ગાઝામાં જે જગ્યાએ યુદ્ધવિરામની વાત અટકી, ત્યાં ઇઝરાયલ શું કરી રહ્યું છે?- બીબીસી વેરિફાઈની તપાસ

ઇમેજ સ્રોત, AMIT SEGAL
- લેેખક, બેનેડિક્ટ ગારમૅન
- પદ, બીબીસી વેરિફાઈ
ઇઝરાયલી સેના દક્ષિણી સરહદે ગાઝા સાથે જોડાયેલી એક મુખ્ય સરહદે આજકાલ ડામર પાથરી રહી છે.
કેટલાક વિવેચકોની દૃષ્ટિએ આ એ વાતનો સંકેત છે કે ઇઝરાયલી સેના હાલમાં તો અહીંથી પાછા ફરવાના મૂડમાં નથી.
આ એ જ રસ્તો છે જેને લઇને ઇઝરાયલ અને હમાસ વચ્ચે નવા યુદ્ધવિરામ અને બંધકોને છોડવાને લઈને વાતચીત અટકેલી છે.
બીબીસી વેરિફાઈએ કેટલીક સેટેલાઇટ તસવીરો, ફોટો અને વીડિયોનું વિશ્લેષણ કર્યું છે, જેમાં એક સાંકડી પટ્ટી જેવા રસ્તા પાસે ડામર પાથરવાનું કામ થતું જોવા મળી રહ્યું છે.
આ સાંકડી પટ્ટી ઇજિપ્ત સાથે ગાઝા બૉર્ડર પાસેથી પસાર થઈને નીકળે છે અને કૂટનીતિક રીતે જોઈએ તો અતિશય મહત્ત્વની છે. તેને ઇઝરાયલી સેનાના કોડનેમ ફિલાડેલ્ફી કૉરિડોરના નામથી ઓળખવામાં આવે છે.
26 ઑગસ્ટથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી નિયમિત સમયગાળામાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં એ દેખાઈ રહ્યું છે કે બૉર્ડર પર લાગેલા કાંટાળા તાર પાસેલા કિનારાની 6.4 કિલોમીટર અંદર સુધી નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.

4 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવેલા ઑનલાઇન વીડિયોમાં એ જોવા મળી રહ્યું છે કે બૉર્ડર પર લાગેલી વાડ પાસે રસ્તાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
ભારેભરખમ મશીનો દ્વારા આ વિસ્તારોમાં એટલા પહોળા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે કે તેના પરથી એકસાથે બે મોટી ગાડીઓ પસાર થઈ શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે નીચેની બે તસવીરોની પણ સરખામણી કરી હતી. આ તસવીરો ડામર પાથર્યાં પહેલાંની અને પછીની સ્થિતિ દર્શાવે છે. બીબીસી વેરિફાઈએ આ લોકેશનની પુષ્ટિ કરી છે અને એ બૉર્ડર પર લાગેલી વાડ પાસેની એ પટ્ટીને દર્શાવે છે.
આ કૉરિડોરમાં એક રફાહ ક્રોસિંગ પણ છે જે ગાઝા પટ્ટીને ઇજિપ્ત સાથે જોડે છે. આ ગાઝાનું એકમાત્ર ક્રોસિંગ છે જેના પર ઇઝરાયલનું સીધું નિયંત્રણ નથી. ઇજિપ્તથી પુરવઠા સપ્લાયનો આ એકમાત્ર જમીની રસ્તો છે.
12.6 કિલોમીટર લાંબું આ ક્રોસિંગ ઇજિપ્તની સીમા પાસેથી પસાર થાય છે. કરેમ શલોમથી લઈને તે ભૂમધ્યસાગર સુધી પહોંચે છે.
ઇઝરાયલની સેના તેને ફિલોડેલ્ફી રૂટ કે ઍક્સેસ કહે છે, જ્યારે પેલેસ્ટાઇનિયન તેને સલાહ-દીન-ઍક્સેસ કહે છે.

ઇમેજ સ્રોત, AMIT SEGAL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લંડનની કિંગ્સ કૉલેજમાં સ્કૂલ ઑફ સિક્યૉરિટી સ્ટડીમાં સિનિયર લેક્ચરર ઍન્દ્રિયસ ક્રિગ કહે છે, "આ એવી જગ્યા નથી કે જ્યાં સ્પષ્ટરૂપે કોઈ સીમારેખા ન હોય. હકીકતમાં આ અવધારણાત્મક રેખા છે એટલે કે અલગ-અલગ સંસ્કૃતિ, વિચારો, ઓળખ અને સામાજિક તાણાવાણાના લોકોને વહેંચતી સરહદ."
ઇઝરાયલ 2005માં આ વિસ્તારથી પાછળ હઠી ચૂક્યું છે. ત્યારે તે ગાઝામાં હાજર રહેલી પોતાની સેના અને ત્યાં વસેલા લોકોને લઈને પાછું ચાલ્યું ગયું હતું.
પરંતુ ઇઝરાયલી સેનાએ આ વર્ષે સાત મેના રોજ ટૅન્કો અને હથિયારબંધ સૈનિકોની ગાડીઓ સાથે ફિલાડેલ્ફી કૉરિડોરમાં પ્રવેશ કર્યો. તેના થોડા મહિનાઓ પછી જ હવે રસ્તો બનાવવાનું કામ શરૂ થયું છે.
ફિલાડેલ્ફી કૉરિડોરમાં ઘૂસવાની સાથે જ ઇઝરાયલની સેનાએ રફાહ ક્રૉસિંગ પર કબ્જો કરી લીધો અને પછી કૉરિડોરની બંને બાજુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતાં રફાહ શહેરમાં પણ ઘૂસણખોરી કરવા લાગી.
છેલ્લા ચાર મહિનામાં ઇઝરાયલી સેનાએ આ કૉરિડોર નજીક સેંકડો ઘરોને ધ્વસ્ત કરી દીધાં છે. ઇઝરાયલની સેનાએ અહીં હવાઈ હુમલા તથા તોપોથી હુમલાઓ પણ કર્યા છે. આ સાથે જ વિસ્ફોટકો અને બુલડોઝરોથી પણ અમુક વિસ્તારોમાં મકાનોને પાડી દેવામાં આવ્યા છે.
શાંતિમંત્રણા માટે કૉરિડોરની જરૂર

ડૉ. ક્રિગ કહે છે, "રસ્તાના નિર્માણને કારણે, વાટાઘાટ કરનારા લોકો અને મધ્યસ્થીઓ પર યુદ્ધવિરામ અને બંધકોને પરત લાવવા માટે દબાણ આવ્યું છે. ઇઝરાયલીઓ ઇચ્છે છે કે જે થઈ ગયું તે થઈ ગયું. હવે તેને બદલવામાં ન આવે."
તેઓ કહે છે, "રસ્તાનું નિર્માણ એ પણ દર્શાવે છે કે ઇઝરાયલની સેના નજીકના ભવિષ્યમાં ગાઝાપટ્ટીમાંથી સંપૂર્ણપણે હઠી જવા માંગતી નથી."
તેમણે આ વર્ષની શરૂઆતમાં ગાઝાના ઉત્તર ભાગમાં ઇઝરાયલી સૈન્ય દ્વારા બાંધવામાં આવેલા રસ્તાનો ઉલ્લેખ કર્યો હતો, જેને નેત્ઝરીમ કૉરિડોર તરીકે ઓળખવામાં આવે છે.
તેઓ કહે છે, "જો તમે નેત્ઝેરિમ કૉરિડોરમાં કરવામાં આવેલા રોકાણ પર નજર નાખો તો સ્પષ્ટ થશે કે ઇઝરાયલની સેના આટલી જલ્દી અહીંથી હઠી જવાની નથી. તેમણે અહીં નક્કર અવરોધો ઊભા કર્યા છે. આ ઉપરાંત, ટાવર અને દીવાલો સાથે લશ્કરી થાણા પણ બનાવવામાં આવ્યા છે. જો અહીંથી પાછા ફરવાનો ઇરાદો હોત તો આવી પાક્કાપાયે વ્યવસ્થા ન કરાઈ હોત."
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફિલાડેલ્ફિયા કૉરિડોરને હમાસની 'લાઇફલાઇન' ગણાવી છે. તેમનું માનવું છે કે કોઈપણ કરારમાં અહીં ઇઝરાયલની સૈન્ય હાજરી એ મહત્ત્વની શરત હોવી જોઈએ.
"જો તમે હમાસની સૈન્ય અને શાસનક્ષમતાઓને નષ્ટ કરવા માંગતા હો, તો તમે તેને ફરીથી હથિયારોથી ભરપૂર સંગઠન બનવા ન દઈ શકો. એટલા માટે તમારે આ કૉરિડોર પર નિયંત્રણ રાખવું પડશે."
ઇઝરાયલના આર્મી ચીફ ઑફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ 14 ઑગસ્ટના રોજ કહ્યું હતું કે, "ફિલાડેલ્ફિ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે અમારી સ્થિતિને મજબૂત બનાવે છે."
ડૉ. સમીર ફરાઝ એ ઇજિપ્તના નિવૃત્ત મેજર જનરલ અને હવે લશ્કરી વ્યૂહરચનાના ટીકાકાર છે. તેઓ કહે છે કે ઇઝરાયલનો હેતુ મનોવૈજ્ઞાનિક યુદ્ધને છેડવાનો છે. આ માનસિકતા મીડિયામાં યુદ્ધ છેડે છે. તેના વડે ઇઝરાયલ અલગ-અલગ પક્ષોને સંદેશ આપી રહ્યું છે કે તે અહીંથી નહીં હઠે."
અમે ઇઝરાયલી સેનાને પૂછ્યું કે તેઓ અહીં નવો રોડ કેમ બનાવી રહ્યા છે. પરંતુ તેણે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી.
ઇઝરાયલે સુરંગોને ધ્વસ્ત કરવાની જીદ પકડી

નેતન્યાહુએ કહ્યું છે કે હમાસે 7 ઑક્ટોબર પહેલાં ઇજિપ્તથી શસ્ત્રો અને લોકોને લાવવા માટે કૉરિડોરની નીચેની સુરંગોનો ઉપયોગ કર્યો હતો.
તેમનું માનવું છે કે અહીં ઇઝરાયલી દળોની તહેનાતી હમાસને ફરીથી સશસ્ત્ર બનતાં રોકશે. આ રીતે તે ફરીથી ઇઝરાયલ માટે ખતરો બની શકશે નહીં.
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે ગત મહિને આ કૉરિડોરની મુલાકાત લીધી હતી. તેમણે તે સમયે કહ્યું હતું કે, "અમે ફિલાડેલ્ફી કૉરિડોર પર 150 સુરંગોનો નાશ કર્યો છે."
બીબીસીએ ફિલાડેલ્ફી કૉરિડોરમાં વિસ્ફોટનાં સ્થળોની ઓળખ ઇઝરાયલની સેના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કરી છે. આમાંના એક વીડિયોમાં એવું જોવા મળે છે કે ભૂગર્ભ માળખાકીય સુવિધાઓનો નાશ થઈ રહ્યો છે. જોકે, બીબીસી એ પુષ્ટિ કરી શક્યું નથી કે ખરેખર શું નાશ પામ્યું છે.
ઇઝરાયલની સેના દ્વારા શેર કરવામાં આવેલા ફોટા અને વીડિયોમાં ફરી એક ટનલ જોવા મળી છે.
સેટેલાઇટ તસવીરો સરહદે અને અન્ય વિસ્તારોમાં જમીન પર ખોદકામના સંકેતો દર્શાવે છે.
(લમીસ અલતલેબી અને જોશુઆ ચિટહૅમે પણ આ અહેવાલ માટે જરૂરી રિપોર્ટિંગ કર્યું છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












