ઑલિમ્પિક: પેરિસમાં ઉપદ્રવીઓએ રેલવે નેટવર્કની કરી તોડફોડ, અફરાતફરીથી 8 લાખ લોકોને અસર

પેરિસ ઑલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના અમુક કલાક પહેલાં જ ફ્રાન્સમાં ઘણી જગ્યાએ હાઇ-સ્પીડ રેલવે નેટવર્ક પર આગ લગાડી દેવામાં આવી છે જેને કારણે સેંકડો યાત્રીઓ પ્રભાવિત થયા છે.

ફ્રાંસના વડા પ્રધાન ગેબ્રિઅલ અટલએ જણાવ્યું કે આ હુમલો રેલવે લાઇનોને બરબાદ કરવાના ઇરાદાથી આયોજનબદ્ધરીતે કરવામાં આવ્યો છે.

ફ્રાન્સની સરકારી રેલવે કંપની એનએનસીએફએ જણાવ્યુ કે આ હુમલાથી હજારો યાત્રીઓને અસર થઈ છે.

આજથી પેરિસ ઑલિમ્પિક ખેલનો આરંભ થઈ રહ્યો છે અને તે ઑગસ્ટ સુધી ચાલશે.

એસએનસીએફ કહે છે કે તેની સિસ્ટમને પુરી રીતે બંધ કરવાને કારવા હાઈ-સ્પીડ નેટવર્કને દુર્ભાવનાને કારણે નિશાન બનાવાયું છે.

એસએનસીએફ જણાવે છે કે પેરિસના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં ઘણા ઇન્ટરસિટી હાઇ-સ્પીડ રેલવે નેટવર્કોને નિશાન બનાવવામાં આવ્યાં છે.

ગત રાત્રે પણ એસએનસીએફએ ઍટલાન્ટિક, નોર્ધન અને ઇસ્ટર્ન હાઈ સ્પીડ રેલવેલાઇનો પર તોડફોડ થઈ હોવાનું જણાવ્યું હતું.

ફ્રાન્સના પરિવહન મંત્રી પાટ્રિજ વેગ્રિએટે આ ગુનાહિત કૃત્યની સખત નિંદા કરી છે. તેઓ કહે છે કે, "આયોજિત દૂષિત કૃત્યોએ ગઈકાલે રાત્રે અનેક ટીજીવી (ઇન્ટરસિટી રેલવેલાઇન)ને નિશાન બનાવી છે જેના કારણે સપ્તાહના અંત સુધી રેલવેની સેવા પર ગંભીર વિક્ષેપ પેદા થશે."

વેગ્રિએટ કહે છે, "હું આ ગુનાહિત કૃત્યોની સખત નિંદા કરું છું, આનાથી ઘણા ફ્રેન્ચ લોકોની મુસાફરીની યોજનાઓ વિક્ષેપિત થશે. એસએનસીએફ સ્ટાફ શક્ય તેટલી ઝડપથી સેવા પુનઃસ્થાપિત કરવા સખત મહેનત કરી રહ્યો છે."

એસએનસીએફ અનુસાર, 'રેલ નેટવર્કને ખલેલ પહોંચાડવાના ઇરાદાથી રાત્રે અનેક જગ્યાએ હુમલા કરવામાં આવ્યા હતા.'

પેરિસના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં ચાલતી ટીજીવી રેલવેલાઇન પર ત્રણ સ્થળોએ આગ શરૂ થઈ હતી.

જો કે, દક્ષિણથી લિયોન તરફ જતી રેલ્વે પર ચોથા હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

શું છે આ હુમલાનો ઑલિમ્પિક સાથેનો સંબંધ?

પેરિસથી રિપોર્ટિંગ કરતા બીબીસીના સંવાદદાતા હ્યુગ સ્કોફિલ્ડના જણાવ્યા અનુસાર, એ માનવું મુશ્કેલ છે કે આ હુમલાઓનો ઑલિમ્પિક સાથે કોઈ સંબંધ નથી.

તેમનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ જૂથે આ હુમલાઓની જવાબદારી લીધી નથી પરંતુ તેને ઑલિમ્પિક ગેમ્સથી અલગ કરીને જોવું મુશ્કેલ છે.

પેરિસના રેલવે સ્ટેશનો માટે આજનો દિવસ ભારે સાબિત થઈ રહ્યો છે કારણ કે એક તરફ લોકો ઑલિમ્પિક ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચી રહ્યા છે તો બીજી તરફ ઘણા પેરિસવાસીઓ ઉનાળાની રજાઓમાં બહાર જઈ રહ્યા છે.