You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
28 અબજ રૂપિયાનું જૅકપૉટ લાગ્યું પણ લૉટરી કંપનીએ પૈસા આપવાનો ઇનકાર કેમ કરી દીધો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં એક વ્યક્તિને એક ક્ષણ માટે લાગ્યું કે તેમણે 340 મિલિયન ડૉલર્સ (28 અબજથી વધુ રૂપિયા)નો જૅકપોટ જીતી લીધો છે. પણ થયું એવું કે તેમને એ નાણાં મળ્યાં જ નહીં. આખરે તેમણે પાવરબૉલ અને ધ ડીસી લૉટરી કંપનીઓ સામે દાવો માંડ્યો છે. હવે પાવરબૉલ અને ધ ડીસી લૉટરી દાવો કરે છે કે તેમણે ભૂલથી તેમનો નંબર વિજેતા તરીકે જાહેર કરી દીધો હતો.
જ્હૉન ચીક્સ કહે છે કે જ્યારે તેમણે પહેલીવાર જાન્યુઆરી 2023માં પાવરબૉલ લૉટરીના વિજેતા બનનારા નંબર્સને તેમની ટિકિટ સાથે મેળ ખાતા જોયા ત્યારે તેઓ “અવાક” થઈ ગયા હતા.
પણ જ્યારે ચીક્સે તેમની ટિકિટ લૉટરી ઑફિસ અને ગેમિંગ (ઓએલજી)માં રજૂ કરી તો તેમના દાવાને નકારી દેવાયો.
તેણે બીબીસીને કહ્યું, "એક ક્લેઇમ એજન્ટે મને કહ્યું કે મારી પાસેની ટિકિટ નકામી છે એને કચરાપેટીમાં ફેંકી દો."
જોકે, જ્હૉન ચીક્સે આ ટિકિટ સાચવી રાખી અને પછી એક વકીલ શોધ્યો.
હવે તેઓ પાવરબૉલ જૅકપોટની રકમ ના મળવાથી થયેલાં નુકસાન અને આ રકમ પરના રોજના વ્યાજ સાથેની કુલ રકમની ભરપાઈ માટે આ લૉટરી ટિકિટનો ઉપયોગ કરી રહ્યા છે.
'અકસ્માતે થયેલી ભૂલ'
કોર્ટના દસ્તાવેજો અનુસાર, પાવરબૉલ અને વૉશિંગ્ટન ડીસીમાં આવેલ લૉટરી કૉન્ટ્રેક્ટર તાઓટી એન્ટરપ્રાઇઝનો દાવો છે કે આ ગેરસમજ તકનીકી ભૂલને કારણે ઊભી થઈ હતી.
કોર્ટમાં તાઓટીના એક કર્મચારીએ જણાવ્યું હતું કે છઠ્ઠી જાન્યુઆરી 2023ના રોજ જે દિવસે જ્હૉન ચીક્સે લૉટરીની ટિકિટ ખરીદી હતી તે સમયે ગુણવત્તાની ખાતરી કરતી ટીમ વેબસાઇટ પર પરીક્ષણો ચલાવી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ દિવસે, પરીક્ષણ માટે પાવરબૉલ લૉટરીનો નંબર જે જ્હૉન ચીક્સે ખરીદેલી ટિકિટના નંબર સાથે મેળ ખાતો હતો તે કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ "આકસ્મિક રીતે" વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ નંબર નવ જાન્યુઆરી સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ઑનલાઈન રહ્યા હતા.
તાઓટીના એક કર્મચારીના જણાવ્યા મુજબ લૉટરીના ડ્રો સમયે જે નંબર સામે આવ્યો હતો તે ઑનલાઈન જે નંબર પોસ્ટ થઈ ગયા હતા તેની સાથે મેળ નહોતો ખાતો.
આ બાબતે ટિપ્પણી કરવા માટે બીબીસીએ કરેલી અરજી પર પાવરબૉલ કે તાઓટીએ કોઈ પ્રતિઉત્તર નથી આપ્યો.
જ્હૉન ચીક્સ હવે કરારનો ભંગ, બેદરકારી, ભાવનાત્મક તકલીફો અને છેતરપિંડી સહિતની આઠ અલગ-અલગ બાબતોને લઈને કોર્ટમાં દાવો કરી રહ્યા છે.
જ્હૉન ચીક્સના વકીલ રિચાર્ડ ઇવાન્સે કોર્ટમાં કહ્યું કે લૉટરી વિજેતાનો નંબર જ્હૉન ચીક્સના નંબર સાથે મેળ ખાતો હોવાથી, તે "સંપૂર્ણ જૅકપૉટ" માટે હકદાર છે. જો આવું ના હોય તો ઇવાન્સે જણાવ્યું હતું કે, જ્હૉન ચીક્સ ખોટો લૉટરી નંબર પોસ્ટ કરવાના કારણે લૉટરીની "બેદરકારી" બદલ નુકસાનીનું વળતર મેળવવા માટે હકદાર છે.
આ બાબતે ઇવાન્સે બીબીસીને એક નિવેદનમાં જણાવ્યું, "આ મુકદ્દમો લૉટરી કામગીરીની અખંડિતતા અને જવાબદારી અને આ કેસમાં પાવરબૉલ અને ધ ડીસી લૉટરીએ જે પ્રકારની ભૂલો કરી છે તેની સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે."
તેમણે જણાવ્યું, "આ માત્ર વેબસાઈટ પરના નંબરો બાબતે નથી. તે સંસ્થાઓની વિશ્વસનીયતા વિશે છે જે આવી પ્રક્રિયાઓમાં ભારે નફો થવાના કારણે જીવન બદલવાની તકોનું વચન આપે છે."
જ્હૉન ચીક્સે બીબીસીને જણાવ્યું કે તેઓ આશાવાદી છે. તેમને આશા હતી કે આ લૉટરીને કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન બદલાઈ ગયું હોત. તેઓ કહે છે, "હું જાણું છું કે ન્યાય પ્રણાલી જીતી જશે."
જો તેઓ જીતી જાય તો તે ઘરની મહત્ત્વકાંક્ષા રાખતા લોકોને મદદ કરવા હોમ ટ્રસ્ટ બૅન્ક ખોલવાની યોજના ધરાવે છે.
આ કેસની આગામી સુનાવણી 23 ફેબ્રુઆરીએ થવાની છે.
જ્હૉન ચીક્સનો જૅકપૉટ જીતવાની સંભાવનાનો આ એક અત્યંત દુર્લભ કિસ્સો છે.