પેરિસ ઑલિમ્પિક : એ ખેલાડીઓ, જેમની પાસે ભારતને મેડલની આશા છે

શું ભારતીય ખેલાડીઓ પેરિસ ઑલિમ્પિકમાં ટોક્યો ઑલિમ્પિક કરતાં સારું પ્રદર્શન કરી શકશે?

શું નીરજ ચોપરા ફરીથી ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચશે?

શું તેઓ ભારતના પહેલા એવા ખેલાડી બની શકશે જેમણે વ્યક્તિગત સ્પર્ધામાં બે વખત ગોલ્ડ મેડલ જીત્યા હોય?

ભારતે અત્યાર સુધી ઑલિમ્પિકમાં 35 મેડલો જીત્યા છે, જેમાં શૂટર અભિનવ બિન્દ્રા (2008) અને નીરજ ચોપરા (2021) એકમાત્ર વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા છે.

શું ભારતના કુસ્તીબાજ ગયા વર્ષ થયેલા કુસ્તી વિવાદને પાછળ છોડીને એક વખત ફરીથી દેશ માટે મેડલ જીતી શકશે?

આ તમામ પ્રશ્નો ખેલપ્રેમીઓના મનમાં છે.

2020 ટોક્યો ઑલિમ્પિકમાં ભારતે સાત મેડલ જીત્યા હતા, જે ઑલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

આ વખતે ભારતનો ટાર્ગેટ તેના મેડલની સંખ્યાને ડબલ ડિજિટ એટલે કે 10થી વધુ કરવાનો રહેશે.

જોકે, જાણકારોના મતે પેરિસ ઑલિમ્પિકમાં 10 મેડલ મેળવવા ભારતીય દળ માટે એક મોટો પડકાર છે. ભાલાફેંકમાં વર્તમાન ચૅમ્પિયન નીરજ ચોપરા સિવાય બીજા કોઈ ખેલાડીઓ પોતાની સ્પર્ધામાં મેડલ માટે મુખ્ય દાવેદાર નથી.

સૌથી શ્રેષ્ઠ તક

ભારતની પોડિયમ ફિનિશ જોવાની આશા મોટે ભાગે નીરજ ચોપરા પર નિર્ભર છે.

આ ઉપરાંત ચિરાગ શેટ્ટી અને સતવિકસાઈરાજ રણકી રેડ્ડીની બૅડમિન્ટનની જોડી પાસેથી પણ ભારતને ઘણી આશા છે.

નીરજ 90 મીટર સુધી ભાલો ફેંકી શક્યા નથી. જોકે, તેમણે ટોક્યો ઑલિમ્પિક પછી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. જો ફિટનેસ તેમનો સાથ આપશે તો વર્તમાન ફૉર્મની દૃષ્ટિએ તેમની પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે.

આ પહેલાં બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને કુસ્તીબાજ સુશીલકુમારે જ એક પછી એક બે ઑલિમ્પિકમાં સતત મેડલ જીત્યા છે.

સિંધુ 2016માં રિયો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ અને 2020 ટોક્યો ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.

કુસ્તીબાજ સુશીલકુમાર 2008ની બીજિંગ ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ અને 2012 લંડન ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા હતા.

ચિરાગ શેટ્ટી અને સતવિકસાઈરાજ રણકી રેડ્ડીની જોડીનું વર્ચસ્વ 90ના દાયકાના અંતમાં ટેનિસની મહાન ભારતીય જોડી લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિની યાદ અપાવે છે. આ એક એવી જોડી છે જેની પાસે મેડલ જીતવાની સુવર્ણ તક છે.

પીવી સિંધુ હાલમાં સારા ફૉર્મમાં નથી અને તેમને એક મુશ્કેલ ડ્રૉ મળ્યો છે. તેઓ જો શરૂઆતની મુશ્કેલ મૅચો જીતી જશે તો તેમનો અનુભવ તેમને મેડલની નજીક પહોંચવામાં મદદ કરી શકે છે.

શૂટિંગ

શૂટિંગમાં સિફતકોર (50 મીટર થ્રી પૉઝિશન), સંદીપસિંહ (10 મીટર ઍર રાઇફલ) અને એશ્વર્ય પ્રતાપસિંહ તોમર (પુરુષ 50 મીટર રાઇફલ) પાસેથી મેડલની સૌથી વધારે આશા છે.

આ પહેલાં ભારત તરફથી ગગન નારંગ 2012 લંડન ઑલિમ્પિકમાં શૂટિંગમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.

ગગન નારંગ આ વખતે ભારતના શેફ ડી મિશન છે.

કુસ્તી

કુસ્તી સંઘ અને ભારતના કેટલાક પ્રખ્યાત કુસ્તીબાજ વચ્ચે થયેલા વિવાદને કારણે ઑલિમ્પિકની તૈયારીઓ પર ઘણી અસર થઈ હતી.

કુસ્તીબાજોએ કેટલીક સ્પર્ધાઓમાં ભાગ ન લીધો અને લાંબા સમય સુધી કોઈ રાષ્ટ્રીય કૅમ્પ પણ લાગ્યો ન હતો.

જોકે, આ વખતે અંશુ મલિક, અંતિમ પંઘાલ અને અમન સહરાવત તરફથી ભારત મેડલની આશા રાખી શકે છે.

ટોક્યો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ છેલ્લા કેટલાક સમયથી ઈજા અને ફૉર્મ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં તેઓ પોતાની સફળતાનું પુનરાવર્તન કરી શકશે કે કેમ તેના પર પ્રશ્નાર્થચિહ્ન છે.

ભારતની નબળી કડી

ભારતના 117 સભ્યોના દળમાં ઍથ્લેટિક્સમાં 29, શૂટિંગમાં 21 અને હૉકીમાં 19 સભ્યોની ટીમ ઑલિમ્પિક માટે પેરિસ પહોંચી છે.

આ 60 ખેલાડીઓ પૈકી 40 નવા ખેલાડી છે. ભારતના આ નવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર પોતાની રમત દેખાડવાની આ પહેલી તક છે.

કેટલાક અનુભવી ખેલાડીઓ કદાચ પોતાની છેલ્લી ઑલિમ્પિક રમી રહ્યાં છે, જેમ કે બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, ટેનિસ ખેલાડી રોહન બોપન્ના, ટેબલ ટેનિસનાં ખેલાડી અચંતા શરથ કમલ અને હૉકીના ગોલકીપર પીઆર શ્રીજેશ.

ટોક્યો ઑલિમ્પિક ટીમમાં ભારતીય પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કરીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતીય પુરુષ ટીમે 41 વર્ષ પછી કોઈ ઑલિમ્પિક મેડલ જીત્યો હતો. જોકે, ટીમ આ વખતે સારા ફૉર્મમાં નથી. ઑસ્ટ્રેલિયામાં હાલમાં થયેલી પાંચેય મૅચો ભારતની ટીમ હારી અને પ્રો લીગમાં પણ ટીમ સંઘર્ષ કરી રહી હતી.

આ ઉપરાંત ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, અર્જેન્ટિના, ન્યૂઝીલૅન્ડ અને આયરલૅન્ડ જેવી મજબૂત ટીમોના ગ્રૂપમાં સામેલ છે. ભારતની ટીમને જો આ ગ્રૂપના ટૉપ ચારમાં જગ્યા મેળવવી હશે તો એક ભૂલ પણ ભારે પડી શકે છે.

ભારતની મહિલા હૉકી ટીમ પેરિસ ઑલિમ્પિક માટે ક્વૉલિફાઈ ન કરી શકી.

બૉક્સરો અને કુસ્તીબાજો પાસે પ્રૅક્ટિસની કમી છે તો શૂટિંગમાં ભારતનું પ્રદર્શન છેલ્લા ઑલિમ્પિકમાં ઠીકઠાક રહ્યું છે.

ટ્રૅક અને ફીલ્ડ ઍથ્લીટોએ સારું પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને અવિનાશ સાબલેએ. તેમણે ત્રણ હજાર મીટર સ્ટીપલચેઝમાં પોતાનો જ સર્વશ્રેષ્ઠ સમયનો (08:09:91) રેકૉર્ડ તોડ્યો છે. જોકે, સાત આંતરરાષ્ટ્રીય ઍથ્લીટનો રેકૉર્ડ તેમના કરતાં સારો છે.

આમ, ટ્રૅક અને ફીલ્ડમાં પણ બાકી ભારતીય ઍથ્લીટોનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય સ્તરથી ખૂબ જ પાછળ છે. આ કારણે આ સ્પર્ધાઓમાં ભારત માટે મેડલની આશા ઓછી છે.

(પીટીઆઈના વરિષ્ઠ પત્રકાર અમનપ્રીતસિંહ સાથેની વાતચીતને આધારે)