ગુજરાતમાં જન્માષ્ટમી વખતે પોલીસ જુગાર રમતા પકડે તો કેટલી સજા થાય?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોમાં ઉત્સવની સાથે કેટલાક વિસ્તારોમાં કેટલાક લોકો માટે "જુગાર રમવાની મોસમ" પણ આવી જાય.

આ દરમિયાન મીડિયામાં એવા અહેવાલો આવતા રહે છે કે લોકો ઘરની ચાર દીવાલોની અંદર, ઑફિસમાં, ક્લબ કે ફાર્મહાઉસ ભાડે રાખીને અથવા તો વાહનની અંદર પણ પત્તે રમતા ઝડપાયા હોય.

સ્થાનિક અખબારોમાં રોજ એવા સમાચાર આવે છે જેમાં પોલીસે "શ્રાવણિયો જુગાર" રમતા કેટલા લોકોને પકડ્યા તેની વિગતો હોય છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો પત્તે રમતા હોય છે અને એમાં પૈસાની કોઈ લેવડદેવડ હોતી નથી. પણ જ્યાં પૈસા સાથે પત્તાં રમાતાં હોય એવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરતી હોય છે.

ગુજરાતમાં પોલીસની નજરથી બચવા માટે લોકો વાહનો ભાડે રાખીને તેમાં જુગાર રમતા હોય તેવા કેસ પણ બન્યા છે.

ઑગસ્ટ 2024માં રાજકોટ નજીક એવો કેસ બહાર આવ્યો હતો જેમાં બસને એક કેસિનોમાં ફેરવી નાખવામાં આવી હતી અને હાઈવે પર દોડાવવામાં આવી હતી. ઓશિકાં અને ગાદલાં સહિતની સગવડો રાખીને લોકો જુગાર રમતા પકડાયા હતા.

સવાલ એ થાય છે કે જન્માષ્ટમીને જુગાર સાથે શું સંબંધ છે? સાતમ-આઠમના તહેવાર વખતે પત્તાં રમવાનું પ્રમાણ કેમ વધી જાય છે?

આની પાછળ કોઈ ચોક્કસ કારણ નથી દેખાતું, પરંતુ કેટલાક લોકો જુગારને મહાભારત સાથે પણ સાંકળે છે. પુરાણોમાં પણ જુગટું રમવાના ઉલ્લેખો મળે છે.

જુગાર કે જુગટું રમવાની પરંપરા

પૌરાણિક કથાઓના લેખક દેવદત્ત પટ્ટનાયક એક લેખમાં લખે છે કે દેવતાઓને પણ "રમતગમતનો શોખ" હતો. વેદોમાં ઘોડાની રેસ અને પાસાં સાથે જુગાર રમવાનો ઉલ્લેખ છે. હડપ્પન સંસ્કૃતિમાં પણ પાસાંથી ચોપાટ મળી આવ્યા છે.

ભારતમાં દિવાળી વખતે ઘણા લોકો લક્ષ્મીપૂજન પછી જુગાર રમતા હોય તેવા ઉલ્લેખો મળે છે.

જન્માષ્ટમી એ શ્રીકૃષ્ણના જન્મનો પ્રસંગ છે અને તેમની સાથે પણ જુગટુંની કથાઓ સંકળાયેલી માનવામાં આવે છે.

નરસિંહ મહેતાની "જળ કમળ છાંડી જાને બાળા..."માંની એક પંક્તિમાં કૃષ્ણ કહે છે કે 'મથુરાનગરીમાં જુગટું રમતા નાગનું શીશ હારિયો.'

મહાભારતમાં કૌરવો અને પાંડવોનો જુગાર રમવાનો ઉલ્લેખ પણ જાણીતા વાત છે. તેવી જ રીતે નળ અને દમયંતીના જુગટુંની પણ કથા છે જેમાં નળ રાજા પોતાનું રાજપાટ હારી ગયા હતા.

હડપ્પનમાં પ્રાચીન સભ્યતાના અવશેષોમાં પણ એ બાબતના પુરાવા મળે છે કે લોકો તે સમયે જુગટું રમતા હતા.

આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે વર્ષના આ સમય (ચોમાસું) દરમિયાન વરસાદ વરસતો હોય છે, ખેતી કે બીજા કામ-ધંધામાં નવરાશ હોય છે તેથી "મનોરંજન" લોકો જુગાર રમે છે.

જુગાર રમતા પકડાઈ જાવ તો કેટલી સજા થાય?

શ્રાવણ મહિનામાં કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ જુગારના કેસમાં વધારો થાય છે.

ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠીએ બીબીસીને કહ્યું કે "સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહેલેથી જન્માષ્ટમીના તહેવારોમાં જુગાર રમવાનો રિવાજ રહ્યો છે. ઘણી વખત એક જ પોલીસ સ્ટેશનમાં એક મહિનામાં 100-100 કેસ થયેલા છે."

તેઓ કહે છે, "પોલીસને ક્યાંય જુગાર રમતો હોવાની બાતમી મળે એટલે રેડ પડતા હોઈએ છીએ. તેમાં સમાન પણ પકડાતો હોય છે. ઘણી વાર મહિલાઓ પણ જુગાર રમતાં પકડાય છે.

બીબીસીએ અમદાવાદસ્થિત વકીલ સોનાલી જોશી સાથે અગાઉ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે જુગારનો કાયદો હવે અગાઉ કરતાં વધુ કડક બન્યો છે.

તેઓ કહે છે કે "જુગારને લગતો જૂનો કાયદો 1867નો હતો. તેમાં જુગાર રમતા પકડાય તો માત્ર 100 રૂપિયા દંડ થતો હતો. હવે ભારતીય દંડ સંહિતા આવી છે જેમાં સેક્શન 112 હેઠળ કેસ થાય છે. તેમાં સગીરને ટાર્ગેટ બનાવીને અથવા જૂથ બનાવીને જુગાર રમવામાં આવે તો ઓછામાં ઓછી એક વર્ષની જેલની સજા થાય છે. વધુમાં વધુ સાત વર્ષ સુધીની જેલ થઈ શકે. તેની સાથે દંડ પણ થઈ શકે."

"તમે કાર્ડ, ડાઈસ, કાઉન્ટર, રૂપિયા સાથે રમતા હોવ તો તમને દંડ થાય છે. તે વખતે માત્ર એક મહિનાની સજાની જોગવાઈ હતી, પરંતુ હવે સજા વધી ગઈ છે."

તેઓ કહે છે કે ઘરની અંદર રૂપિયા વગર લોકો પત્તાં રમે તેમાં વાંધો હોવો ન જોઈએ, પરંતુ પોલીસને બાતમી મળે તો રેડ પાડે છે અને કેસ કરે છે."

જુગાર એ નિર્દોષ મનોરંજન કે સામાજિક દૂષણ?

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, "ઘણા લોકો એક પરંપરા તરીકે જુગાર રમતા હોય છે. પણ તે દૂષણ બની જવાનો ખતરો રહે છે. આપણે ત્યાં ઘણી પરંપરાઓ દૂષણ બની છે. આવું થાય ત્યાર પછી તે માત્ર મનોરંજનની વાત નથી રહેતી."

ગૌરાંગ જાનીએ બીબીસીને કહ્યું કે, "જુગારમાં રૂપિયા સંડોવાયેલા હોય છે તેથી તેમાં ઘણા લોકો બરબાદ પણ થાય છે. આ એવું મનોરંજન નથી કે બે-પાંચ કલાક જુગાર રૂપિયા રમ્યા પછી બધા રૂપિયા પાછા મળી જાય. હા, કોઈને રૂપિયા ગુમાવ્યા પછી પણ મનોરંજન મળતું હોય તો તે તેની મરજીનો વિષય છે, પરંતુ તેના પરિવારે સહન કરવું પડતું હોય ત્યારે તે જોખમી બની શકે."

જુગાર અંગે બેવડાં ધોરણો

વકીલ સોનલ જોશી જણાવે છે કે, "જુગારના કાયદા હેઠળ ઘણી વખત લોકોને પરેશાન કરાય છે. એક તરફ 'ઑનલાઇન રમી'ની છૂટ અપાઈ છે, ઍપ મારફત 'ક્રિકેટની ટીમ' બનાવવાનો જુગાર થવા દેવાય છે. તેથી તહેવાર પૂરતા લોકો ઘરમાં પત્તાં રમતા હોય તો તેમાં વાંધો ન હોવો જોઈએ."

તેમણે કહ્યું કે, "આપણે ત્યાં અદાલતોમાં કેસનો એટલો ભરાવો છે કે કોર્ટમાં જુગારના કેસ શરૂ થાય ત્યાં સુધીમાં વર્ષો લાગી જાય છે."

સોનલ જોશીએ કહ્યું કે, "હવે તો ઑનલાઇન ગેઇમ અને ઍપની છૂટ અપાઈ છે, પરંતુ સાતમ-આઠમના તહેવારો પૂરતા લોકો જુગાર રમે તો પકડવામાં આવે છે. કોઈ રીઢા ગુનેગાર હોય અને જુગારના અડ્ડા ચલાવતા હોય તો તેની સામે કાર્યવાહી થાય તે સમજી શકાય, પણ ઘરની અંદર તહેવાર પૂરતા પત્તાં રમતા હોય તેમને પકડવા યોગ્ય નથી."

કયાં રાજ્યોમાં જુગાર અને લૉટરીની છૂટ છે?

ભારતમાં લૉટરી કે જુગારને મંજૂરી આપવી કે નહીં એ રાજ્યનો વિષય છે, તેથી તેના પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ નથી.

હાલમાં માત્ર 13 રાજ્યોમાં લૉટરીની મંજૂરી છે જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, પંજાબ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ દરેક રાજ્યમાં પોતાનું લૉટરી ડિપાર્ટમેન્ટ છે.

આ ઉપરાંત ગોવા, સિક્કિમ, દમણ અને નાગાલૅન્ડમાં રેગ્યુલેશન હેઠળ કૅસિનો, હોર્સ રેસિંગ અને ઑનલાઇન બેટિંગની પણ છૂટ છે. આ રાજ્યો કૅસિનો ચલાવવા અને રમતગમતના જુગાર રમવા માટે લાયસન્સ આપે છે. તેમાંથી ટૅક્સ તરીકે આવક પણ મેળવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન