વિક્રમ-એસ: અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની એવી શરૂઆત જ્યાં સેટેલાઇટ મોકલવા ટૅક્સી બુક કરવા જેટલું સરળ થઈ જશે

    • લેેખક, વેંકટ કિશન પ્રસાદ
    • પદ, બીબીસી તેલુગુ, નવી દિલ્હી

ભારતનું પ્રથમ ખાનગી રૉકેટ વિક્રમ-એસ 18 નવેમ્બરે લૉન્ચ થયું.

હૈદરાબાદની એક ખાનગી સ્ટાર્ટઅપ કંપની સ્કાયરૂટે આ રૉકેટ બનાવ્યું છે, જેને શ્રીહરિકોટામાં ઇસરોના લૉન્ચિંગ સેન્ટર સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લૉન્ચ કરવામાં આવ્યું.

આ સાથે જ ભારતના સ્પેસ ટેકનૉલૉજી સૅક્ટરમાં ખાનગી રૉકેટ કંપનીઓના પ્રવેશની શરૂઆત થઈ જશે.

ભારત હવે એવા કેટલાંક દેશોમાં સામેલ થશે, જ્યાં ખાનગી કંપનીઓ પણ તેમના મોટાં રૉકેટોથી સેટેલાઇટ લૉન્ચ કરે છે.

તેને એક મોટી ઉપલબ્ધિ તરીકે દર્શાવવામાં આવી રહી છે.

શું છે વિક્રમ-એસ?

ઇસરોના સંસ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈની યાદમાં વિક્રમ-એસ નામ આપવામાં આવ્યું છે.

વિક્રમ સિરીઝમાં ત્રણ પ્રકારનાં રૉકેટ લૉન્ચ કરવામાં આવશે, જેને નાના કદના સેટેલાઇટ્સ લઈ જવા માટે વિકસાવવામાં આવ્યું છે.

વિક્રમ-1 આ સિરીઝનું પ્રથમ રૉકેટ છે. કહેવાય છે કે, વિક્રમ-2 અને 3 પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં ભારે વજન પહોંચાડી શકે છે.

વિક્રમ-એસ 3 સેટેલાઇટને પૃથ્વીની નીચલી કક્ષામાં પહોંચાડી શકે છે.

આ ત્રણમાંથી એક વિદેશી કંપનીનો અને બાકીના બે ભારતીય કંપનીના ઉપગ્રહો છે.

સ્કાયરૂટ પહેલાંથી જ જાહેર કરી ચૂક્યું છે કે, મે 2022માં રૉકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેના આ મિશનનું નામ કંપનીએ ‘પ્રારંભ’ રાખ્યું છે.

સ્કાયરૂટના નિવેદન મુજબ, વિક્રમ-એસનું લૉન્ચિંગ 12થી 16 નવેમ્બર વચ્ચે થવાનું હતું, પરંતુ હવામાન ખરાબ હોવાના કારણે તેને 18 નવેમ્બરે લૉન્ચ કરવામાં આવ્યું હતું.

‘સેટેલાઇટ મોકલવું ટેક્સી બુક કરવા જેટલું સરળ’

અબજોપતિ એલન મસ્કની સ્પેસઍક્સ કંપની તાજેતરમાં અમેરિકામાં રૉકેટ લૉન્ચિંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સમાચારમાં ચમકી છે.

એવું લાગી રહ્યું છે કે, ભારતમાં પણ આ ટ્રેન્ડ પહોંચી ગયો છે.

ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક પવનકુમાર ચંદન અને નાગા ભારત ડાકાએ 2018માં એક સ્ટાર્ટઅપના રૂપમાં સ્કાયરૂટ ઍરોસ્પેસની સ્થાપના કરી હતી.

સીઈઓ પવનકુમાર ચંદને જણાવ્યું હતું કે, “આ મિશન માટે ઇસરો તરફથી ઘણી ટેકનિકલ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. તેઓ કહે છે કે, ઇસરોએ તેના માટે ઘણી ઓછી ફી વસૂલી છે.”

સ્કાયરૂટ પ્રથમ સ્ટાર્ટઅપ કંપની છે, જેણે ઇસરો સાથે પ્રથમ રૉકેટ લૉન્ચિંગ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

આ ઉપરાંત ચેન્નઈની અગ્નિકુલ કૉસ્મોસ અને સ્પેસકિડઝ અને કોઇમ્બતૂર સ્થિત બેલા ટ્રિક્સ ઍરોસ્પેસ જેવી ઘણી કંપનીઓ છે, જે નાના સેટેલાઇટ મોકલવાની તકો શોધી રહી છે.

સ્કાયરૂટને વિશ્વાસ છે કે, તેઓ અત્યાધુનિક ટેકનિકની મદદથી મોટી સંખ્યામાં અને ઓછા ખર્ચાળ રૉકેટ બનાવી શકશે. આગામી એક દાયકામાં કંપનીએ 20 હજાર નાના સેટેલાઇટ છોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

કંપનીની વેબસાઇટ પર લખવામાં આવ્યું છે કે, “અંતરિક્ષમાં સેટેલાઇટ મોકલવું હવે ટેક્સી બુક કરાવવા જેટલું ઝડપી, સટીક અને સસ્તું થઈ જશે.”

એ પણ કહેવામાં આવ્યું છે કે, “રૉકેટ્સને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, તેને 24 કલાકની અંદર એસેમ્બલ કરીને કોઈ પણ લૉન્ચિંગ સેન્ટરથી છોડવામાં આવી શકે છે.”

ભારતીય અંતરિક્ષ સૅક્ટરમાં ખાનગી કંપનીઓ

વર્ષ 2020થી ભારતીય અંતરિક્ષ સૅક્ટરમાં સાર્વજનિક અને ખાનગી કંપનીઓની ભાગીદારી શરૂ થઈ હતી.

જૂન 2020માં મોદી સરકારે આ વિસ્તારમાં ફેરફારોની શરૂઆત કરી હતી, ત્યારબાદ ખાનગી કંપનીઓ માટેનો માર્ગ ખુલી ગયો હતો. તેના માટે ‘ઇન-સ્પેસ ઈ’ નામની એક નવી સંસ્થા બનાવવામાં આવી, જે ઇસરો અને સ્પેસ કંપનીઓ વચ્ચે સેતુ તરીકેનું કામ કરે છે.

અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, 2040 સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ ઉદ્યોગનું કદ એક ટ્રિલિયન ડૉલર સુધીનું થઈ જશે.

ભારત આ આકર્ષક બજારમાં જગ્યા બનાવવા માટે ઉત્સુક છે. આ ઉદ્યોગમાં ભારતની ભાગીદારી લગભગ 2 ટકા છે.

ભારતના સ્પેસ પ્રોગ્રામનો પ્રવાસ

આ વિસ્તારમાં ભારતનો પ્રવાસ 1960ના દાયકામાં શરૂ થયો હતો. ત્યારે ડૉ. વિક્રમ સારાભાઈના નેતૃત્વમાં ‘ઇન્ડિયન નેશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ’ની સ્થાપના કરવામાં આવી છે.

ભારતનું પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટને તત્કાલીન સોવિયત રશિયાના આસ્ત્રાખાન ઓબ્લાસ્ટથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. ભારતીય સ્પેસ સૅક્ટરના ઇતિહાસમાં તેને સીમાચિન્હરૂપ માનવામાં આવે છે.

21 નવેમ્બર 1963માં ભારતની જમીન પરથી પ્રથમ રૉકેટ સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેને તિરુવનંતપુરમ પાસેના થુમ્બાથી છોડવામાં આવ્યું હતું.

આ રૉકેટનું વજન 715 કિલોગ્રામ હતું, જે 30 કિલોગ્રામ વજનના સેટેલાઇટને 207 કિલોમીટર દૂર લઈ જઈ શકતું હતું.

શું છે સબ-ઑર્ટિબલ રૉકેટ?

વિક્રમ-એસ રૉકેટ એક સિંગલ સ્ટેજ ‘સબ-ઑર્બિટલ લૉન્ચ વ્હીકલ’ છે, જે ત્રણ અલગ-અલગ કંપનીઓના સેટેલાઇટ લઈ જઈ શકે છે.

સ્કાયરૂટ ઍરોસ્પેસના સીઓઓ નાગા ભારત ડાકાએ એક નિવેદનમાં કહ્યું છે કે, “તે વિક્રમ સિરીઝના રૉકેટના ટેસ્ટમાં મદદ કરશે અને તેમની ટેકનિકને માન્ય કરવામાં મદદ કરશે.”

ઇસરોના એક પૂર્વ વરિષ્ઠ વૈજ્ઞાનિકે નામ ન જાહેર કરવાની શરતે સબ-ઑર્બિટલ રૉકેટ અંગે જણાવ્યું હતું કે, “જેવી રીતે પથ્થર ફેંકવામાં આવે છે, તે રીતે સબઑર્બિટલ રૉકેટ અંતરિક્ષમાં જાય છે અને પછી જમીન પર પડી જાય છે, જમીન પર પડવામાં તેને 10થી 30 મિનિટ લાગે છે.”

“આ રૉકેટ્સને સાઉન્ડીંગ રૉકેટ પણ કહેવામાં આવે છે. અહીં અવાજનો અર્થ થાય છે સ્કેલ.”

હકીકતમાં ઑર્બિટલ અને સબઑર્બિટલ રૉકેટ વચ્ચે ઘણું ઓછું અંતર છે. એક ઑર્બિટલ રૉકેટને 28 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાસલ કરવાની હોય છે, નહીં તો તે જમીન પર પડી જશે.

આ સ્પીડને હાંસલ કરવા માટે રૉકેટને ટેકનિકલ ધોરણો પર ઘણું ઍડવાન્સ બનવું પડશે, એજ કારણથી આ ઘણું ખર્ચાળ કામ છે.

પરંતુ સબ-ઑર્બિટલ રૉકેટના મામલામાં એવું નથી.

તેને આટલી સ્પીડ હાંસલ કરવાની જરૂર હોતી નથી. તેને પોતાની સ્પીડ મુજબ એક નિશ્ચિત ઊંચાઈ સુધી જવાનું હોય છે અને પછી જ્યારે એન્જિન બંધ થઈ જાય ત્યારે તે જમીન પર પડી જાય છે. ઉદાહરણ માટે 6 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તેના માટે પુરતી છે.