ઑલિમ્પિક માટે પેરિસ કેટલું તૈયાર છે અને સ્થાનિકો કેમ પરેશાન છે

થોડા સમયમાં પેરિસમાં ઑલિમ્પિકની ઓપનિંગ સેરેમની યોજાવાની છે.

રસપ્રદ વાત એ છે કે અલગથી આયોજનસ્થળ બનાવવાને બદલે લોકો સુધી રમતો પહોંચી શકે તે માટે શહેરની મધ્યમાં તેનું આયોજન થયું છે.

આ મામલે આ ઑલિમ્પિક ઘણી અનેક રીતે અલગ છે.

નવા આયોજનસ્થળ બનાવવાની જગ્યાએ પેરિસ શહેર ખુદ એક આયોજનસ્થળ બની ગયું છે.

નવા માળખાકીય નિર્માણમાં પૈસા ન ખર્ચીને, બજેટનો ઉપયોગ વર્તમાન માળખાને ઉત્તમ બનાવવા અને શહેરનાં પ્રસિદ્ધ સ્થળોને અસ્થાયી સ્થળ બનાવવામાં કરાયો છે.

ઍફિલ ટાવર જે એન્જિનિયરિંગનો ચમત્કાર છે અને દુનિયાભરના લોકોને આકર્ષે છે, તેની બરાબર પાસે જ બીચબૉલ ઍક્શન થશે.

ઑલિમ્પિકનો ઉદઘાટન સમારોહ બરાબર સીન નદી પર આયોજિત કરાયો છે.

આજથી સો વર્ષ પહેલાં પેરિસે ઑલિમ્પિકની મેજબાની કરી હતી. ત્યારે વૈશ્વિક રમત આયોજિત કરવાનો વિચાર ઘણે અંશે શાંતિને સ્થાપવાનો અને દુનિયાને એક કરવાનો હતો. વિચાર તો કાયમ છે, પણ રમતોમાં ઉત્કૃષ્ટતાનું મહત્ત્વ વધી ગયું છે.

તાકત અને વૈભવ પ્રદર્શિત કરવાનું માધ્યમ?

રમત એક પ્રભાવક શક્તિ પરીક્ષણનું માધ્યમ બનતી જઈ રહી છે. 1924માં પેરિસમાં 44 દેશના ત્રણ હજારથી વધુ ઍથ્લેટિક્સ આવ્યા હતા અને હવે 'રોશનીનું શહેર' અને 'ફૅશનનું શહેર' અંદાજે અગિયાર હજાર ઍથ્લીટની મેજબાની કરી રહ્યું છે.

આયોજન સમારોહ સંબંધિત અને હાલ સુધી પેરિસના શહેરી નિયોજન માટે ઉપમેયર રહેલા ઇમૅન્યુઅલ ગ્રેગોઈરે કહે છે, "અમે ઑલિમ્પિકને શહેરના પરિવર્તનમાં તેજી લાવવાની એક મોટી તક તરીકે જોઈ છે. અમે જાહેર સ્થળો, જાહેર પરિવહન, નદી વગેરેને બદલી નાખ્યાં છે. જો રમતો ન થઈ હોત તો આ બધા ફેરફારો થવા એક કે બે દાયકા વધુ લાગી જાત."

પેરિસ ઑલિમ્પિક મામલે લોકોને શું છે મુશ્કેલી?

જોકે આ વ્યવસ્થાઓની કિંમત સ્થાનિક લોકોને ચૂકવવી પડી રહી છે. ઑલિમ્પિકના આયોજનને લીધે હવે લોકો માટે આઝાદીથી શહેરમાં ફરવાનું અને આમતેમ જવું મુશ્કેલ થઈ ગયું છે.

હવે શહેરમાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે સ્થાનિકોને કાયદેસર કારણ બતાવવું પડશે અને અધિકારી એ કારણથી સંતૃષ્ટ હશે તો જ તેમને મંજૂરી મળશે.

પેરિસના સ્થાનિક નિવાસી જૉન કહે છે, "ન્યૂ પેરિસમાં પ્રવેશ માટે તમારી પાસે એક મજબૂત કારણ હોવું જોઈએ. તમારે વિનંતી કરવી પડશે અને જો મંજૂરી મળી જાય તો તમને એક ક્યૂઆર કોડ મળશે, જેનાથી તમે શહેરમાં પ્રવેશ કરી શકશો."

ઘણા લોકોને શહેર છોડવા કહેવાયું છે. ખાસ કરીને જે લોકો આયોજનસ્થળની પાસે રહે છે. ઑલિમ્પિક સ્થળો પાસેની ઇમારતોનો ઉપયોગ હવે આયોજકો દ્વારા કરાઈ રહ્યો છે. મોટા ભાગે સુરક્ષાકર્મીઓ તેનો ઉપયોગ કરે છે.

આયોજકોએ ઉદઘાટન સમારોહ માટે બે લાખ લોકોને આમંત્રિત કર્યા છે. કેટલાંક આમંત્રણ પસંદગીના નિવાસીઓ અને સ્થાનિક રમત પ્રશાસકોને મોકલાયાં છે.

રમતોના આયોજનમાં એક 'સરક્યુલર ઇકૉનૉમી' મૉડલના આધારે પ્લાનિંગ કરાયું છે, જેનો અર્થ છે કે વર્તમાન સામગ્રીની ભાગીદારી, ભાડે આપવું અને નવિનીકરણ કરવું.

ઓછાં સંસાધન, ઉત્તમ ઉપયોગ

એક અનુમાન અનુસાર રમતો દરમિયાન અંદાજે વીસ લાખ ઉપકરણનો ઉપયોગ કરાશે. તેમાં પંદર લાખ રમત મહાસંઘો દ્વારા કે ભાડે કે ઉધાર લેવાઈ રહ્યાં છે.

એટલે સુધી કે ઉપયોગમાં લેવાનાર કમ્પ્યુટર અને પ્રિન્ટર પણ ભાડે લેવાયાં છે.

ઉત્તમ ઉપયોગ માટે ઓછાં સંસાધનોની નીતિનું પાલન કરતા ફર્નિચરની સંખ્યા પણ શરૂઆતમાં અંદાજે આઠ લાખથી ઘટાડીને છ લાખ કરી દેવાઈ છે.

ઇલેક્ટ્રિક, હાઈબ્રિડ અને હાઈડ્રોજનથી ચાલનારાં વાહનોનો ઉપયોગ કરાશે અને ગત સંસ્કરણની તુલનામાં તેની સંખ્યા 40 ટકા ઓછી કરી દેવાઈ છે.

જનરેટર પણ જૈવ ઈંધણ, હાઈડ્રોન કે બૅટરીથી સંચાલિત થશે.

ઑલિમ્પિક માટે 35 પ્રતિયોગિતા સ્થળોમાં માત્ર બે જ એવાં છે, જેને નવેસરથી બનાવાયાં છે. તેમાં એક છે- ધ ઍક્વેટિક્સ સેન્ટર, જેને લાકડાથી બનાવાયું છે, જેથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય.

આયોજનસ્થળની સીટો રીસાઇકિલ્ડ પ્લાસ્ટિકથી બનાવાઈ છે અને તેને વ્યૂહાત્મક રીતે એવાં સ્થળે બનાવાઈ છે, જ્યાં શહેરમાં પાયાનાં માળખાની કમી હતી. બીજું નવું સ્થળ પોર્ટ ડે લા ચૅપલ ઍરેના છે.

લૈંગિક સમાનતા

પહેલી વાર 10,500 ઍથ્લીટોમાં અડધી મહિલા હશે, જે લૈંગિક સમાનતા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મોટું પગલું છે. ટોક્યોમાં છેલ્લા સંસ્કરણમાં મહિલા ઍથ્લીટોની સંખ્યા કુલ હરીફોની 47.8 ટકા હતી.

1972ના મ્યુનિખ રમતો સુધી મહિલાઓની ભાગીદારી 20 ટકાથી પણ ઓછી હતી. પેરિસ રમતોમાં પરંપરાગત સમાપન સમારોહમાં પુરુષોની જગ્યાએ મહિલાઓની મૅરેથોન હશે અને આ સંસ્કરણમાં 32માંથી 28 રમતોમાં પુરુષ અને મહિલાઓ બંને ભાગી લઈ રહ્યાં છે.

(પેરિસમાં મોજૂદ ખેલ પત્રકાર અમનપ્રીતસિંહની વાતચીતને આધારે)