જી20 સમિટ જ્યાં યોજાઈ છે એ ‘ભારત મંડપમ્’ શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ભારતના પાટનગર દિલ્હી ખાતે શનિવારથી જી20 શિખરસંમેલનની શરૂઆત થઈ ચૂકી છે.

આ બે દિવસીય સંમેલનમાં ભાગ લેવા અમેરિકા, બ્રિટન સહિત સંખ્યાબંધ દેશો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વડા ભારત આવી પહોંચ્યા છે.

સમારોહસ્થળથી આવી રહેલી તસવીરો પરથી આયોજન અને આયોજનસ્થળની ‘ભવ્યતા’નો ખ્યાલ આવી જાય છે.

આ જી20 શિખર સંમેલન નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે જુલાઈ માસમાં ખુલ્લા મુકાયેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર (આઈઈસીસી) કૉમ્પ્લેક્સ કે જેને ‘ભારત મંડપમ્’નું નામ અપાયું છે ત્યાં આયોજિત કરાયું છે.

જી20ના આયોજનની તૈયારી દરમિયાન આ ઇમારતની તસવીરો અને તેની લાક્ષણિકતાઓ જનમાનસ પર કેટલીક હદે છાપ છોડવામાં સફળ રહી હોવાની વાતમાં અતિશયોક્તિ જણાતી નથી.

સમારોહસ્થળે આવેલા મહાનુભાવો અને રાષ્ટ્રાધ્યક્ષોની તસવીરોના બૅકગ્રાઉન્ડમાં સમારોહસ્થળની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. જેમાં ભારતનાં સાંસ્કૃતિક વારસાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

જી20ના શિખરસંમેલનના આયોજનને કારણે સમાચારોમાં છવાઈ ગયેલ ‘ભારત મંડપમ્’ આખરે શું છે? તે કેવી રીતે તૈયાર થયું? અને તેની ખાસિયતો શું શું છે?

ગ્રે લાઇન

123 એકરનો કૅમ્પસ વિસ્તાર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગત 26 જુલાઈના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે ‘ભારત મંડપમ્’નું ઉદ્ઘાટન કરાયું હતું.

આ પ્રસંગે પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ જાહેર કરેલી એક પ્રેસ રિલીઝ અનુસાર પ્રગતિ મેદાનની જીર્ણ અને અસંગત બની ગયેલી સુવિધાઓના પુનરુદ્ધાર માટે આ પ્રોજેકટ હાથ પર લેવાયો હતો. આને કારણે સમગ્ર પ્રોજેક્ટને એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવાયો હતો.

123 એકરના કૅમ્પસ વિસ્તારની સાથે આઈઈસીસી કૉમ્પ્લેક્સને ભારતનું મિટિંગ, ઇન્સેન્ટિવ, કૉન્ફરન્સ અને ઍક્ઝિબિશન માટેના સૌથી મોટા સ્થળ તરીકે વિકસાવાયો છે.

જો સમારોહો માટે ઢંકાયેલી જગ્યાની સરખામણીની વાત આવે તો આ કૉમ્પ્લેક્સનો સમાવેશ ‘વિશ્વના કેટલાંક ટોચના ઍક્ઝિબિશન અને કન્વેન્શન માટેનાં કૉમ્પ્લેક્સોમાં થાય છે.’

રિલીઝમાં આપેલી માહિતી અનુસાર આઈઈસીસી કૉમ્પ્લેક્સમાં કન્વેન્શન સેન્ટર, ઍક્ઝિબિશન હૉલ અને ઍમ્ફિથિયેટર જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.

પ્રગતિ મેદાન કૉમ્પ્લેક્સના મધ્ય ભાગ તરીકે કન્વેન્શન સેન્ટરનો વિકાસ કરાયો છે.

ગ્રે લાઇન

ભારતીય સંસ્કૃતિ અને કળાનાં તત્ત્વોની છાપ

જી20

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

‘ભારત મંડપમ્’ તરીકે ઓળખાતા આ કન્વેન્શન સેન્ટર બિલ્ડિંગની ડિઝાઇન ‘ભારતીય પરંપરાઓથી પ્રેરિત છે.’ તેમજ આ ડિઝાઇનમાં ‘ભારતના પોતાના ભૂતકાળમાં વિશ્વાસ અને આધુનિક જગતની સુવિધાઓના સ્વીકારની ઝલક મળે છે.’

બિલ્ડિંગનો આકાર ‘શંખથી પ્રેરિત’ છે.

આ સિવાય ક્વેન્શન સેન્ટરની દીવાલો પર ‘ભારતીય પરંપરાગત કળાનાં અને સાંસ્કૃતિક તત્ત્વો જોવા મળે છે.’

આ તત્ત્વોમાં ભારતની સૌરઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવાના પ્રયત્નોને પ્રતિબિંબિત કરતું ‘સૂર્યશક્તિ’નું તત્ત્વ, અવકાશક્ષેત્રે ભારતની સિદ્ધિઓના યશગાનસમું ‘ઝીરો ટુ ઇસરો’, બ્રહ્માંડનાં મૂળમાં રહેલાં પાંચ પાયાનાં તત્ત્વો જેમ કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની રજૂઆત વગેરે સામેલ છે.

આ સિવાય કન્વેન્શન સેન્ટરમાં ભારતનાં જુદાં જુદાં ક્ષેત્રોની ચિત્રકળા અને આદિવાસી કળાના નમૂના ગોઠવાયેલા જોવા મળે છે.

જી20ના આયોજનના ગણતરીના દિવસો અગાઉ જ ભારતીય સંસ્કૃતિને રજૂ કરતી વધુ એક કલાકૃતિ સ્થાપિત કરાઈ હતી.

સેન્ટરની બહાર ‘નટરાજની વિશાળ અષ્ટધાતુની મૂર્તિ’ સમારોહની ‘ભવ્યતામાં ઉમેરો કર્યો’ હોવાનું કહેવામાં કોઈ અતિશયોક્તિ જણાતી નથી.

ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) પર માહિતી આપતાં લખ્યું હતું :

“ભારત મંડપમ્ ખાતે અષ્ટધાતુ વડે બનેલ નટરાજની મૂર્તિ સ્થાપિત કરાઈ છે.”

“27 ફૂટ ઊંચી અને 18 ટન વજનવાળી આ મૂર્તિ અષ્ટધાતુની બનેલી સૌથી ઊંચી મૂર્તિ છે. જેનું શિલ્પકામ તામિલનાડુના સ્વામી મલાઈના જાણીતા શિલ્પકાર રાધાકૃષ્ણન સ્થપતિ અને તેમની ટીમે સાત મહિનાના રેકૉર્ડ સમયમાં કરી બતાવ્યું છે.”

આ પોસ્ટમાં લખાયું હતું કે, “રાધાકૃષ્ણનની 34 પેઢીઓ ચોલ વંશના સમયથી મૂર્તિકામ કરતી આવી છે.”

“બ્રહ્માંડની ઊર્જા, સંર્જનાત્મકતા અને શક્તિનું એક મહત્ત્વપૂર્ણ પ્રતીક એવી આ નટરાજની મૂર્તિ જી20 સમિટનું આકર્ષણ બનવા જઈ રહી છે.”

બીબીસી ગુજરાતી

રૂ. 2,700 કરોડના ખર્ચે તૈયાર કરાયું કન્વેન્શન સેન્ટર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ એક વિશાળ ઇમારત છે. જેને ખાસ મોટા પાયે આયોજિત થતાં ઇન્ટરનૅશનલ ઍક્ઝિબિશન, વેપારમેળા, કન્વેન્શન, કૉન્ફરન્સ અને અન્ય સમારોહો માટે તૈયાર કરાઈ છે.

તેમાં અનેક રૂમો, લાઉન્જ, ઑડિટોરિયમ, એમ્ફિથિયેટર અને બિઝનેસ સેન્ટર વગેરે સામેલ છે. આ તમામ સુવિધાઓ આ નવા સેન્ટરને અનેક પ્રકારના કાર્યક્રમો માટે ‘આદર્શ’ બનાવે છે.

આ સેન્ટરનો વિશાળ મલ્ટિ-પર્પઝ હૉલ અને પ્લેનરી હૉલ ભેગા મળીને કુલ સાત હજારની બેઠકક્ષમતા ધરાવે છે. જે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા પ્રખ્યાત ઑપેરા હાઉસની બેઠકક્ષમતા કરતાં પણ વધુ છે.

આ સિવાય કન્વેન્શન સેન્ટરમાં આવેલા ઍમ્ફિથિયેટરમાં વધારાની ત્રણ હજારની બેઠક ક્ષમતા છે.

આ ઇમારતના ઉદ્ઘાટનસમારોહમાં પોતાના સ્વાગતસંબોધનમાં કેન્દ્ર સરકારના ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે આ ઇમારતનાં વખાણ કરતાં કહ્યું હતું કે, “ભારત મંડપમ્ નો ખ્યાલ ભગવાન બશ્વેશ્વરાના અનુભવ મંડપમ્ ના વિચારથી પ્રેરિત છે. જે જાહેર સમારોહ માટેનું પેવેલિયન હતું.”

“આ કૉમ્પ્લેક્સ બધા માટે ઉપલબ્ધ હશે, તેમાં દેશને એક આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો હેતુ પાર પાડવાની તમામ સુવિધાઓ હશે.”

અહીં નોંધનીય છે કે ‘ભગવાન બશ્વેશ્વરા’ કે ‘બસવાન્ના’એ 12મી સદીના જાણીતા ફિલસૂફ, કવિ અને સમાજસુધારક હતા.

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર તેઓને લિંગાયત ધર્મના સ્થાપક માનવામાં આવે છે.

તેઓ સામાજિક સમાનતા, માનવાધિકારો, વર્ણવ્યવસ્થાને જાકારો આપવા જેવા તેમના ઉપદેશોને કારણે જાણીતા છે.

સમાજસુધારક બશ્વેશ્વરા દ્વારા 12મી સદીમાં ‘અનુભવ મંડપમ્’ કે ‘અનુભવ મંટપા’ જેવું ક્રાંતિકારી ફોરમની સ્થાપના કરાઈ હતી.

અહેવાલ અનુસાર તેમણે ‘અનુભવ મંટપા’ થકી સામાજિક અસમાનતા અને ભેદભાવો જેવી બદીઓનો ધરમૂળથી ઉખેડી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

ઘણી વાર ‘અનુભવ મંટપા’ને વિશ્વની ‘સૌપ્રથમ સંસદ’ તરીકે પણ ઓળખાવાય છે.

કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે સંખ્યામાં ‘બસવાન્ના’ અને તેમના ઉપદેશોના અનુયાયી જોવા મળે છે.

રેડ લાઇન
રેડ લાઇન