ડોનાલ્ડ ટ્રમ્પનું ગોલ્ડકાર્ડ : અમેરિકાની સિટીઝનશિપ હવે સરળતાથી મળી જશે?

બીબીસી ગુજરાતી અમેરિકા ગોલ્ડ કાર્ડ યુએસ ગ્રીન કાર્ડ ડોનાલ્ડ ટ્રમ્પ સિટિઝનશિપ ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે લાખો લોકો 50 લાખ ડોલરનું ગોલ્ડ કાર્ડ ખરીદશે

અમેરિકામાં એક બાજુ દેશમાં ગેરકાયદે ઘૂસેલા લાખો લોકોને ડિપૉર્ટ કરવાનું અભિયાન ચાલે છે, ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધનાઢ્ય રોકાણકારો માટે એક ગોલ્ડકાર્ડની જાહેરાત કરી છે.

ગોલ્ડકાર્ડની કિંમત 50 લાખ ડૉલર એટલે કે લગભગ 43.52 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

ગોલ્ડકાર્ડ મેળવીને લોકો અમેરિકામાં કાયમી રહેવાનો અને કામ કરવાનો અધિકાર મેળવી શકશે. તેથી તેમના માટે યુએસ સિટીઝનશિપનો માર્ગ સરળ થઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યાંથી વહીવટ ચલાવે છે તે ઓવલ ઑફિસમાંથી મંગળવારે તેની જાહેરાત કરવામાં આવી હતી.

દેખીતી રીતે જ ટ્રમ્પની આ યોજના ધનાઢ્ય લોકો માટે છે જેઓ અમેરિકાની પર્મેનન્ટ રેસિડન્સી મેળવવા માગે છે અને તેના માટે તગડી રકમ ચૂકવવા તૈયાર છે.

ટ્રમ્પના ગોલ્ડકાર્ડને ઇમિગ્રેશન ક્ષેત્રે એક નવી પહેલ ગણાવવામાં આવે છે. તેની ખાસ વાત એ છે કે 50 લાખ ડૉલરમાં વિદેશી રોકાણકારો માટે યુએસ સિટીઝનશિપનો સીધો રસ્તો ખૂલી જશે એવું દેખાઈ રહ્યું છે.

અમેરિકાના ગ્રીનકાર્ડની ખેવના ધરાવતા લાખો લોકો લાઇનમાં છે અને કેટલાય દાયકાથી તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ટ્રમ્પના ગોલ્ડકાર્ડને આ ગ્રીનકાર્ડના જ પ્રીમિયમ સ્વરૂપ તરીકે રજૂ કરવામાં આવે છે.

અમેરિકામાં હાલના EB-5 ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામનું શું થશે?

બીબીસી ગુજરાતી અમેરિકા ગોલ્ડ કાર્ડ યુએસ ગ્રીન કાર્ડ ડોનાલ્ડ ટ્રમ્પ સિટિઝનશિપ ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે "અમે ગોલ્ડકાર્ડ વેચવાના છીએ અને તેની કિંમત 50 લાખ ડૉલર રાખી છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પ ઇચ્છે છે કે દુનિયાના અત્યંત ધનિક લોકો માટે અમેરિકાના દરવાજા ખોલવામાં આવે અને તેની સાથે સાથે સરકારની આવકમાં પણ વધારો થાય.

હાલમાં વિદેશી રોકાણકારોને અમેરિકાનું ગ્રીનકાર્ડ જોઈતું હોય તો તેમની પાસે EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામનો રૂટ હાજર છે.

રોકાણ આધારિત EB-5 વિઝા પ્રોગ્રામ છેલ્લાં 35 વર્ષથી અમલમાં છે. તેના હેઠળ અમેરિકામાં ટાર્ગેટેડ એમ્પ્લૉયમેન્ટ એરિયા (ટીઈએ)માં આઠ લાખ ડૉલરનું રોકાણ કરીને અથવા બીજી જગ્યાએ 10.5 લાખ ડૉલરનું રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવી શકાય છે.

આ રોકાણ એવું હોવું જોઈએ જેનાથી અમેરિકામાં રોજગારીનું સર્જન થાય.

ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાંથી EB-5 ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામનો વિરોધ કરતા આવ્યા છે. તેમણે આ સિસ્ટમને જુનવાણી અને નકામી ગણાવી છે.

ટ્રમ્પે જ્યારે ગોલ્ડકાર્ડની જાહેરાત કરી ત્યારે અમેરિકાના વાણિજ્યમંત્રી હોવર્ડ લુટનિક પણ હાજર હતા.

તેમણે સ્પષ્ટ કહી દીધું કે EB-5 જેવા બિનઉપયોગી પ્રોગ્રામને ચલાવવા કરતા અમે તેને બંધ કરી દેવાના છીએ. અમે તેની જગ્યાએ ટ્રમ્પ ગોલ્ડકાર્ડ લાવવાના છીએ.

ગોલ્ડકાર્ડ અને EB-5 વિઝામાં શું તફાવત છે?

વીડિયો કૅપ્શન, America Gold card visa : કયા દેશોમાં રૂપિયા ભરીને નાગરિકત્વ મેળવી શકાય છે?

EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર વિઝામાં રોકાણકારે યુએસમાં રોજગારીનું સર્જન કરે તેવી જગ્યાએ મૂડી રોકવાની હોય છે. તેનાથી વિપરીત ગોલ્ડકાર્ડ પ્રોગ્રામમાં આવી કોઈ શરત નથી. તેમાં રોકાણકારો અમેરિકન સરકારને સીધું પેમેન્ટ કરવાનું હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પની યોજના આવા એક કરોડ ગોલ્ડકાર્ડ વેચવાની છે જેનાથી અમેરિકામાં એટલી બધી મૂડી આવશે કે દેશની ખાધ ઘટાડવામાં પણ મદદ મળશે.

EB-5 પ્રોગ્રામમાં રોકાણ કરતી વખતે રોજગારીનું સર્જન કરવાની શરત હોય છે. પરંતુ ગોલ્ડકાર્ડમાં માટે રોજગારીની શરત છે કે નહીં તેના વિશે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી નથી.

રશિયાના ધનિકોને પણ ટ્રમ્પ ગોલ્ડકાર્ડ આપશે?

બીબીસી ગુજરાતી અમેરિકા ગોલ્ડ કાર્ડ યુએસ ગ્રીન કાર્ડ ડોનાલ્ડ ટ્રમ્પ સિટિઝનશિપ ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન નાગરિકત્વ મેળવવા માટે લાખો લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે (પ્રતીકાત્મક તસવીર)

ટ્રમ્પને એવો પણ સવાલ પૂછવામાં આવ્યો હતો કે રશિયાના કરોડોપતિ લોકો આ ગોલ્ડકાર્ડ ખરીદી શકશે કે નહીં.

જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, "હા, કદાચ. મને ખબર છે કે કેટલાક રશિયન ધનાઢ્ય લોકો બહુ સારા માણસો છે."

ટ્રમ્પના આ નવા પ્રોગ્રામની તમામ વિગતો હજુ જાહેર નથી થઈ. પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે બે અઠવાડિયામાં તેઓ તેની વધુ ડિટેલ આપશે. ટ્રમ્પે કહ્યું કે, "આ ગ્રીનકાર્ડ જેવું જ છે. પરંતુ તે વધુ સોફિસ્ટિકેટેડ હશે."

તેમણે કહ્યું કે, "ધનાઢ્ય અથવા પ્રતિભાશાળી લોકો માટે આ અમેરિકન નાગરિકત્વનો રસ્તો છે જેમાં સ્કીલ્ડ લોકો અમેરિકા આવે તે માટે કંપનીઓ નાણાં ચૂકવશે."

વાણિજ્યમંત્રી હોવર્ડ લુટનિકે કહ્યું કે "બે અઠવાડિયાની અંદર ઈબી-5 વિઝાની જગ્યાએ ટ્રમ્પ ગોલ્ડકાર્ડ આવી જશે."

1990માં વિદેશી રોકાણ ખેંચી લાવવા માટે અમેરિકન કૉંગ્રેસે ઈબી-5 વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો હતો.

અમેરિકામાં ઓછામાં ઓછા 10 લોકોને રોજગારી મળે તે માટે લગભગ 10 લાખ ડૉલરનું રોકાણ કરે તેવા લોકો માટે ઈબી-5 વિઝા પ્રોગ્રામ અમલમાં છે.

ગોલ્ડકાર્ડ એ નવું ગ્રીનકાર્ડ અથવા અમેરિકામાં કાયમી વસવાટની કાનૂની મંજૂરી (પર્મેનન્ટ લીગલ રેસિડન્સી) જ છે.

EB-5 પ્રોગ્રામમાં ઘણી છેતરપિંડી થતી હતી તેવું ગોલ્ડકાર્ડમાં નહીં થાય તેમ અમેરિકન વાણિજ્યમંત્રીએ કહ્યું હતું.

EB-5 વિઝા પ્રોગ્રામમાં રોકાણ કર્યા પછી પણ સિટીઝનશિપ મેળવવામાં પાંચથી સાત વર્ષ લાગી જતા હોય છે.

તેમાં મોટી સંખ્યામાં ભારતીયોનો બૅકલોગ છે અને તેમણે સાતથી દશ વર્ષ સુધી સિટીઝનશિપ માટે રાહ જોવી પડે છે. જ્યારે ગોલ્ડકાર્ડમાં કોઈ બૅકલોગ નહીં હોય અને તેને સીધું ખરીદી શકાશે.

કેવા પ્રકારના ભારતીયો ફાયદો લઈ શકશે?

બીબીસી ગુજરાતી અમેરિકા ગોલ્ડ કાર્ડ યુએસ ગ્રીન કાર્ડ ડોનાલ્ડ ટ્રમ્પ સિટિઝનશિપ ઈમિગ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈબી-5 વિઝાની તુલનામાં ગોલ્ડ કાર્ડ માટે અત્યંત ઉંચી કિંમત રાખવામાં આવી છે

એક રીતે જોવામાં આવે તો અમેરિકાની પર્મેનન્ટ રેસિડન્સી માટે અગાઉ આઠ લાખ ડૉલર જોઈતા હતા, ત્યાં હવે સીધા 50 લાખ ડૉલરની જરૂર પડશે. એટલે કે માત્ર સુપર રિચ ભારતીયો જ તેનો ફાયદો લઈ શકશે.

હાલમાં જે લોકો H-1B અથવા EB-2/EB-3 વિઝા પર અમેરિકામાં છે, તેઓ પણ ગોલ્ડકાર્ડ માટે અરજી કરી શકશે, પરંતુ તેમની પાસે સૌથી પહેલાં 50 લાખ ડૉલર હોવા જરૂરી છે.

જોકે, 50 લાખ ડૉલર ચૂકવ્યા પછી પણ અરજકર્તાની ચકાસણી કરવામાં આવશે.

લુટનિકે કહ્યું કે, "આ લોકો અદભુત વર્લ્ડક્લાસ સિટીઝનો હોય તે વાતની ખાતરી કરવામાં આવશે."

અમેરિકન મીડિયા સંગઠન સીએનએનના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પ અને તેમના પરિવાર સાથે સંકળાયેલા ઉદ્યોગોએ પણ પ્રોપર્ટીના ડેવલપમેન્ટ માટે આ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો.

ટ્રમ્પની પહેલી ટર્મ વખતે આ પ્રોગ્રામની ઘણી ટીકા થઈ હતી અને આ પ્રોગ્રામ તેના મૂળ ઉદ્દેશ્યથી ચલિત થયો છે તેવો આરોપ મુકાયો હતો.

2019માં ટ્રમ્પ સરકારે ટાર્ગેટેડ ઇકૉનૉમિક એરિયા માટે લઘુતમ રોકાણની રકમ 9 લાખ ડૉલર અને બીજી જગ્યાઓ માટે 18 લાખ ડૉલર કરવા પગલું ભર્યું હતું. પરંતુ 2021માં એક ફેડરલ જજે આ ફેરફાર રદ કર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.