સૌરાષ્ટ્ર અને કચ્છ પર ચોમાસું સક્રિય, આજથી આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

બંગાળની ખાડી પર બનેલું લૉ-પ્રેશર તથા અરબ સાગરમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધતાં ગુજરાત સહિત અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં આ બંને સિસ્ટમની અસરથી ગઈકાલે 16મી ઑગસ્ટે સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.

ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.

એ સિવાય પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને કારણે સૌરાષ્ટ્રમાં તહેવારો દરમિયાન યોજાતા લોકમેળાઓના આયોજનને પણ અસર પહોંચી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી નુકસાન પણ પહોંચ્યું છે.

ગઈકાલે ક્યાં પડ્યો વરસાદ?

16મી ઑગસ્ટે સવારથી જ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અંડરપાસ પણ બંધ કરવા પડ્યા હતા.

અમરેલીના સાવરકુંડલામાં બપોરથી સારો વરસાદ આવ્યો હતો. બીબીસી સહયોગી ફારુક કાદરી અનુસાર સાવરકુંડલાના છાપરી, નવાગામ વાડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અમરેલીના વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે અતિભારે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ ભારે વરસાદથી રેલવે સ્ટેશન રોડ પર એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ વૃક્ષ રીક્ષા પર પડતા બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરથી બીબીસી સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર, લીંબડી સિવાય ગ્રામ્ય વિસ્તારો ચુડા, ભૃગુપુર, કારોલ, મોજીદડ, કરમડ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. ધંધુકા અને ધોલેરા પંથકમાં પણ ભારે વરસાદ થયો હતો.

સુરેન્દ્રનગરના લીંબડીમાં સાંજે છ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. લીંબડી તથા રાણપુર-ચુડાને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો.

સુરેન્દ્રનગરના મૂળી પંથકમાં વીજળી પડતાં 48 ઘેટાં-બકરાંનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

ભાવનગર શહેરમાં પણ લાંબા વિરામ બાદ સાંજે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને પછી ધોધમાર વરસ્યો હતો.

બીબીસી સહયોગી અલ્પેશ ડાભીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે સિહોરના ગૌતમેશ્વર તળાવના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. તેના કારણે ભાવનગર-રાજકોટ હાઈવે પ્રભાવિત થયો હતો અને વાહનચાલકો ફસાઈ ગયા હતા.

બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર, રાજકોટના જેતપુરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેતપુરમાં મોટાપાયે મેળાનું આયોજન થતું હોય છે જેના આયોજનને ભારે વરસાદને કારણે અસર પહોંચી હતી.

બીબીસી સહયોગી હનીફ ખોખર માહિતી આપે છે એ પ્રમાણે જૂનાગઢના ભેંસાણમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને મોડી સાંજ સુધી વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં પણ અનેક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. ડીસામાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો.

આજે ક્યાં પડશે ભારે વરસાદ?

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ભારે વરસાદ આજે પણ યથાવત્ રહેશે તેવું મનાઈ રહ્યું છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી તથા મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત સહિતના મોટાભાગના વિસ્તારો તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પણ આ જ પ્રકારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

આજે 17મી ઑગસ્ટે નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે.

મહારાષ્ટ્રના મુંબઈ સહિતના અનેક વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે. 24 ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન