You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્વિટરે અચાનક પૈસાથી બ્લુ ટીક આપવાનું કેમ બંધ કરી દીધું?
ટ્વિટરે શુક્રવારે બ્લુ ટીક માટે આઠ ડૉલરનું સબસ્ક્રિપ્શન બંધ કરી દીધું છે. આમ ઍલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા પછી પ્રથમ વખત કંપનીએ મોટા બદલાવનો નિર્ણય પાછો ખેંચ્યો છે.
ઍલન મસ્કે બ્લુ ટીક માટે નવો પેમેન્ટ નિયમ શરૂ કર્યો હતો પરંતુ હાલ તેને અટકાવવામાં આવ્યો છે.
બ્લુ ટીક સબ્સ્ક્રિપ્શનના અમલીકરણથી ઘણી મોટી બ્રાન્ડ્સનાં નકલી એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યાં હતાં અને તેમને બ્લુ ટીક પણ મળી ગઈ હતી. આ કારણે તે કંપનીનાં અસલી એકાઉન્ટ જેવાં લાગતાં હતાં.
આવા જ એક મામલામાં એલી લિલી નામની કંપનીનું નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું જેમાં ટ્વીટ કરવામાં આવ્યું હતું કે 'ઇન્સ્યુલિન ફ્રી'.
ટ્વિટરે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ કંપની એલી લિલીએ ટ્વીટ કર્યું, "અમે તે લોકો માટે માફી માગીએ છીએ, જેમને નકલી લિલી એકાઉન્ટથી આ ખોટો મૅસેજ મળ્યો છે."
ચિંતાઓ વધી ગઈ
આ ઘટનાથી એ ચિંતા વધી ગઈ છે કે ટ્વિટર પરથી ખોટી માહિતી ફેલાવવાના કેસ વધી શકે છે. આ ઘટના બાદ શુક્રવારે કંપનીના શેરમાં 4 ટકા સુધીનો ઘટાડો થયો હતો.
યુએસસ્થિત પીઆર સ્ટ્રૅટેજિસ્ટ મૅક્સ બર્ન્સે જણાવ્યું હતું કે તેમણે અસલી એરલાઇન્સનાં બ્લુ ટીકવાળાં નકલી એકાઉન્ટ્સ જોયાં છે, જે ગ્રાહકોનો સંપર્ક કરે છે.
તેમણે કહ્યું, "જો કોઈ વ્યક્તિ અસલી પ્રવાસની ટિકિટની માહિતી લઈને તેની ફ્લાઇટ રદ્દ કરી દે અથવા તેમના ક્રેડિટ કાર્ડની માહિતી લઈને એનાથી ખર્ચો કરી નાખે તો? એક મોટી ઘટના જ કાફી થઈ પડશે, એ સાથે જ ગ્રાહકો સાથે વાતચીત કરવા માટે ટ્વિટરનો ઉપયોગ કરતી બધી એરલાઇન્સ તેને છોડી દેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍલન મસ્કે ગયા મહિને ટ્વિટરને 44 બિલિયન ડૉલરમાં ખરીદ્યું હતું. ત્યારથી તેમણે ટ્વિટરમાં ઘણા ફેરફારો કર્યા છે.
લગભગ 3,700 લોકોને ટ્વિટરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, જે કંપનીના અડધા કર્મચારીઓ જેટલા હતા.
કર્મચારીઓને અગાઉ તેમના ઈમેલમાં ચેતવણી આપવામાં આવી હતી, "આગળનો માર્ગ મુશ્કેલ છે અને સફળતા માટે સખત મહેનતની જરૂર પડશે. આ મહત્ત્વની સબ્સ્ક્રિપ્શન આવક વિના ટ્વિટરને આર્થિક મંદીમાંથી બચાવી રાખવું મુશ્કેલ બનશે."
ડિજિટલ એડવર્ટાઇઝિંગ માર્કેટમાં ઘટાડાને કારણે કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કંપનીની દિશાને લઈને ચિંતા વચ્ચે મોટી બ્રાન્ડ અને માર્કેટિંગ કંપનીઓએ તેના પર ખર્ચ કરવાનું બંધ કરી દીધું છે.
ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન સર્વિસમાં યૂઝર્સને દર મહિને 7.99 ડૉલર ચૂકવવાનું કહેવામાં આવી રહ્યું છે. અગાઉ બ્લુ ટીક માટે પૈસા લેવામાં આવતા ન હતા.
ટ્વિટરના આ પગલાથી ફૅક એકાઉન્ટની ચિંતા વધી ગઈ છે. ટ્વિટર પહેલું સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ છે જેણે આવા મોટા ફેરફારો કર્યા છે.
માર્કેટિંગ કંપની એમએમએ ગ્લોબલના અધ્યક્ષ લૂ પસકાલીએ ટ્વિટર પર લખ્યું છે કે ઍલન મસ્કને નવા ચીફ એક્ઝિક્યુટિવ રાખવાની અને કંપનીની બાબતોથી દૂર રહેવાની જરૂર છે.
તેમણે લખ્યું, "એ સ્પષ્ટ છે કે ટ્વિટર ચલાવવા માટે સક્ષમ હોવું તમારી અન્ય ઘણી પ્રતિભાઓમાં સામેલ નથી."
ઍલન મસ્કે એમ પણ કહ્યું છે કે ટ્વિટર પર કોઈ સ્પષ્ટતા વિના બનાવેલા પૅરોડી એકાઉન્ટ્સ ચેતવણી આપ્યા વિના કાયમ માટે બંધ કરી દેવામાં આવશે.
નિનટેંડો અને બીપી જેવી ઘણી ફૅક બ્રાન્ડના એકાઉન્ટને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
સુરક્ષા કર્મચારીઓની નોકરી ગઈ
ટ્વિટરમાં ગોપનીયતા અને અનુપાલનની જવાબદારી સંભાળતા ઘણા કર્મચારીઓએ તેમની નોકરી છોડવી પડી હતી. આને ધ્યાનમાં રાખીને અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને ગુરુવારે કહ્યું હતું કે તે ભારે ચિંતા સાથે ટ્વિટર પર નજર રાખી રહ્યું છે.
કંપનીના ટ્રસ્ટ ઍન્ડ સેફ્ટી ચીફ યોલ રોથે રાજીનામું આપવાના એક દિવસ પહેલાં જાહેરાતકર્તાઓ માટે ઍલન મસ્કની કંટેન્ટ મૉડરેટશન નીતિનો બચાવ કર્યો હતો.
આ પછી યોલ રોથે ગુરુવારે ટ્વિટર પર તેમના બાયોમાં 'ટ્વીટર પર ટ્રસ્ટ ઍન્ડ સેફ્ટીના ભૂતપૂર્વ વડા' લખ્યું હતું.
ઍલન મસ્કે ટ્વિટર સંભાળ્યા પછી યોલ રોથ ટ્વિટરના સામગ્રી મધ્યસ્થતાનો જાહેર ચહેરો બની ગયા હતા.
હાનિકારક ખોટી માહિતી અને અપ્રિય ભાષણ સામે લડવા માટે ટ્વિટરના પ્રયત્નોનો બચાવ કરવા માટે યોલ રોથે મસ્કની પ્રશંસા પણ કરી હતી.
ટેકનોલૉજી એડિટર જો ક્લાઇનમેનનું વિશ્લેષણ
મેં સાંભળ્યું છે કે ટ્વિટર તેની વર્તમાન સ્થિતિમાં વિમાન જેવું છે જે અડધે રસ્તે પાયલટ વિના ઊડી રહ્યું છે.
ટ્રસ્ટ અને સેફ્ટીના વડા, મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી અને બંને મુખ્ય ગોપનીયતા અને અનુપાલન અધિકારીઓની અચાનક વિદાય એ નાટકીય પરિવર્તન છે.
એ સ્પષ્ટ નથી કે તેમના સ્થાને બીજું કોઈ કેટલા સમયમાં આવશે. કંપનીમાં અસ્થિરતા જળવાઈ રહે છે અને નોકરીમાં મોટા પાયે કાપ પહેલેથી જ કરવામાં આવ્યો છે.
સુરક્ષાના દૃષ્ટિકોણથી તમામ મોટાં પ્લૅટફૉર્મની જેમ ટ્વિટર પણ વિશ્વભરના હૅકરોના લક્ષ્ય પર રહે છે. આનો અર્થ એ થયો કે ટ્વિટર આના પરથી દૃષ્ટિ હટાવી શકતું નથી અને તેણે એ પણ ખાતરી કરવી પડશે કે તેની સિસ્ટમ્સ મજબૂત રહે અને ખતરાઓ પર નજર રહે.
યૂઝર્સની ગોપનીયતાના દૃષ્ટિકોણથી એ કેટલું મહત્ત્વનું છે તે જણાવવું જરૂરી છે. આ દરમિયાન અમેરિકન એજન્સીઓ આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.
ઍલન મસ્ક કહે છે કે ઍંગેજમૅન્ટ અને યૂઝર્સની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. જોકે, આ સાબિત કરવા માટે અમારી પાસે ફક્ત તેમણે કહેલી વાત જ છે.
હું જોઈ રહી છું કે ટ્વિટરના ઘણા બ્લુ ટીક સબ્સ્ક્રાઇબર્સ નવી 'બ્લુ ટીક' મળવાથી બહુ ખુશ છે. તેનાથી કંપનીને નવી આવક પણ મળી રહી છે.
પરંતુ આનાથી ટ્વિટરનો માથાનો દુખાવો વધી ગયો છે, કારણ કે હવે કોઈ પણને આ બ્લુ ટીક મળી શકે છે, જ્યારે અત્યાર સુધી આ ચિહ્નનો ઉપયોગ અસલી એકાઉન્ટની અધિકૃતતા તરીકે કરવામાં આવતો હતો.
ઍલન મસ્કે એમ પણ કહ્યું છે કે કંપનીની નાદારીના પ્રશ્નને નકારી શકાય તેમ નથી.
તેમણે કહ્યું હતું, "ટ્વિટર અત્યારે આ દિશામાં જઈ રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ તે સમયસર પોતાના પર બ્રેક લગાવી શકશે કે કેમ તે કહેવું બહુ વહેલું છે."
ફેસબુકના શરૂઆતના દિવસોમાં માર્ક ઝકરબર્ગનો ઉદ્દેશ્ય ઝડપથી આગળ વધવાનો અને અવરોધોને તોડવાનો હતો. ઍલન મસ્ક તેને એક ચરણ ઉપર લઈ ગયા હોય તેવું લાગે છે.