ઍલન મસ્ક દુનિયાના બીજા સૌથી ધનિક માણસ કેવી રીતે બન્યા?

ગત અઠવાડિયાના સૌથી મોટા સમાચારોમાં એક હતા- ઍલન મસ્કની ટૅસ્લા કંપની પાંચ લાખ કરોડ ડૉલરની થઈ અને એ સાથે જ ઍલન મસ્ક દુનિયાના બીજા સૌથી ધનિક બની ગયા.

આ અગાઉ બીજા સ્થાને બિલ ગેટ્સ હતા.

ટેકનૉલૉજીના વિશ્વના સમાચારોથી સંબંધિત બીબીસી 'ટેક ટેન્ટ પૉડકાસ્ટ'નો સવાલ છે કે ઇલેક્ટ્રોનિક કાર બનાવતી આ કંપનીમાં રોકાણકારોને હવે એવું શું દેખાઈ રહ્યું છે જે એક વર્ષ પહેલાં નહોતું દેખાઈ રહ્યું?

કેમ કે વર્ષ 2020ની શરૂઆતમાં સ્ટૉક માર્કેટે ટૅસ્લાની કિંમત 80 અબજ ડૉલર આંકી હતી અને ત્યારે કહેવાતું હતું કે આ કિંમત એવા બિઝનેસ માટે વધુ છે, જે કોઈ ખાસ લાભકારક નથી.

આખું વર્ષ આ કંપનીના શૅર વધતા રહ્યા અને પછી કંપની પાંચ લાખ ડૉલરની કિંમત પાર કરી ગઈ.

નફાના રસ્તે...

સમાચાર હતા કે S&P 500 ઇન્ડેક્સ તેને અગ્રણી કંપનીઓમાં સામેલ કરશે.

ટૅસ્લાની કિંમત હવે ટોયોટા, ફૉક્સવેગન, હ્યુન્ડાઈ, જીએમ અને ફોર્ડની કુલ કિંમતથી પણ વધુ થઈ ગઈ છે.

ટેક ટેન્ટે હિસાબ માંડ્યો તો ખબર પડી કે આ કંપનીઓએ ગત વર્ષે કુલ મળીને 50 અબજ ડૉલરનો નફો રળ્યો હતો.

તેમાંથી કેટલીક હવે કોરોના વાઇરસ મહામારીને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહી છે.

તો આ વર્ષે ટૅસ્લા એક અબજ ડૉલર નફાના રસ્તે છે.

જો કંપનીના આ મૂલ્યાંકનને જોવામાં આવે તો શું તેનો મતલબ એ થાય કે રોકાણકારોને નજીકના ભવિષ્યમાં 50 ગણો ફાયદો થવાની શક્યતા છે?

ઑટો ઇન્ડસ્ટ્રી

પૅશન કૅપિટલના ઍલિન બરબિજનું કહેવું છે કે "તેનો મતલબ માત્ર એ છે કે જે લોકો આ કિંમત પર સ્ટૉક ખરીદી રહ્યા છે, તેમને લાગે છે કે તેઓ તેને વધુ કિંમતે વેચી શકશે."

બરબિજનું કામ નવી કંપનીઓનું મૂલ્યાંકન કરવાનું છે, જે હાલ ટૅસ્લાથી પણ વધુ શરૂઆતના સ્ટેજમાં છે.

વિશ્લેષકો અનુસાર, મોટા ભાગે આ પ્રક્રિયા અતાર્કિક પણ હોય છે, કેમ કે આ મૂલ્યાકંન બજારના મૂડ પર નિર્ભર કરે છે, ના કે માત્ર કંપનીઓની ગુણવત્તા પર.

ટૅસ્લાના પ્રશંસક કહે છે કે કંપનીએ ઑટો ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપી છે. પણ આ વાત 2020ના શરૂઆતમાં પણ સાચી હતી, જ્યારે કંપની 'માત્ર' 80 અબજ ડૉલરની હતી.

બરબિજનું કહેવું છે, "બિઝનેસની પાયાની એવી કોઈ વાત નહોતી કે જેના આધારે વર્ષની શરૂઆતમાં કહી શકાય કે પાંચ-છ ગણો ફાયદો થશે."

શૅરબજાર

જોકે વિશ્લેષકો ભાર આપે છે કે રોકાણકારો થોડા સમય માટે જુગાર ખેલી રહ્યા છે.

બરબિજ કહે છે, "મને લાગે છે કે બજાર પ્રાથમિક રીતે તાર્કિક જ છે. મારા મતે સમયની વાત છે. ખરીદદારોને લાગે છે કે તેઓ પોતાના શૅર વધુ કિંમત પર વેચી શકશે. અને તેમના આ વિચારનું કારણ પણ છે."

વિશ્લેષકો અનુસાર થોડા સમય માટે સ્ટૉક ખરીદવા કે વેચવા પર વધુ તર્ક લગાવવાની જરૂર નથી.

એ કહાણી તમે જાણતા હશો કે ફ્લિપ સ્ટ્રીટ સ્કૉકના એક રિપોર્ટરને તેમના એડિટરે પૂછ્યું કે બજાર કેમ વધી રહ્યું છે. તો રિપોર્ટરનો જવાબ હતો, "વેચનારા કરતાં ખરીદનારા વધુ છે."

જ્યારે બજાર ઘટતું ત્યારે રિપોર્ટર ઠીક તેનો ઊલટો જવાબ આપતો હતો.

ઇલેક્ટ્રિક કાર કંપની ટૅસ્લા

જેમ બરગંડીની 1945ની બૉટલ કે પિકાસોનું પૅન્ટિંગ. જેમ લંડન કે સાન ફ્રાન્સિસ્કોમાં નાનો એવો ફ્લેટ.

ટૅસ્લાનું મૂલ્યાંકન એવું જ છે જેવી રીતે ખરીદદાર કિંમતથી વધુ પ્રોડક્ટને મહત્ત્વ આપે છે, પછી ભલે કિંમત ગમે તેટલી અતાર્કિક હોય.

જોકે આ વિષયના જાણકારે ઘણા મહિના પહેલાં કહ્યું હતું કે ઇલેક્ટ્રિક કાર કંપની ટૅસ્લાનું મૂલ્ય વધુ કર્યું છે.

એક મહિના પહેલાં તેઓએ ટ્વીટ કર્યું હતું, "ટૅસ્લાના શૅરની કિંમત બહુ વધારે છે."

આ સાહેબ કોણ હતા? આ સાહેબ ખુદ ઍલન મસ્ક હતા અને આ ટ્વીટ બાદ કંપનીનું મૂલ્યાંકન 14 અબજ ડૉલર ઘટી ગયું હતું.

ત્યારબાદ શૅરની કિંમત ચાર ગણી વધી ગઈ, પણ કોને ખબર છે કે ભવિષ્યમાં શું થવાનું છે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો