સમય રૈના અને રણવીર અલાહાબાદિયા કોણ છે, જેમની 'બિભત્સ' ટિપ્પણી બાદ 'ઇન્ડિયાઝ ગૉટ લૅટેન્ટ' શોને યૂટ્યૂબ પર બ્લૉક કરાયો

ઇમેજ સ્રોત, FACEBOOK
યૂ-ટ્યૂબર અને કૉમેડિયન સમય રૈનાનો શો 'ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ' પોતાની પૉપ્યુલારિટીની સાથોસાથ સતત વિવાદોના કારણે પણ ચર્ચાઓમાં છવાયેલો રહ્યો છે.
આ વખતે શોના એક એપિસોડમાં યૂટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ એવી ટિપ્પણી કરી નાખી જેની મોટા પાયે ટીકા થઈ રહી છે અને તેને ખૂબ જ અશ્લીલ અને આપત્તિજનક ગણાવાઈ રહી છે.
શોમાં યૂટ્યૂબર આશિષ ચંચલાની અને અપૂર્વા મખીજા પણ જોવા મળ્યાં હતાં.
આ શોમાં રણવીરે એક કન્ટેસ્ટન્ટને માતા-પિતાના અંગત સંબંધો વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
આ બાબતમાં મુંબઈ પોલીસે ફરિયાદ પણ દાખલ કરી લીધી છે અને કેસની તપાસ માટે મુંબઈ પોલીસની એક ટીમ ખાર સ્ટુડિયો પહોંચી છે, જ્યાં આ શોનું શૂટિંગ થયું હતું.
દરમિયાન સરકારના આદેશ પછી યુટ્યૂબ પર 'ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ'ના એપિસોડનું પ્રસારણ અટકાવી દેવાયું છે જેમાં રણવીર અલાહાબાદિયાએ બિભત્સ ટિપ્પણી કરી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ એક્સ પર જણાવ્યું કે, "સરકારના આદેશના પગલે રણવીર અલાહાબાદિયાની અશ્લીલ ટિપ્પણી સાથેનો 'ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ'નો એપિસોડ બ્લૉક કરવામાં આવ્યો છે.
કૉમેડિયન સમય રૈનાના યુટ્યૂબ રિયાલિટી શોમાં રણવીરે માતાપિતા અને સેક્સ મામલે વાંધાજનક ટિપ્પણી કરતા તેનો ઉગ્ર વિરોધ થયો અને લોકોએ ખૂબ ઝાટકણી કાઢી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિવાદિત ટિપ્પણી બાબતે હવે રણવીર અલાહાબાદિયાએ માફી માંગી લીધી છે.
તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, "મારી કમેન્ટ યોગ્ય નહોતી અને ફની પણ નહોતી. કૉમેડી એ મારું ક્ષેત્ર નથી, તે અંગે હું કશું સ્પષ્ટીકરણ નહીં કરું. હું બસ સૌ કોઈની માફી માગવા ઇચ્છું છું. જે થયું તે કૂલ નહોતું. હું પરિવારનું અપમાન નહીં કરું. મેં મેકર્સને કહી દીધું છે કે વિવાદિત ટિપ્પણીને હટાવી દેવામાં આવે."
"મારાથી ભૂલ થઈ છે. માણસાઈના લીધે કદાચ તમે મને માફ કરી દેશો. મારે આ પ્લેટફૉર્મનો વધુ સારો ઉપયોગ કરવો જોઈતો હતો. આ મારા માટે એક પાઠ છે અને હું વધારે સારા થવાનો પ્રયત્ન કરીશ."
ફડણવીસની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું, "મને પણ એ વિશે જાણવા મળ્યું છે, પરંતુ, મેં હજી સુધી તે જોયો નથી. કંઈક વધારે ભદ્દી રીતે કહેવાયું છે, પ્રેઝન્ટ કરાયું છે, એવી મને પણ ખબર પડી છે. જે કહેવાયું છે તે બિલકુલ ખરાબ છે. ફ્રીડમ ઑફ સ્પીચ સૌ કોઈ માટે છે, પરંતુ, આપણી આઝાદી ત્યાં સમાપ્ત થઈ જાય છે, જ્યાં આપણે બીજા કોઈની આઝાદી પર તરાપ મારીએ છીએ."
"આ યોગ્ય નથી. આપણા સમાજમાં કેટલાક નિયમો નક્કી કરાયા છે. જો કોઈ તેને તોડે, તો તે ખૂબ ખોટી વાત છે. જો કોઈ એવી વાત હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે."
વરિષ્ઠ પત્રકાર અને ગીતકાર નીલેશ મિશ્રાએ રણવીર અલાહાબાદિયાના નિવેદનની ખૂબ જ આકરા શબ્દોમાં ટીકા કરી છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર તેમણે લખ્યું છે, "આ કન્ટેન્ટને ઍડલ્ટ પણ નથી ગણાવાયું. જો અલ્ગોરિધમ લઈ જાય તો આને એક બાળક પણ સરળતાથી જોઈ શકે છે. આ લોકોમાં જવાબદારીની કશી ભાવના નથી. મને એ જોઈને બિલકુલ આશ્ચર્ય નથી થયું કે ડેસ્ક પર બેઠેલા ચાર લોકો અને દર્શકોમાં બેઠેલા ઘણા લોકો આ વાત પર હસી રહ્યા હતા."
"દર્શકોએ આને સામાન્ય માની લીધું અને આમના જેવા લોકોએ આનો ઉત્સવ મનાવ્યો. પૈસા કમાવા માટે આવા શોના નિર્માતા નીચલા સ્તર સુધી જતા રહે છે. ભારતના દર્શક અને મંચો પર આને પ્રોત્સાહિત ન કરી શકાય. તેઓ રચનાત્મકતાના નામે કંઈ પણ કહી રહ્યા છે અને બચીને નીકળી રહ્યા છે."
શોને સંસદની સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ લઈ જવાની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટનાક્રમ વચ્ચે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નાં રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ચેતવણી આપી છે કે તેઓ 'ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ' શોને આઇટી અને કોમ્યૂનિકેશન સાથે સંકળાયેલી સંસદની સ્થાયી સમિતિ સમક્ષ લઈ જશે.
તેમણે લખ્યું છે, "કૉમેડીના નામે જે પ્રકારની અશ્લીલ અને અપશબ્દ ભરેલી વાતો કરવામાં આવે છે, આપણે એક સીમા નક્કી કરવી પડે; કેમ કે, આવા શો યુવાઓનાં મગજને અસર કરી શકે છે અને આવા શો સંપૂર્ણપણે બકવાસ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે."
કૉમેડીમાં અપશબ્દોના ઉપયોગ અંગે જાવેદ અખ્તરે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
કવિ, ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે સ્ટૅન્ડ-અપ કૉમેડિયનના શોમાં ગાળો અને અપશબ્દોના ઉપયોગ અંગે સપન વર્મા, બિસ્વા કલ્યાણ રથ, શ્રીજા ચતુર્વેદીના શો 'ચિલ સેશ'ના ત્રીજા એપિસોડમાં કહેલું કે, ભાષામાં ગાળ મરચા સમાન છે.
તેમણે કહેલું, "ઓડિશા, બિહાર અને મૅક્સિકો કે દુનિયામાં બીજે ક્યાંય પણ, જ્યાં ક્યાંય ગરીબી છે, ત્યાંના લોકો ખૂબ વધારે મરચું ખાય છે. ત્યાંનું ભોજન ફીકું હોય છે, એટલે ટેસ્ટ વધારવા તેઓ મરચું ખાય છે. ગાળ ભાષાનું મરચું છે. જો તમારા જોકમાં દમ ના હોય, તો તમે મરચું એટલે કે ગાળનો ઉપયોગ કરશો; નહીંતર તમારે આ મરચાની જરૂર નહીં પડે."
"જ્યારે તમારી વાતચીત નીરસ હોય ત્યારે તેમાં ઊર્જા વધારવા માટે અપશબ્દોનો પ્રયોગ કરવો જ પડશે. જે માણસ ગાળ બોલે છે, એનો મતલબ એ કે તેને પોતાની જ ભાષાના શબ્દ નથી આવડતા. તેની પાસે શબ્દનું ભંડોળ ઓછું છે."
આ શો અગાઉ પણ વિવાદોમાં રહ્યો છે
'ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ' શો કંઈ પહેલી વાર વિવાદોમાં નથી આવ્યો, આની પહેલાં પણ વાંધાજનક ટિપ્પણીઓ માટે વિવાદમાં રહી ચૂક્યો છે.
કૉમેડિયન જેસી નબામે 'ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ' શોમાં અરુણાચલપ્રદેશના લોકોના શ્વાનનું માંસ ખાવા બાબતે ટિપ્પણી કરી હતી. એ બાબતે વિવાદ થયો હતો.
આ ટિપ્પણીઓ પર કાર્યવાહી કરવાની માગ કરતાં 31 જાન્યુઆરી 2025એ અરુણાચલપ્રદેશના પૂર્વી કામેંગ જિલ્લાના સેપ્પા નિવાસી અરમાન રામ વેલી બખાએ ઈટાનગરમાં એફઆઇઆર દાખલ કરાવી હતી.
આ ઉપરાંત, અન્ય એક શોમાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની પ્રેગ્નેન્સી અને ડિપ્રેશનને મજાક બનાવાઈ હતી. ત્યાર પછી, સોશિયલ મીડિયા પર સમય રૈનાને ટ્રૉલ કરવામાં આવ્યા હતા.
રણવીર અલાહાબાદિયા કોણ છે?

ઇમેજ સ્રોત, @BeerBicepsGuy
રણવીર અલાહાબાદિયા યૂટ્યૂબર છે. તેઓ 'બીયરબાઇસેપ્સ' નામથી આ શો કરે છે. તેઓ આ શોમાં દેશના ઘણા પ્રખ્યાત વ્યક્તિત્વોના ઇન્ટરવ્યૂ કરી ચૂક્યા છે.
માર્ચ 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નૅશનલ ક્રિએટર ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતા. ઈ.સ. 2022માં તેમને ફૉર્બ્સ અંડર 30 એશિયા સૂચિમાં સામેલ કરવામાં આવ્યા હતા.
રણવીરે 22 વર્ષની ઉંમરે પોતાની યૂ-ટ્યૂબ ચૅનલ શરૂ કરી હતી. અત્યારે તેઓ સાત ચૅનલોનું સંચાલન કરી રહ્યા છે. તેમના એક કરોડ કરતાં વધારે સબસ્ક્રાઇબર છે.
સમય રૈના કોણ છે?

ઇમેજ સ્રોત, @ReheSamay
સમય રૈના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સ્ટૅન્ડ-અપ કૉમેડિયન છે. તેઓ યૂ-ટ્યૂબ પર 'ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ' નામનો શો ચલાવે છે.
જમ્મુ-કાશ્મીરના મૂળ નિવાસી સમય રૈનાના 70 લાખ કરતાં વધારે યૂ-ટ્યૂબ ફૉલોઅર છે.
સમય રૈનાની કમાણી કરોડો રૂપિયાની આંકવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












