ટ્વિટરના સંસ્થાપક જૅક ડોર્સીએ કહ્યું, ભારત સરકારે આપી હતી ધમકી, મોદી સરકારે આપ્યો જવાબ

ટ્વિટરના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ જૅક ડોર્સીએ એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન સરકારે તેમને ટ્વિટર બંધ કરી દેવાની ધમકી આપી હતી.

જૅક ડોર્સીએ દાવો કર્યો છે કે, જે પત્રકારો સરકારના ટીકાકાર છે તેમનાં એકાઉન્ટ બંધ કરવાનું તેમને કહેવામાં આવ્યું હતું.

ભારત સરકારે જૅક ડોર્સીના આ આરોપોને ફગાવી દીધા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં ટ્વિટરની ઑફિસ પર રેડ પાડવામાં આવી ન હતી કે કોઈને જેલ પણ મોકલવામાં આવ્યા ન હતા.

જૅક ડોર્સીએ આ આરોપો બાદ ભારતમાં લોકો અભિવ્યક્તિની સ્વંતત્રતા અને સરકારના વલણ પર પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે.

જૅક ડોર્સીનો દાવો

જૅક ડોર્સીએ આ દાવો સોમવારે યૂટ્યૂબ ચૅનલ બ્રેકિંગ પૉઇન્ટ સાથેના ઇન્ટરવ્યૂમાં કર્યો છે.

જૅક ડોર્સીને ‘શક્તિશાળી લોકો’ની માગણીને લઈને સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સવાલમાં ભારતનું નામ પણ લેવામાં આવ્યું નહોતું.

તેનો જવાબ આપતા ડોર્સીએ કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન ભારત સરકારે ટ્વિટરને બંધ કરવા સુધીની ધમકી આપી હતી.

જૅક ડોર્સીને પૂછવામાં આવ્યું હતું કે, “દુનિયાભરના શક્તિશાળી લોકો તમારી પાસે આવે છે અને કેટલાય પ્રકારની માગણીઓ કરે છે, તમે નૈતિક સિદ્ધાંત ધરાવતા વ્યક્તિ છો, તમે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે પસાર થાવ છો?”

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, “એક મિસાલ તરીકે ભારત એક એવો દેશ છે, જ્યાંથી ખેડૂત આંદોલન દરમિયાન અમારી પાસે કેટલાક ખાસ પત્રકારો જે સરકારના ટીકાકાર હતા, તેમને લઈને ઘણી માગણીઓ થઈ રહી હતી. એક બાજુ અમને કહેવામાં આવ્યું કે અમે ભારતમાં ટ્વિટર બંધ કરી દઈશું, ભારત અમારા માટે મોટું બજાર છે. તમારા કર્મચારીઓના ઘરે છાપા મારીશું, જે તેમણે કર્યુ. જો તમે અમારી વાત નહીં માનો તો અમે તમારી ઑફિસ બંધ કરી દઈશું. આ એ ભારતમાં થઈ રહ્યું હતું, જે લોકશાહી દેશ છે.”

ભારતે જૅક ડોર્સીને આપ્યો જવાબ

ભારત સરકારે જૅક ડોર્સીના આરોપો ફગાવી દીધા છે. ભારતના ઇલેક્ટ્રૉનિક ઍન્ડ ટેકનૉલૉજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વિટર પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે આ ટ્વિટરના ઇતિહાસના એક શંકાસ્પદ સમયગાળાને સાફ કરવાનો પ્રયાસ છે.

તેમણે કહ્યું છે કે જૅક ડોર્સીના નેતૃત્વમાં ટ્વિટર અને તેમની ટીમ સતત ભારતીય નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી.

તથ્ય એ છે કે વર્ષ 2020થી 2022 વચ્ચે તેમણે સતત ભારતના કાયદાઓનું પાલન કર્યું નથી. ટ્વિટરે આખરે જૂન 2022માં કાયદાનું પાલન કર્યું હતું.

તેમણે કહ્યું કે કોઈને જેલમાં મોકલવામાં આવ્યા નહોતા કે ટ્વિટર પણ બંધ થયું નહોતું.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “ટ્વિટરે એવું વર્તન કર્યું કે જાણે ભારતના કાયદા તેમની પર લાગુ પડતા જ નથી. ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તેને અધિકાર છે કે તે સુનિશ્ચિત કરે કે ભારતમાં કામ કરી રહેલી તમામ કંપનીઓ ભારતના કાયદાનું પાલન કરે.”

ખેડૂત આંદોલનના સમયને ટાંકીને રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, “જાન્યુઆરી 2021ના પ્રદર્શન દરમિયાન ઘણી બધી ભ્રામક માહિતી આવી રહી હતી અને એટલે સુધી કે નરસંહાર સુધીના અહેવાલો પણ આવી રહ્યા હતા, જે સાવ નકલી હતા. ભારત સરકાર આ પ્લૅટફૉર્મ પરથી આવી માહિતીઓ હઠાવવા માટે બંધાયેલી હતી, કારણ કે આવા નકલી અહેવાલો પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકતા હતા.”

રાજીવ ચંદ્રશેખરે ટ્વિટર પર અમેરિકામાં થયેલા ઘટનાક્રમને ટાંકીને ભેદભાવપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું, “જૅકના સમયે ટ્વિટરનું ભેદભાવપૂર્ણ વલણ એ સ્તરનું હતું કે તેમને ભારતમાંથી તો ભ્રામક માહિતી હઠાવવાથી મુશ્કેલી પડી રહી હતી, પરંતુ જ્યારે આવો જ ઘટનાક્રમ અમેરિકામાં થયો ત્યારે તેમણે પોતે જ એવું કર્યું હતું.”

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ભારતમાં ક્યાંય રેડ પાડવામાં આવી નહોતી અને ન તો કોઈને જેલમાં મોકલવામાં આવ્યા હતા. અમારો ઉદ્દેશ માત્ર ભારતીય કાયદાઓનું પાલન કરાવવાનો હતો.

ઍલન મસ્ક વિશે જૅક ડોર્સીએ શું કહ્યું?

આ ઇન્ટરવ્યૂમાં જૅક ડોર્સીએ ટ્વિટરના વર્તમાન માલિક ઍલન મસ્ક વિશે પણ વાત કરી છે. તેમણે ઍલન મસ્કનાં કેટલાંક પગલાંઓને ‘ખૂબ લાપરવા’ ગણાવ્યાં હતાં.

ડોર્સીએ કહ્યું કે તેમણે ઘણી વાર ટ્વિટર બોર્ડમાં સામેલ થવાનો આગ્રહ કર્યો હતો. ગયા વર્ષે મસ્ક બોર્ડમાં સામેલ થઈ ગયા અને ત્યારબાદ તેમણે ટ્વિટર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મસ્ક વિશે ડોર્સીએ કહ્યું કે, “ઍલન અમારા પ્રથમ યૂઝર અને ગ્રાહક પણ હતા. તેઓ અમારા પ્લૅટફૉર્મને ઉંડાણપૂર્વક સમજતા હતા. તેઓ ટેકનૉલૉજિસ્ટ છે અને ટેકનિકનું નિર્માણ કરે છે.”

જોકે મસ્ક ટ્વિટર ખરીદવાનો પ્રસ્તાવ મૂકીને પાછળ હટી ગયા હતા અને ટ્વિટરે મુકદ્દમો કરવો પડ્યો હતો. ત્યારબાદ મસ્કે ટ્વિટર ખરીદી લીધું હતું.

કન્ટેન્ટ હઠાવવાની માગ કરવામાં ભારત પ્રથમ

એપ્રિલમાં જાહેર કરાયેલા ટ્વિટરના ટ્રાન્સપરન્સ રિપોર્ટ અનુસાર, ભારત દેશ ટ્વિટર પરથી કન્ટેન્ટ હઠાવવાની માગણી કરવાના મામલામાં દુનિયામાં સૌથી આગળ છે.

ટ્વિટરના તાજેતરના રિપોર્ટ અનુસાર, 1લી જાન્યુઆરી 2022થી 30 જૂન 2022 વચ્ચે ટ્વિટરને દુનિયાભરની સરકારે કન્ટેન્ટ હઠાવવાની માગણી કરતા 53,000 કાનૂની નોટિસ મોકલી હતી.

ટ્વિટરને નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં 6,586,109 કન્ટેન્ટ સામગ્રીઓ પર કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું, જેમાંથી ટ્વિટરે 5,096,272 ઍકાઉન્ટ પર કાર્યવાહી કરી હતી, જ્યારે 1,618,855 ઍકાઉન્ટ ટ્વિટરના નિયમોના ઉલ્લંઘનના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ટ્વિટરના 85થી વધુ દેશોની સરકારે યૂઝર ડેટા મેળવવાની 16 હજારથી વધુ અરજી મોકલી હતી.

ટ્વિટર મુજબ આ માગણી કરનારા ટોચના દેશો ભારત, અમેરિકા, ફ્રાન્સ, જાપાન અને જર્મની છે.

સોશિયલ મીડિયા પર સવાલ

જૅક ડોર્સીના આ ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર પણ સવાલો ઊઠી રહ્યા છે.

યૂથ કૉંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ જૅકનો વીડિયો શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે, “મધર ઑફ ડૅમોક્રેસી- અનફિલ્ટર્ડ”

પત્રકાર રાણા અય્યૂબે જૅક ડોર્સીના આરોપોને ‘ઘાતક’ ગણાવ્યા છે.

સાથે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે જૅક ડોર્સીનું નિવેદન ટ્વિટર પર શૅર કર્યું અને લખ્યું હતું કે, “ભારત સરકારે ટ્વિટરને ખેડૂત આંદોલન અને સરકારના ટીકાકારોને બ્લૅકઆઉટ કરવા કહ્યું હતું.”

કૉંગ્રેસી નેતા અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલય સાથે જોડાયેલા ગૌરવ પાંધીએ એક ટ્વીટમાં કહ્યું કે, “આ એ વાતનો વધુ એક સ્પષ્ટ સંદેશ છે કે મોદી અને શાહ અભિવ્યક્તિની આઝાદીથી કેટલા ડરે છે.”

ખેડૂત આંદોલન અને ટ્વિટર

ભારતમાં ખેડૂતોએ મોદી સરકારના ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ કાયદા વિરુદ્ધ આંદોલન કર્યું હતું અને આખરે સરકારે આ કાયદા પાછા લેવા પડ્યા હતા.

એ દરમિયાન ખેડૂતો દિલ્હીને બહારનાં રાજ્યો સાથે જોડતી સીમાઓ પર બેઠા હતા.

ઑગસ્ટ 2020માં ખેડૂતોએ આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન શરૂ કર્યાં હતાં અને નવેમ્બર 2020માં દિલ્હીની સીમાઓ પર મોરચા માંડ્યા હતા.

ફેબ્રુઆરી 2021માં ટ્વિટર ભારત સરકારની માગણી પર ખેડૂત આંદોલન સાથે જોડાયેલાં ઘણાં મહત્ત્વનાં એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધાં હતાં.

એ સમયે એકાઉન્ટ બંધ કરી દેવા વિશે માહિતી આપતા ટ્વિટરે કહ્યું હતું કે, “કાયદાનું ઉલ્લંઘન કરવાને કારણે ભારતમાં તેમનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું.”

તેમાં ખેડૂત આંદોલનના સત્તાવાર એકાઉન્ટ સહિત ઘણા પ્રભાવશાળી એકાઉન્ટ સામેલ હતાં.

ભારત સરકાર અને ટ્વિટર

ખેડૂત આંદોલન દરમિયાન એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા ત્યારે ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે ખટરાગના અહેવાલો પણ આવ્યા હતા.

ભારતના તત્કાલીન કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેબ્રુઆરી 2021માં ટ્વિટર પર બેવડા માપદંડના પણ આરોપ લગાવ્યા હતા.

રાજ્યસભામાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, “કૅપિટલ હીલની ઘટના પછી ટ્વિટર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું સમર્થન કરે છે. આશ્ચર્ય થાય છે કે લાલ કિલ્લાની હિંસા પર તેમનું સ્ટૅન્ડ અલગ છે.”

જૂન 2021માં રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ પણ બે કલાક માટે બ્લૉક કરવામાં આવ્યું હતું.

આ અંગે પ્રસાદે સખત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “એવું લાગે છે કે ટ્વિટરની મનમાની અને એકતરફી હરકતોને લઈને મે જે નિવેદન આપ્યા છે, ખાસ કરીને મારા ઇન્ટરવ્યૂની ક્લિપ્સને ટીવી ચૅનલો સાથે શૅર કરવા અને તેની જોરદાર અસરથી તેમને તકલીફ થઈ છે.”

“હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ટ્વિટર કેમ ઇન્ટરમીડિયરી ગાઇડલાઇનનું પાલન કરવાનો ઇન્કાર કરી રહ્યું છે, કારણ કે જો ટ્વિટર તેનું પાલન કરશે તો તે એકતરફી રીતે કોઈ વ્યક્તિને તેનું એકાઉન્ટ એક્સેસ કરવાથી રોકી નહીં શકે. આ વાત તેમના એજન્ડાને માફક નથી આવતી.”

પ્રસાદે કહ્યું હતું કે, “ટ્વિટરની કાર્યવાહીથી એક સંકેત મળે છે કે તેઓ જે પ્રકારે દાવો કરે છે, તે રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતાના પક્ષમાં નથી. જોકે તેમને માત્ર તેમનો એજન્ડા ચલાવવામાં રસ છે. એ ધમકી સાથે કે જો તમે તેમની વાત ન માની તો તેઓ તેમનાં પ્લૅટફૉર્મ પરથી તમને હઠાવી દેશે.”

ગણતંત્ર દિવસે દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ‘ટ્રેક્ટર પરેડ’નું આયોજન કર્યું હતું, ત્યારે રાજધાનીના અલગ-અલગ ભાગોમાં હિંસા થઈ હતી.

જોકે સૌથી વધુ ચર્ચા લાલ કિલ્લા પર થયેલી હિંસાની થઈ રહી હતી, ત્યારબાદ સરકારે ટ્વિટરનાં લગભગ 1100 એકાઉન્ટ બ્લૉક કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સરકારનો દાવો હતો કે તેમાંથી મોટા ભાગનાં એકાઉન્ટ ખાલિસ્તાન સમર્થકોનાં છે કે પછી એવા લોકોનાં પણ છે જે કેટલાય મહિનાઓથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને દુષ્પ્રચાર કરી રહ્યા છે.

સરકારના નિર્દેશ બાદ ટ્વિટરે કેટલાંક એકાઉન્ટ બ્લૉક કરી દીધાં હતાં, પરંતુ ત્યાર પછી તેમણે ઘણાં એકાઉન્ટ ફરીથી શરૂ કરી દીધાં હતાં.

ત્યારે ટ્વિટરે નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમણે મીડિયા સાથે સંકળાયેલા લોકો, પત્રકાર, સામાજિક કાર્યકર્તાઓ અને રાજનેતાઓનાં એકાઉન્ટ પર કોઈ કાર્યવાહી કરી નથી.

એ સમયે ટ્વિટરે કહ્યું હતું કે, “અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વકીલાત કરતા રહીશું અને અમે ભારતીય કાયદા અનુસાર તેનો માર્ગ પણ શોધી રહ્યા છીએ.”

જ્યારે ભારતની ટ્વિટર ઑફિસ પર પહોંચી પોલીસ

દિલ્હી પોલીસની એક ટીમ 24 મે, 2021ની સાંજે “ટૂલકિટ મૅનિપ્યુલેશન મીડિયા” મામલાની તપાસ કરવા ભારતની ગુરુગ્રામમાં આવેલી ટ્વિટર ઑફિસે પહોંચી હતી.

આ દિવસે બપોરે જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ મામલામાં ભારતીય ટ્વિટરને એક નોટિસ મોકલી હતી.

ટૂલકિટ સાથે જોડાયેલો મામલો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાના આરોપો સાથે સંબંધિત હતો. સંબિત પાત્રાએ કૉંગ્રેસ પર ટૂલકિટ ઉપયોગ કરીને ભાજપ અને દેશની છબિ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

18મેના રોજ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા અને ભાજપના મહાસચિવ બીએલ સંતોષે ચાર-ચાર પાનાંના અલગ-અલગ બે ડૉક્યુમેન્ટના સ્ક્રીનશૉટ ટ્વીટ કર્યા હતા. તેમાંથી એક ડૉક્યુમેન્ટ કોવિડ-19ને લઈને હતો અને બીજો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને હતો.

આ ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કૉંગ્રેસની ટૂલકિટ છે અને કૉંગ્રેસે દેશમાં કોરોના મહામારીને લઈને મોદી સરકારને બદનામ કરવા માટે આ ટૂલકિટ તૈયાર કરી છે.

આ પહેલાં ખેડૂત આંદોલન દરમિયાન પણ કાર્યકર્તાઓ પર ટૂલકિટનો ઉપયોગ કરવા અને ટ્વીટ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવાના આરોપ લાગ્યા હતા.

અમેરિકન પૉપ સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું હતું. ત્યારે રિહાનાના ટ્વીટને પણ કથિત ટૂલકિટનો ભાગ ગણવામાં આવ્યો હતો.