દેવાયત ખવડ સામે 'હત્યાના પ્રયાસ'ના નોંધાયેલા ગુનાનું મૂળ ડાયરાનું મનદુખ છે?

દેવાયત ખવડ, દેવાયત ખવડનો વિવાદ, ગુજરાતી લોકગાયક, જૂનાગઢ, ડાયરાનો વિવાદ, ગુજરાતી લોકસંગીત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, devayatkhavad_official/insta

ઇમેજ કૅપ્શન, ગુજરાતના જાણીતા ગાયક દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

જાણીતા ગાયક દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દેવાયત ખવડે પોતાની ગાડીને અમદાવાદની ભાગોળે આવેલા સનાથલ ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણની ગાડી કથિત રીતે ભટકાડી દેતા વિવાદ સર્જાયો છે.

ગીરસોમનાથના તાલાળા નજીકના એક ફાર્મહાઉસ નજીક મંગળવારે સવારે બનેલી આ ઘટના બાદ પોલીસે ખવડ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ધ્રુવરાજસિંહને હાથે અને પગે ફ્રૅક્ચર થતા સારવાર માટે જૂનાગઢની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેવાયત ખવડ સામે આ ગુનો નોંધાતા સાણંદ પાસેના સનાથલમાં આ ગાયક અને ધ્રુવરાજસિંહના પરિવારના સભ્યો વચ્ચે એક લોકડાયરાના આયોજન બાબતે આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી તકરાર ફરી ચર્ચામાં આવી છે.

આ સાથે જ 2022માં રાજકોટના એક બિલ્ડર પર કથિત રીતે હુમલો કરતા દેવાયત ખવડની થયેલી ધરપકડ અને ત્યાર બાદના તેના ત્રણ મહિના સુધીના જેલવાસ પણ ફરી ચર્ચાએ છે.

દેવાયત ખવડ પર શું આરોપ છે?

દેવાયત ખવડ, દેવાયત ખવડનો વિવાદ, ગુજરાતી લોકગાયક, જૂનાગઢ, ડાયરાનો વિવાદ, ગુજરાતી લોકસંગીત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hanif Khokhar/BBC

ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધ્રુવરાજસિંહ ચૌહાણે દેવાયત ખવડ સામે આરોપ લગાવ્યા છે

ગીર સોમનાથ જિલ્લામાં ગીરના જંગલની બૉર્ડર પર આવેલા તાલાળા શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એફઆઈઆર મુજબ, મંગળવારે સવારે 11:30 વાગ્યે ધ્રુવરાજસિંહ તેમના કૌટુંબિક ભાઈ રાજેન્દ્રસિંહ સરવૈયા અને ડ્રાઇવર તરંગ ઉર્ફે કિશન પરમાર તાલાળા નજીક આવેલા ચિત્રોડ ગામના એક રિસોર્ટમાંથી તેમની એક કારમાં બેસી સોમનાથ જવા નીકળ્યા હતા.

એ સમયે રિસોર્ટથી ચિત્રોડના પાટિયે જતા સામેથી પૂરઝડપે આવી આવી રહેલી એક મોટી મોટરકારે ધ્રુવરાજસિંહની કારને ટક્કર મારી હતી.

સામેવાળી ગાડીથી બચાવવા ધ્રુવરાજસિંહે તેમની ગાડીને રિવર્સમાં હંકારી હતી, પરંતુ તેમ કરતા પાછળથી આવતી અન્ય એક ગાડીએ ધ્રુવરાજસિંહની ગાડીને પાછળથી પણ ટક્કર મારી.

આગળ અને પાછળથી ટક્કર મારી આરોપીઓએ ધ્રુવરાજસિંહની ગાડી રોડના કાંઠે ધકેલી દીધી હતી. ત્યાર બાદ આ બંને ગાડીઓમાંથી 12થી 15 બુકાનીધારી લોકો ઊતરી ધ્રુવરાજસિંહને ગાળો દેવા લાગેલા.

એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે સામેથી આવેલી ગાડીનો ડ્રાઇવર પણ નીચે ઊતર્યો, પરંતુ તેની બુકાની સરી જતા ધ્રુવરાજસિંહે તેમને દેવાયત ખવડ તરીકે ઓળખ્યો હતો.

દેવાયત ખવડ, દેવાયત ખવડનો વિવાદ, ગુજરાતી લોકગાયક, જૂનાગઢ, ડાયરાનો વિવાદ, ગુજરાતી લોકસંગીત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sardarsinh Chauhan

ઇમેજ કૅપ્શન, ધ્રુવરાજસિંહ પર થયેલા કથિત હુમલામાં તેમની કારને નુકસાન થયું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરિયાદ અનુસાર, દેવાયત ખવડે ધ્રુવરાજસિંહને તેમની કારમાંથી બહાર ખેંચી તેમને પહેરેલા 15 તોલાની ચેઇન અને ચાર તોલાનું લૉકેટ ખેંચી લીધાં અને પછી બધાએ ભેગા મળી પાઇપ વડે ધ્રુવરાજસિંહને માર માર્યો.

ધ્રુવરાજસિંહની ફરિયાદ પરથી નોંધાયેલી એફઆઈઆરમાં વધારે નોંધાયું છે કે, "દેવાયત ખવડે એક રિવોલ્વર કાઢેલી અને મારી (ધ્રુવરાજસિંહ) સામે તાકી અને કહેલું કે આ તારા માટે જ બે નંબરની રિવોલ્વર લાવ્યો છું અને જો તું કોઈ પોલીસ કેસ કરીશ તો તને આ રિવોલ્વરથી જ ઠોકી નાખીશ."

એફઆઈઆર મુજબ, રિવોલ્વર તાક્યા બાદ દેવાયત ખવડે ધ્રુવરાજસિંહની કારમાં રહેલા રોકડા 42,000 રૂપિયા લઈ લીધા અને ફરી એક વાર તેમની કારને ટક્કર મારી આરોપીઓ તેમની નંબર વગરની બે ગાડીઓમાં બેસીને જતા રહ્યા.

ધ્રુવરાજસિંહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે સનાથલ ગામમાં આયોજિત એક લોકડાયરામાં આવવા માટે ખવડે આઠ લાખ રૂપિયા ફી લીધી હતી, પરંતુ પછીથી તેઓ ડાયરામાં આવ્યા નહોતા. પરિણામે, ધ્રુવરાજસિંહના મોટા બાપા ભગવતસિંહે ખવડ સામે ફરિયાદ કરેલી કે ડાયરામાં ખવડ સમયસર ન આવતા તેમને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. આ ફરિયાદના મનદુઃખના કારણે ખવડે તેમની પર તાલાળામાં હુમલો કર્યો તેમ ધ્રુવરાજસિંહે પોલીસને કહ્યું છે.

દેવાયત ખવડ સામે કઈ કઈ કલમો મુજબ ગુનો નોંધાયો?

દેવાયત ખવડ, દેવાયત ખવડનો વિવાદ, ગુજરાતી લોકગાયક, જૂનાગઢ, ડાયરાનો વિવાદ, ગુજરાતી લોકસંગીત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Devayatbhai khavad/FB

ઇમેજ કૅપ્શન, દેવાયત ખવડ

પોતાના પર હુમલો થયા બાદ ધ્રુવરાજસિંહને તેમના ભાઈ અને ડ્રાઇવર પ્રથમ તેમને તાલાળાની એક હૉસ્પિટલે લઈ ગયા. ત્યાં તેમને કહેવાયું કે તેમના ડાબા હાથે અને ડાબા પગે ફ્રૅક્ચર છે અને સલાહ આપવામાં આવી કે વધારે સારવાર માટે તેમને કોઈ મોટી હૉસ્પિટલ ખસેડવામાં આવે. તેથી, ધ્રુવરાજસિંહને જૂનાગઢની એક ખાનગી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ધ્રુવરાજસિંહની ફરિયાદ મળતા મંગળવારે સાંજે આઠ વાગ્યે તાલાળા પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને અન્ય લોકો સામે એક ગુનો નોંધાયો.

તે એફઆઈઆરમાં આરોપીઓ સામે હત્યાના પ્રયાસ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, ધાડ કે લૂંટ સમયે હત્યા કરવાની કોશિશ બદલ કલમ 311, જાણીજોઈને ઈજા પહોંચાડવા બદલ 118 (1), 118 (2), ગેરકાયદેસરની મંડળી રચવા બદલ કલમ 189 (2), રાયૉટિંગ એટલે કે રમખાણ કરવા બદલ કલમ 191 (2) અને 191 (3), ગુનાહિત કાવતરું ઘડવા માટે કલમ 61, શાંતિનો ભંગ કરવાના ઇરાદે કરવામાં આવેલા અપમાન બદલ કલમ 352 અને ધમકી આપવા બદલ કલમ 351 લગાડવામાં આવી છે.

આ ઉપરાંત ગેરકાયદેસર રિવોલ્વર રાખવા બદલ આરોપી વિરુદ્ધ હથિયાર ધારાની કલમો હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીબીસીએ બુધવારે દેવાયત ખવડનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે વાતચીત થઈ શકી નથી. તેમનો સંપર્ક થતા અહેવાલમાં ઉમેરી દેવાશે.

પોલીસે દેવાયત ખવડ સામે શું કાર્યવાહી કરી છે?

દેવાયત ખવડ, દેવાયત ખવડનો વિવાદ, ગુજરાતી લોકગાયક, જૂનાગઢ, ડાયરાનો વિવાદ, ગુજરાતી લોકસંગીત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Dilip Mori/BBC

ઇમેજ કૅપ્શન, મીડિયાને માહિતી આપતા વેરાવળ વિભાગના ડીવાયએસપી વિનોદસિંહ ખેંગાર

બુધવારે વેરાવળ ખાતે મીડિયાને માહિતી આપતા વેરાવળ વિભાગના ડીવાયએસપી વિનોદસિંહ ખેંગારે જણાવ્યું કે ખવડ અને અન્ય લોકો વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને પોલીસે તેમને પકડવા માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સહિતની ટીમોને કામે લગાડી છે અને વિવિધ જગ્યાએ લગાડેલા સીસીટીવી કૅમેરાએ રેકૉર્ડ કરેલા ફૂટેજ ચેક કરી રહ્યા છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ખેંગારે કહ્યું કે "ફરિયાદમાં જણાવ્યા મુજબ 12થી 15 આરોપીઓમાંથી એક દેવાયત ખવડ હતા. અન્ય આરોપીઓ કોણ હતા તેની ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. તે જ રીતે, ગુનામાં વપરાયેલાં કોઈ હથિયાર કે વાહન હજુ મળી આવ્યાં નથી."

દેવાયત ખવડ સાથે જોડાયેલા વિવાદો

આ વર્ષે ફેબ્રુઆરીમાં ભગવતસિંહે ફરિયાદ કરેલી કે તેમણે આયોજન કરેલા એક ડાયરામાં પૈસા લીધા પછી દેવાયત ખવડ ન આવતા તેમને આર્થિક નુકસાન થયું હતું, પરંતુ સામે પક્ષે ખવડે આક્ષેપ કર્યો હતો કે તેઓ ડાયરા માટે સમયસર પહોંચી ગયા હતા, પરંતુ ઑડિયન્સ ભેગું થયું ન હોવાથી સનાથલના ડાયરાના આયોજકોની મંજૂરી લઈ તે અન્ય એક ડાયરામાં હાજરી આપવા જતા રહેલા.

દેવાયત ખવડે આક્ષેપ કર્યો હતો કે ભગવતસિંહ સહિતના આયોજકોએ તેઓ સમયસર ન આવ્યા તેવી ફરિયાદ કરીને તેમની ગાડીમાં તોડફોડ કરી. તે વખતે ખવડના ડ્રાઇવર કાનાએ આક્ષેપ કરેલો કે ગાડી પર હુમલો કરવાવાળા લોકોમાં ધ્રુવરાજસિંહ પણ હતા.

અગાઉ 7 ડિસેમ્બર, 2022ના રોજ રાજકોટના બિલ્ડર મયૂરસિંહ રાણા ઉપર દેવાયત ખવડે કથિત રીતે હુમલો કરતા તેમની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો.

મયૂરસિંહ અને દેવાયત ખવડ વચ્ચે આ પહેલાં રાજકોટમાં એક સોસાયટીમાં કાર પાર્ક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. મયૂરસિંહ પર કથિત હુમલા બાદ રાજકોટ સિટી પોલીસે ખવડની ધરપકડ કરી હતી. ત્રણેક મહિના જેલમાં રહ્યા બાદ દેવાયત ખવડને માર્ચ 2023માં ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન