પેરિસ ઑલિમ્પિક: મનુ ભાકરે પ્રથમ મેડલ જીતીને નવો રેકૉર્ડ બનાવ્યો, માતા-પિતા શું બોલ્યાં?

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય શૂટર મનુ ભાકરે 10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગમાં મહિલા વર્ગના ફાઇનલમાં ત્રીજા સ્થાને રહ્યાં.

જોકે તેમણે કાંસ્યપદક જીત્યો છે. આ સાથે જ પેરિસ ઑલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે.

ભાકરે મુકાબલામાં 221.7 પૉઇન્ટ મેળવ્યા હતા.

આ મુકાબલામાં પ્રથમ અને બીજું સ્થાન દક્ષિણ કોરિયાનાં ખેલાડીઓને મળ્યું છે.

ઓ યે જિન 243.2 પૉઇન્ટ સાથે પહેલા સ્થાન પર રહ્યાં અને કિમ યેજીને 241.3 પૉઇન્ટ સાથે બીજું સ્થાન મળ્યું.

આશા હતી કે તેઓ ભારત માટે પેરિસ ઑલિમ્પિકમાં પ્રથમ મેડલ જીતવામાં સફળતા મેળવશે અને તેમણે આ ઐતિહાસિક કામ કરી બતાવ્યું.

બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધી ઇયર 2020 ઍવૉર્ડ જીત્યો

વર્ષ 2021માં મનુ ભાકરે “બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધી ઇયર” ઍવૉર્ડ જીત્યો હતો.

મનુ ભાકરને વડા પ્રધાન મોદીએ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “એક ઐતિહાસિક પદક! ખૂબ સરસ મનુ ભાકર, પેરિસ ઑલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ જીતવા માટે.”

વડા પ્રધાને મનુ ભાકરને અભિનંદન આપતાં લખ્યું કે કાંસ્યપદક માટે અભિનંદન. આ સફળતા વધારે ખાસ છે, કારણ કે તેઓ ભારત માટે શૂટિંગમાં પદક જીતનાર પ્રથમ મહિલા બની ગયાં છે. અવિશ્વસનીય સિદ્ધિ!

મનુ ભાકરે પેરિસ ઑલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીતતાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ખુશી વ્યક્ત કરી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે "પેરિસ ઑલિમ્પિક ગેમ્સ 2024માં ભારતને પોતાનો પ્રથમ મેડલ જીતતા જોઈને ગર્વ થયો."

રાહુલ ગાંધીએ લખ્યું કે "ઑલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય નિશાનેબાજ. આપણી દીકરીઓએ આપણને શાનદાર શરૂઆત કરાવી આપી છે. આગળ પણ ઘણું બધું થશે."

દીકરીની જીત વિશે માતા-પિતા શું બોલ્યાં?

મનુ ભાકરની જીત બાદ હરિયાણાના જજ્જર જિલ્લાના ગોરિયા ગામમાં જશ્નનો માહોલ છે.

મનુ ભાકરનાં માતા સુમેધા ભાકરે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “મનુ પાસેથી મેં ક્યારેય કોઈ આશા રાખી ન હતી. હું બસ એટલું જ ઇચ્છતી હતી કે મારી દીકરી જ્યાં પણ જાય ખુશ થઈને આવે, તેનું દિલ ન તૂટે.”

મનુના પિતા રામકિશન ભાકરે મીડિયાને કહ્યું, “મારાથી વધારે અહીં પાડોશીઓ ખુશ છે. મનુએ પેરિસ ઑલિમ્પિકમાં મેડલની શરૂઆત કરી છે અને આખો દેશ ખુશ છે. હું દેશવાસીઓનો આભાર માનું છું.”

“મનુને ઉપકરણો માટે દરેક જગ્યાએથી મદદ મળી, ખેલ મંત્રાલય અને ફેડરેશન તરફથી પણ. જસપાલ રાણા સાથે જોડાયા પછી મનુની હિંમત વધી છે.”

મનુના પિતાએ કહ્યું, “મનુ જ્યારે 2016માં 10માં ધોરણમાં હતાં ત્યારથી શૂટિંગની પ્રૅક્ટિસ કરી રહ્યાં છે. તેઓ વચ્ચે આ રમત છોડીને બીજું કંઈક કરવાનું વિચારી રહ્યાં હતાં. આ મનુની જૂની આદત છે જેમ કે તેમણે કરાટેમાં નૅશનલ જીત્યાં પછી જણાવ્યું કે હું આ રમત હવે રમીશ નહીં. અમે તે જ રીતે આ વાતને પણ સામાન્ય રીતે જ લીધી હતી.”

“શૂટિંગ માટે આ સફળતા ખૂબ જ વધારે જરૂરી હતી, કારણ કે 20 હજાર બાળકો શૂટિંગની પ્રૅક્ટિસ કરે છે, જેમાં હરિયાણાના ઘણા શૂટરો છે. આ કારણે ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને આ રમત વધારે ઊંચાઈએ જશે.”

“મનુએ 10મા ધોરણ સુધી ઘણી રમતો બદલી હતી. તેમણે કરાટેમાં નૅશનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે આ ઉપરાંત સ્કેટિંગ અને બૉક્સિંગ પણ કર્યું હતું.”

રામકિશન ભાકરનું કહેવું છે કે મનુ ભાકરની બે ઇવેન્ટ હજુ બાકી છે. મને આશા છે કે તેઓ સારું પ્રદર્શન કરશે.

રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યાં

મનુ ભાકરને પદક જીતવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ અભિનંદન પાઠવ્યાં છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “તેઓ શૂટિંગ સ્પર્ધામાં ઑલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. ભારતને મનુ ભાકર પર ગર્વ છે.”

ખેલમંત્રી મનસુખ માંડવિયાએ પણ મનુ ભાકરની કાંસ્યપદકની જીતને ગર્વની ક્ષણ ગણાવી હતી.

તેમણે લખ્યું, “અભિનંદન મનુ, તમે તમારું કૌશલ્ય અને સમપર્ણ દેખાડ્યું છે, તમે ભારત માટે ઑલિમ્પિક પદક જીતનાર પ્રથમ મહિલા શૂટર બની ગયાં છો.”

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ લખ્યું, “તમારી સિદ્ધિ તમારા અસાધારણ કૌશલ્ય અને દ્રઢતાનો પુરાવો છે. અમને તમારા પર ખૂબ જ ગર્વ છે! આ મહત્ત્વપૂર્ણ ક્ષણ અગણિત યુવા ખેલાડીઓને શ્રેષ્ઠતા માટે મહેનત કરવાની પ્રેરણા આપશે.”

પેરિસ ઑલિમ્પિકમાં મેડલ જીતનાર મનુનો પરિવાર

મનુનાં મમ્મી સ્કૂલમાં ટીચર છે, જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમની થોડી મદદ મળી રહે છે.

હરિયાણાના જજ્જર જિલ્લાના ગોરિયા ગામમાં રહેતાં મનુના મોટાભાઈ હાલ આઈઆઈટી માટે તૈયારી કરી રહ્યા છે.

બહુ ઓછા લોકો જાણે છે કે જે પિસ્તોલ વડે નિશાન તાકીને મનુએ ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા છે એ પિસ્તોલનું લાઇસન્સ મેળવવા માટે મનુએ અઢી મહિના સુધી રાહ જોવી પડી હતી.

ખેલાડીઓને સામાન્ય રીતે એ લાઇસન્સ એક સપ્તાહમાં મળી જતું હોય છે.

એ ઘટનાને યાદ કરતાં રામકિશન ભાકર કહે છે, "2017ના મે મહિનામાં મેં વિદેશથી પિસ્તોલ મંગાવવા માટે અરજી કરી હતી, પણ જજ્જરના જિલ્લા વહીવટીતંત્રે મારી અરજી રદ્દ કરી હતી."

એ પછી આ મામલો મીડિયામાં ચમક્યો હતો. એ પછી ખબર પડી હતી કે અરજી કરતી વખતે લાઇસન્સની જરૂરિયાતના કારણમાં 'સેલ્ફ ડિફેન્સ' એવું લખવામાં આવ્યું હતું.

ત્યાર બાદ જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ મામલાની તપાસ કરવામાં આવી હતી અને સાત દિવસમાં લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

રમતગમતમાં અગ્રેસર મનુને ભણવામાં પણ બહુ રસ છે. હાલ એ જજ્જરની યુનિવર્સલ સ્કૂલમાં ઇલેવન્થ-સાયન્સમાં અભ્યાસ કરી રહ્યાં છે.

મનુનું સપનું ડૉક્ટર બનવાનું પણ હતું પરંતુ શૂટિંગમાં બબ્બે ગોલ્ડ મેળવ્યા બાદ હવે મનુને અહેસાસ થઈ ગયો છે કે અભ્યાસ અને રમતગમત એકસાથે કરી શકાય નહીં.

જોકે, અભ્યાસમાં વિક્ષેપ ન પડે એ માટે મનુને તેની સ્કૂલ તરફથી ઘણી મદદ મળી છે.

દીકરી માટે નોકરી છોડી દીધી

આ કારણે દીકરીના સપનાને સાકાર કરવા માટે રામ કિશને પોતાની નોકરી છોડી દીધી.

તેઓ નોકરી છોડ્યા પછી દીકરીની સાથે શૂટિંગ ઇવેન્ટમાં જતા હતા.

રામ કિશન ભાકરે જણાવ્યું, “શૂટિંગ ખૂબ જ ખર્ચાળ ઇવેન્ટ છે. એક-એક પિસ્ટોલ બે-બે લાખની આવે છે. અમે અત્યાર સુધી મનુ માટે ત્રણ પિસ્ટોલ ખરીદી છે. વર્ષમાં લગભગ 10 લાખ રૂપિયા અમે મનુની ગેમ પર ખર્ચ કરીએ છીએ.”