પેરિસ ઓલિમ્પિક્સ 2024 : કયા ભારતીય ખેલાડીઓ પર રહેશે નજર

ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ઓલિમ્પિક્સ રમતોત્સવનું આયોજન થશે.

પેરિસ ઉપરાંત ફ્રાન્સના અન્ય 16 શહેરોમાં આ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યા 10,500 નક્કી કરવામાં આવી છે. તેમાં 32 સ્પોર્ટ્સની 329 ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.

આ ઑલિમ્પિક્સમાં ભારતના 120 ઍથ્લીટ્સ અલગ-અલગ ગેમમાં મેડલ માટે સ્પર્ધા કરશે.

ભારતને ભાલા ફેંક, કુસ્તી, બૅડમિન્ટન, શૂટિંગ, હૉકી અને બૉક્સિંગમાં મેડલ્સ મળવાની વધારે આશા છે.

ભારતીય ઍથ્લીટ્સના મુકાબલા ક્યારે-ક્યારે છે તે જાણીએ.

ભાલા ફેંક (જેવલિન થ્રો)

ટોક્યો ઑલિમ્પિક્સ 2021માં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. નીરજે ભાલો 87.58 મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

તે ઍથ્લેટિક્સમાં ભારતનો પહેલો ઍલિમ્પિક્સ મેડલ હતો, જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાં બીજો સુવર્ણચંદ્રક હતો. ભારત માટે પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ 2008ની બેઇજિંગ ઍલિમ્પિક્સમાં પ્રાપ્ત કર્યો હતો.

આ વખતે ભારતની નજર નીરજ ચોપરા પર હશે. નીરજ ઉપરાંત કિશોર જેના અને અન્નુ રાની પણ ભાલા ફેંકમાં ભાગ લેવાનાં છે. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ છઠ્ઠી ઑગસ્ટે રમાશે.

મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધાનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ સાતમી ઑગસ્ટે રમાશે, જેમાં અન્નુ રાની ભાગ લેશે.

પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ આઠમી ઑગસ્ટે યોજાશે, જ્યારે મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ 10 ઑગસ્ટે યોજાશે.

રેસ વૉકિંગ

મહિલાઓમાં પ્રિયંકા ગોસ્વામી અને પુરુષોમાં અક્શદીપ સિંહ, વિકાસ સિંહ, પરમજીત બિષ્ટ અને રામ બાબુ 20 કિલોમીટરની પેદલ ચાલ સ્પર્ધામાં ભાગ લેશે. તે પહેલી ઑગસ્ટે યોજાશે.

રિલે રેસ

4X400 મીટર રિલે રેસમાં મહિલાઓ તથા પુરુષોના ક્વૉલિફાઇંગ રાઉન્ડ નવમી ઑગસ્ટે યોજાશે.

ભારત તરફથી પુરુષોની ટીમમાં મોહમ્મદ અનસ, મોહમ્મદ અજમલ, રાજીવ અરોકિયા અને અમોજ જેકબ તેમાં ભાગ લેવાના છે, જ્યારે મહિલાઓની ટીમમાં જ્યોતિકા શ્રી દાંડી, રૂપલ સુભા વેંકટેશન અને પૂવમ્મા એમઆર ભાગ લેશે.

આ રેસની ફાઇનલ 10 ઑગસ્ટે યોજાશે.

વેઈટલિફટિંગ

49 કિલોગ્રામ કેટેગરી વેઈટલિફટિંગમાં મીરાબાઈ ચાનુ પાસેથી ભારતને ગોલ્ડ મેડલની મોટી આશા હશે.

મીરાબાઈએ ટોક્યો ઑલિમ્પિક્સમાં કુલ 201 કિલોગ્રામ વજન ઊંચકીને રજત પદક પ્રાપ્ત કર્યું હતું.

વેઈટલિફટિંગની સ્પર્ધા સાતમી ઑગસ્ટે યોજાશે.

બૅડમિન્ટન

બૅડમિન્ટન મહિલા સિંગલ્સ વર્ગમાં ભારતની સ્ટાર ખેલાડી પી વી સિંધુ પાસેથી દેશને મેડલની આશા છે. સિંધુએ 2016 રિયો ઑલિમ્પિક્સમાં રજત પદક અને 2021 ટોક્યો ઑલિમ્પિક્સમાં કાંસ્ય પદક જીત્યો હતો.

પુરુષ સિંગલ્સમાં એસ એસ પ્રનોય અને લક્ષ્ય સેન ભારત તરફથી મેદાનમાં ઊતરશે.

કુસ્તી

કુસ્તીમાં ભારત તરફથી મહિલાઓમાં અંતિમ પંઘાલ (53 કિલો), વિનેશ ફોગાટ (50 કિલો), અંશુ મલિક (57 કિલો), રિતિકા હડ્ડા (76 કિલો) અને નિશા દહિયા (68 કિલો)માં ભાગ લેશે.

પુરુષોમાં ભારત તરફથી અમન સહરાવત 57 કિલો ફ્રી સ્ટાઈલ વર્ગમાં ભાગ લેશે.

આ સ્પર્ધા પાંચમીથી અગિયારમી ઓગસ્ટ દરમિયાન યોજાશે.

હૉકી

ભારતીય મહિલા હૉકી ટીમ આ વખતે ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ કરી શકી નથી. પુરુષ હૉકી ટીમ પુલ બીમાં છે.

ભારતની ન્યૂઝીલૅન્ડ સામેની પહેલી મૅચ 27 જુલાઈએ રમાશે. 29 જુલાઈએ ભારતની ટક્કર આર્જેન્ટિના સામે, 30 જુલાઈએ આયર્લેન્ડ સામે, પહેલી ઑગસ્ટે બેલ્જિયમ સામે અને બીજી ઑગસ્ટે ઑસ્ટ્રેલિયા સામે થશે.

ચોથી ઑગસ્ટે ક્વાર્ટર ફાઇનલ, છઠ્ઠી ઑગસ્ટે સેમિફાઇનલ અને આઠમી ઑગસ્ટે ફાઇનલ મૅચ રમાશે.

બોક્સિંગ

બૉક્સિંગ મહિલા વર્ગમાં ભારત તરફથી નિકહત ઝરીન (50 કિલો), પ્રીતિ પવાર (54 કિલો), જેસમિન લંબોરિયા (57 કિલો) અને લોવલિના બોરગહેન (75 કિલો) ભાગ લેશે.

પુરુષ વર્ગમાં નિશાંત દેવ (71 કિલો) અને અમિત પંઘાલ (51 કિલો) ભાગ લેશે બૉક્સિંગની મૅચો 27 જુલાઈથી શરૂ થશે.

ગોલ્ફ

ગોલ્ફમાં ભારત તરફથી મહિલા વર્ગમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર ભાગ લેશે. પુરુષ વર્ગમાં શુભાંકર શર્મા અને ગગનજીત ભુલ્લર ભાગ લેશે.

પુરુષ વર્ગના મુકાબલા પહેલી ઑગસ્ટથી અને મહિલા વર્ગના મુકાબલા સાત ઑગસ્ટથી રમાશે.

ભારતની નજર અદિતિ અશોક પર હશે.

તીરંદાજી

સિંગલ્સ પુરુષ વર્ગમાં ભારત તરફથી ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય તથા પ્રવીણ જાધવ, જ્યારે મહિલા સિંગલ્સમાં ભજન કૌર, દીપિકા કુમારી તથા અંકિતા ભક્ત નિશાન તાકશે.

આ સ્પર્ધા 25 જુલાઈએ યોજાશે.

શૂટિંગ

10 મીટર એર રાઇફલ શૂટિંગ પુરુષ વર્ગમાં સંદીપ સિંહ તથા અર્જુન બબુતા, જ્યારે મહિલા વર્ગમાં એલવેનિલ વાલાવરિન અને રમિતા જિંદલ ભાગ લેશે.

આ મૅચ 27, 28 અને 29 જુલાઈએ સવારે નવ વાગ્યાથી શરૂ થશે.

ટ્રેપ શૂટિંગના પુરુષ વર્ગમાં પૃથ્વીરાજ તોંડાઈમાન અને મહિલા વર્ગમાં રાજેશ્વરી કુમારી તથા શ્રેયસી સિંહ ભાગ લેશે.

આ મૅચ 29, 30 અને 31 જુલાઈએ યોજાશે.

10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગમાં ભારતના સરબજોત સિંહ, મનુ ભાકર, અર્જુન ચીમા અને રિધમ સાંગવાન ભાગ લેશે.

આ મેચ 27, 28 અને 29 જુલાઈએ યોજાશે.

50 મીટર રાઇફલ શૂટિંગમાં ભારતના સ્વપ્નિલ કુશલે, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, સિફ્ત કૌર સામરા અને અંજુમ મૌદગિલ ભાગ લેશે.

આ મેચ 31 જુલાઈ, પહેલી ઑગસ્ટ અને બીજી ઑગસ્ટે સવારે નવ વાગ્યાથી શરૂ થશે.

25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ શૂટિંગમાં ભારતના અનિશ ભાનવાલા અને વિજયવીર સિંધુ ભાગ લેશે.

આ મૅચ ચોથી અને પાંચમી ઑગસ્ટે સવારે નવ વાગ્યાથી શરૂ થશે.

25 મીટર પિસ્તોલમાં ભારત તરફથી ઈશા સિંહ ભાગ લેશે. આ મેચ બીજી અને ત્રીજી ઑગસ્ટે સવારે નવ વાગ્યાથી શરૂ થશે.