You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે 'મહાનતમ' બૉક્સર મહમદઅલીએ ઑલિમ્પિક ગોલ્ડમેડલ નદીમાં વહાવી દીધો...
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહને હઠાવવાની માગ સાથે આંદોલન કરી રહેલાં પહેલવાનોએ તેમને મળેલા પદકોને હરિદ્વાર ખાતે ગંગા નદીમાં પ્રવાહિત કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
મંગળવારે સાંજે આ પહેલવાનો તેમના મેડલો સાથે હરિદ્વાર પહોંચ્યાં હતાં, પરંતુ અણીના સમયે ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવેલા જાટ નેતા નરેશ ટિકૈતની સમજાવટથી તેમણે પોતાનો કાર્યક્રમ મુલ્તવી રાખ્યો હતો અને સિંહની સામે કાર્યવાહી કરવા માટે સરકારને પાંચ દિવસની મુદ્દત આપી હતી.
સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દે બે ભાગમાં વિભાજિત થઈ ગયો છે, એક વર્ગ માને છે કે આ વિરોધ સ્ક્રિપ્ટેડ છે. જ્યારે એક વર્ગ સિંહ સામે થઈ રહેલી કાર્યવાહીમાં ઢીલ ઉપર સવાલ ઉઠાવી રહ્યો છે.
આ બધાની વચ્ચે બૉક્સિંગમાં મહમદઅલી 'ધ ગ્રેટેસ્ટ'ના જીવનની ઘટના ચર્ચામાં છે.
જ્યારે રોમ ઑલિમ્પિક્સમાં જીતેલો સુવર્ણપદક તેમણે ઓહાયો નદીમાં વહાવી દીધું હતું. એવા તે શું સંજોગ ઊભા થયા હતા કે મેડલ જીતવાના ગણતરીના દિવસોમાં આ નિર્ણય લીધો હતો ?
જોકે એવો પણ મત છે કે તેમણે આવું નહોતું કર્યું અને આ વાત ખોટી છે કે તેમણે મેડલ નદીમાં વહાવ્યો હતો.
ફર્શથી અર્શ, અર્શથી ફર્શ
મહમદઅલીનો જન્મ તા. 17 જાન્યુઆરી, 1942માં અમેરિકાના કૅન્ટકીના લુઇવેલે ખાતે કેસિયસ ક્લે તરીકે થયો હતો.
વર્ષ 1964માં તેઓ અમેરિકાસ્થિત રાજકીય-ધાર્મિક સંગઠન 'નૅશન ઑફ ઇસ્લામ'માં જોડાયા અને ખ્રિસ્તીધર્મનો ત્યાગ કર્યો. તેની પાછળ નામ સાથે જોડાયેલો ગુલામીનો ઇતિહાસ અને તેમની સાથે થયેલો વંશીય ભેદભાવ પણ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાનપણથી મહમદઅલીને તેનો અનુભવ થયો હતો, પરંતુ વર્ષ 1960માં બનેલી ઘટનાનો ડંખ આજીવન તેમના મનમાં રહ્યો હતો.
તેમણે પોતાની આત્મકથા 'ધ ગ્રૅટેસ્ટ: માય ઑન સ્ટોરી'ના બીજા પ્રકરણ 'ગોલ્ડ મેડલ'માં કર્યો છે. તેઓ લખે છે :
નાનપણથી મેં મેડલ જીતવાનું સપનું જોયું હતું. એના માટે મેં છ વર્ષ સુધી પરસેવો અને લોહી વહાવ્યાં હતાં. મુક્કા ખાધા હતા અને રિંગમાં હજારો રાઉન્ડ લડ્યો હતો. 18 વર્ષની ઉંમરે રોમ ઑલિમ્પિકમાં મોહમ્મદ અલીએ બૉક્સિંગમાં લાઇટ હેવિવેઇટ શ્રેણીમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સુવર્ણપદક જીત્યો હતો.
સ્ટૅન્ડિફોર્ડ હવાઈપટ્ટી ઉપર તેમના વિમાને ઉતરાણ કર્યું. ત્યારે સૌપહેલાં માતા પછી ભાઈ અને પિતા તેમને ભેટી પડ્યાં. રસ્તા ઉપર ગોરાં અને કાળાંનાં સમૂહોએ મારું સ્વાગત કર્યું હતું. ઠેર-ઠેર 'કેસિયસ ક્લેનું સ્વાગત છે' જેવાં બોર્ડ મારેલાં હતાં.
શહેરના મેયર અને પોલીસવડાએ તેમને આવકાર્યા હતા. કેસિયસના સહપાઠીઓએ પણ શાળાની બહાર વિશેષ પ્લૅકાર્ડ્સ દ્વારા તેમને આવકાર્યા હતા.
તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ આઇઝનહોવર સાથે તેમની તસવીર ખેંચવાના કાર્યક્રમ વિશે ચર્ચા થઈ રહી હતી.
મહમદઅલી અને તેમના મિત્ર રોન્ની એક રેસ્ટોરાંમાં હેમબર્ગર અને મિલ્કશેક લેવા માટે ગયા.
એ સમયે શહેરની અમુક રેસ્ટોરાંમાં માત્ર શ્વેત લોકોને જ પ્રવેશ આપવામાં આવતો અને કાળા લોકોને ભોજન પીરસાતું નહીં અથવા તો તેમને અલગથી બેસાડવામાં આવતા.
મહમદઅલીને અંદર પ્રવેશવામાં ખચકાટ થયો, પરંતુ રોનીને વિશ્વાસ હતો કે તેમનું ઑલિમ્પિક પદક જોઈને તેમને ભોજન પીરસવામાં આવશે. અનેક રેસ્ટોરાંમાં વિદેશી કાળા લોકોને ભોજન પીરસવામાં આવતું, પરંતુ નીગ્રો કહીને સ્થાનિક કાળા લોકોને પ્રવેશ આપવામાં ન આવતો.
યુવા મહિલા વેઇટ્રેસે ભોજન પીરસવામાં અસમર્થતા વ્યક્ત કરી. જ્યારે રોનીએ તેમને મહમદઅલી ઑલિમ્પિક પદક વિજેતા હોવાની વાત જણાવી તથા સ્વેટરની અંદર રહેલું પદક દેખાડ્યું ત્યારે તે પ્રભાવિત થઈ અને માલિકને જઈને આના વિશે વાત કરી.
જોકે, માલિક આનાથી પ્રભાવિત નહોતો થયો અને 'મેડલ જીત્યો હોય તો ભલે જીત્યો' જેવો જવાબ બધા સાંભળે એ રીતે ઊંચા અવાજે આપ્યો. ત્યાં જ શ્વેત પ્રભુતા ધરાવતા લોકોએ તેમની મજાક ઉડાવી.
આ શખ્સોએ જ પાછળથી મહમદઅલી પાસેથી મેડલ ખૂંચવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બંનેએ તેમનો જબરદસ્ત સામનો કર્યો. અત્યાર સુધીમાં મહમદઅલીનો તેમને મળેલી પ્રસિદ્ધિથી મોહભંગ થઈ ચૂક્યો હતો અને તેમણે પોતાનો મેડલ કૅન્ટકી અને ઇન્ડિયાના રાજ્યને વિભાજિત કરતી ઓહાયો નદીના જેફરસન કાઉન્ટી ઉપરથી પદકને ફેંકી દીધો.
સ્પૉન્સર્સ અને મીડિયા મેડલ સાથે મહમદઅલીની તસવીરો લેવા માગતા હતા, પરંતુ હવે મેડલ ન હતો. લાંબા સમયથી મિત્ર રોનીએ આ મુદ્દે મહમદઅલીને ભારે ખરું-ખોટું સંભળાવ્યું.
આગળ જતાં મહમદઅલી આફ્રિકન-અમેરિકનો માટે ઉગ્રવાદી લક્ષ્યાંકો ધરાવતા ધાર્મિક-રાજકીય સંગઠન 'નેશન ઑફ ઇસ્લામ'ના પ્રભાવ હેઠળ ઇસ્લામનો અંગીકાર કર્યો હતો.
પહેલાં તેમનું નામ કેસિસયસ ક્લે હતું અને પાછળથી તેમને લિજન્ડરી મહમદઅલી નામ મળ્યું હતું. જીવનનાં પાછલાં વર્ષોમાં તેઓ સૂફી સંપ્રદાય તરફ વળ્યા હતા.
નિશ્ચિત મુદ્દો, સંદિગ્ધ વાત
વર્ષ 1996ના ઍટલાન્ટા ઑલિમ્પિક દરમિયાન અમેરિકા અને યુગોસલાવિયાની વચ્ચે પુરુષોની ફાઇનલ મૅચ રમાઈ રહી હતી ત્યારે વચ્ચેના બ્રૅક દરમિયાન આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સંઘના તત્કાલીન વડા યુઆન ઍન્ટોનિયોએ મહમદઅલીને 'ખોવાઈ ગયેલો' ગોલ્ડમેડલ બીજી વખત આપીને તેમને સન્માનિત કર્યા હતા.
એ સમયે મહમદઅલીની ઉંમર 54 વર્ષની હતી. પાર્કિન્સનને કારણે તેઓ ખાસ કશું બોલી શકતા ન હતા, પરંતુ મીડિયામાં વ્યાપક રીતે રિપોર્ટ થયું હતું કે તેમણે અધ્યક્ષને કહ્યું હતું, 'આના બદલ તમારો ખૂબ-ખૂબ આભાર.' બંને ટીમના ખેલાડીઓએ મહમદઅલી સાથે ફોટા પડાવ્યા હતા.
અમેરિકન મીડિયાનો એક વર્ગ માને છે કે મહમદઅલીએ તેમના જીવન દરમિયાન ચોક્કસપણે વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ ઘટનાને સંદિગ્ધ માને છે અને તેમનાથી મેડલ ખોવાઈ ગયા હોવાનું નોંધે છે.
રોમ ઑલિમ્પિકમાં પદકો જીતનાર વિલ્મા રુડોલ્ફ નામનાં કાળા મહિલાએ દોડસ્પર્ધામાં પદકો જીત્યાં હતાં.
તેઓ કહે છે કે મહમદઅલી એ પદક પહેરીને જ ઊંઘતા. કાફેટેરિયામાં પણ મેડલ પહેરીને જતા. તેઓ ક્યારેય મેડલ ઉતારતાં નહીં અને હંમેશા પહેરી રાખતા.
મહમદઅલી તેમની આત્મકથામાં પણ લખે છે કે, "હું પહેરીને ઊંઘતો ત્યારે તેની બહારની ધાર મને ખૂંચતી હતી છતાં હું તેને ઉતારતો ન હતો."
"તેની ઉપરનો ગિલેટ ઉતરવા લાગ્યો હતો અને અંદરનું સીસું દેખાવા લાગ્યું હતું, તો પણ હું તેને મારાથી અલગ નહોતો કરતો."
"મને વિચાર આવતો હતો કે આટલો શક્તિશાળી અને ધનવાન દેશ શા માટે ઑલિમ્પિક ચૅમ્પિયનોને ખરા સોનાના મેડલ ન આપી શકે."
મહમદઅલીએ મેડલને પાણીમાં પ્રવાહિત કરી દીધો હોય કે તેમનાથી ખોવાઈ ગયો હોય, ઑલિમ્પિક મેડલ જીતવાની ખુશી, તેને ગુમાવવાની વ્યથા અને તેને ફરીથી મેળવવાનો સંતોષ કદાચ કોઈ પદકવિજેતા જ સમજી શકે.