You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય પહેલવાનો પેરિસ ઑલિમ્પિકમાં મેડલ જીતવા માટે કેટલા તૈયાર
ટૉક્યો ઑલિમ્પિકમાં બે પદક, અંડર-23 સ્તરનું વર્લ્ડ ટાઇટલ અને વર્લ્ડ લેવલ જુનિયર અને એશિયન ચૅમ્પિયનશિપમાં પણ ઉત્તમ પ્રદર્શન.
ત્યાં સુધી કે ભારતના ગ્રીકો રોમન પહેલવાન, જેમને એક કમજોર કડી માનવામાં આવતા હતા, તેમનું પ્રદર્શન પણ સુધરવા લાગ્યું હતું.
આ ટ્રૅક રેકૉર્ડ પછી નિષ્ણાતો આશા વ્યક્ત કરવા લાગ્યા હતા કે પેરિસ ઑલિમ્પિકમાં પણ ભારતીય પહેલવાનો 4-5 મેડલ જીતી શકે છે.
પરંતુ જાન્યુઆરી 2023માં ભારતના ઘણા પ્રમુખ પહેલવાનોએ તત્કાલીન કુસ્તીસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો.
આ પહેલવાનોએ બ્રિજભૂષણને પદ પરથી હટાવવા અને તેમની ધરપકડ કરવાની માગ સાથે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું.
ધીરે ધીરે પહેલવાનોનાં આ પ્રદર્શનોએ મોટું સ્વરુપ ધારણ કર્યું. વિરોધ પક્ષો, ખેડૂત નેતાઓ અને સમાજના ઘણા વર્ગોના લોકોએ આંદોલનકારી પહેલવાનોને સમર્થન આપીને બ્રિજ ભુષણ પર કાર્યવાહી કરવાની માગ કરી.
પરંતુ, કુસ્તી જગતમાં એવા પણ ઘણા લોકો હતા જેમણે આરોપ લગાવ્યા કે પહેલવાનો અને કુસ્તીસંઘ વચ્ચે ચાલી રહેલા ઝઘડાની અસર ઘણા જુનિયર પહેલવાનો પર થઈ. વિવાદ પછી ભારતીય કુસ્તીસંઘને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.
આ દરમિયાન કુસ્તીના નેશનલ કૅમ્પનું આયોજન નહોતું કરવામાં આવ્યું, ટ્રાયલ્સ નહોતા થઈ રહ્યા, અને પહેલવાન સ્પર્ધામાં ભાગ નહોતા લઈ શક્યા. કુસ્તી લગભગ ઠપ થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યાં કુસ્તીથી મેડલ જીતવાની અપેક્ષા હતી, ત્યાં જ બજરંગ પૂનિયા, દીપક પૂનિયા, અને રવિ દહિયા જેવા દિગ્ગજ પહેલવાન પેરિસ ગેમ્સ માટે ક્વૉલિફાય પણ ન કરી શક્યા.
પુરુષોમાં ફક્ત અમન સહરાવત જ 57 કિલોગ્રામ વર્ગમાં ક્વૉલિફાય કરી શક્યા.
21 વર્ષના અમન સહરાવત એક જ પુરુષ પહેલવાન છે જે પેરિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.
મહિલા પહેલવાનોનું પ્રદર્શન
પરંતુ મહિલા પહેલવાનોનું પ્રદર્શન વધારે સારું રહ્યું છે. ભારતીય મહિલા પહેલવાનો છમાંથી પાંચ વજન કૅટેગરીમાં ક્વૉલિફાય થયાં છે.
ક્વૉલિફાય કર્યાં બાદ અંશુ મલિકે જાપાનમાં, વિનેશ ફોગાટે બેલ્જિયમમાં અને અમન સેહરાવતે રશિયામાં તાલીમ લીધી. જ્યારે અંતિમ પંઘાલ અને રિતિકા હુડ્ડાએ મોટાભાગે પોતપોતાના અખાડાઓમાં તૈયારી કરી છે.
પેરિસ ઑલિમ્પિક નજીક આવતા જ અંશુ અને અંતિમ ઈજાગ્રસ્ત પણ થયાં.
તેમની ફિટનેસને લઈને ચિંતા વ્યક્ત થવા લાગી.
અંતિમ પંઘાલ એશિયન ગેમ્સ બાદ કોઈ સ્પર્ધામાં રમ્યા નથી. આ કારણે તેમના ફિટનેસ લેવલ વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં.
વિનેશે બદલવી પડી તેમની કૅટેગરી
વિનેશ ફોગાટે તેમનું વજન 53 થી 50 કિલોગ્રામ કરવું પડ્યું. તેઓ પણ છેલ્લા એક વર્ષમાં કોઈ ખાસ સ્પર્ધામાં રમ્યાં નથી.
તેથી, હવે કુસ્તીમાં ભારતના વધુ સારા પ્રદર્શનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
2008 બેઇજિંગ ઑલિમ્પિક બાદ ભારતીય પહેલવાનોએ ઑલિમ્પિકમાં દર વખતે મેડલ જીત્યા છે.
કમજોરી અને તાકત
જો આપણે અમન સહરાવતની વાત કરીએ તો તેમની સતત પ્રગતિ સાથે અમને અકલ્પનીય કામ કર્યું. તેમણે પુરુષોની 57 કિલો વજન વર્ગમાં ઑલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા અને સૌથી મજબૂત ભારતીય પહેલવાન રવિ દહિયાનું સ્થાન લીધું છે.
અમનની સૌથી મોટી તાકાત તેમની સહનશક્તિ અને ધૈર્ય છે. જેમજેમ મુકાબલો લાંબો ચાલે છે તેમતેમ અમન વધુ સારું પ્રદર્શન કરતા જાય છે. જો મૅચ છ મિનિટ સુધી ચાલે તો તેમને હરાવવા મુશ્કેલ બની જાય છે.
જોકે, તેમની રમતમાં રણનીતિ સીમિત છે અને ટૅક્નિકની કમી છે. આ ત્યારે સ્પષ્ટ થયું જ્યારે તે હંગેરીમાં રૅન્કિગ સિરીઝમાં જાપાનના હિગુચી સામે લડ્યા.
એવું લાગતું હતું કે તેમની પાસે કોઈ પ્લાન-બી નથી. આ તબક્કે, દરેક વિરોધી સામે આયોજન કરવું મહત્ત્વપૂર્ણ છે.
તેમના માટે સૌથી મોટો ખતરો હિગુચી અને ઉઝબેકિસ્તાનના ગુલોમજોન અબ્દુલ્લાએવ છે.
તેમાં કોઈ શંકા નથી કે વિનેશ ફોગાટ ભારતનાં શ્રેષ્ઠ મહિલા પહેલવાનોમાંથી એક છે. તેમની તાકાત છે, એક મજબૂત સંરક્ષણ અને તેટલું જ પ્રભાવશાળી આક્રમણ.
જોકે, છેલ્લા એક વર્ષમાં ટોચના પહેલવાન સામે ગુણવત્તાયુક્ત મેટ ટાઇમનો અભાવ તેમને પરેશાન કરી શકે છે.
50 કિલો વજન ઘટાડવાનો અર્થ છે કે તેમના શરીરને વધુ તણાવ સહન કરવો પડશે.
સ્પર્ધા પહેલાં વજન ઘટાડવું એ એક પીડાદાયક પ્રક્રિયા છે, વિનેશ લગભગ 30 વર્ષનાં છે. આવામાં, તેમના શરીરનું કુદરતી વજન લગભગ 55-56 કિલો છે.
વિનેશ તેમના વજનને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે તેના પર ઘણું નિર્ભર રહેશે.
હાલમાં જ સ્પેનની ગ્રાન્ડ પ્રિકસમાં વજનમાં બે કિલોગ્રામની છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ પેરિસમાં આવું નહીં થાય.
અંશુ મલિક અને નિશા દહિયા
હિસારનાં જ્વલંત કુસ્તીબાજ, અંતિમ પંખાલ ઑલિમ્પિક ક્વૉટા હાંસલ કરનાર પ્રથમ કુસ્તીબાજ હતાં. જ્યારે વિવાદ ચરમસીમા પર હતો ત્યારે તેમણે વિનેશને તેમની સાથે સ્પર્ધા કરવાનો પડકાર પણ આપ્યો હતો.
તેમની સૌથી મોટી તાકાત લચીલાપણું છે જે તેમને તેમના હરીફોની પકડમાંથી સરળતાથી બચવામાં મદદ કરે છે. તેમને ફસાવવાં મુશ્કેલ છે.
જોકે, તેમણે એશિયન ગેમ્સ બાદ કોઈ મોટી સ્પર્ધામાં ભાગ લીધો નથી. પીઠની ઈજાને કારણે તેમને આ વર્ષે એશિયન ચૅમ્પિયનશિપ ગુમાવવી પડી હતી. આવી સ્થિતિમાં પ્રૅક્ટિસનો અભાવ તેમના પ્રદર્શનને અસર કરી શકે છે.
જુનિયર સર્કિટ પર સારા પ્રદર્શન અને સિનિયર સ્પર્ધાઓમાં સારી શરૂઆત હોવા છતાં, અંશુ મલિક (મહિલા 57 કિગ્રા)ની કારકિર્દીનો ગ્રાફ ખરેખર અપેક્ષા મુજબ આગળ વધ્યો નથી. ઇજાઓ તેમને પરેશાન કરે છે.
અંશુની સૌથી મોટી તાકત છે તેમની આક્રમક શૈલી સાથે મેટ પર ઝડપી હલનચલન કરવું. તેમની પાસે ઑલિમ્પિકમાં ભાગ લેવાનો અનુભવ પણ છે.
જોકે તેમની ફિટનેસ ચિંતાજનક બાબત છે. જો કે અંશુ દાવો કરે છે કે તેમને માત્ર ગરદનમાં ખેંચાણ છે.
લાઇમલાઇટથી દૂર નિશા દાહિયા (મહિલા 68 કિલો)એ પણ પેરિસ ગેમ્સમાં ક્વૉલિફાય કર્યું છે. જોકે, તેમને પણ સતત ઈજાઓ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો.
નિશા તેમની આક્રમક રમવાની શૈલીથી તેમના વિરોધીઓને આશ્ચર્યચકિત કરવા માટે જાણીતા છે.
તેઓ અનુભવી છે અને તેમનો નિર્ભય અભિગમ તેમની સૌથી મોટી તાકાત છે. જોકે તેમની પાસે મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનો બહુ અનુભવ નથી.
તેઓ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવવાં માટે જાણીતા છે, પરંતુ જો મેચ લાંબા સમય સુધી ચાલે છે તો તે પાછળથી ઘણી વાર થાકી જાય છે.
રિતિકા હુડ્ડા (મહિલા 76 કિગ્રા) તેમના હરીફોને ચોંકાવી દેવાની ક્ષમતા ધરાવે છે. તેમની તાકાતને કારણે તે અનુભવી પહેલવાનો માટે પણ મુશ્કેલ સાબિત થઈ શકે છે.
તેમની પાસે તાકાત અને ટૅક્નિક બંને છે પરંતુ કેટલીકવાર તે મૅચની અંતિમ ક્ષણોમાં સરળતાથી પૉઈન્ટ ગુમાવી દે છે. મૅચોની છેલ્લી ક્ષણોમાં ધ્યાન ગુમાવવું એ તેમની નબળાઈ છે.
(ન્યૂઝ એજન્સી પીટીઆઈના વરિષ્ઠ પત્રકાર અમનપ્રીતસિંહ સાથેની વાતચીતના આધારે)