી સારવાર લઈ રહ્યા હોય અથવા તેમના જે પરિચારકોને આવાસ અથવા સૂવાની સુવિધા પૂરી પાડવામાં આવી હોય" તેવી દરેક હૉસ્પિટલ, નર્સિંગ હોમ અને અન્ય તબીબી સંસ્થાઓએ સંબંધિત માહિતી પૂરી પાડવી આવશ્યક છે.

આ ખરડા સામે વિપક્ષને શું વાંધો છે?

આ ખરડા સામે વાંધો લેતાં કૉંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભાની અંદર અને બહાર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ ખરડાને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતું બિલ ગણાવ્યો છે.

મનીષ તિવારીએ કહ્યું હતું, "આ ખરડામાં ઘણી સમસ્યાઓ છે. તેથી મેં કહ્યું હતું કે સરકારે આ ખરડો પાછો ખેંચવો જોઈએ. સરકારે આવું કર્યું નથી. હવે આ ખરડાને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવો જોઈએ, જેથી તેને કાળજીપૂર્વક વાંચી શકાય, કારણ કે આ ખરડો મૂળભૂત અધિકારોના ઘણા અનુચ્છેદનું ઉલ્લંઘન કરે છે."

મનીષ તિવારીએ ઉમેર્યું હતું, "આ ખરડો સંબંધિત વ્યક્તિને ઇમિગ્રૅશન અધિકારીના નિર્ણય સામે અપીલ કરવાના મૂળભૂત અધિકારથી વંચિત રાખે છે, જે ન્યાયશાસ્ત્રમાં ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે."

સરકારનો પ્રતિભાવ શું હતો?

ઇમિગ્રૅશન ઍન્ડ ફોરેનર્સ બિલ – 2025, નિત્યાનંદ રાય, મનીષ તિવારી, સંસદમાં ચર્ચા, ચાર કાયદામાંથી એક કાયદો, સિલેક્ટ કમિટી, સંયુક્ત સંસદીય સમિતિની માગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનીષ તિવારી

મનીષ તિવારીએ ઉઠાવેલા સવાલોના જવાબ નિત્યાનંદ રાયે આપ્યા હતા, તેમણે કહ્યું હતું, "રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ખરડો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઉપલબ્ધ માહિતી મુજબ, વિશ્વનો કોઈપણ દેશ કોઈપણ વિદેશી નાગરિકને પ્રવેશ કે દેશ બહાર નીકળવાનો ઇન્કાર કરતાં પહેલાં તેને સુનાવણીની તક આપતો નથી. દરેક દેશમાં ઇમિગ્રૅશન અધિકારીઓ દ્વારા આવું કરવામાં આવે છે."

નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે ભારતમાં વધુ વિદેશીઓને આકર્ષવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. "અમે કોઈને રોકવા માટે આ ખરડો લાવ્યા નથી. વધુને વધુ લોકોએ અહીં આવવું જોઈએ, પરંતુ તેમણે ભારતમા ઇમિગ્રૅશન કાયદાઓનું પાલન કરવું પડશે. ભારત સરકાર પણ નિશ્ચિત રીતે આવું ઇચ્છે છે."

ખરડાના ક્યા પ્રસ્તાવો વિશે સવાલ ઉઠાવવામાં આવ્યા છે?

ઇમિગ્રૅશન ઍન્ડ ફોરેનર્સ બિલ – 2025, નિત્યાનંદ રાય, મનીષ તિવારી, સંસદમાં ચર્ચા, ચાર કાયદામાંથી એક કાયદો, સિલેક્ટ કમિટી, સંયુક્ત સંસદીય સમિતિની માગ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કરણસિંહ ઠુકરાલના કહેવા મુજબ, આ ખરડો વાસ્તવમાં સરકાર અને ઇમિગ્રૅશન અધિકારીઓને નોંધપાત્ર સત્તા આપે છે.

ઠુકરાલ કહ્યું હતું, "ખરડાની કલમ 3 (1) કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ 'અન્ય કારણો' સહિતનાં વિવિધ કારણોસર વિદેશીઓના પ્રવેશને પ્રતિબંધિત કરવાની સત્તા સરકારને આપે છે."

ઠુકરાલે ઉમેર્યું હતું, "ખરડાના આ પાસાંઓએ મૂળભૂત અધિકારો અને ન્યાયના સિદ્ધાંતોના સંભવિત ઉલ્લંઘન વિશે વાજબી ચિંતા ઉભી કરી છે."

"કોઈપણ નવો ઇમિગ્રૅશન કાયદો રાષ્ટ્રીય સુરક્ષા હિત અને વ્યક્તિગત અધિકારો વચ્ચે સંતુલન સાધતો હોય તે સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે. તેમાં વહીવટી નિર્ણયો સામે અપીલ કરવાના અધિકારનો પણ સમાવેશ થાય છે."

તેમના મતાનુસાર, "આ ખરડો કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થશે તેમતેમ આ ચિંતા દૂર કરવા માટે તેમાં આગળની ચકાસણી અને સંભવિત સુધારાઓ થઈ શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.