કેમ લાખો ફૉલોઅર ધરાવતા યુઝર ટ્વિટર છોડી અન્ય પ્લૅટફૉર્મ પર જઈ રહ્યા છે?

    • લેેખક, ઝો ક્લેમૅન
    • પદ, ટૅક્નોલોજી ઍડિટર

આજે 18 નવેમ્બરે ટ્વિટર પર લાખો લોકો 'અલવિદા' કહી રહ્યા હતા.

#RIPTwitter સવારથી ટ્રેન્ડ કરી રહ્યો હતો અને વેબસાઇટના લાખો લોકો પોતાનો ડેટા ડાઉનલોડ કરવા મથી રહ્યા હતા.

લોકો ટ્વિટર બાદ અન્ય પ્લૅટફૉર્મ પર જઈ રહ્યા હોવાની જાહેરાત કરતા પણ જોવા મળ્યા. ટ્વિટર પર બે મિલિયન ફૉલોઅર્સ ધરાવતા ઉપભોક્તા ચૅમ્પિયન માર્ટિન લુઇસે જાહેરાત કરી કે તેઓ અન્ય એક પ્લૅટફોર્મ પર જઈ રહ્યા છે.

ટ્વિટરના નવા વડા એલન મસ્ક આ ટ્રેન્ડમાં પણ પાછળ ન રહ્યા અને એક મીમ પોસ્ટ કર્યું હતું.

એલન મસ્કે ટ્વિટર ખરીદ્યાના એક અઠવાડિયા બાદ અડધા કર્મચારીઓને બરતરફ કર્યા હતા. બાદમાં એલન મસ્કે બાકીના કર્મચારીઓને લાંબા સમય સુધી કામ કરવા અંગે ઇમેઇલ કર્યો હતો. જેના કારણે ઘણા કર્મચારીઓ કંપની છોડવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

કંપની છોડનારાઓમાં ઇજનેરો, ડેવલપરો અને કોડરોનો સમાવેશ થાય છે. આ એ લોકો છે જે ટેકનિકલી ટ્વિટરને ચલાવવાનું કામ કરે છે.

આપણે બે એવાં પરિબળો વિશે જાણીશું જે ટ્વિટરને સરળતાથી નીચે પાડી શકે છે.

શું તેને હૅક કરી શકાય?

પ્રથમ અને સ્પષ્ટપણે સૌથી પહેલાં ધ્યાને આવતું પરિબળ છે 'હૅકર્સના હુમલા.'

ટ્વિટર તમામ મોટી વેબસાઇટોની જેમ સાઇબર હુમલાનો ભોગ બની શકે છે. એ પણ એવા લોકો દ્વારા જે કંઈ સાબિત કરવા નહીં પરંતુ માત્ર મોજમસ્તી માટે હૅકિંગ કરતા હોય છે.

આપણે અગાઉ જોયું તેમ એક હૅકર માટે લાખો કરોડો ફૉલોઅર્સ ધરાવતાં ઍકાઉન્ટ્સ એક સરળ નિશાન હોય છે.

આ સિવાય હૅકર્સ સતત હુમલા કરીને તેને કાયમ માટે બંધ કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. આ સતત ચાલતું આવે છે પણ કંપનીઓ દ્વારા તેને રોકવા માટે પૈસા અને કર્મચારીઓ રાખે છે.

સાઇબર સિક્યૉરિટી એ કોઈ પણ 21મી સદીની કંપનીની રોજની કામગીરીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ગયા અઠવાડિયે જ ટ્વિટરના સાઇબર સુરક્ષા પ્રમુખ લી કિસ્નર કંપની છોડીને ચાલ્યા ગયા. એ વાતની કોઈ જાણકારી નથી કે તેમના સ્થાને કોઈ આવ્યું કે નહીં. (ટ્વિટરની કોઈ કૉમ્યુનિકેશન ટીમ ન હોવાથી આ માહિતી મેળવવાનો કોઈ સરળ રસ્તો નથી.)

ટ્વિટરની સુરક્ષા મજબૂત હોવાની સંભાવના છે. તમે દર મહિને 300 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી સાઇટને સાઇબર સુરક્ષા વગર ચલાવી શકાય નહીં. આ સુરક્ષા સમયાંતરે અપડેટ કરવાની પણ જરૂર હોય છે.

સર્વર ખતરામાં છે

અન્ય એક પરિબળ છે સર્વરનું ખોટકાઈ જવું. આ કોઈ સાઇબર હુમલા દ્વારા પણ થઈ શકે છે અથવા તો મેન્ટેનન્સની કામગીરી દરમિયાન થયેલી ચૂકના કારણે પણ.

સર્વર વગર કોઈ પણ સોશિયલ મીડિયા વેબસાઇટ કે ઍપ્લિકેશન કામ કરી શકે નહીં. એક રીતે સમગ્ર ડિજિટલ વિશ્વ એ સર્વરના ભરોસે હોય છે.

આ સર્વરો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ માટે શરીર સમાન છે. ઑનલાઇન વ્યવસાયોના સંચાલન માટે પણ સર્વર મુખ્ય જરૂરિયાત છે.

આ સર્વર ઘણી ગરમી ઉત્પન્ન કરે છે જેથી સર્વર ધરાવતા ઓરડાને ઠંડા રાખવા જરૂરી છે. આ સિવાય તેમને સતત વિજળીનો પુરવઠો મળતો રહે અને તેમની અંદરનો ડેટા સચવાઈને રહે તે માટે પણ સતત મેન્ટનન્સની જરૂર પડતી રહે છે.

આ બધી જ બાબતોના કારણે સર્વર ક્રેશ થવાની સંભાવના છે અને જો એમ થાય તો તે નાટકીય હશે.

પરમાણુ વિકલ્પ

એલન મસ્ક નિશ્વિતપણે આ બધું જાણે છે. માની લઈએ કે તેઓ આ બાબતોથી અજાણ છે અને આ મામલે અજાણ જ રહેવા માગે છે.

આપણને નથી ખ્યાલ કે હાલમાં કોણ નજર રાખી રહ્યું છે.

પણ કાલે મારી સાથે એવું કંઈક બન્યું કે હું વિચારવા માટે મજબૂર થઈ ગઈ કે ટ્વિટર પર આપણે ધારીએ છીએ તેના કરતાં વધારે લોકો નજર રાખે છે.

મેં ટ્વિટર પર એક ખગોળશાસ્ત્રીની કહાણી રજૂ કરી હતી. જેમનું ઍકાઉન્ટ ટેકનિકલ ભૂલના કારણે બંધ થઈ ગયું હતું. ટ્વિટર કે એલન મસ્કની અન્ય કોઈ કંપની તરફથી મારો કે એ ખગોળશાસ્ત્રીનો સંપર્ક કરાયો ન હતો પરંતુ તે જ દિવસે તેમનું ઍકાઉન્ટ પાછું ચાલુ થઈ ગયું હતું.

તેનો અર્થ એક જ થાય છે કે ટ્વિટરમાં કોઈક તો છે જે ધ્યાન આપી રહ્યું છે. કદાચ ત્યાં ધ્યાન આપનારા લોકો પૂરતા પ્રમાણમાં છે.