મયૂર નાડિયા : ગીતા રબારી, કિંજલ દવે સહિતનાં કલાકારોને ઘરેઘરે ગૂંજતાં કરનાર સંગીતકારની વિદાય

ઇમેજ સ્રોત, facebook
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
મયૂર નાડિયાની ઉંમર પાંત્રીસેક વર્ષ હતી. તેમની કારકિર્દી પૂનમની જેમ ખીલી હતી ત્યાં જ અકાળે તેમનું અવસાન થયું છે, તેમના અવસાનથી ગુજરાતી લોકસંગીતજગતમાં શોકની લહેર ફરી વળી છે. 14 એપ્રિલે મયૂર નાડિયાએ છેલ્લા શ્વાસ લીધા હતા.
મયૂર નાડિયાના ભાઈએ બીબીસીને જણાવ્યું કે કાર્ડિયાક અરેસ્ટથી મયૂરનું અવસાન થયું છે.
વર્ષ 2017માં માર્ચ મહિનામાં ગીતા રબારીએ ગાયેલું 'એકલો રબારી...' ગીત યૂટ્યૂબ પર રજૂ થયું હતું એ પછી એપ્રિલ મહિનામાં ગીતા રબારીનું જ 'રોણા શેરમાં રે...' ગીત યૂટ્યૂબ પર રજૂ થયું હતું. આ બંને ગીતોએ ગુજરાતમાં ધૂમ મચાવી હતી.
બંને ગીતોના સંગીતકાર મયૂર નાડિયા હતા. 'એકલો રબારી...' ગીત યૂટ્યૂબ પર નિહાળનારા દર્શકોની સંખ્યા 48 મિલિયનથી વધારે છે.
'રોણા શેરમાં રે...' ગીત યૂટ્યૂબ પર રજૂ થયું એ પછી લગ્નના વરઘોડામાં ધૂમ મચાવવા માંડ્યું હતું. એ વખતે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી અને એના પ્રચારમાં પણ કેટલાક નેતાની રેલીમાં એ ગીત સાંભળવા મળતું હતું. એ ગીત પછી ગીતા રબારીનું નામ વધારે ગુજરાતમાં જાણીતું થયું હતું.
રોણા શેરમાં ગીત યૂટ્યૂબ પર 593 મિલિયનથી વધારે એટલે કે 59 કરોડથી વધારે દર્શકોએ નિહાળ્યું છે.
ગાયક દેવ પગલીએ ગાયેલું 'મા મારી આબરૂનો સવાલ' ગીતે પણ યૂટ્યૂબ પર ધૂમ મચાવી હતી અને છ વર્ષમાં આ ગીતે યૂટ્યૂબ પર 161 મિલિયનથી વધારે દર્શકોએ જોયું-માણ્યું છે. તે ગીત પણ મયૂર નાડિયાએ જ સ્વરબદ્ધ કર્યું હતું.
કિંજલ દવેએ ગાયેલું ગીત 'છોટારાજા'ને અત્યાર સુધીમાં યૂટ્યૂબમાં 397 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ ગીતનું સંગીત પણ મયૂર નાડિયાએ જ આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિંજલ દવેએ ગાયેલું 'અમે ગુજરાતી લેરી લાલા...' તેમજ જિજ્ઞેશ કવિરાજે ગાયેલું 'હાથમાં વ્હિસ્કી' ગીત પણ લોકપ્રિય થયું હતું, જે મયૂર નાડિયાએ જ સંગીતબદ્ધ કર્યાં હતાં. આ ગીતના યૂટ્યૂબ પર દશ લાખથી વધુ દર્શકો એટલે કે મિલિયનના આંકડા વટાવી ચૂક્યા છે. જિજ્ઞેશ કવિરાજે ગાયેલું 'વ્હિસ્કીવાળું' ગીત 231 મિલિયનથી વધુ દર્શકોએ નિહાળ્યું છે.
મયૂર નાડિયાની લગ્નના વરઘોડાથી સંગીતકાર સુધીની સફર

ઇમેજ સ્રોત, Vikram thakor/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મયૂર નાડિયાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ લગ્નમાં બૅન્ડવાજામાં વગાડતા હતા અને ધીમેધીમે સંગીતની દિશામાં આગળ વધ્યા હતા.
મયૂરના ભાઈ આનંદે બીબીસીને જણાવ્યું કે તેમના પિતા પણ સંગીત સાથે સંકળાયેલા હતા અને પરિવારમાં પણ સંગીતનો માહોલ હતો.
મયૂર નાડિયાએ સંગીતનો કોઈ ચોક્કસ તાલીમ લીધી નહોતી અને આપમેળે બધું શીખતા રહ્યા હતા.
અમદાવાદના નરોડા વિસ્તારમાં શિવધારા સ્ટુડિયો આવેલો છે, જે મયૂર નાડિયાનો છે. ગાયક દેવ પગલીએ મયૂર નાડિયાએ સંગીતબદ્ધ કરેલાં કેટલાંક ગીતો ગાયાં હતાં. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં દેવ પગલીએ કહ્યું હતું કે, "સંગીતજગત માટે આ મોટો ઝટકો છે."
મયૂર નાડિયાએ લાઇવ કાર્યક્રમો પણ ખૂબ આપ્યા હતા. તેમણે અન્ય સંગીતકાર સાથે સહાયક સંગીતકાર તરીકે પણ કામ કર્યું હતું. અન્યના સ્ટુડિયોમાં જઈને વાજિંત્ર વગાડતા સ્ટુડિયો આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું.
દેવ પગલી કહે છે કે "જ્યારે મિલિયનના નામની કોઈ કલાકારને ખબર નહોતી ત્યારે મયૂર નાડિયાએ ગુજરાતી સંગીત ઇન્ડસ્ટ્રીને મિલિયન બતાવ્યા હતા."
દેવ પગલી કહે છે કે, "હું હોઉં કે જિજ્ઞેશ કવિરાજ કે ગીતા રબારી કે કિંજલ દવે, રાકેશ બારોટ, વિજય સુંવાળા- આ બધાનાં નામ ઊંચકાયાં હોય તો તેમાં મયૂરના સંગીતનો મોટો ફાળો છે."
મયૂર નાડિયા પાસે રેકૉર્ડિંગ કરાવવા ગાયકો વેઇટિંગમાં રહેતા

ઇમેજ સ્રોત, Mayur Nadiya/fb
મનુ રબારીએ મયૂર નાડિયાના કૉમ્પોઝિશન માટે ઘણાં ગીતો લખ્યાં હતાં. જેમાં રોણા શેરમા, એકલો રબારી, લેરી લાલા વગેરેનો સમાવેશ થાય છે.
મયૂર સાથેનાં સંસ્મરણો વાગોળતા મનુ રબારી બીબીસી ગુજરાતીને કહે છે કે, "મેં દોઢસોથી વધારે ગીતો મયૂર માટે લખ્યાં છે. પહેલાં હું ગીત લખતો તેના પર તે સંગીત બેસાડતો. મયૂરની વિશેષતા એ હતી કે ગીત લઈને જઈએ કે તરત એ ટ્યૂન બેસાડીને ગીત સંગીતબદ્ધ કરી દે. એ ત્વરિત સંગીતકાર હતો. તેની સ્પીડ ગજબની હતી. કોઈ ગીતમાં તે ટ્યૂન સેટ કરીને સંભળાવે અને એ કોઈ કલાકારને માફક ન આવે તો એ બીજી ટ્યૂન પણ તરત જ બનાવી આપે. હું શાંતિથી ટ્યૂન બનાવીશ કે વિચારવાનો સમય જોઈશે એવા કોઈ જવાબ તે ક્યારેય ન આપે."
દેવ પગલી કહે છે કે, "મયૂર માટે તેનાં રાતદિવસ સંગીત જ હતાં. તેનો સ્ટુડિયો તેની દુનિયા હતો. મને યાદ છે એક વખત તેણે એક ગીતના રેકૉર્ડિંગ માટે સવારે ચાર વાગ્યે બોલાવ્યો હતો."
મયૂર નાડિયા પાસે કામ ક્યારેય ખૂટ્યું જ નહોતું. મોટા કલાકારને પણ તેની પાસે ગીત રેકૉર્ડ કરાવવું હોય તો પંદર દિવસ કે મહિનાનું વેઇટિંગ રહેતું હતું.
મનુ રબારી કહે છે કે, "મયૂર એક સાથે ઘણાં ગીત તૈયાર કરતો હતો. ક્યારેક એવું થતું કે તેણે ગીત તૈયાર કરીને કમ્પ્યુટરમાં કોઈ ફોલ્ડરમાં મૂક્યું હોય અને એ ભૂલી જાય અને પછી તે ગીત અમે ફરી રેકૉર્ડ કર્યું હોય. બધા કલાકારો સાથે મયૂરને એવી મિત્રતા હતી કે કલાકારે ફરી રેકૉર્ડ કરવા જવાનું હોય તો ખુશી ખુશીથી જતા હતા."
જિજ્ઞેશ કવિરાજ હોય, ગીતા રબારી હોય કે કોઈ ઊગતો કલાકાર- મયૂર માટે બધાં સરખાં

ઇમેજ સ્રોત, mayurnadiyaofficial/Instagram
ગીતા રબારીએ મયૂર નાડિયાને અંજલી પાઠવતાં સોશિયલ મીડિયા ફેસબુક પર લખ્યું હતું કે, "અનેક ગુજરાતી ફિલ્મના સફળ સંગીતકાર એવા ભાઈ મયૂર નાડિયાનું ભરયુવાનીમાં દુઃખદ અવસાન થયું છે, ઈશ્વર તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે તેવી કરબદ્ધ પ્રાર્થના."
મયૂરની વિશેષતા એ હતી કે કોઈ પણ જાણીતો ગાયક હોય કે કોઈ નવોસવો ગાયક હોય તેની સાથે તેમનો વ્યવહાર એકસરખો જ પ્રેમાળ રહેતો હતો. તેમના મનમાં ગાયકો માટે કોઈ ભેદ નહોતા.
દેવ પગલી કહે છે કે, "મને યાદ છે કે, 'મા મારી આબરૂનો સવાલ...' ગીત હું તેના સંગીત નિર્દેશનમાં રેકૉર્ડ કરતો હતો ત્યારે ખૂબ નાની નાની બાબતો તે મને સમજાવતો હતો. હું એ વખતે સંગીતજગતમાં જાણીતો કલાકાર ન હતો. રેકૉર્ડિંગમાં મારે કોઈ જગ્યાએ કોઈ ફેરફાર સૂચવવો હોય તો એના માટે પણ તે ખુલ્લું મન રાખતો હતો. રેકૉર્ડિસ્ટ તરીકે પોતે જ બેસે અને કોઈ વસ્તુ હસતાં હસતાં એવી રીતે સમજાવે કે તે શીખવાડી રહ્યો છે તેવું લાગવા ન દે."
યૂટ્યૂબ પર રાઘવ ડિજિટલે રજૂ કરેલું ગીતા રબારીએ ગાયેલું 'રોણા શેરમાં' ગીત મનુ રબારી અને દીપક પુરોહિતે લખ્યું હતું.
એ ગીત કેવી રીતે લખાયું એના વિશે વાત કરતાં મનુ રબારી કહે છે કે, "એ વખતે 'રાણો રાણાની રીતે' એ વાક્ય બોલચાલમાં ખૂબ વપરાતું હતું. એ વખતે રાઘવ ડિજિટલ કંપનીના માલિક દીપુભાઈએ કહ્યું કે રાણા તો હવે ગામમાં જ ન હોય, શેરમાં પણ આવી ગયા છે. એ રીતે વાતચીતના આધારે મેં એ શબ્દો પકડીને ગીત લખ્યું અને પછી મયૂર પાસે ગયા અને તેમણે રાબેતામુજબ તરત સંગીતમાં મઢી દીધું હતું."
જિજ્ઞેશ કવિરાજે ગાયેલું હાથમાં છે વ્હિસ્કી.. કે રાકેશ બારોટે ગાયેલું 'બૈરું ગયું પિયર...' ગીતોએ પણ ધૂમ મચાવી હતી. મયૂર નાડિયાએ સંગીતબદ્ધ કરેલા આ ગીતોમાં પણ મનુ રબારીના શબ્દો હતા.
આ ગીતના શબ્દો પર વાદવિવાદ પણ થયા છે. એ વિવાદ અંગે મનુ રબારીએ કહ્યું હતું કે, "ના. અમારું કામ તો લોકોને મનોરંજન કરાવવાનું છે. અમારો ઇરાદો કઈ વાદવિવાદનો હોતો નથી. અમે એમાં પડતાય નથી."
રોણા શેરમાં અને ગોગો લાડકો... એક જ ટ્યૂન પર બે હિટ ગીત

ઇમેજ સ્રોત, Mayur Nadiya/FB
ગાયક રાજલ બારોટના સ્વરમાં 'ગોગો લાડકો' નામનું એક ગીત રાઘવ ડિજિટલ યૂટ્યૂબ ચૅનલ પર 3 એપ્રિલ, 2017ના રોજ મુકાયું હતું, જેના યૂટ્યૂબ પર 593 મિલિયન કરતાં વધારે વ્યૂ છે.
મનુ રબારી આ ગીતો પાછળની રસપ્રદ કહાણી જણાવતાં કહે છે કે, "આ બંને ગીતો (રોણા શેરમાં સહિત) એક જ ટ્યૂનમાં છે અને ખૂબ નજીકના દિવસોમાં રજૂ થયા હોવા છતાં બંને ગીતોને લોકોએ ખૂબ વધાવ્યા છે."
ગીતા રબારી મૂળે કચ્છનાં છે. એકલો રબારી ગીતના રેકૉર્ડિંગનો પ્રસંગ વર્ણવતાં મનુ રબારી કહે છે કે, "એ ગીત રેકૉર્ડ કરવા માટે ગીતા રબારી છેક કચ્છથી આવ્યાં હતાં અને રાતે બે વાગ્યે એ રેકૉર્ડ કર્યું હતું. એ વખતે મયૂરના સ્ટુડિયોમાં ઑલરેડી અન્ય કોઈનું રેકૉર્ડિંગ ચાલતું હતું. ગીતા કચ્છથી આવીને એટલાં થાકી ગયાં હતાં કે સ્ટુડિયોમાં જ સોફા પર સૂઈ ગયાં હતાં."
"અન્ય રેકૉર્ડિંગ રાતે દોઢેક વાગ્યે પૂરું થયા પછી મયૂરે કહ્યું કે હું ખૂબ થાકી ગયો છું. મેં કહ્યું કે ગીતાબહેનને ફરી કચ્છ જવાનું છે તેમનો પ્રોગ્રામ છે. તું ભલે થાકેલો હોય પણ આ ગીત તો રેકૉર્ડ કરવું જ પડે તેમ છે. તરત મયૂરે થાક ખંખેરીને રાતે બે વાગ્યે એનું રેકૉર્ડિંગ કર્યું અને એ ગીત પણ સુપરહિટ નીવડ્યું હતું."
દેવ પગલી લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીને ટાંકીને કહે છે કે, "મેઘાણી કહેતા કે વગડાનાં ફૂલ દૂર જંગલમાં જ ખીલે અને ખરી જતાં હોય છે. લોકોને એના વિશે ખબર નથી હોતી. મયૂર નાડિયા વગડાનાં ફૂલ જેવો કલાકાર હતો. લોકોને દેવ પગલી કે જિજ્ઞેશ કવિરાજ કે ગીતા રબારી દેખાય છે, પણ એની પાછળ રહેલા મયૂર નાડિયા ખાસ દેખાતા નથી. એને લીધે મયૂરનું મહત્ત્વ ઓછું થતું નથી. વગડાનું ફૂલ પોતાની મહેક આપીને જતું રહ્યું."













