Rummy, PUBG અને Free Fire જેવી ગેમ્સનું શું થશે? ઑનલાઇન ગેમિંગ બિલને સાત મુદ્દામાં સમજો

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

શું તમને ફેન્ટસી ક્રિકેટ, રમી, લુડો અને પોકર જેવી ઑનલાઇન ગેમ્સ પર રૂપિયા લગાવવાનો શોખ છે? ઘરે બેઠા મિનિટોની અંદર લાખો-કરોડો રૂપિયા કમાવાનાં સપનાં આવે છે?

જો આવું હોય, તો સાવધાન રહો.

ભારત સરકારે બુધવારે લોકસભામાં પ્રમોશન ઍન્ડ રેગ્યુલેશન ઑફ ઑનલાઇન ગેમિંગ બિલ, 2025 રજૂ કર્યું હતું. વિપક્ષના દેકારા વચ્ચે આ બિલ પસાર કરી દેવામાં આવ્યું.

હવે આ બિલ રાજ્યસભામાં જશે અને ત્યાં પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી તે કાયદો બની જશે.

આ બિલ મુજબ ઇ-સ્પૉર્ટ્સ અને સોશિયલ મીડિયા ગેમ્સને પ્રોત્સાહન અપાશે, પરંતુ ઑનલાઇન મની ગેમ્સ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવાશે.

સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પણ વ્યક્તિ ગેમ્સની મદદથી ઑનલાઈન સટ્ટાબાજી નહીં કરી શકે.

સરકારનું માનવું છે કે આવી ઑનલાઇન ગેમથી વ્યક્તિ અને પરિવારોને નુકસાન થાય છે. એટલું જ નહીં, મની લૉન્ડરિંગ, ટૅક્સ ચોરી, આતંકવાદને ફંડિંગ વગેરે સાથે પણ તેના સંબંધ જોવા મળ્યા છે.

બીબીસીએ અહીં આખા મામલાની સમજ આપી છે.

ઇ-સ્પૉર્ટ્સ અને મની ગેમ્સમાં શું તફાવત છે?

ઑનલાઇન ગેમિંગને સરકારે ત્રણ કૅટેગરીમાં વિભાજિત કરી છે.

પહેલી કૅટેગરી - ઇ-સ્પૉર્ટ્સ

બીજી કૅટેગરી - ઑનલાઇન સોશિયલ ગેમ્સ

ત્રીજી કૅટેગરી - ઑનલાઇન મની ગેમ

ઝી બિઝનેસ સાથે વાત કરતા ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને આ ત્રણેય કૅટેગરીની સમજ આપી હતી.

તેમણે કહ્યું કે "ધારો કે કોઈ શતરંજ રમે છે. તેને ઑનલાઇન પણ રમી શકાય છે. આ પ્રકારની રમતે ઇ-સ્પૉર્ટ્સ હેઠળ આવે છે. તેમાં જીતવા પર કોઈ રકમ ન મળે તે શક્ય છે. તેમાં ખેલાડીનો અનુભવ મહત્ત્વનો છે."

તેઓ કહે છે, "ઑનલાઇન સોશિયલ ગેમની મદદથી બાળકો કંઈક શીખે છે. શક્ય છે કે આ ગેમ્સ માટે કોઈ સબસ્ક્રિપ્શન આપવું પડે, પરંતુ તેમાં બદલામાં રૂપિયા જીતવાની આશા નથી હોતી."

એસ કૃષ્ણને જણાવ્યું કે, "જેમાં એવું કહેવામાં આવે કે થોડા રૂપિયા લગાવો અને તમે વધુ રૂપિયા જીતશો તેવી આશા આપવામાં આવે છે, વધારે રમશો તો વધુ જીતશો. તે કૅટેગરી ઑનલાઇન મની ગેમમાં આવે છે."

PUBG, ફ્રી ફાયર અને GTA જેવી ગેમ્સનું શું થશે?

પબજીમાં ઘણા ખેલાડીઓ એકસાથે વર્ચ્યુઅલ મેપ પર ઊતરે છે અને છેલ્લે સુધી ટકી જાય, તે વિજેતા બને છે. ફ્રી ફાયર પણ પબજી જેવી જ છે. તેમાં ઝડપી અને ટૂંકી મૅચ હોય છે.

જીટીએ એક એક્શન-ઍડ્વેન્ચર ગેમ છે. તેમાં ખેલાડી શહેરમાં ઘૂમીને મિશન પૂરાં કરે છે. અલગ-અલગ ગાડીઓથી ચલાવી શકાય છે.

આ ગેમ્સમાં સીધી રીતે રૂપિયા દાવ પર નથી લાગતા. તેમાં વ્યક્તિ વર્ચ્યુઅલી બંદૂક, કપડાં અથવા અન્ય સામાન્ય ખરીદી શકે છે, પરંતુ તેમાં પૈસા લગાવીને પૈસા જીતવાની વાત નથી.

ઑનલાઇન ગેમિંગના જાણકારોનું કહેવું છે કે આ પ્રકારની ગેમ્સને ઇ-સ્પૉર્ટ્સમાં રાખવામાં આવશે.

કેવી ગેમ્સ પર પ્રતિબંધ લાગશે?

બિલની કલમ 2(જી) મુજબ એવી તમામ ગેમ પ્રતિબંધિત રહેશે જેમાં ખેલાડી ફી, રૂપિયા અથવા સ્ટેક લગાવે છે અને તેના બદલામાં જીતવાથી રૂપિયા અથવા બીજો નાણાકીય ફાયદો મળે છે.

ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ કાયદો બન્યા બાદ ફેન્ટસી સ્પૉર્ટ્સ ગેમ્સ, ઑનલાઇન રમી, કાર્ડ ગેમ્સ, પોકર પ્લૅટફૉર્મ અને ઑનલાઇન ટીમ બનાવીને ડાયરેક્ટ રૂપિયા લગાવવાની ગેમ નહીં રમી શકાય.

સાયબર કાયદાના નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તા માને છે કે આ કાયદો ઉતાવળમાં લાવવામાં આવ્યો છે.

તેઓ કહે છે, "ઑનલાઇન મની ગેમ્સમાં બે બાબતો હોય છે. એક 'ગેમ ઑફ ચાન્સ' (જુગાર) અને બીજું 'ગેમ ઑફ સ્કિલ'. ઑનલાઇન મની ગેમ્સ સાથે સંકળાયેલી કંપનીઓ 'ગેમ ઑફ સ્કિલ'નો તર્ક આપીને પ્રતિબંધોથી છટકી જાય છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલમાં 'ગેમ ઑફ ચાન્સ' અને 'ગેમ ઑફ સ્કિલ' વ્યાખ્યાયિત નથી.

આ બિલ મુજબ, કેન્દ્ર સરકાર એક ઑનલાઇન ગેમિંગ ઑથૉરિટી પણ બનાવશે. કઈ રમત પૈસાની રમત છે અને કઈ ઇ-સ્પૉર્ટ્સ તેને નક્કી કરવાનું કામ આ ઑથૉરિટી કરશે.

આ ઉપરાંત, ઑથૉરિટી સોશિયલ અને ઇ-સ્પૉર્ટ્સ ગેમ્સની નોંધણી કરશે અને નિયમો અને માર્ગદર્શિકા પણ બનાવશે.

ગેમનો પ્રચાર કરનારાઓનું શું થશે?

આજકાલ ઘણા સેલિબ્રિટી ક્રિકેટરો અને ફિલ્મ સ્ટાર્સ ઑનલાઇન પૈસા કમાવાની ગેમ્સનો પ્રચાર કરી રહ્યા છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમોની જર્સી પર પણ તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આટલા ભારે પ્રમોશનને કારણે ઑનલાઇન ગેમિંગ વધુ લોકપ્રિય બન્યું છે.

બિલ મુજબ, કોઈ પણ વ્યક્તિ ઑનલાઇન મની ગેમ્સ સંબંધિત જાહેરાતો બનાવી શકશે નહીં, અથવા તેમાં મદદ કરી શકશે નહીં.

જો કોઈ વ્યક્તિ લોકોને આવી ગેમ્સ રમવા માટે પ્રોત્સાહિત કરે, તો તેને બે વર્ષ સુધીની જેલ અથવા 50 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટના વકીલ દિનેશ જોટવાણી કહે છે, "નવી જોગવાઈઓ અનુસાર, ઑનલાઇન ગેમ્સનો પ્રચાર કરતી સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર્સને જેલ થઈ શકે છે."

તેઓ કહે છે, "ભારતના ઍન્ટી-મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર્સ સામે પણ કેસ નોંધાઈ શકે છે."

'મની ગેમ' ચલાવતી કંપનીઓનું શું થશે?

બિલની કલમ 11 હેઠળ ઑનલાઇન મની ગેમ્સ ચલાવતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

જો કોઈ કંપની ઑનલાઇન મની ગેમ્સ ઑફર કરીને કાયદો તોડશે, તો તે કંપનીના ડિરેક્ટરો, મૅનેજરો અને અધિકારીઓ સામે કેસ દાખલ કરવામાં આવશે.

બિલ મુજબ, કંપનીના સ્વતંત્ર ડિરેક્ટરો સામે કોઈ કેસ નહીં ચાલે, કારણ કે તેઓ રોજબરોજના નિર્ણયોમાં સામેલ હોતા નથી.

આ બિલનો હેતુ કંપનીના વાસ્તવિક જવાબદાર લોકો ગુનો કરે ત્યારે તેમને પકડવાનો છે.

વિદેશથી સંચાલિત પ્લૅટફૉર્મ્સનું શું થશે?

આ બિલમાં ઑનલાઇન મની ગેમ રમનારાઓને ગુનેગારો નહીં, પણ પીડિત ગણવામાં આવ્યા છે.

બિલ મુજબ, આવું કરનાર વ્યક્તિ દોષિત નથી અને તેનો હેતુ આવા લોકોનું રક્ષણ કરવાનો છે.

માત્ર એવા લોકોને સજા આપવામાં આવશે, જેઓ મની ગેમને ઑફર કરતા હોય અને પ્રોત્સાહન આપતા હોય.

બિલની કલમ 1(2) મુજબ, આ કાયદો ફક્ત ભારતમાં ચાલતી ગેમ પર જ નહીં, પરંતુ વિદેશથી ચાલતા પ્લૅટફૉર્મ પર પણ લાગુ પડશે.

ઘણી ફેન્ટસી સ્પૉર્ટ્સ, બૅટિંગ, કેસિનો પ્લૅટફૉર્મ વિદેશથી ચલાવવામાં આવી રહ્યા છે. ભારતમાં બેઠેલા લોકો ઍપ્સ અથવા વેબસાઇટ દ્વારા તેનો ઉપયોગ કરે છે.

આ બિલ લાગુ થતાં જ સરકાર આવા પ્લૅટફૉર્મને બ્લૉક કરી શકે છે.

બૅન્કો અને પેમેન્ટ કંપનીઓનું શું?

બિલની કલમ 7 મુજબ, બૅન્કો કોઈ વ્યક્તિને ઑનલાઇન ગેમ્સ રમવા માટે પેમેન્ટ ઍપ્સ અથવા વૉલેટનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપી શકે.

કાયદો લાગુ થયા પછી આવી સંસ્થાઓ અથવા કંપનીઓ ઑનલાઇન મની ગેમ્સમાં રૂપિયા જમા કરાવવા કે ઉપાડવાની સુવિધા પૂરી પાડી શકશે નહીં.

ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ શું કહે છે?

ઑલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન, ઇ-ગેમિંગ ફેડરેશન અને ફેડરેશન ઑફ ઇન્ડિયા ફેન્ટસી સ્પૉર્ટ્સે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તો ભારતનો બે લાખ કરોડ રૂપિયાનો સ્કીલ ગેમિંગ ઉદ્યોગ બરબાદ થઈ જશે.

તેમણે સરકાર પાસે આ ઉદ્યોગ પર પ્રતિબંધ મૂકવાને બદલે તેનું નિયમન કરવાની માગણી કરી છે.

ગેમિંગનું બજાર કેટલું મોટું છે?

ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં ગેમિંગ ઉદ્યોગના લોકોએ કહ્યું છે કે આ ઉદ્યોગ લગભગ વાર્ષિક 31 હજાર કરોડ રૂપિયાનો છે.

ગેમિંગ ઉદ્યોગના કહેવા મુજબ તેઓ દર વર્ષે લગભગ 20 હજાર કરોડ રૂપિયાનો ટૅક્સ ભરે છે. તેમનું કહેવું છે કે લગભગ બે લાખ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

એક અંદાજ પ્રમાણે દેશમાં 2020માં 36 કરોડ ગેમર્સ હતા, જે 2024માં વધીને 50 કરોડ થઈ ગયા હતા.

મોટી વૈશ્વિક એજન્સીઓના અંદાજ પ્રમાણે 2030 સુધીમાં ગ્લોબલ ગેમિંગ ઉદ્યોગ 66 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

ભારતની વાત કરીએ તો ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ વર્ષે 32 ટકાના દરે ગ્રોથ કરે છે, જે વૈશ્વિક ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ કરતા લગભગ અઢી ગણું વધારે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન