You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅસિનોમાં કેવી રીતે રમાય છે જુગાર અને કેવા હોય છે નિયમો?
- લેેખક, વરકુટી રામકૃષ્ણ
- પદ, બીબીસી સંવાદદાતા
- જુગાર અને સટ્ટાને લઈને જુદાં-જુદાં રાજ્યોમાં કેવા છે નિયમો?
- કૅસિનોમાં માત્ર જુગાર જ નહીં, મનોરંજનના અન્ય વિકલ્પોની પણ વ્યવસ્થા
- કૌશલ્ય આધારિત રમતો અને તક આધારિત રમતોમાં વહેંચાયેલો છે મામલો
ચિકોટી પ્રવીણ... હાલમાં આ નામ આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ચર્ચામાં છે. જેનું કારણ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલો કૅસિનો
કૅસિનોને લઇને વિવાદ તેલુગુ લોકો માટે કોઈ નવી વાત નથી. આ વર્ષે મકરસંક્રાંતિ દરમિયાન આંધ્રપ્રદેશનાં ગુડીવાડામાં કૅસિનો શરૂ કરવાને લઈને મોટો વિવાદ છેડાયો હતો.
તો આ કૅસિનો ખરેખર હોય છે શું, તે કેવી રીતે કામ કરે છે, લોકોમાં કૅસિનોને લઈને આટલો ક્રેઝ કેમ હોય છે? લોકો તેના માટે નેપાળ, શ્રીલંકા અને થાઇલૅન્ડ કેમ જાય છે? ભારતમાં ક્યાંય પણ કૅસિનો છે કે નહીં અને છે તો ક્યાં છે? શું ભારતમાં ખરેખર કૅસિનો શરૂ કરવાની મંજૂરી છે કે નહીં?
આ પ્રકારના ઘણા પ્રશ્નો સામાન્ય લોકોના મગજમાં ઊભા થતા હોય છે.
કૅસિનો ખરેખર શું હોય છે?
જે લોકોએ હૉલીવૂડની ફિલ્મો જોઈ હશે અને તેમાં પણ ખાસ કરીને જેમ્સ બૉન્ડની ફિલ્મો. તેમને એક અંદાજ તો હશે જ કે કૅસિનો કેવો હોય છે.
એક મોટો હૉલ, આંખો અંજાવી દે તેવી લાઇટો, વચ્ચે લીલા રંગનું મોટું ટેબલ, ટેબલ પર રંગબેરંગી સિક્કા અને પત્તાં અને ટેબલને ઘેરીને ઊભેલા લોકો. લોકોના એક હાથમાં ગ્લાસ અને બીજામાં સળગતી સિગારેટ.
આ ફિલ્મોમાં જોવા મળતા કૅસિનોનો સેટઅપ છે. હકીકતમાં પણ કૅસિનોનો સેટઅપ મહદ્દંશે કંઇક આવો જ હોય છે. જોકે, તે ફિલ્મો જેટલો આકર્ષક હોતો નથી.
કૅસિનો એક એવી જગ્યા છે જ્યાં જુગાર રમાય છે. 'કૅસિનો' એ ઇટાલિયન શબ્દ 'કાસા' એટલે કે 'ઘર'માંથી આવેલો શબ્દ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કૅસિનો હોટલ, નાઇટ ક્લબ, રૅસ્ટોરાં, સ્પા, રિસૉર્ટ અને શૉપિંગ સેન્ટરમાં હોય છે. વિવિધ કાર્યક્રમો, સમારોહ અને તહેવારો દરમિયાન અસ્થાયી રૂપથી કૅસિનો પણ ચલાવવામાં આવે છે.
કૅસિનોમાં જુગાર એ માનવીય કુશળતાની જગ્યાએ તકો પર આધાર રાખે છે. ક્રિકેટ રમવું એ કુશળતા છે. આપ કુશળતાથી બૅટિંગ કે બૉલિંગ કરી શકો છો, પરંતુ સદી ફટકારનારા ક્રિકેટર પર પૈસા લગાવવા જુગાર છે.
એ પ્રકારના કિસ્સામાં માત્ર તક છે. કુશળતા સાથે તેને કોઈ લેવાદેવા નથી. જો ખેલાડી શતક મારશે તો પૈસા મળશે અને નહીં મારે તો પૈસા ડૂબી જશે.
કૅસિનોમાં શું-શું કરી શકાય?
કૅસિનોમાં જુગાર રમવા સિવાય મનોરંજનની પણ વ્યવસ્થા હોય છે. જેમાં રૅસ્ટોરાં, બાર, મ્યુઝિક તેમજ ડાન્સ શોનો સમાવેશ થાય છે.
આ સિવાય જે લોકો ટેબલ પર જુગાર રમવા ન માગતા હોય તેમના માટે મશીનો હોય છે, જેના પરથી પણ જુગાર રમી શકાય છે.
કૅસિનોમાં મુખ્યત્વે પોકર, બ્લૅકજૅક, રૂલે, તીન પત્તી જેવી રમતો હોય છે. જોકે, આ સિવાય પણ સેંકડો અન્ય રમતો હોય છે, જેના પર લોકો પૈસા લગાવીને પોતાનું નસીબ અજમાવતા હોય છે.
કેટલાક લોકો કૅસિનોમાં પૈસા કમાવા જાય છે તો કેટલાક લોકો માત્ર મોજ-મસ્તી માટે જતા હોય છે.
કેટલાક લોકોને તો તેની આદત પડી જતી હોય છે. કૅસિનોમાં આવનારા લોકોના મનોરંજન માટે વિવિધ પ્રકારના ડાન્સ અને મ્યુઝિક શોની સાથેસાથે દારૂની વ્યવસ્થા હોય છે.
એટલે કે કૅસિનોમાં જુગાર રમી શકાય, ખાઈ-પીને મોજ કરી શકાય અને જો થાક લાગે તો આરામ પણ કરી શકાય.
ભારતમાં કૅસિનો ક્યાં આવેલા છે?
ભારતમાં એવા કૅસિનો છે જ્યાં કાયદેસરરીતે જુગાર રમી શકાય છે. જોકે, આ પ્રકારના કૅસિનો ગોવા, સિક્કિમ અને દીવ-દમણમાં જ આવેલા છે.
ઘણા ભારતીયો જુગાર રમવા માટે અવારનવાર વિદેશ જતા હોય છે.
મોટા ભાગે ભારતીયો કૅસિનો માટે મકાઉ, સિંગાપોર, લાસ વેગાસ, મૉન્ટે કાર્લો જેવી જગ્યાઓએ જતા હોય છે.
ભારતમાં કાયદો શું કહે છે?
ભારતમાં જુગાર અને સટ્ટો રાજ્ય દ્વારા સૂચીબદ્ધ છે. એને મંજૂરી આપવી કે પ્રતિબંધ રાખવો એ બાબત રાજ્યોએ નક્કી કરવાની હોય છે.
માત્ર 21 વર્ષ પૂર્ણ કરનારા લોકો જ ગોવામાં કૅસિનોમાં રમી શકે છે. જ્યારે સિક્કિમમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કૅસિનોમાં રમવાની મંજૂરી મળી જાય છે.
ભારતમાં જુગારને 'ગેમ ઑફ ચાન્સ' અને 'ગેમ ઑફ સ્કિલ'માં વહેંચવામાં આવે છે.
ભાગ્ય આધારિત રમતો : ભાગ્ય આધારિત રમતો આ શ્રેણીમાં આવે છે. આ રમતો માટે મોટા ભાગે કુશળતાની જરૂરત હોતી નથી. પરિણામ સંપૂર્ણપણે તક, સમય અને સંજોગો પર આધારિત છે.
કુશળતા આધારિત રમતો : આ રમતો માટે કુશળતાની જરૂર હોય છે. રણનીતિઓ બનાવવાની હોય છે. અહીં ખેલાડીઓના તાર્કિક વિચાર અને વિશ્લેષણાત્મક કુશળતાની કસોટી થતી હોય છે.
ભારતના મોટાં ભાગનાં રાજ્યો કુશળતા આધારિત રમતોને મંજૂરી આપે છે. જ્યારે ભાગ્ય આધારિત રમતો પર પ્રતિબંધ છે.
પણ આ પ્રકારના ભાગોમાં વહેંચવા માટે કોઈ સ્પષ્ટ નિયમો ન હોવાથી દરેક રાજ્યના અલગઅલગ નિયમો છે.
દાખલા તરીકે આંધ્ર પ્રદેશમાં 'રમી' પ્રતિબંધિત છે પરંતુ તામિલનાડુમાં તેના પર કોઈ પ્રતિબંધ નથી.
2012માં મદ્રાસ હાઈકોર્ટે ઓનલાઇન રમીને જુગાર માનીને તેના પર પ્રતિબંધ લાદ્યો હતો.
આ નિર્ણયને સંબંધિત કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અંતે સુપ્રીમ કોર્ટે 'રમી'ને 'કૌશલ્ય આધારિત રમત' માનીને પ્રતિબંધ હઠાવ્યો હતો.
પોકરના મામલે પણ આવો જ કંઇક વિવાદ છે. કેટલાક લોકોનો તર્ક છે કે તેને 'કૌશલ્ય આધારિત રમત' તરીકે માનવામાં આવે અને અન્ય લોકો તેને 'તક આધારિત રમત' તરીકે ગણવાનું કહે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો