ગુજરાતથી અમેરિકા જવું હોય તો શું ન કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું?

અમેરિકા કે વિદેશમાં ભણવા કે કામ કરવા જતી વખતે શું ધ્યાન રાખશો, ડિપોર્ટ થવાની શક્યતા, પ્રવાસી ભારતીય વીમા યોજના, બીબીસી ન્યૂઝ, બીબીસી ગુજરાતી ન્યૂઝ

તાજેતરમાં ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા 104 ભારતીયોને તેમના દેશ ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 33 ગુજરાતી હતા.

ડિપૉર્ટ કરાયેલા કેટલાક લોકોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને ત્યાં જતા જ પકડાઈ ગયા હતા. જેથી કરીને તેમની સામે દેશમાં દેવાના ડુંગરની સમસ્યા ઊભી થઈ છે.

લોકો અલગ-અલગ કારણોસર અમેરિકા સહિત પશ્ચિમના દેશોની વાટ પકડે છે. આ દરમિયાન જાણતા કે અજાણતા એવા રસ્તા લે છે કે ભૂલો કરે છે, જેના કારણે તેઓ 'ઇલિગલ ઇમિગ્રન્ટ' બની જાય છે અથવા ડિપૉર્ટ થઈ જાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળતાની સાથે જ ત્યાં ગેરકાયદેસર રીતે નિવાસ કરતા પરદેશીઓ સામે અભિયાન હાથ ધર્યું છે અને તેને 'રાષ્ટ્રીય પ્રાથમિકતા' ગણાવી છે.

આગામી દિવસો દરમિયાન અમેરિકામાં ગેરકાયદેસર રીતે નિવાસ કરતા સેંકડો ભારતીયોને ડિપૉર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે વિદેશ જતી વેળાએ અમુક ભૂલ ન થાય તેનું ધ્યાન લોકોએ રાખવું જોઈએ.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

કૉલ સેન્ટરમાં જૉબના નામે કેવી રીતે થાય છે છેતરપિંડી?

અમેરિકા કે વિદેશમાં ભણવા કે કામ કરવા જતી વખતે શું ધ્યાન રાખશો, ડિપોર્ટ થવાની શક્યતા, પ્રવાસી ભારતીય વીમા યોજના, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, NOPPORN WICHACHAT

ઇમેજ કૅપ્શન, થાઈલૅન્ડના અધિકારીઓની મદદથી નીલ બચી શક્યા હતા

તાજેતરનાં વર્ષોમાં ટેકસેવી અને અંગ્રેજી જાણતા ભારતીયોને કૉલ સેન્ટરની જૉબ ઑફર થાય છે. સોશિયલ મીડિયા હૅન્ડલ્સ, ઇન્ફ્લુઍન્સર્સ તથા ઑનલાઇન ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ દ્વારા તેમને આકર્ષિત કરવામાં આવે છે.

ભારત, મલેશિયા કે યુએઈમાં તેમની ભરતીપ્રક્રિયા થાય છે અને પછી તેમને થાઇલૅન્ડ-મ્યાનમાર સરહદ પર માયાવાડ્ડી કે હાપ લૂ વિસ્તારમાં 'સાઇબર વેઠિયા' તરીકે રાખવામાં આવે છે.

આ સિવાય થાઇલૅન્ડથી લાઓસ કે કંબોડિયા મોકલવાના રૅકેટ ચાલે છે. જેમાં તેમને સાઇબર અપરાધ આચરવા માટે ફરજ પાડવામાં આવે છે.

જેમાં મની લૉન્ડરિંગ, ક્રિપ્ટૉફ્રોડ અને લૉન ઍપ ફ્રોડ માટે કામે લગાડવામાં આવે છે. આ સિવાય 'લવ સ્કૅમ'માં તેમની પાસે ઑનલાઇન પ્રોફાઇલ બનાવીને પ્રેમી તરીકે રજૂ થવા માટે ફરજ પાડવામાં આવે છે.

કેટલીક ચાઇનીઝ કંપનીઓ કે ચાઇનીઝ લોકો આ પ્રકારના સ્કૅમ સેન્ટર્સ સાથે સંકળાયેલા હોવાના અહેવાલ છે.

વિદ્યાર્થી તરીકે વિદેશ જવું હોય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

વીડિયો કૅપ્શન, US Deportation : અમેરિકાથી ભારત ડિપૉર્ટ કરાયેલા શખ્સે કહી આપવીતી

વિદેશ જવા માટેનું વધુ એક આકર્ષણ ઉચ્ચ અભ્યાસનું હોય છે, પરંતુ ઘણી વખત જે યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તે માન્ય ન હોય એવું પણ બને.

અંગ્રેજી પૂરું ન આવડતું હોય તેવા વિદ્યાર્થીઓને પણ યુકે સહિત વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય છે.

અમુક વિદ્યાર્થી અભ્યાસની સાથે વધુ ને વધુ કલાકો સુધી કામ થઈ શકે તેવી યુનિવર્સિટી કે કોર્સ પસંદ કરતા હોય છે, પરંતુ ઘણી વખત આવી યુનિવર્સિટીની કાયદેસરતા પર પ્રશ્નાર્થ હોય છે.

આવી ખોટી કે ગેરકાયદેસર યુનિવર્સિટી પર તવાઈ ઊતરે ત્યારે વિદ્યાર્થીને મળનારી સંભવિત ડિગ્રી તથા જે-તે યજમાન દેશમાં રહેવાની કાયદેસરતા ઉપર પણ પ્રશ્નાર્થ ઊભા થતા હોય છે.

જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પસંદ કરો. ફી વગેરે ભરતા પહેલાં તેના વિશે ઑનલાઇન રિવ્યૂ વાંચો. જો કોઈ સ્થાનિક તેની ખરાઈ કરી શકે તો વધુ સારું.

નોંધાયેલા, પ્રતિષ્ઠિત અને વર્ષોથી કાર્યરત કન્સ્લટન્ટ મારફત જ વિદેશ જવાની પ્રક્રિયા હાથ ધરો. ફ્લાય-બાય-નાઇટ ઑપરેટર્સ તેમને આર્થિક અને માનસિક નુકસાન કરી શકે છે.

અમેરિકાના વિઝા ઇન્ટરવ્યૂ માટે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

અમેરિકા કે વિદેશમાં ભણવા કે કામ કરવા જતી વખતે શું ધ્યાન રાખશો, ડિપોર્ટ થવાની શક્યતા, પ્રવાસી ભારતીય વીમા યોજના, બીબીસી ન્યૂઝ, બીબીસી ગુજરાતી ન્યૂઝ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જો વ્યક્તિને અંગ્રેજી ન આવડતું હોય તો તેને અમેરિકાના વિઝા ઇન્ટરવ્યૂની ઍપૉઇન્ટમેન્ટ માટે અનુવાદક મળી શકે છે. સામાન્ય રીતે હિંદી ભાષાના અનુવાદક સરળતાથી મળી રહે છે.

જો વ્યક્તિ પોતાની પ્રાદેશિક ભાષામાં ઇન્ટરવ્યૂ આપવા ઇચ્છતી હોય તો તેણે પોતાના ગૃહ રાજ્યની નજીકનું કેન્દ્ર પસંદ કરવું જોઈએ, જ્યાં તેની માતૃભાષાના અનુવાદક મળી રહેવાની શક્યતા વધુ રહેશે.

જો વ્યક્તિએ અમેરિકા જવું હોય તો તેનો પાસપૉર્ટ ઓછામાં ઓછા છ માસ માટે માન્ય હોવો જોઈએ, જો એમ ન હોય તો નવો પાસપૉર્ટ કઢાવી લેવાની સૂચના આપવામાં આવે છે.

વિઝા અરજીનું દરેક ખાનું ભરવું, જો કોઈ સવાલનો જવાબ આપવાનો ન થતો હોય તો ખાનું ખાલી છોડવાના બદલે 'લાગુ નહીં' લખવું. જો ફૉર્મ અધૂરું ભરાયેલું હશે કે ખોટી રીતે ભરાયેલું હશે તો ફૉર્મ રદ ગણાશે અને અરજદારે નવેસરથી અરજી કરવી પડશે.

સામાન્ય રીતે ચશ્માં વગર સફેદ પૃષ્ઠભૂમિવાળો બે X બે ઇંચનો પાસપૉર્ટ ફોટો મૂકવાનો હોય છે, જે છેલ્લા છ માસ દરમિયાન પડાવવામાં આવેલો હોવો જોઈએ.

પ્રવાસનો હેતુ, સ્પૉન્સરશિપ લેટર, અમેરિકામાં રહેવા કે ત્યાં થનાર ખર્ચ ઉપાડી શકવાની ક્ષમતાને પુરવાર કરતા દસ્તાવેજ બીડવાના રહે છે. આ સિવાય પણ મૅરેજ સર્ટિફિકેટ (અને /અથવા) જન્મ સર્ટિફિકેટ બીડવાનાં રહે છે.

અમેરિકા કે વિદેશમાં ભણવા કે કામ કરવા જતી વખતે શું ધ્યાન રાખશો, ડિપોર્ટ થવાની શક્યતા, પ્રવાસી ભારતીય વીમા યોજના, બીબીસી ન્યૂઝ, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Sukhcharan preet/BBC

ઇમેજ કૅપ્શન, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલી યુવતીઓ

ઇન્ટરવ્યૂ માટે નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવું અને ઓળખપત્ર સાથે રાખવું. ઍમ્બેસીમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાની મનાઈ હોય છે, તો એના માટે જરૂરી વ્યવસ્થા કરવી.

વિઝાની શ્રેણીના આધારે વિઝા ફી અલગ-અલગ હોઈ શકે છે, તેના માધ્યમ વિશે અગાઉથી જ માહિતી મેળવી લેવી.

જ્યાર સુધી અમેરિકાના વિઝા ન મળે ત્યારસુધી હોટલ કે હવાઈ ટિકિટ બુક ન કરવા, અન્યથા સમયસર વિઝા ન મળવાને કારણે તમારે નુકસાન વેઠવું પડી શકે છે.

જો વ્યક્તિને કોઈ એવી બીમારી હોય કે જેના કારણે અમેરિકાના જાહેર આરોગ્ય ઉપર જોખમ ઊભું થઈ શકે છે, તો તેને યુએસના વિઝા નથી મળતા.

જો વ્યક્તિને એવી કોઈ માનસિક બીમારી હોય કે જેના કારણે તે હિંસક આચરણ કરી શકે છે, તો તેને અમેરિકાના વિઝા નથી મળી શકતા.

વ્યક્તિની ક્યારેય પણ કોઈ પણ ગુનામાં ધરપકડ (કે સજા) થઈ હોય, કેસ ચાહે ગમે તેટલો જૂનો કેમ ન હોય તો પણ તેની માહિતી આપવી જરૂરી બની રહેતી હોય છે. ડ્રગ ઍડિક્ટ્સ, બળાત્કારી અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો માટે અમેરિકાના વિઝા મેળવવા મુશ્કેલ હોય છે.

વિઝા ઇન્ટરવ્યૂ વખતે વ્યક્તિ 'વેઇવર'ને પાત્ર છે કે નહીં, તે અમેરિકાના કૉન્સ્યુલર ઑફિસર નક્કી કરે છે. વિઝા ઇન્ટરવ્યૂ માટે પૂરતી તૈયારી અને રિહર્સલ કરવાં હિતાવહ બની રહે છે.

વિદેશમાં નોકરી મળે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

અમેરિકા કે વિદેશમાં ભણવા કે કામ કરવા જતી વખતે શું ધ્યાન રાખશો, ડિપોર્ટ થવાની શક્યતા, પ્રવાસી ભારતીય વીમા યોજના

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ કડકાઈનો સંદેશ આપવા માટે ડિપૉર્ટ થયેલા લોકોને સૈન્યવિમાનમાં મોકલ્યા હતા

વિદેશમાં નોકરી માટેના માન્ય ઑફર લેટરમાં વિદેશી નોકરીદાતાના સહીસિક્કા, માન્ય રિક્રૂટમેન્ટ એજન્ટ તથા ઇમિગ્રન્ટ કર્મચારીનાં સહીસિક્કા હોય છે. કરારમાં કામના કલાકો, વેતન, ભથ્થા તથા કામના સંજોગો અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે.

ટુરિસ્ટ વિઝા ઉપર કામ કરવા માટે વિદેશમાં ન જવું. એમ્પલૉયમેન્ટ કે વર્ક વિઝા ઉપર જ વિદેશમાં કામ કરવા માટે જવું.

ભારત સરકારના સેફ ઍન્ડ લિગલ માઇગ્રેશન સંબંધિત સર્ક્યુલર પ્રમાણે, રિક્રૂટમેન્ટ એજન્ટ મહત્તમ રૂ. 30 હજાર (18 ટકા જીએસટી વગર) લઈ શકે છે.

સામાન્ય રીતે પ્રતિષ્ઠિત નોકરીદાતા કર્મચારીને હવાઈ ભાડું, રહેવાની સગવડ તથા વીમો વગેરે જેવી સુવિધા આપતા હોય છે.

વિદેશ મંત્રાલય દ્વારા કંપનીની ઑનલાઇન પ્રેઝન્સ, તેની શાખ વગેરે જેવી બાબતોને અગાઉથી જ ચકાસી લેવાની ભલામણ કરવામાં આવે છે.

જો કંપની શંકાસ્પદ જણાય, તો વ્યક્તિગત કે આર્થિક માહિતી ન આપવી તથા તેને રિપોર્ટ કરવી.

એજન્ટ મારફતે વિદેશી નોકરી સ્વીકારતા પહેલાં તેની સામે કોઈ ફરિયાદ થઈ છે કે કેમ? તે માન્યતાપ્રાપ્ત છે કે કેમ? જેવી વિગતો ઇ-માઇગ્રેટ પૉર્ટલ પર ચકાસી લેવી.

સરકાર દ્વારા ઇ-માઇગ્રેટ પૉર્ટલ ઉપર વિદેશમાં રોજગારનું વચન આપતા સંદિગ્ધ એજન્ટ્સ કે ટ્રાવેલ એજન્સીઓની વિગતો મૂકવામાં આવે છે અને તે યાદી અપડેટ કરવામાં આવે છે.

પૉર્ટલ પર બે હજાર 195 ઍક્ટિવ રિક્રૂટિંગ એજન્ટ તથા બે લાખ 88 હજાર જેટલા વિદેશી એમ્પ્લૉયર નોંધાયેલા છે.

રાજ્યકક્ષાના વિદેશમંત્રી ઈ. મુરલીધરને રાજ્યસભામાં (ઑક્ટોબર-2023) એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે ડિપૉર્ટેશન, ટ્રાવેલ ડૉક્યુમેન્ટની જરૂરિયાત કે વેરિફિકેશન સમયે કોઈ ભારતીય વિદેશમાં ગેરકાયદેસર રીતે કામ કરી રહ્યો છે તેની વિગતો બહાર આવે છે.

આ સિવાય અનેક દેશો ત્યાં ગેરકાયદેસર નિવાસ કરતા કે નિર્ધારિત સમય કરતાં વધુ રહેનારા લોકો વિશે માહિતી આપતા નથી, જેના કારણે કેટલા ભારતીયો વિદેશમાં ગેરકાયદેસર રીતે નિવાસ કરી રહ્યા છે તેના વિશેનો ચોક્કસ આંકડો મળી શકતો નથી.

ભારતમાં 2925 (ઑક્ટોબર-2023ની સ્થિતિ પ્રમાણે) ગેરકાયદેસર રિક્રૂટમેન્ટ એજન્ટ્સ કાર્યરત છે. જેમાંથી 56 ગુજરાતમાં સક્રિય હતા. સૌથી વધુ આંધ્ર પ્રદેશમાં 476 આ પ્રકારના એજન્ટ્સ હતા, જ્યારે પંજાબમાં આ આંકડો 190નો હતો.

'ડંકી રૂટ'થી ભારતીયને વિદેશ મોકલવાનો પ્રયાસ કરનારની સામે ભારતીય ન્યાયસંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, પરંતુ આ અંગેનો અલગ ડેટા જાળવવામાં આવતો ન હોવાથી તેના વિશેના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી બનતા.

વિદેશ જતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો

અમેરિકા કે વિદેશમાં ભણવા કે કામ કરવા જતી વખતે શું ધ્યાન રાખશો, ડિપોર્ટ થવાની શક્યતા, પ્રવાસી ભારતીય વીમા યોજના, બીબીસી ન્યૂઝ, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં પ્રવેશવાના અનેક ગેરકાયદેસર રસ્તાઓમાંથી એક એવા ડેરિયન ગૅપમાંથી પસાર થઈ રહેલા માઇગ્રન્ટ

વિદેશ જનારી વ્યક્તિએ પ્રવાસી ભારતીય બીમા યોજના (PBBY) હેઠળ ઇન્સ્યૉરન્સ લેવા અંગે વિચારવું જોઈએ. જેમાં જો વિદેશમાં વ્યક્તિનું મૃત્યુ થાય તો, જો વિદેશમાંથી વીમાધારકનો મૃતદેહ લાવવાના સંજોગ ઊભા થાય તો, જો કોઈએ વીમાધારકના મૃતદેહ સાથે આવવાનું થાય તો, વગેરે જેવા સંજોગોમાં આર્થિક સહાય આપે છે.

વ્યક્તિ જે સ્થળે જવા માગે છે, ત્યાંના હવામાન અને કામના સંજોગો વિશે માહિતી મેળવી રાખો. જે-તે સ્થળે અગાઉથી જ વસતા પોતની આસપાસના, પ્રદેશના કે ભારતીયો સાથે સંપર્કમાં રહો.

જે-તે દેશસ્થિત ઍમ્બેસી, મિશન કે પોસ્ટના ફોન નંબર, ઈમેઇલ અને સરનામાં જેવી માહિતી સુલભ રાખો. અમુક કિસ્સામાં ભારતીય ઍમ્બેસી વાઇબર, સિગ્નલ તથા અન્ય મૅસેજિંગ ઍપ પર પણ રિસ્પોન્ડ કરે છે, તો તેના વિશે અગાઉથી જ માહિતી મેળવી રાખો.

જો નોકરીદાતા દ્વારા તમારો પાસપૉર્ટ લેવામાં આવે તો સાવધ અને સજ્જ થઈ જાઓ.

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓએ સ્કૂલૅસ્ટિક ઍસેસમેન્ટ ટેસ્ટ (SAT), અમેરિકન કૉલેજ ટેસ્ટિંગ (ACT), ઇન્ટરનૅશનલ ઇંગ્લિશ લૅંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ (IELTS), ટેસ્ટ ઑફ ઇંગ્લિશ એઝ ફોરેન લૅંગ્વેજ (TOFEL), કૅમ્બ્રિજ ઇંગ્લિશ ટેસ્ટ, ડ્યૂલિંગો તથા પિયર્સન ટેસ્ટ ઑફ ઇંગ્લિશ જેવી પરીક્ષાઓ માટે તૈયારી કરવી જોઈએ કે સજ્જતા કેળવવી જોઈએ.

અલગ-અલગ દેશોમાં ભિન્ન-ભિન્ન પ્રકારની લાયકાતોની જરૂરિયાત રહે છે. ત્યારે વિદેશમાં નોકરી મેળવવા માગતી વ્યક્તિએ 'સુરક્ષિત જાઓ, પ્રશિક્ષિત જાઓ.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.