You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પરફેક્ટ બૉડીનું વળગણ આરોગ્ય માટે કેટલું ખતરનાક છે? આ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની કહાણી પરથી મળશે જવાબ
- લેેખક, વિનિસિયસ લેમોસ
- પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝિલ
- બ્રાઝીલના 28 વર્ષીય ઇસાબેલા રુસોની પરફેક્ટ શરીર જાળવી રાખવા પાછળના સંઘર્ષની આ કહાણી છે
- તેઓ પોતાના શરીરને 'વિશાળકાળ' ગણાવે છે, તેઓ કહે છે કે તેમનાં ખભા બહું પહોળા છે અને તેના હાથ અને પગ ઘણા લાંબા છે
- બે વર્ષ પહેલા સુધી ઇસાબેલાને આ જ બધી બાબતે ચિડ હતી અને તેઓ પોતાના શરીરનો ઘાટ બદલવા માંગતાં હતાં
- તેમની ઇચ્છા હતી કે તેમનો શરીરનો દેખાવ 'પરફેક્ટ' હોય
- 2015માં તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેમની અલગ-અલગ ખાવાની આદતો, આહાર અને દૈનિક શારીરિક કસરત વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું
- જોતજોતામાં આ યુવતીથી લોકો પ્રભાવિત થવા લાગ્યા
- રુસોએ બહારથી ભલે લોકપ્રિયતા મેળવી પણ અંદરથી એક દુઃખી યુવતી હતાં
બ્રાઝીલના 28 વર્ષીય ઇસાબેલા રુસો પોતાના શરીરને 'વિશાળકાળ' ગણાવે છે. તેઓ કહે છે કે તેમનાં ખભા બહું પહોળા છે અને તેના હાથ અને પગ ઘણા લાંબા છે, પણ મને કોઈ વાંધો નથી.
જોકે લગભગ બે વર્ષ પહેલા સુધી ઇસાબેલાને આ જ બધી બાબતે ચીડ હતી અને તેઓ પોતાના શરીરનો ઘાટ બદલવા માંગતાં હતાં. તેમની ઇચ્છા હતી કે તેમનો શરીરનો દેખાવ 'પરફેક્ટ' હોય.
વર્ષ 2015માં તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેમની અલગ-અલગ ખાવાની આદતો, આહાર અને દૈનિક શારીરિક કસરત વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું.
જોતજોતામાં આ યુવતીથી લોકો પ્રભાવિત થવા લાગ્યા. તેમને સાંભળવા માંગતા હજારો લોકો તેમની સાથે જોડાયા.
રુસોએ બીબીસીને કહ્યું, "મને સ્વીકૃતિનો અનુભવ થવા લાગ્યો."
પરંતુ રુસોએ બહારથી ભલે લોકપ્રિયતા મેળવી પણ અંદરથી એક દુઃખી યુવતી હતાં.
તેઓ કહે છે, "મારા પર વજન ઘટાડવાનું સતત દબાણ રહેતું હતું અને એ સિવાયની સુંદરતાને હું જોઈ શકતી ન હતી."
આ ચિંતાની અસર તેમનાં પર પડી અને પછી તો આ કારણે તેઓ બીમાર પણ પડી ગયાં. તેઓ કહે છે, "હું જે કરી રહી હતી તે માત્ર વજન ઘટાડવું અને પાતળા દેખાવું એ કોઈ પણ રીતે સ્વસ્થ જીવન જીવનશૈલીમાં આવતું નહોતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભોજન ઉપર નિયંત્રણો
પોતાના વિશે વાત કરતાં રૂસો કહે છે કે તેઓ પોતાનાં નિતંબ અને પગના આકારને લઈને ઘણી અસુરક્ષા અનુભવતા હતાં.
તેઓ 18 વર્ષનાં થયાં ત્યારે અમેરિકા ગયા હતાં અને ત્યાં પહોંચ્યા બાદ તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેઓ એક જીમમાં જોડાયાં જ્યાં લોકો હંમેશા ડાયેટિંગ વિશે વાતો કરતાં હતાં.
તેમણે પણ ખોરાક ઘટાડવાનું નક્કી કર્યું. તેઓ કહે છે, "ક્યારેક મને એવું થતું કે વજન વધારે છે અને હું ખાવા પર કંટ્રોલ નથી કરી શકતી. તે પછી હું તણાવમાં આવી જતી હતી અને મારા માટે ખૂબ જ કડક ડાયટ પ્લાન તૈયાર કરતી હતી."
આખરે ખોરાક માટે આટલા સંઘર્ષો વચ્ચે વર્ષ 2015માં તેમણે પોતાની ઈચ્છા મુજબનો શરીરનો ઘાટ મેળવી લીધો. ત્યારબાદ તેમણે લોકો સાથે પોતાનો ડાયટ પ્લાન શેર કરવાનું શરૂ કર્યું.
તેમણે ઈન્સ્ટાગ્રામ પર લોકોને ટિપ્સ આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમનાં ફૉલોઅર્સ વધતા ગયા.
તેઓ કહે છે, "મને એવા લોકોને મળવાનું ગમતું હતું જેઓ મને પ્રેરણા તરીકે જોતાં હતાં. મને લાગ્યું કે આ પરફેક્ટ બૉડી મેળવવા માટે મેં જે કષ્ટો વેઠ્યા છે તેનું આ ફળ મળી રહ્યું છે."
તેઓ ઉમેરે છે, "હવે મને સમજાય છે કે જ્યારે લોકો તમને પ્રેરણારૂપ માને છે ત્યારે તે કેટલી મોટી જવાબદારી બની જાય છે. ઘણા લોકો પ્રેરણા બનવા માંગે છે પરંતુ તેઓ સ્લિમ બોડી મેળવવા પાછળના સમગ્ર સંઘર્ષ અને કહાણી સાથે બહાર આવતા નથી. તેઓ એવું પણ કહેતા નથી કે પરફેક્ટ બૉડી મેળવવામાં વ્યક્તિએ ઘણા માનસિક દબાણમાંથી પણ પસાર થવું પડે છે."
ફૉલોઅર્સને ગુમાવવાનો ડર
રુસોને પણ એવું લાગ્યું કે તેઓ પોતાની જીવનશૈલી વિશે લોકોને ખુલ્લેઆમ કહી શકતાં નથી.
તેમણે કબૂલ્યું, "ઘણીવાર હું મારી સમસ્યાઓ વિશે વાત કરવા માંગુ છું અને હું જે કડક આહાર નિયમોનું પાલન કરું છું તેને તોડવા માંગુ છું, પરંતુ તેમ કરતા મને ફૉલોઅર્સને ગુમાવવાનો ડર છે."
તેમનો તણાવ અને મજબૂરીવશ ભોજન પરના નિયંત્રણની ટેવ ધીમે ધીમે બગડી ગઈ હતી.
રૂસો જણાવે છે કે બે વર્ષથી વધુ સમય થઈ ગયો હતો પરંતુ પીરિયડ્સ નહોતાં આવ્યાં પરંતુ તેમણે ડૉક્ટરને પણ આ વાત કહી ન હતી.
વર્ષ 2019માં તેમનો અકસ્માત થયો હતો. એક કારે તેમનાં સ્કૂટરને ટક્કર મારી દીધી. આ એ સમય હતો જ્યારે તેમને પોતાના શરીરને સમજવાનો મોકો મળ્યો.
આ અકસ્માતમાં તેમનાં ઘૂંટણનાં ત્રણ લિગામેન્ટ ઘવાયાં હતાં અને આમ પહેલી વખતે તેમણે તેમનાં શરીરને સો ટકા સમજ્યું.
તેમને ટેકા વિના ચાલવામાં મહિનાઓ લાગી ગયાં, પરંતુ પહેલીવાર તેઓ કસરત કર્યાં વિનાં ફિટ અનુભવતાં હતાં. આ સમય દરમિયાન તેમણે કોઈ કડક ડાયટ પ્લાન પણ ફૉલો કર્યો નહોતો.
તેઓ કહે છે, "મને હંમેશાં એવો વિચાર આવતો હતો કે હું સ્વસ્થ છું પણ મેં ક્યારેય એ દિશામાં જોયું નહોતું. મારી પાસે જે હતું તેનાથી હું કંઈક અલગ ઇચ્છતી હતી. પરંતુ હવે હું જે જોઈ રહી હતી તે જોઈને હું મારી જાતને જગાવી શકી હતી."
નુકશાનકારક આહાર
રુસોની સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉક્ટરે તેમને કહ્યું કે તેમનાં હાડકાની ઘનતા તેમની ઉંમરનાં પ્રમાણમાં ઘણી ઓછી છે.
"તેમણે મને કહ્યું કે મારે મારા હાડકાંને મજબૂત કરવાં જોઈએ. મેં ખૂબ જ કડક ડાયટ રાખ્યું હતું અને સાથે જ હું ઘણી વધારે કસરત કરતી હતી અને તેના કારણે મારા શરીરને નુકસાન થઈ રહ્યું હતું."
તેઓ હવે પહેલાની જેમ કસરત નથી કરી શકતાં પરંતુ તે હળવી શારીરિક પ્રવૃત્તિ કરીને ખુશ છે.
તેઓ કહે છે, "હવે હું માત્ર મારી જાતની અને મારા શરીરની વધુ સારી રીતે અનુભૂતિ પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને કંઈપણ અતિ કર્યા વગર. હવે હું જે ઈચ્છું છું તે ખાઉં છું અને જ્યારે મને એવું લાગે કે પેટ ભરાઈ ગયું છે ત્યારે બંધ કરું છું. મને આરોગ્યપ્રદ ખોરાક ગમે છે પણ મને મીઠાઈ ખાવાનું ઘણું મન થાય છે. હવે હું મારી જાતને રોકતી નથી કારણ કે ખોરાક સાથે સારો સંબંધ હોવો જરૂરી છે."
'મારે લોકોને મદદ કરવી છે'
જૂની પોસ્ટની સામે હવે તેમનાં ઈન્સ્ટાગ્રામ પર એવી પોસ્ટ આવી રહી છે જે લોકોને પોતાની જાતને જેમ છે તેમ સ્વીકારવાનો સંદેશ આપે છે અને કહે છે કે પર્ફેક્શનની પાછળ દોડશો નહીં.
જ્યારે રુસોએ આવી પોસ્ટ નાખવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતના સમયગાળામાં તેમના ફૉલોઅર્સ ભલે ઘટી ગયા હોય, પરંતુ આજે પણ તેમના 78 હજાર ફૉલોઅર્સ છે.
રુસો માને છે કે તેઓ હવે પોતાની જાતને અને તેમનાં શરીરને વધુ સારી રીતે સમજે છે.
તેઓ હજુ પણ પોતાના શરીરનું સંપૂર્ણ ધ્યાન રાખે છે પરંતુ હવે ફરક માત્ર એટલો જ છે કે તેઓ તેમનાં દેખાવને લઈને ઝનૂની નથી.