ઇઝરાયલના હવાઈ હુમલાથી લેબનોનમાં 492 લોકોનાં મોત; 1600થી વધુ ઘાયલ

ઇમેજ સ્રોત, Getty Images
લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ઇઝરાયલે ઍર સ્ટ્રાઇક કરતા અત્યાર સુધી 492 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબનોના આરોગ્ય મંત્રાલયે આ આંકડાની પુષ્ટિ કરી છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા બે દાયકામાં દેશમાં સૌથી ભીષણ બૉમ્બમારો થયો છે. ઍર સ્ટ્રાઇક બાદ હજારો લોકો પોતાનાં ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યાં છે.
ઇઝરાયલી ડિફેન્સ ફૉર્સે (આઈડીએફ)એ જણાવ્યું છે કે તેમણે લેબનોનમાં હિઝબુલ્લાહનાં 1300 ઠેકાણાં પર ઍર સ્ટ્રાઇક કરી છે. આ હુમલા હિઝબુલ્લાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યાં છે. આઈડીએફ અનુસાર 2006ની યુદ્ધ બાદ હિઝબુલ્લાહે લેબનોનમાં મોટાપાયે સુવિધાઓ ઊભી કરી છે.
ઇઝરાયલના આ હુમલાની સામે હિઝબુલ્લાહે પણ રૉકેટ વડે ઇઝરાયલ પર હુમલો કર્યો છે. આઈડીએફએ એક નિવેદનમાં કહ્યું છે કે લેબનોનથી ઓછામાં ઓછાં 200 રૉકેટ છોડવામાં આવ્યાં છે. હિઝબુલ્લાહના હુમલામાં બે આરોગ્ય કર્મચારીઓ ઘાયલ થયા છે.
લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયલના હવાઈ હુમલામાં દેશમાં 35 બાળકો સહિત 58 મહિલાઓનાં મોત થયાં છે. આ હુમલામાં 1645 લોકો ઘાયલ થયા છે.
આરોગ્ય મંત્રાલયે હુમલામાં જીવ ગુમાવનાર લોકોમાં નાગરિકો અને હિઝબુલ્લાહના સભ્યોની સંખ્યા વિશે કોઈ માહિતી આપી નથી.
લેબનોનના આરોગ્ય મંત્રી ફિરાશ અબૈદે જણાવ્યું કે હુમલાના કારણે હજારો લોકોએ પોતાનાં ઘર છોડીને અન્યત્ર જવાની ફરજ પડી છે.
સમગ્ર લેબનોનમાં ભયનો માહોલ

ઇમેજ સ્રોત, Hassan Harfoush
ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં સૌથી વધુ હવાઈ હુમલા કર્યા છે. આ વિસ્તાર લેબનોનના શિયા સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા બે દાયકામાં અહીંના વિસ્તારોમાં હિઝબુલ્લાહે સારી પકડ જમાવી લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણી લેબનોનમાં લોકોને સવારે ચેતવણી સ્વરૂપે ટેક્સ્ટ મૅસેજ અને વૉઇસ મૅસેજ મળવાના શરૂ થઈ ગયા હતા. આ મૅસેજમાં લખ્યું હતું કે ‘જે રહેણાંક વિસ્તારનો ઉપયોગ હિઝબુલ્લાહનાં હથિયારોને છુપાવવા માટે થયો છે ત્યાંથી દૂર જતા રહો.’
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં એક ગ્રામીણને વૉઇસ મૅસેજ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલી ઑપરેશન ચાલુ છે અને હવે તે એક નવા ચરણમાં છે.
આ મૅસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે એ ગામમાં છો જેનો હિઝબુલ્લાહ ઉપયોગ કરે છે તો તમારી સુરક્ષા માટે તે તરત જ છોડી દો.
ઍર સ્ટ્રાઇક બાદ સમગ્ર દક્ષિણ લેબનોનમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભારે બૉમ્બમારો થતાં લોકો પોતાનો સામાન ભરીને ટ્રક, કાર અને મોટરસાઇકલો પર સવાર થઈ ઉત્તર લેબનોન તરફ ભાગતાં નજરે પડ્યાં હતાં.

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દક્ષિણ લેબનોનના નબાતિયાહ શહેરમાં રહેતાં વિદ્યાર્થિની ઝાહરા સાવલીએ બીબીસી ન્યૂઝઅવરને જણાવ્યું, "અહીં ભારે બૉમ્બમારો થઈ રહ્યો છે. સવારે છ વાગ્યે ભારે બૉમ્બધડાકાનો અવાજ સાંભળીને હું જાગી ગઈ હતી. બપોર સુધીમાં સમગ્ર વિસ્તારમાં મોટાપાયે બૉમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ઍર સ્ટ્રાઇક બાદ મેં ઘણાં ઘરોનાં કાચ તૂટવાનો અવાજ સાંભળ્યો છે."
ઍર સ્ટ્રાઇક થવા છતાં ઝાહરાએ ઘર છોડવાની હિંમત કરી નથી. તે કહે છે, "હું કયાં જઈ શકું? હજુ પણ લોકો રસ્તામાં ફસાયા છે. મારા ઘણા મિત્રો હજુ પણ રસ્તામાં ફસાયા છે, તેને કારણે લોકો શહેર છોડીને સુરક્ષિત જવાનો પ્રયાસ કરી રહ્યાં છે એટલે સમગ્ર શહેરમાં ભારે ટ્રાફિકજામ છે."
લેબનોનના પાટનગર બૈરૂતમાં પણ ચારેય તરફ અંધાધૂંધીનો માહોલ હતો. બૈરૂતથી ઉત્તર લેબનોન તરફ જતી દરેક રસ્તામાં ભારે ટ્રાફિક હતો. દક્ષિણ લેબનોનથી પણ મોટી સંખ્યામાં લોકો પાટનગર બૈરૂત પહોંચી રહ્યાં છે.
બીબીસીએ પાંચ સભ્યોના એક પરિવાર સાથે વાત કરી. તેઓ દક્ષિણ લેબનોનથી પોતાની મોટરસાઇકલ પર બૈરૂત પહોંચ્યા હતા. પરિવાર ઉત્તર લેબનોનના ત્રિપોલી શહેર જઈ રહ્યો હતો અને ટ્રાફિકજામમાં ફસાઈ ગયો હતો. મોટરસાઇકલ ચલાવતાં-ચલાવતાં પરિવારના મોભી થાકેલા જણાતા હતા.
તેમણે જણાવ્યું, "હું તમને શું કહું? અમારે ત્યાંથી ભાગવું પડ્યું છે."
બૈરૂતમાં બીબીસીના મધ્યપૂર્વ સંવાદદાતા હ્યૂગા બાચેગાએ જણાવ્યું કે લેબનોનના આરોગ્ય વિભાગે નિવેદન જાહેર કરીને દેશની દક્ષિણની તમામ હૉસ્પિટલ્સને નૉન-અર્જન્ટ સર્જરીઓ રદ કરવાનું કહ્યું છે.
શિક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે લેબનોનના દક્ષિણ અને બૈરૂતના દક્ષિણી ઉપનગરની સ્કૂલોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યાં છે.
બૈરૂત શહેરથી બીજી જગ્યાએ જઈ રહેલા મહમદે જણાવ્યું, "લેબનોનમાં હવે કોઈ પણ જગ્યા સુરિક્ષત રહી નથી. ઇઝરાયલે કહ્યું છે કે તેઓ દરેક જગ્યાએ બૉમ્બમારો કરશે. હવે અમે ક્યાં જઈએ? ખરેખર બહુ ભયજનક સ્થિતિ છે. મને કંઈ જ સમજ પડતી નથી કે શું કરું."
અમેરિકાએ વધુ સૈન્ય ટુકડી મોકલી

ઇમેજ સ્રોત, EPA
મધ્યપૂર્વમાં હિંસા વધતા પેન્ટાગોને કહ્યું કે તેને વિસ્તારમાં વધુ સૈન્ય મોકલી રહી છે.
પેન્ટાગોનના પ્રવક્તા મેજર જનરલ પેટ રાયડરે જણાવ્યું, "મધ્ય-પૂર્વમાં વધેલા તણાવને ધ્યાનમાં રાખીને અમે આ ક્ષેત્રમાં અમારા દળમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. વિસ્તારમાં અમારી સૈન્ય ક્ષમતામાં વધારો કરવા માટે અમે ત્યાં વધારાની સૈન્ય ટૂકડી મોકલી રહ્યાં છીએ."
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને જણાવ્યું હતું કે અમેરિકા સમગ્ર વિસ્તારમાં ઘર્ષણ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી લોકો પોતાના ઘરે પરત ફરી શકે.
તેમણે કહ્યું કે સાવચેતીના ભાગરૂપે પેન્ટાગોન મધ્યપૂર્વમાં વધારાનું સૈન્ય મોકલી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટારેસે વધતી જતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું, "હું નથી ઇચ્છતો કે લેબનોન "બીજું ગાઝા" બને."
યુરોપિયન યુનિયનના વિદેશી બાબતોના વડા જોસેફ બોરેલે જણાવ્યું, "ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વના નેતા ભેગા થઈ રહ્યાં છે ત્યારે મધ્યપૂર્વમાં જે રીતે હિંસા થઈ છે તે અત્યંત ખતરનાક અને ચિંતાજનક છે."
તેમણે વધુમાં કહ્યું કે "આપણે લગભગ સંપૂર્ણ યુદ્ધની સ્થિતિમાં આવી ગયા છીએ".

ઇમેજ સ્રોત, Reuters
છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની સીમા પારની લડાઈમાં સેંકડો લોકો માર્યાં ગયાં છે. મૃતકોમાં મોટાભાગનાં હિઝબુલ્લાહ લડવૈયાઓ છે. આ લડાઈના કારણે સરહદની બંને તરફ હજારો લોકો વિસ્થાપિત થયાં છે.
હિઝબુલ્લાહે કહ્યું છે કે તે હમાસના સમર્થનમાં કામ કરી રહ્યું છે અને જ્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ નહીં થાય ત્યાં સુધી રોકાશે નહીં. બંને જૂથોને ઈરાન દ્વારા મદદ મળે છે. હમાસ અને હિઝબુલ્લાહને ઇઝરાયલ, યુકે અને અન્ય દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કર્યાં છે.
જેરુસલેમના બીબીસી સંવાદદાતા ડેનિયલ દે સિમોને કહ્યું છે, "પહેલાં સંયુક્ત રાષ્ટ્રનું કહેવું હતું કે વર્તમાન સંઘર્ષને કારણે દક્ષિણ લેબનોનમાં લગભગ 90 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે."
ઇઝરાયલનું નેતૃત્વ સતત એ નિવેદન આપે છે કે હિઝબુલ્લાહના રૉકેટ હુમલાને કારણે ઉત્તર ઇઝરાયલમાં તેમના વિસ્થાપિત થયેલા 60 હજાર લોકોને ફરીથી વસાવવામાં આવશે. જે એક યુદ્ધનો ઉદ્દેશ્ય છે. તેમનો આ ઉદ્દેશ્ય પૂર્ણ થયો નથી કારણકે હિઝબુલ્લાહ તરફથી રૉકેટમારો ચાલુ જ છે.
ઇઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે આ ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે હિઝબુલ્લાહની રૉકેટ છોડવાની ક્ષમતાને નષ્ટ કરવાની રહેશે. તેમના લડવૈયાઓને સરહદ પાસેથી ખદેડવા પડશે અને હિઝબુલ્લાહની માળખાકીય સવલતોને તબાહ કરવી પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












